સોહાગરાત – કેશુભાઈ દેસાઈ 2
પુરુષોત્તમ મહિનાની એકાદશીનો ચંંદ્ર ભીના પવનમાંં ઝબોળાયેલી ચાંદની રેલાવી રહ્યો છે. આકાશ છેલ્લા ત્રણેક દિવસથી નિચોવાઈને જવલના બંદલાના બાથરૂમ જેવું ચોખ્ખું ચણાક જેવું બની ગયું છે. અઠવાડિયા અગાઉ એ જ આભલા સામે નજર માંડતાંય ધ્રુજી જવાતું. ચારે દિશામાં તડકા-ભડકા. ભૂવા ધૂણતા હોય એવા હાકલા – પડકારા. વીજળી સરરરર કરતીક સીધી બંગલાના ચોકમાં ખાબકતી. છેલ્લા એક વરસથી એકલી પડી ગયેલી જવલ જાળી વાસી દઈને ઓસરીમાં બેઠી બેઠી અદ્ધરજીવે આકાશી ધુધવાટા સાંભળતી રહેતી. ક્યારેક જોરૂકો કાટકો પડે ત્યારે એનાથી અનાયાસ જ બોલાઈ જતુંઃ તારી જવાંની છ બાપ, પણ હોંમો શકન વાળનારા તો જતા રહ્યા!