એક અધૂરી તમન્ના.. – જલ્પા વ્યાસ 5


એક તો મેઘનું શહેર અને આકાશમાં પણ ઘેરાયેલ કાળો-ડીબાંગ મેઘ, તમન્નાને થયું એને જે મેઘની રાહ જોવાની આદત પડી ગઈ હતી તે આ મેઘ નહોતો. અત્યારે એની સામે જે મેઘ ચકરડા લઇ રહ્યો હતો એ તો ભગવાન ઈન્દ્રનો મેઘ હતો. તમન્નાનો મેઘ… તો ખબર નહીં આ વડોદરા નગરમાં ક્યાં ભરાઈ ગયો હતો.

વડોદરાના રેસકોર્સ રોડ પર ઉભી રહેલી તમન્ના પોતાનાપર ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો જોઈ રહી, ઘરે પહોંચવાની ઉતાવળ સાથે વડોદરાને મન ભરીને જોવા માંગતી હતી.. અહીં જ તો… તમન્ના ઓફિશિઅલ મિટિંગ પતાવી ને બહાર આવીને ઉભી હતી. ‘વરસાદ તો પડશે જ..’ એણે મનોમન વિચાર્યું અને મોબાઈલમાં જોઇને ટેક્સી શોધવાનું શરુ કર્યું. એને અમદાવાદ પહોંચવાનું હતું, જો કે સમયતો એની પાસે પૂરતો હતો પણ વરસાદની બીક… (બીક અને વરસાદની! જે ક્યારેય કોઈ રંગોમાં ભીંજાયા જ ન હોય ને એમને પોતાના કોરા અસ્તિત્વ પર કોઈના રંગથી ભીંજાઈ જવાની બીક હોતી હશે!)

તમન્નાને શાની બીક! વરસાદની! ના.. ના.. વરસાદતો એને ગમતો હતો, પણ સમયસર ઘરે પહોંચવું જરૂરી હતું. તમન્નાએ પોતે જ પસંદ કરેલી જીંદગીના ભાગ રૂપે સ્તો…. હજુ એ ટેક્સી બુક કરી શકે એ પહેલા જ વરસાદ તો ધોધમાર વરસવો શરૂ થઇ ગયો.. અહી પાસેના એક વૃક્ષે પોતાની જવાબદારી નિભાવી.. જે જાત એને સાચવવા માં વામણી સાબિત થાય છે એને એણે ફરી એકવાર મદદ કરી, ઓથ આપીને… એના સ્વભાવગત લક્ષણ મુજબ. તમન્ના એક ઝાડની ઓથે ઊભી રહી.

હવે આગળ શું કરવું એમ વિચારતી જ હતી ત્યાં જ એની પાસે એક ગાડી આવીને જોરથી બ્રેક મારીને ઉભી રહી. એ હજુ કઈ વિચારે એ પહેલા જ ગાડીમાંથી એ બહાર નીકળી ગાડીના દરવાજે અઢેલીને ઉભો.. તમન્ના તરફ જોઈને જ સ્તો! અરે આ તો મેઘ છે! સપનાઓ આ રીતે પણ સાચાં પડતાં હશે એવું તમન્ના હવે માનતી નહોતી.

મેઘ ઓફીસથી ઘરે જવા નીકળ્યો ત્યારે એક એ પોતે મેઘ અને બીજો ઈન્દ્રદેવનો મેઘ; બંનેએ એકમેકને મળીને શુભસાંજ કહ્યું. આમ તો મેઘને ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી, પણ ખેર, ઘરે તો જવું જ રહ્યું. એ ઘરે જઈ રહ્યો હતો તો રસ્તામાં.. આ શું.. એક જાણીતો ચહેરો! જાણીતો અને માનીતો પણ… એક ઝાડની નીચે અત્યારે, અહીં, વડોદરામાં? એ પણ રેસકોર્સ રોડ પર! ના.. ના.. સપનું તો નથી ને? એના સ્વભાવગત લક્ષણ મુજબ!

પણ ના.. આ સ્વપ્ન નહોતું… એની સ્વપ્નપરી ખરેખર જ મેઘના જીવનમાં સો સો સૂર્ય એકસાથે ઉગ્યા હોય એવી ક્ષણો લઈને એની સામે ઉભી હતી. જીવનના કેન્દ્રબિંદુ સમી આ છોકરી, ના હવે તો સ્ત્રી.. મેઘને ગાડીની બ્રેક મારવાની જરૂર જ ન પડી.. એના પગ કોઈ અંતઃસ્ફૂરણાથી જ ગાડીની બ્રેક તરફ વળી ગયા. તમન્ના જ્યાં ઉભી હતી ત્યાં પાર્ક કરી ગાડીને અઢેલીને તમન્નાની સામે ઉભો રહ્યો. વરસતા વરસાદમાં.. કેટલાં વર્ષો પછી એ પલળી રહ્યો હતો! બંને વરસાદમાં!

તમન્ના માટે તો આ સાવ અણધાર્યું જ હતું. મેઘ વડોદરામાં રહેતો હતો એ તો એને ખબર હતી, પણ આમ અચાનક મળી જશે એવું તો એણે ધાર્યું જ નહોતું. છેવટે એણે જ બોલવાનું શરુ કર્યું.. ”મેઘ તું, વ્હોટ અ સરપ્રાઈઝ!“

જવાબમાં મેઘે સ્માઈલ આપી. આ જ સ્માઈલે તો તમન્નાની આખી જીંદગી માંગી લીધી હતી અને એણે આપી પણ દીધી હતી. પણ મેઘને એની કદાચ ખબર નહોતી.

“હું તો અહી જ રહું છું. રેસકોર્સ રોડ પર.. પણ તું અત્યારે અહીં! તને વડોદરા ક્યારથી ગમવા માંડ્યું!“ મેઘ બોલ્યો.

“હું મારા ઓફીસના કામથી આવી હતી.” તમન્ના બોલી.

“અને હવે બંને મેઘ તને અહીંથી જવાની ના પાડે છે.” હસતા હસતા મેઘ બોલ્યો…

“પણ ઘરે તો જવું જ પડશે.”

“તો જજે ને.. મારે તને બાંધી રાખવી નથી. પણ આજે તો આવા તોફાની વરસાદમાં તું અમદાવાદ સુધી તો ન જ જઈ શકે.. ચાલ, આવ.” મેઘે ગાડીમાં બેસતાં કહ્યું.

“હા તારી વાત સાચી, પણ ઘરે મારી દીકરી અને જય રાહ જોશે ને.!“ તમન્નાએ ચિંતાના સુરમાં કહ્યું.

“કાયમ તો તું એમની સાથે રહે જ છે ને.. હવે આજે જયારે પ્રકૃતિ જ એમ ઈચ્છે છે કે તું અહીં રહે, તો તું કે હું શું કરી શકીએ?“ મેઘના અવાજમાં તમન્ના એના ઘરે રોકાશે એ વાતનો આનંદ સ્પષ્ટ જણાઈ આવતો હતો.

પહોચીને મેઘે ઘર ખોલ્યું, “તારી પત્ની ઘરે નથી?“ તમન્ના એ પૂછ્યું.

“ના, એ અમદાવાદ છે. તને કઈ વાંધો તો નથી ને?“ મેઘ હસ્યો.. જવાબમાં તમન્નાએ હળવી સ્માઈલ આપી અને ઘરમાં દાખલ થઈ.

“અરે તું તો સાવ પલળી ગયો છે!“ મેઘ તરફ જોતાં બોલી

“તે આજનો થોડો..“ મેઘ સાવ ધીમા અવાજે બોલ્યો, તમન્નાએ એ સાંભળ્યું નહી. મેઘ તમન્નાને પાણી આપીને કપડા બદલવાં અંદર જતો રહ્યો. આ તરફ તમન્નાએ એની મમ્મીને, જ્યાં એણે પોતાની દીકરીને રાખી હતી ત્યાં અને જયને ફોન કરીને પોતાની પરિસ્થિતિ વિષે જાણ કરી. જયે અને એની મમ્મી, બંનેએ એને ત્યાં જ રોકાઈ જવાની સલાહ આપી કારણ કે વરસાદ હાઈવે પર અને અમદાવાદમાં પણ મુશળધાર વરસી રહ્યો હતો અને એના રોકાવાના કોઈ જ એંધાણ દેખાતા નહોતા. ફોન પર વાત પતાવ્યા પછી એ ઉભી થઇ. ધીમે ધીમે અજાણ્યા ઘરમાં જોતા રસોડા સુધી પહોંચી. મેઘતો કપડાં બદલીને ચા બનાવવા લાગ્યો હતો.

તમન્નાને દરવાજા પાસે ઉભેલી જોઇને એ બોલ્યો.. “આવ ને અંદર… હવે તું તો મારી મહેમાન કહેવાય અને મહેમાન પાસે તો ચા બનાવાડાવાય નહિં ને!“ મેઘ હસ્યો.

“હા, એ વાત ખરી પણ હું ચા સારી બનાવું છું. હા કદાચ તારી માયા જેટલી સારી ન બનાવતી હોઉં પણ પીવાલાયક તો ખરી જ. તો લાવ આજે મને બનાવવા દે.“ એમ કહી ને તમન્નાએ ચા બનાવવાનું શરુ કર્યું. મેઘે કંઈપણ આનાકાની કર્યા વગર એને ચા બનાવવા દીધી.

બેઠક રૂમમાં ચાના કપ લઈને બંને બેઠાં. ચા પીતાં પીતાં મેઘે તમન્નાને એના કામ વિષે પૂછ્યું અને પોતાની પણ ઓફીસ વિષેની વાતો કરી. જમવાનું ઓનલાઈન ઓર્ડેર કરી મંગાવ્યું, તમન્નાને ઘર બતાવ્યું અને પછી જમીને, લોબીમાં આવીને બંને ખુરશીમાં બેઠા.

“સરસ ઘર છે તારું…” તમન્નાએ કહ્યું.

જવાબમાં મેઘ ફક્ત “હમમમ“ એમ બોલ્યો.

“તમન્ના ક્યાં હતી આટલાં બધા વર્ષ?” મેઘ કઈક બીજું જ વિચારતો હતો.

“ક્યાં હતી એટલે? અહી જ તો હતી.. હું પહેલેથી અમદાવાદમાં જ છું ને! તને ખબર તો છે.. હું તો અહીં જ છું.” તમન્ના ફરી ઘૂંટતી હોય એમ બોલી. ત્યારપછી બંને એ પોતપોતાના પરિવાર વિશે વાતો કરી રહ્યાં.. એમ કરતાં લગભગ બાર વાગી ગયા..

“સૂઈ જઈશું મેઘ?“ તમન્ના ઘડિયાળ સામે જોતાં બોલી. વરસાદ તો હજુપણ સતત એકધારો વરસતો જતો હતો. મેઘ માટે તો વગર પીધે નશા જેવું હતું. એક વરસાદનો અવાજ અને એમાં સંગીતની જેમ ભળી જતો તમન્નાનો અવાજ.

“તમન્ના ક્યાં હતી આટલા બધા વર્ષ!“ તમન્નાની વાતનો જવાબ આપ્યા વગર મેઘ જાણે કોઈ મોહિનીવશ હોય એમ બોલ્યો.. તમન્ના કંઈપણ બોલ્યા વિના મેઘની સામે જોઈ રહી. બંનેના મન ઘડીકમાં પંદર વર્ષ પહેલાના મેઘ અને તમન્ના સાથે કોલેજમાં જીવતા હતાં, તો ઘડીકમાં વરસાદની આ મેઘલી રાત્રે એકબીજાની આંખોમાં કેટલાય ન બોલાયેલા શબ્દો અને ન ભજવાયેલા દ્રશ્યો શોધતા હતાં.

મેઘે ફરી બોલવાનું શરુ કર્યું, “તને મળ્યા પછી અને તારાથી છૂટા પડ્યા પછી, મેં સતત તને જ શોધ્યા કરી. તે છેક આજ સુધી.. આજે તું અહી છે, મારી સાથે, તો પણ તને જ શોધું છું. મારી આ તલાશ શું મને કયારેય જંપવા દેશે ખરી! તમન્ના ઘણાબધાં પ્રશ્નો મનમાં જ રાખીને હું તારાથી છુટો પડી ગયો. અને એ બધા જ પ્રશ્નો મારી બાણશૈય્યા બની ગયા. હું કાયમ વણઉકેલ્યા પ્રશ્નો, સંબંધો અને લાગણીઓ સાથે જીવતો જઉં છું. કદાચ હવે એ જ મારા જીવવાનો પર્યાય બની ગયા છે. તારાથી છૂટા પડ્યા પછી સમજાયું કે તું, કોલેજમાં પતંગિયાની જેમ ઉડતી અને ઝરણાંની જેમ ખળ-ખળ કરતા વહેતી ક્યારે મારા શ્વાસ બની ગઈ, અથવા મેં આ તારી સાથેની પ્રેમ નામની રમતમાં મારા શ્વાસ ગીરવે મૂક્યા. તારી પાસે, અને તું તો જતી રહી. એ બધું જ લઇને તારી સાથે.., હું તને રોકી પણ ન શક્યો… એ મજબૂરીઓની કથા કરવાનો ક્યાં મતલબ છે હવે! મારા જીવનમાંની પ્રેમ નામની બધી સિલક તારા નામે કર્યા પછી, હવે જીવવા, શ્વાસ લેવા અને કોઈની સાથે પ્રેમથી વાત કરવા પણ તારી જરૂર પડે છે! હું મારી જીંદગી જેટલી જીવ્યો છું, એના કરતાં વધારે તો તું મારી અંદર જીવી છે.. હું તો સૂઈ પણ જઉં છું, પણ મારી અંદર જીવતી તું ક્યાં સુએ છે? તું તો સ્વપ્નમાં પણ ચાલ્યા કરે છે, વાદળની જેમ.. દરિયાની લહેરોની જેમ..”

આટલું બોલતા તો જાણે મેઘને હાંફ ચડી.. દિલ હથેળી પર મૂકીને બોલતો હોય એમ બેચેન હતો એ.. એણે તમન્નાની સામે જોયું.. તમન્ના ખુરશીમાંથી નીચે ફર્શ પર પેલા થાંભલાને અઢેલીને બેસી ગઈ હતી. અંધારામાં એનો ચહેરો દેખાતો નહોતો, પણ મેઘને એની હાલત સ્પષ્ટ કળાતી હતી. એ અને મેઘ ક્યાં અલગ જીવ્યા હતા! મેઘ એની પાસે ગયો, એના ખોળામાં માથું મૂકીને વર્ષોનો થાક ઉતરતો હોય એમ સૂતો. એણે તમન્નાની સામે જોયું. તમન્ના ખોબેખોબે રડી રહી. કહેવાની જરૂર ખરી કે આટલા વર્ષોથી કેદ તમન્ના આજે આંસુઓની ધાર સાથે વહી નીકળી હતી. એ તમન્ના નામની નદી મેઘ નામના સાગરની જ હતી, પંદર વર્ષ પહેલા નીકળેલું એ ઝરણું નદી બનીને પોતાના સાગરની વાટે ચડ્યું હતું. પણ હવે રસ્તો મળશે?

“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.”
અસ્તિત્વનો જીંદગી પર્યાય માંગે છે
મારામાંથી ડોકિયું કાઢી બતાવ તું
પ્રેમ નામનું વન ઉગ્યું છે મારામાં
મૂળિયાં તું છે એમ બતાવ તું

– જલ્પા વ્યાસ

“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.”
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “એક અધૂરી તમન્ના.. – જલ્પા વ્યાસ