ચિત્તા બળી રહી હતી. ઉપર ઉઠતી જ્વાળાઓને હું સમસમીને જોઈ રહ્યો હતો. મને ડર હતો કે મા ત્યાંથી ઉઠીને હજીયે મારી પાસે આવી શકે છે; અને મારો હાથ પકડીને ચૂપચાપ ઘર તરફ ચાલવા માંડે તેમ છે. ઘરે પહોંચીને તેને જે આઘાત લાગે તેમ હતો તેની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ ડરને કારણે જ મને રડવું પણ આવતું નહોતું. હું ચૂપચાપ આગની જ્વાળાઓમાંથી ઉપર ઉઠતી ચિનગારીઓને અંધારામાં ડૂબતી જોઈ રહ્યો હતો.
અચાનક એક ફટાકડો ફૂટવા જેવો અવાજ આવ્યો. સળગતા લાક્ડાઓમાં થોડી હલચલ થઈ. હું સમજી ગયો કે કપાલક્રિયા થઈ ગઈ છે. હવે મા ત્યાંથી ઊઠીને અહીં નહીં આવી શકે. મને એક ક્રૂર તસલ્લીનો અહેસાસ થયો. વિડંબના પણ હતી જ કે હું દુઃખી થવાને બદલે આશ્વસ્ત થઈ રહ્યો હતો. મને વધુ સંતોષ તો એ વાતનો હતો કે અંતિમ સમયે માએ મારી જે જૂઠી વાતને સાચી માની લીધી હતી તે હવે સાચી જ બનીને રહી ગઈ. તે સમયે જો હું જૂઠું ન બોલ્યો હોત તો તેમનો આત્મા દુઃખી થઈ જાત. મારા જૂઠને કારણે તેમના અંતિમ શ્વાસ સુગમ બની રહ્યાં.
પરંતુ શું ખરેખર માએ એ સમયે મારી સાથ વાત કરી હતી? હું કઈ રીતે માની લઉં કે નહોતી કરી! મારી વાત સાંભળીને તેમણે એક લાંબો શ્વાસ લીધો હતો; જેમાં સાંત્વનાનો ભાવ હતો. પરંતુ નર્સે આની પહેલાં જ મને શા માટે કહી દીધું હતું કે તેના ધબકારાઓ બંધ પડી ગયા છે? તે વેળાએ તે ભાગતી ડોક્ટરને બોલાવવા જઈ રહી હતી. અને એની વાત સાંભળ્યા પછી જ્યારે હુ ગભરાઈને રૂમમાં દાખલ થયો તો મા મને જોઈને જ ઉઠીને ને બેઠી થઈ ગઈ હતી. આ મારો ભ્રમ હતો કે સત્ય?
હું જ્યારે પણ મા વિશે કંઈપણ વિચારું છું તો ઉદાસ થઈ જાઊં છું. બહુ બદનસીબ હતી, મા!
તે એક એવા માણસની ‘મિસ્ટ્રેસ’ હતી જે મારો બાપ હતો. પરંતુ તેને મેં ક્યારેય મારો બાપ માન્યો જ ન હતો. તે ઈચ્છતો હતો કે હું તેને પિતા કહું. પરંતુ મારા મુખમાંથી ક્યારેય પણ આ શબ્દ નીકળ્યો જ નહીં. કારણકે હું જાણતો હતો કે તેની એક વાસ્તવિક પત્ની છે; બાળકો છે; એક વાસ્તવિક ઘર છે. અહીંયા તો તે માત્ર થોડાંક કલાકો ગાળવા જ આવે છે. તેણે તો મારી માને આ ઘર પણ ક્યારેય આપ્યું જ નહીં જે દરેક સ્ત્રીનો અધિકાર હોય છે; સપનું હોય છે. આવું ઘર કોઈપણ સ્ત્રી માટેનું એક કવચ રૂપ બની રહેતું હોય છે. તે એક એવા માણસના મકાનમાં રહેતી હતી, જે મકાન તેના માટે ક્યારેય ઘર બની શક્યું નહોતું. મને મા ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો કે તેને એવી તે વળી શું જરૂર હતી કે આવા માણસને તેણે આખી જિંદગી દઈ દીધી, જે તેને એક ઘર પણ ન અપાવી શક્યો. આ મકાન તો તેણે માને પોતાના આરામ માટે આપ્યું હતું. મા જ્યારે પણ આ મકાન પોતાના નામે કરી દેવાનું કહેતી હતી ત્યારે કોઈને કોઈ બહાનું કરીને તે વાતને ટાળી દેતો હતો. આમ માની વાત નકારતાં – ટાળતાં વીસ-બાવીસ વર્ષ વીતી ચૂક્યાં હતા. અને એક દિવસ અચાનક કોઈ ખત – લખાણ કર્યા વિનાં જ તેનું મૃત્યું થઈ ગયું. કેટલાંય વર્ષૉથી તેને હદયરોગની તકલીફ હતી. બિમારીની અવસ્થામાં પણ તે નિયમપૂર્વક માની પાસે આવતો રહેતો હતો. માની પાસે બેઠાં બેઠાં જ તેના દિલની ધડકનો બંધ થઈ ગઈ હતી. મને તો એ જોઈને આશ્ચર્ય પણ થતું હતું કે પિતાના મૃત્યુના દુઃખની સાથે સાથે માને એ વાતનો ગર્વ પણ હતો કે તેમનું પોતાની પાસે બેસીને જ થયું! માનું કહેવું હતું કે પિતાના સગાં ઘરવાળાઓને ફોન કરીને ખબર કરવા જણાવ્યું પરંતુ મેં માની એ વાત ન માની. આખરે માએ ખુદ જ ફોન કર્યાં. મારા પિતાની સગ્ગી પત્ની અને સગ્ગો પુત્ર તેમનું શબ લઈ ગયા. મને કોઈ વિશેષ દુઃખ નહોતું. હું ચૂપચાપ અલગ – અડગ ઉભો રહ્યો. પરંતુ મારી મા એ વખતે ખૂબ જ રડી. પોતાના વાળ ખેંચતી, છાતી કૂટતી તે ચીસાચીસ કરતી ખૂબ રડી. પરંતુ શબ લઈ જનારાઓએ તેની તરફ જોયું પણ નહીં. તેઓ એવું બતાવવા માગતા હતા કે માનું ‘હોવું ન હોવું’ હવે તેઓના માટે કોઈ અર્થ ધરાવતું નથી. અને મા પોતાના ‘હોવા’ને પ્રમાણિત કરવા માગતી હતી. મા જેટલું જોરજોરથી રડી; તેઓ તેટલી જ જલદીથી શબને ત્યાંથી લઈ ગયા. મારા માનવા પ્રમાણે માના આ પ્રકારના રડવા પાછળ તેનામાં રહેલી અસુરક્ષાની ભાવનાનો ડર પણ હતો. તેને ડર હતો કે હવે તેની પાસેથી આ મકાન છીનવી લેવામાં આવશે.
મા માટે તો આ એક મકાન હતું પણ મારે માટે તો આ એક ઘર જ હતું. મારો જન્મ અહીં જ થયો હતો, મારી મા પણ અહીં જ રહેતી હતી; અને એ મને એટલો જ પ્રેમ કરતી હતી જે રીતે સંસારની તમામ માતાઓ પોતાના બાળકોને પ્રેમ કરે છે. મારો બાપ પણ મને પ્રેમ કરતો હતો પરંતુ એ પ્રેમ માત્ર એવો જ હતો જાણે કે જુગારમાં જીતની વેળાએ જુગારીના હાથમાં કોઈ ફાલતુ માલ પણ આવી જાય; જેને તે ઉઠાવી તો લે પરંતુ તેની પરવા ન કરે! ક્યારેક જો તેનો પ્રેમભર્યો હાથ મારા તરફ લંબાતો હતો મને એક વિતૃષ્ણાની લાગણી થતી હતી. તેઓ મારી બધી જરૂરિયાતો પૂરી કરતા હતા પરંતુ હું તેને ક્યારેય મારી જરૂરિયાત દર્શાવતો જ નહોતો. મને હંમેશા એવી પ્રતિતીકર લાગણી થતી હતી કે તેની પાસેથી કંઈપણ માંગવાનો મને કોઈ અધિકાર જ નથી. મને પૂરો વિશ્વાસ હતો કે મારા મનની આ વાત તે જાણતો હતો. તેમણે મને ક્યારેય કોઈ વાત પર ગુસ્સો કર્યો નહોતો કે ઠપકાર્યો પણ ન હતો. તેની પાસે જવામાં પણ એક દૂરતા બની રહેતી. તેના મૃત્યુ બાદ પણ મને તો કોઈ ફર્ક પડ્યો નહીં પરંતુ મા માટે તો તેના અસ્તિત્વનો પ્રશ્ન હતો. માએ નિશ્ચય કરી લીધો હતો કે તે મરી જશે પણ કદી આ મકાન છોડશે નહીં. મારા પિતાના સગાઓએ ન જાણે શું વિચારીને પણ આ બાબતમાં ક્યારેય હાથ નાંખ્યો નહોતો. કદાચ તેઓને પોતાની બદનામીનો ડર હતો; જેના કારણે અમે માતા પુત્ર બચી ગયા હતા. અડધું મકાન અમે ભાડે આપી દીધું હતું. આમ ભાડામાંથી જે પૈસા આવે તેમાંથી ઘરનો ખર્ચો ચાલતો અને મારું ભણતર પણ!
હવે માને એક અજીબ આદત પડી ગઈ હતી. તે પોતાની જ સાથે લગાતાર વાતો કરવા લાગી. મારી સાથે પણ તે એ જ રીતે જ વાતો કરતી હતી જાણે કે હું તેમની સામે છું જ નહીં. તે બડબડ બડબડ કરતી જ રહેતી હતી. વાતવાતમાં ગુસ્સે થઈ જતી અને ઝઘડાઓ પણ કરી બેસતી હતી. નીચે જે ભાડૂત પરિવાર રહેતો હતો તેની સાથે પણ તે ઉપરથી જ ટકટક કર્યાં કરતી. ભાડુ આપવામાં થોડો વિલંબ થાય તો પણ અને કોઇ સાફ -સફાઈનું ધ્યાન ન રાખે તો તેની પાછળ પણ પડી જતી હતી. ગાળો ભાંડવા માંડતી. તે કોઈને ગમતી નહોતી. બધાં જ તેની નિંદા કરતા હતા; તે હું જાણતો હતો.
માને એ ડર હંમેશા સતાવતો રહેતો હતો કે ક્યારેક આ મકાન તેના હાથમાંથી ચાલ્યું ન જાય! તે એક તનાવમાં રહેતી હતી અને આ તનાવમાં તેનું પેટ બગડવા લાગ્યું. ઘણાં ઈલાજો કરાવ્યાં પણ કોઈ ફર્ક પડ્યો નહીં ડૉક્ટર અંદરની વાત જાણતાં નહોત છતાં તેઓ કહેવા લાગતાં, “વધુ પડતાં વિચારો ન કરો” મા ખીજાઈને કહેતી, “હું તો કાંઈ વિચારતી નથી.” ન જાણે તેણે કઈ રીતે તમ્બાકુવાળો પાન-મસાલો ખાવાનું શરૂ કરી દીધું હતું. પેટ ઔર પણ ખરાબ રહેવા લાગ્યું.
તે મોટે ભાગે બારીએ બેસીને બહારની ગલીમાં જોતી રહેતી હતી; અને પાન-મસાલા ચાવતી રહેતી હતી. તે દરેક આવવા – જવાવાળા તરફ ઘૂરકીને જોતી રહેતી કે તે અહીં તો આવી રહ્યાં નથી ને? જો કોઈ માર્ગ પર ચાલતું મકાન તરફ જોઈ લેતું તો તે ખૂબ સતર્ક બની જતી હતી. તેને લાગતું કે આવા માણસની નજરા મકાન પર રહેલી છે. એક વખત કોઈ રાહગીર અહીંતહીં દેખતો સામેથી પસાર થઈ ગયો. મુસીબતનો માર્યો ફરી પાછો આવી પહોંચ્યો. મા ભાગીને તેની પાસે જઈ પહોંચી અને તેની પાછળ પડી ગઈ. “તું કોણ છે? અહીં શું કામ જોઈ રહ્યો છે? આગળ ચાલ્યા ગયા બાદ પાછો કેમ ફરીથી અહીં આવ્યો? તને કોણે મોકલ્યો છે? તારું નામ – સરનામું શું છે?” તે બિચારો ગભારાઈને રોવા જેવો થઈ ગયો. કેટલાંક રસ્તે ચાલતા લોકો એકત્રિત થવા લાગ્યા. મેં જલ્દીથી ત્યાં જઈને પેલા ગરીબ માણસનો ભારે મુશ્કેલીથી છૂટકારો કરાવ્યો! અને પછી હું માને ઘરની અંદર લઈ આવ્યો.
કેટલાંક દિવસો પછી તે સાધુ-સંતો અને ફકીરોના ચક્કરમાં પડી ગઈ. કોઈ ઘરમાં આવીને સત્યનારાયણની કથા કરી જાતું હતું તો કોઈક વળી મારી જન્મપત્રિકા જોતું! કેટલાંય પંડિતોએ ગ્રહ-દશા શાંત કરવાના ઉપાયો કર્યાં પરંતુ આ બધું થવા છતાં માના મનને શાંતિ ન થઈ.
મારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી સુષમા નામની એક છોકરી એક દિવસ મારું કોઈ પુસ્તક લેવા મારા ગહ્રે આવી અને ખાસ્સાં મોડા સમય સુધી મારી સાથે વાતો કરતી રહી. તે જ્યાં સુધી મારી સાથે બેઠી હતી ત્યાં સુધીમાં તો મા કેટલાંય બહાનાઓ કાઢતી અમારી આસપાસ ચક્કરો લગાવતી રહી. ક્યારેક પાણી લાવતી હતી; ક્યારેક ચા તો ક્યારેક રૂમમાં આવીને પૂછી જતી હતી કે “શું જોઈએ છે?” તે વખતે તો આ બધાંની ઉપર મેં કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું પરંતુ પછીથી જ્યારે સુષ્મા ગઈ ત્યારે મને અજીબ લાગણી થઈ આવી. પરંતુ હજી હું કંઈ પૂછું તે પહેલાં જ માએ મને પૂછી લીધું, “આ છોકરી તને મળવા શું કામ આવી હતી?” મેં જવાબ આપ્યો; ‘તેને એક પુસ્તક જોઈતું હતું. મા થોડીવાર ચૂપ રહી અને પછી બોલી, ‘તું કોલેજમાં જ તેને પુસ્તક આપી શક્યો હોત!”
હું આશ્વર્યથી માની સામે નિહાળવા લાગ્યો. મારી સમજણમાં ન આવ્યું કે મા આમ શું કામ કરી રહી છે? મને ગુસ્સો પણ આવવા માંડ્યો. મા મારી તરફ સરકી અને બોલી; ‘જો બેટા, હું ઈચ્છતી નથી કે તું છોકરીઓની સાથે દોસ્તી કરે, અને તેઓને અહીં બોલાવે! જો તને તે છોકરી પસંદ હોય તો તેની સાથે લગ્ન કરી લે. હળવા મળવાનું યોગ્ય નથી.
માનાં અંતરની વાત સમજવામાં મને થોડી વરા લાગી. પરંતુ જ્યારે વાત સમજમાં આવી તો નિરાશ થઈને બેસી રહ્યો.
એકવાર એક પ્રોપર્ટી ડીલરે માની પાસે આવીને કહ્યું; ‘શું તમે આ મકાન વેચવા માગો છો?’ પહેલાં તો માને આ સવાલ પૂછનારા પર ગુસ્સો આવ્યો, પછી શું ખબર કે શું સુઝી આવ્યું; તો તે પૂછી બેઠી, ‘કેટલી કિંમત ચવી દઈ શકો છો તમે?’તે માણસે અંદર-બહારથી મકાનનું નિરિક્ષણ કર્યું અને પછી તેબોલ્યો, “હું આના દસ લાખ આપી શકું તેમ છું.”
મા અવાક બની ગઈ. પરંતુ તેણે પોતાની ઉત્સુકતાને તુરંત છુપાવી દીધી. અને પછી પેલા માણસને ત્રણ દિવસ બાદ આવવા કહ્યું. પછીથી માએ મને જ્યારે આ વાત કરી ત્યારે હું હેરાન-પરેશાન થઈ ગયો. કિંમત એટલી વધી ચૂકી હતી કે અમને તો ખબર જ ન રહી! મારૂ મન પણ ઉત્સાહથી ભરાઈ ગયું. પરંતુ અચાનક મને ખ્યાલ આવ્યો કે આ મકાન તો માના નામ ઉપર તો છે જે નહીં, તો પછી આ મકાન કઈ રીતે વેંચી શકીએ? મેં આ વાત માને જણાવી દેવાનું ઈચ્છયું પરંતુ તે ને જણાવી શક્યો; કારણકે તેના ચહેરા પર એક અલગ રૌનક છવાઈ ચૂકી હતી; આંખો પણ ચમકી રહી હતી. મેં પહેલી વાર તેને આટલી ખુશ જોઈ હતી. હું તેની ખુશી છીનવી લેવા માગતો નહોતો. મેં વિચાર્યુ કે જ્યારે લેવડ-દેવડની વાત આવશે ત્યારે હું માને સમજાવીશ. ત્રણ દિવસ બાદ પેલો ગ્રાહક આવ્યો નહીં એટલે મા ગભારાઈ ગઈ. હું તેમની નિરાશા અને ઉત્સાહહીનતા સહન નકરી શક્યો. હું પોતે જાતે પછીથી એક પ્રોપર્ટી ડિલરને બોલાવી લાવ્યો. મકાનને સારી રીતે નિરખી – પારખી તેણે કહ્યું; આની કિંમત દસ લાખથી વધુ છે. તમે ધીરજ રાખો. હું ગ્રાહક લઈને આવીશ. આ વાત સાંભળીને મા ફરી પાછી ખુશખુશાલ થઈ ગઈ.
આ પછી તો દર મહિને બે-ચાર ગ્રાહક આવવા લાગ્યા. કોઈ દસ લાખ બોલતું હતું, કોઈ સાડાદસ, કોઈ અગિયાર. છ માસમાં તો કિંમત ચૌદ લાખ સુધી પહોંચી ગઈ.
જેમ જેમ કિંમત વધતી જતી હતી તેમ તેમ માના મુખની રોનક વધતી જઈ રહી હતી. હું સમજી ગયો કે મકાનની કિંમત વધતાં માને તો એમ જ લાગતું હતું કે પોતાની કિંમત વધી ગઈ છે. આ કિંમતની ક્યારેય આંકણી કરવામાં આવી નહોતી. તેના માટે કિંમતની પ્રાપ્તિ એટલી જરૂરી નહોતી જેટલી તેની મૂલ્ય-આંકણી! કોઈ એજન્ટ જ્યારે ગ્રાહક લાવી લાવીને થાકી જતો ત્યારે ત્યારે મા કોઈ બીજા એજન્ટને બોલાવી લાવતી હતી. હવે તો માને એ બતાવવાનું પણ જરૂરી નહોતું કે મકાન વેંચવાનો અધિકાર તેની પાસે નથી.
જો કે આ ખુશી પણ માના ભાગ્યમાં ઝાઝા દિવસ ટકી નહીં. એક દિવસે સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે નીચે રહેવાવાળા ભાડૂતો માને હોસ્પિટલમાં લઈ ગયા છે; કારણકે તે અચાનક બેહોશ થઈ ગઈ હતી. હું હોસ્પિટલ તરફ દોડ્યો.
ડોક્ટરોએ દર્શાવ્યું કે તેને હદયરોગનો હુમલો આવ્યો છે. મને જોતાં જ તે રડી પડી. મારા માટે આ આઘાતને સહન કરવાનું મુશ્કેલ હતું. હું માના ઓશિકા આગળ જ બેઠો રહેતો અને તેનો બડબડાટ સાંભળતો રહેતો હતો.”ખબર નથી આ મહિને ભાવ વધ્યા છે કે ઘટ્યાં છે; એજન્ટ પણ બેઈમાન જ છે. અંદરોઅંદર જ જુગાર ખેલી નાંખતા હોય છે. બેટા, તું હજી નાનો છે; ભોળો છે; આ ભાડૂત પણ ચાલાક છે. આ બધાંથી હોંશિયાર-સાવધાન રહેજે. આવતી કાલે પહેલી તારીખ છે; ભાડુ લઈ લેજે.” તેની દરેક વાતની હું હા કહી દેતો. બીજો કોઈ ઉપાય પણ નહોતો.
એક દિવસ ડોક્ટરે ઓફિસમાં બોલાવીને કહ્યું, ‘તમારી માના હાર્ટનો એક વાલ્વ બદલવો જરૂરી છે. બાય-પાસ સર્જરી કરવી પડે તેમ છે. દોઢ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો.’ ડોકટરની આ વાત સાંભળીને માર હોશકોશ ઉડી ગયા. આટલાં પૈસા ક્યાંથી આવશે? માને ખબર પડશે તો તે આવી સર્જરી માટે ક્યારેય માનશે જ નહીં. છેવટે મેં માને જાણ કર્યા વગર જ તેમના સોનાના ઘરેણાંઓ અને અન્ય કિંમતી ચીજો વેંચી નાંખી અને પૈસાની વ્યવસ્થા કરી લીધી. મનોમન ડરતો રહ્યો કે માને ખબર પડી જશે તો તેના શા હાલ થશે?
જે દિવસે ઓપરેશન થવાનું હતું તે દિવસે સવારે હું જલ્દીથી હોસ્પિટલ જવાને તૈયાર થઈ ગયો. અભેરાઈથી પૈસા કાઢ્યાં અને હજી ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યાં જ જોયું, મારા બાપનો સગો દીકરો પોતાના બે-ત્રણ સાથીઓ સાથે ઘરની અંગર આવી રહ્યો હતો. તે મને જોતો જ રહ્યો. હાથમાં નોટોની થપ્પીઓ ભરેલું કવર રાખીને હું ડરી રહ્યો હતો. તેણે મારી નજીક આવીને બહુ ટૂંકી વાત કરી. ‘આ મકાન અમારું છે. તારી માના કારણે અમે તને આ અંગે ક્યારેય કશું કહ્યું નથી પરંતુ હવે અમને ખબર પડી ગઈ છે કે તારી મા બચી શકે તેમ નથી. એટલા માટે જ હવે તું અમને લખી આપ કે આ મકાન પર તમારો કોઈ હક્ક નથી.’
‘જો હું ન લખી આપું તો?’
મારી વાત સાંભળીને તેઓમાંના એકે મને એક મૂક્કો મારીને નીચે પટકી દીધો. નોટોનું કવર મારા હાથમાંથી છૂટીને એક તરફ જઈ પડ્યું. મારા પિતાના સગા બેટાએ તે કવર ઉપાડ્યું અને કવર ખોલીને નોટોને જોવા લગ્યો.
મેં મોઢા પરથી નીકળતું લોહી લૂંછતા કહ્યું, ‘આ રૂપિયા માના ઓપરેશન માટે લઈ જઈ રહ્યો છું. તેના ઝવેરાત વેંચી કાઢીને આ પૈસા એકઠ્ઠાં કર્યા છે. તે પૈસા મને પાછા આપી દો.’
તે બોલ્યો; ‘પહેલાં તું પોતાની ‘ના-દખલ’ પેપર પર હસ્તાક્ષર કરી આપ.’
મેં જવાબ આપ્યો, ‘અગર માને ખબર પડશે કે મકાન તેનું નથી તો પછી તે ઓપરેશન બાદ પણ બચશે નહીં.’
‘આ તો વધુ સારી વાત છે.’ તે બેશરમે કહ્યું અને ઉમેર્યું; ‘અમે તો ઈચ્છતા જ નથી કે તે બચે!’
મેં મજબુર થઈને પેપર સાઈન કરી આપ્યા. તેણે નોટોની થોક્ડી પાછી આપી દીધી. અને હું હોસ્પિટલ જવાને દોડ્યો!
ઓપરેશન થઈ ગયું.બે દિવસ પછી લાગ્યું કે મા ઠીક થઈ ગઈ છે. હું મનમાં ને મનમાં ડરવા લાગ્યો કે જ્યારે તેને મકાન બાબતે ખબર પડશે તો ત્યારે તેની કેવી પ્રતિક્રિયા રહેશે? હું ગભરાઈ ગયો. મેં પોતાને જ સવાલ કર્યો શું હું ઈચ્છું છું કે મા સારી જ ન થાય? કેવી દ્વિધા હતી આ તો ક્શું જ સૂઝતું નહોતું.
હું રાતે માની પાસે જ સૂતો હતો. સવારે ન્હાવા-ધોવા ઘરે જતો રહેતો. આજે જ્યારે ઘરેથી પાછો આવ્યો ત્યારે જોયું તો નર્સ માના રૂમમાંથી ભાગતી બહાર નીકળી રહી હતી. મેં તરત જ આગળ વધીને પૂછ્યું, ‘શું વાત છે ?’ તે મને જોઈને અટકી નહીં. ભાગતા- ભાગતા બોલી, ‘તેને કૈંક થૈ ગયું છે, હું ડોકટરને બોલાવવા જાઊં છું.’ આટલું કહીણે તે તો ચાલી ગઈ. હું ગભરાઈને માના રૂમમાં પ્રવેશ્યો.
મા મને જોતાં જ ઊઠી બેસી ગઈ. મારી સમજમાં કૈં આવ્યું નહીં. હું ટુકુર – ટુકુર તેને જોવા લાગ્યો; અને પછી તેની પાસે જૈને બેસી ગયો. માએ ધીમા અવાજમાં પૂછ્યું, ‘ગ્રાહક આવ્યા હતા? શું કિંમત પડી?
મેં કાંપતા અવાજે કહ્યું, “વીસ લાખ રૂપિયા.”
‘વીસ લાખ?’ તેને આશ્વર્ય થયું. અને પછી તે હસી. તેના હાસ્યમાં સહજતા ન હતી. તેની આંખો પણ બે-ચમક અને સૂકાયેલી હતી. તેનામાં એક પ્રકારનો અલગાવ, કૈંક અંશે બેગાનાપણાં જેવી લાગણી હતી. એ સમયે જ દૂરથી નજીક આવી રહ્યાં હોય તે રીતનો પગરખાંઓનો અવાજ સંભળાયો!
મેં દરવાજા તરફ જોયું. બે ડોક્ટરો અને તેની પાછળ નર્સ! તેઓ દોડતાં આવી રહ્યાં હતાં.
તેઓના આગમન પૂર્વે મા ફરીવાર સૂઈ ગઈ હતી. તે બેશુદ્ધ પડી હતી. હું સ્તબ્ધ હતો. એક ડોકટરે સ્ટેથોસ્કોપ લગાડીને તપાસવાનું શરૂ કર્યું. હું જોઈ રહ્યો હતો. સ્થેથોસ્કોપની ટોટી માના શ્વાસોને શોધી રહી હતી. પણ તે મળતાં નહોતાં. બીજા ડોકટર નાડીને ઢંઢોળી રહ્યાં હતાં. પછીથી તેમેણે નાકની પાસે હાથરાખીને જોયું; ત્યારવાદ ડોકટરે આંખ પણ ઊઘાડી જોઈ ત્યાં પણ માત્ર સફેદી જ દેખાઈ રહી હતી.
બંને ડોકટરોએ મારી તરફ જોયું. હું જાણી ગયો કે તેઓ શું કહેવા માગે છે? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં રડવાનું રોકીને કહ્યું, ‘ડોકટર સાહેબ, આપના આવવા પૂર્વે તે મારી સાથે વાત કરી રહી હતી.’
‘તે કઈ રીતે બની શકે?’ નર્સે કહ્યું . ‘હું તો જ્યારે ડોક્ટર સાહેબને બોલાવવા ગઈ ત્યારે તેના ધબકારાઓ બંધ થઈ ચૂક્યાં હતા!’
‘હું નર્સની વાતનો શું જવાબ આપું?’
અત્યારે હું માની બળતી ચિત્તા સામે બેઠો છું પણ મને કશુંય સૂઝતું નથી. હમણાં હમણાં કપાલક્રિયાનો આવાજ સંભળાયો હતો. હવે આગ કૈંક ઓછી થવા લાગી હતી. લાકડાઓ સળગી ચૂક્યાં છે. હું થોડો થોડો આશ્વસ્ત થવા લાગ્યો છું. મને લાગે છે કે તે રાખમાં માના દિલની એ લાલસા પણ બળી ગઈ હશે કે મકાનની કિંમત કેટલી વધી ગઈ છે!
– પ્રફુલ્લ પંડ્યા
(‘આનંદ ઉપવન’ સામાયિક, એપ્રિલ ૨૦૧૬ અંકમાંથી સાભાર)
ઘણી હ્રદયસ્પર્શિ વાર્તા!
Very nice story. Detailing is good. Last end was not as expected. Wanted something good for the boy. Story tells about the predicted misfortune of the boy. This breaks my heart as a reader. Overall, good narration.
કંઇક દુઃખદ લાગણી ઓ ઉદ્ભવે છે એટલે મન રજા નથી આપતુ કે એવ શબ્દો વાપરુ કે “ખુબ સુંદર વાર્તા”… પણ જરુર થી હ્રદય વલોવી નાખે તેવી વાર્તા.
nice