પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2
વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?