તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ 21
બેલ વાગતા જ દરવાજો ખોલવા મુનિઝા રસોડામાંથી ઉતાવળે દોડી. ડાઇનિંગ ટેબલનો પાયો પગના પંજા સાથે અથડાયો અને એ નીચે પટકાઈ. ત્યાં સુધીમાં અનસ વીસેક વખત બેલ વગાડી ચૂક્યો હતો. ધીમે-ધીમે દુ:ખાવા સાથે એ ઉભી થઈ અને દરવાજો ખોલ્યો. એને હતું કે આજે અનસ રોજની જેમ નહીં વર્તે. દુકાનનો થાક અને ગુસ્સો એના પર નહીં ઉતારે. પણ..
“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? કંઈ પડી જ નથી શૌહરની! આખો દિવસ ગધેડાની માફક દુકાને વૈંતરું કરવાનું અને ઘરે પણ તું શાંતિ લેવા ન દે. મળી ગયો હશે કોઈ.. ફોન પર ચોંટેલી હશે વાતો કરવામાં એની સાથે.