ઈ.સ. પૂર્વે ૨૨૦૦.
સ્થળ: ભારતવર્ષનું મહત્વપૂર્ણ બંદર લોથલ.
નગરી પીળી માટીથી બનેલા આવાસોથી શોભી રહી છે. ઘૂઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસી રોમાંચ અનુભવે છે. બળદની ઘૂઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નીલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહી છે, તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમાં સજીધજી ગૌરવપૂર્ણ ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.
હાટ મંડાઈ ચૂકી છે. દેશદેશાવરથી માલ-સામાન વેચાવા આવી ચૂક્યો છે. દ્વારપાળ અને રક્ષકો દ્વારા હાટના માર્ગો અડચણથી મુક્ત કરાયા છે. વાસણો, વસ્ત્રો, આભુષણો, શસ્ત્રો, વાદ્યો, ચિત્રો, મૂર્તિઓ, પાલતુ પશુપક્ષીઓ, ફળ, ફૂલ અને કરામત કરતા કલાકારોથી હાટ ઉભરાઈ પડી છે. નગરના લોકો અને વેપારીઓ ખરીદી કરવામાં મશગુલ છે.
“એય શિલ્પી, શ્રી વિષ્ણુની મૂર્તિ અને પેલા હાથીઘોડાનાં શિલ્પો જોઈએ છે.”
“દસ સુવર્ણ મુદ્રા થશે.”
“પાગલ થયો છે? ચારથી પાંચ સુવર્ણ મુદ્રા મળે.”
“તમને ચમક ગમતી હોય તો સુવર્ણ મુદ્રાઓ એકઠી કરો, બાકી તમને તો આ પથ્થર જ લાગશે, ખરીદ્યા પછી પણ.”
“અરે ગુસ્સે શા માટે થાય છે? લે આ દસ સુવર્ણ મુદ્રા, ખુશ?”
શિલ્પી પોતાના આવાસ તરફ પરત ફર્યો. ગેરુઆ રંગ આકાશને ફરી વળ્યો.
“દેવદત્ત, કેવો રહ્યો દિવસ. કંઈ વેપાર કર્યો?”
“દસ સોનામહોરમાં શિલ્પો વેચ્યા, ભગીરથ.”
“અરે વાહ, આટલો ઉદાસ કેમ છે? તારા શિલ્પ આટલી ઉંચી કિંમતે વેંચાય છે તો મિત્ર તું હજુ કેમ નહીં સર્જનરત રહેતો?”
“ભગીરથ, મારે એક ઉત્તમ શિલ્પ, એક.. એક મૂર્તિ બનાવવી છે. હું વિહ્વળ છું.”
પ્રસ્વેદ બિંદુઓ કપાળ પરથી રેલાઈ ચંદનના કણોને સાથે લઈ અણીયાળા નાક પરથી રેલાઈ રેશમી ધોતી સાથે સંગમ પામી રહ્યાં હતાં, એ જોઈ ભગીરથથી ન રહેવાયું. “દેવદત્ત, ચાલ બહાર બેસીએ. અહીં ગરમીને કારણે તને જ્વર ન ચડે તો સારું. આપણે કાલે વૈદ્યરાજ પાસે જઈશું.”
“આભાર મિત્ર, પણ મને અસુખ નથી.”
“હું આવ્યો” કહી ભગીરથ ત્યાંથી ચાલ્યો.
ભગીરથ કોઈ દ્રવ્ય લઈ આવ્યો હતો. બે મોટા પ્યાલા દ્રવ્યથી ભર્યાં અને દેવદત્ત તરફ એક પ્યાલો લંબાવ્યો.
“લે મિત્ર, ગ્રહણ કર.”
“આ શું છે? સફેદ રંગવાળું પારદર્શક દ્રવ્ય?”
“મિત્ર, પહેલાં તું ગ્રહણ કર.” બન્નેએ એ દ્રવ્ય ગ્રહણ કરી એકબીજા સામું જોયું. મસ્તક થોડું ડોલતું હોય તેવું લાગ્યું. બન્ને મલકાયા, હસ્યા અને પછી ખડખડાટ હસવા લાગ્યા.
“હવે તો કહે, ભગીરથ.. આ મજેદાર દ્રવ્ય શું છે?”
“આ તાડ-દ્રવ્ય છે. સુરાષ્ટ્રથી કોઈ વણઝારો લઈ આવ્યો છે. બહું મજેદાર છે ને મિત્ર?” દેવદત્તે હસતાં હસતાં ડોકું ધુણાવ્યું.
સવાર પડી. દેવદત્ત બહાર ન નીકળ્યો. એ આત્મમંથન કરતો રહ્યો. ભગીરથ એના આવાસ પર આવતાં દેવદત્તે તુરંત કહ્યું, “મિત્ર, મને અહીં ગમતું નથી. હું આજે જ આ નગરી છોડી રહ્યો છું.”
“અરે, આમ અચાનક? ચાલ આપણે વૈદ્યરાજ પાસે જઈએ.”
“અરે હું સ્વસ્થ છું મિત્ર. મારું મન કોઈને શોધી રહ્યું છે જે અહીં નહીં મળે.”
“તો હું પણ તારી જોડે આવું છું. કોઈ પણ પ્રકારની દલીલો હું નહીં સ્વીકારું.” ભગીરથનો પ્રત્યુત્તર સાંભળી દેવદત્ત ખડખડાટ હસી તેને ભેટી પડ્યો.
બન્ને મિત્રો અશ્વો પર સવાર થયાં અને ધોળાવીરાનો માર્ગ પસંદ કર્યો. દેવદત્ત અસ્ત્રો ચલાવી જાણતો પણ સુદ્ર્ઢ બાંધાનો ભગીરથ તો અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં માહેર હતો. કરડાકી ભર્યો ચહેરો અને શ્યામ વર્ણ તેના વીર વ્યક્તિત્વને અનેરો ઓપ આપતાં. દેવદત્તનો બાંધો પણ મજબૂત હતો. તામ્રવર્ણ, પણછ જેવી ભ્રમર, પહોળી છાતી અને ખભા સુધી પહોંચતા વાંકડીયા વાળ તેના વ્યક્તિત્વને આકર્ષક દેખાવ આપતા હતા.
ત્રણ દિવસની મુસાફરીના અંતે તેઓ ધોળાવીરા પહોંચ્યા. ભગીરથ પહેલાં પણ ધોળાવીરા આવી ચૂક્યો હતો. લોથલ કરતાં આ નગરી નાની હતી. પંદર દિવસ રોકાયા બાદ દેવદત્ત ફરી તૈયાર થયો.
“મિત્ર, હજુ તો બે સપ્તાહ વીત્યા છે. ક્યાં જવું છે?”
“મોહન જે દ્વાર.”
“સિંધુ નદીના કિનારે આવેલા નગર પર નજર અટકી?” ભગીરથ હસ્યો.
“તું પ્રાર્થના કર કે ત્યાંથી હરીઆપા ન જવું પડે.” દેવદત્ત સામું હસ્યો.
પાંચ દિવસની મુસાફરી બાદ બન્ને મિત્રો સિંધુ નદીના કિનારે પહોંચ્યા. લાલ રંગના પથ્થરોથી સજાવેલા દ્વારને જોઈને જ બન્નેની આંખો ચાર થઈ. સૂરજદેવની મનમોહક કોતરણી દ્વારના અગ્રભાગ પર જોઈ દેવદત્ત ખુશ થઈ ગયો.
લોથલની રાજમુદ્રાઓ પંજીકરણ અધીકારી પાસે અધિકૃત કરાવી બન્ને મિત્રો પથિકાશ્રમ પર પહોંચ્યા. એક સેવક ખાસ તેમને માર્ગ દર્શાવવા આવેલો. લોથલ કરતાં પણ પહોળાં રસ્તાં, આલીશાન આવાસો, બાગ બગીચા જોઈ બન્ને મિત્રો આશ્ચર્યચક્તિ થઈ ગયા.
બે દિવસ સુધી બન્ને મિત્રો નગરમાં ફરતાં રહ્યા. અલગ અલગ જગ્યાએ હાટ જોઈ, વાનગીઓ ગ્રહણ કરી, વિવિધ પ્રકારના પીણાઓને માન આપ્યું.
નગરીમાં ત્રણ મંડપમ હતા જ્યાં કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા હતાં. આજે સાંજે સૌથી મોટા સભાગૃહમાં “નટરાજ તાંડવ” નૃત્ય રજુ થવાનું હતું. દેવદત્તના ચહેરા પર આવેલી રોનક ભગીરથ જોઈ શકતો હતો.
સાંજે બન્ને મિત્રો સભાગૃહમાં પહોંચી આગળ પણ ખૂણા વાળી જગ્યા શોધી કાઢી.
સભાગૃહનો મંચ વિશાળ હતો. મંચની છત સાથે પિત્તળના લાંબા દીવા સાંકળની મદદથી લટકાવ્યા હતા જે તળીયેથી ચાર-પાંચ ફૂટ ઉંચા હતા. પ્રત્યેક દિવામાં આઠ વાટ એક જ્યોત પ્રગટાવી રહી હતી. વીસ દીવા અનેરી પ્રકાશસજ્જા ઉત્પન્ન કરી રહ્યાં હતાં. સભાગૃહના દરેક ખૂણામાં રહેલી મશાલ સિવાય બાકીની મશાલ ઓલવવામાં આવી. મૃદંગ અને તબલાનો ધ્વની શરુ થયો અને મંચની ડાબી બાજુથી કલાકારો પ્રવેશ્યા. સંગીત, નૃત્ય અને મંચસજ્જા – આ ત્રણેય વસ્તુએ પ્રેક્ષકોને વશીભૂત કરી નાખ્યાં. નૃત્ય સમાપ્ત થયું. તાળીઓનો ગડગડાટ થયો. દેવદત્તનું ધ્યાન જમણી બાજુ મંચ પર આવેલા ખૂણામાં ગયું.
કમલાક્ષી નયનો, ગુલાબની પાંદડી સમાન ઓષ્ઠ, ડાબા ખભા પરથી આગળ આવેલા કાળા ભમ્મર વાળ પર તારલાઓની કતાર સમાન મોગરાના ફૂલની વેણી, ઉન્નત ઉરોજોને ગરીમા બક્ષતી રેશમી કંચુકી, કટી પ્રદેશથી પાની સુધી આવરીત આસમાની અધોવસ્ત્ર, પાતળી કમર પર શિતળ સરોવરમાં વમળ સર્જતી નાભી! આ નવયૌવનાને જોઈ દેવદત્તનું મુખ ખુલ્લુ રહી ગયું. થોડી ક્ષણો માટે બન્નેની નજર એક થઈ ન થઈ પેલી નવયૌવના ઓઝલ થઈ ગઈ.
ભગીરથ આ નૈનમિલાપ જોઇ ચૂક્યો હતો. પથિકાશ્રમ જતી વખતે ભગીરથ ઘણી વાતો કરતો હતો પણ દેવદત્ત ફક્ત “હં”.. ”હું”માં જ જવાબ આપતો રહ્યો. રાત્રે મોડે સુધી દેવદત્તે પડખા ફેરવ્યા. અંતે ભગીરથ બોલ્યો, “મિત્ર, પ્રેમ જવરમાં સપડાવવાની આ પહેલી નિશાની છે. અત્યારે ઉંઘી જાઓ તો કાલે તેને શોધી શકીશું.” આ સાંભળતા જ દેવદત્તથી હસી જવાયું.
બીજા દિવસે બન્ને મિત્રો સભાગૃહ તરફ ગયાં. ઘણો સમય એ તરફ વિતાવ્યો પણ સફળતા પ્રાપ્ત ન થઈ. અંતે સાંજે તેઓ એક નાના મંડપમ્ તરફથી આવતાં હતાં જ્યાં કેટલીક યુવતીઓ નૃત્યાભ્યાસ કરી રહી હતી. દેવદત્તની નજર એક જગ્યાએ સ્થિર થઈ. નૃત્યાભ્યાસ પૂરો થયો. પેલી નજરોએ દેવદત્ત સામે જોયું. આંખો હસી અને તરત દોડીને મંડપમ્ના અંદરના ભાગે ગરકાવ થઈ. દેવદત્ત ખુશ થયો. આખી રાત દેવદત્તના સપનામાં પેલી નવયૌવના રહી.
સવારે તે ઉઠ્યો. ભગીરથને બોલ્યો, “મારે જે એક નવું સર્જન કરવું છે તેની પ્રેરણા મળી ગઈ.”
ભગીરથ પણ ખુશ થયો.
બન્ને મિત્રો હાટ તરફ ગયા. દેવદત્તે કેટલાક શિલ્પીઓ વિશે પૂછ્યું. રત્નાકર શિલ્પીનો આવાસ નજીકમાં જ હતો. દેવદત્ત તેમને મળવા ગયો. લોથલની મુદ્રા બતાવી રત્નાકર શિલ્પીને પોતાનો હેતુ દર્શાવ્યો. રત્નાકર ખુશ થયો. રત્નાકર વૃદ્ધ હતો. તેણે દેવદત્તને પોતાના ઓરડામાં રહેલા શિલ્પો, ઓજારો, પત્થરો, ધાતુઓ વગેરેની વાત કહી.
દેવદત્તને ધાતુમાંથી જ એક મૂર્તિ બનાવવી હતી. રત્નાકરે ખુશી ખુશી તેને ત્યાં કામ કરવાની પરવાનગી આપી. ઉપરાંત ત્યાં જ રહેવાનું પણ કહ્યું. જો કે દેવદત્ત પથિકાશ્રમમાં રહેવાથી ખુશ હતો ઉપરાંત ભગીરથનો બોજ પણ રત્નાકરને માથે પડે તે મંજુર નહોતું.
તે દિવસથી જ દેવદત્ત પોતાનું ઉત્તમ સર્જન કરવા મંડી પડ્યો. તે દરરોજ સાંજે મંડપમ્ પાસે જતો અને નૃત્યાભ્યાસ નિહાળતો. બન્નેની મુલાકાતો આંખો આંખોમાં જ થતી હતી. પાંચ દિવસના અંતે દેવદત્તે એક મૂર્તિ બનાવી. રત્નાકરને તેણે બતાવી. રત્નાકર આ મૂર્તિને અપલક નયને જોઈ જ રહ્યો. તેણે અત્યાર સુધી કદી પણ ચાર ઈંચની આટલી નાની મૂર્તિ જોઈ ન હતી.
“અતિ સુંદર.. અતિ સુંદર.. અતિ સુંદર” રત્નાકરના ઓરડામાં આ શબ્દો ગુંજી ઉઠ્યા.
“દેવદત્ત તને આ મૂર્તિ માટે સો સોનામહોરો સહેજે મળી જશે.” રત્નાકર બોલી ઉઠ્યો.
“ગુરુજી, આ મુર્તી તો કોઈને ભેટ આપવાની છે.” કહી દેવદત્ત ત્યાંથી નીકળી ગયો.
દેવદત્ત મૂર્તિ સાથે રાખી મંડપમ્ પાસે પહોંચ્યો. પાસે બેઠેલી એક નાની છોકરીને બોલાવી તેણે મૂર્તિ તેને આપી અને કશુંક કહ્યું. એ છોકરી દોડીને પેલી નવયૌવના પાસે ગઈ અને મૂર્તિ આપી. નવયૌવના તે મૂર્તિને આશ્ચર્યચક્તિ થઈને જોઈ રહી. આ તો તેની જ પ્રતિકૃતિ લાગી. નવયૌવનાના ગુરુ તેમને અંગભંગિમા શિખવતા હતા. ડાબો હાથ કમર પર, કોણી બહાર, જમણો પગ સહેજ આગળ અને જમણા પગના સાથળ પર જમણો હાથ, મુખ ક્ષિતિજે તાકી રહે તેમ! અદ્દ્લ તે જ ભંગિમા આ વ્યક્તિએ કેવી રીતે આટલી નાની મૂર્તિમાં કળાત્મક રીતે ઉતારી? તેની આંખોમાં પ્રેમાશ્રુ ઉભરી આવ્યા. તે દેવદત્તને જોઈ રહી. મંડપમમાં લોકો વિખરાઈ ચૂક્યાં હતાં. દેવદત્ત એટલો નજીક પહોંચી શક્યો કે જેથી તેનો અવાજ પેલી નવયૌવના સાંભળી શકે.
“હું લોથલનો શિલ્પી” દેવદત્ત બોલ્યો.
પેલી હસી. અને પછી મૂર્તિને જોતાં જોતાં જ બોલી “હું મોહન જે દ્વારની નૃત્યાંગના!”
તેના મધુર શબ્દો સાંભળી દેવદત્તના અણુએ અણુમાં રોમાંચ પ્રસરી ગયો.
થોડી વાર રહી તે બોલ્યો, “હું દેવદત્ત, તમે?”
પેલી ફરી હસી અને બોલી ”પા..” ત્યાં જ એક કડાકો સંભળાયો. અચાનક વાતાવરણમાં ધૂળ ફેલાઈ. ચીસો સંભળાવા લાગી. ઉપર આકાશમાંથી અગનગોળા આવતાં હોય એવું લાગ્યું. કોઈ કશું સમજે એ પહેલાં અંધારું થયું અને એક મોટી ઉલ્કા..
* * *
ઈ.સ. ૧૯૨૬
મુંબઈ.
સ્થળ – વિલ્સન કોલેજનું પરિસર.
“ઓયે દેવેન.. દેવેન.” હાથમાં થોથા લઈને જતો દેવેન બૂમો સાંભળી ઉભો રહ્યો. મિત્ર નજીક આવ્યો પણ હજુય હાંફતો જોઈ તે બોલ્યો, “ભાગ્યેશ, શેની આગ લાગી છે?”
“ભઈ, સાંભળીશ તો ખુશ થઈ જઈશ.”
“એવું કે? તો બોલ બોલ.”
“અર્નેસ્ટ મેક્કેય આવતા અઠવાડિયે આવે છે.”
“શું વાત કરે છે ભાગ્યેશ?”
“હા, અને અહીંથી તુરંત જ સિંધ જવાના છે. તેમના પાસે કંઈક માહીતી છે સિંધુ સંસ્કૃતિની!”
“તો ચલ જલ્દી પ્રોફેસર પટ્ટણીને વાત કરીએ.”
દેવેન અને ભાગ્યેશે પ્રોફેસરને બહુ મનાવ્યા. છેવટે એક જ વ્યક્તિને સાથે જવા પરવાનગી મળી. ભાગ્યેશે હસતાં હસતાં દેવેનનું નામ પ્રોફેસરને જણાવ્યું.
પ્રસિધ્ધ પુરાતત્વવિદ્, ઇતિહાસકાર, ભૂસ્તરશાસ્ત્રી અર્નેસ્ટ મેક્કેય મુંબઈ પહોંચ્યા. વિલ્સન કોલેજમાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત થયું. પ્રોફેસર પટ્ટણીની ખાસ ભલામણ હોવાથી અર્નેસ્ટ મેક્કેયની સંગાથે દેવેન તેમના રસાલામાં સામેલ થયો અને તેઓ સિંધ જવા રવાના થયા.
અર્નેસ્ટ મેક્કેયએ દેવેનને મેસોપોટેમિયા સંસ્કૃતિની રસપ્રદ જાણકારી આપી. દેવેનના મનમાં રહેલા પ્રશ્નો મિ. અર્નેસ્ટને દેખાઈ જતાં તેમણે નિઃસંકોચ પૂછવા કહ્યું.
“સર, આ સિંધુઘાટીની સંસ્કૃતિ તો ખબર છે પણ ત્યાં કેટલા નગર હશે.”
“બે થી ચાર નગર સિંધ પ્રદેશમાં હોવાની શક્યતા છે. જે લોકો ત્યાં જઈ આવ્યા છે એ પ્રમાણે એક નગર કદાચ મોહેંજો-દરો છે.”
નામ સાંભળતા જ દેવેનના આંખમાં એક અજબ ચમકારો મિ. અર્નેસ્ટને દેખાયો. સિંધ પહોંચતા સુધીમાં ઘણી વાતો થઈ.
તેમણે ગંતવ્ય સ્થળે ડેરા તંબુ નાખ્યાં. ખોદકામ ચાલુ થયું. મહીનો વીત્યો અને તેમને ધીરે ધીરે નગરના કેટલાય અવશેષો નજરમાં આવવાં લાગ્યા. દેવેન તાપ-તડકો જોયા વિના આ અવશેષો જોવામાં મચી પડતો, એ જોઈને મિ. અર્નેસ્ટને આશ્ચર્ય પણ થતું અને ઘણી વાર અજુગતું પણ લાગતું. દેવેનની મનઃસ્થિતિ તેમને સામાન્ય ન લાગતી. જો કે જ્યારે બન્ને વાત કરતાં ત્યારે દેવેન એકદમ સામાન્ય લાગતો.
એક સવારે મિ. અર્નેસ્ટને નજીકના ગામમાં કામ હોઈ તેઓ બીજા અધિકારી સાથે રવાના થયા. દેવેન ખોદકામ કરતાં અન્ય લોકો સાથે ત્યાં જ રહ્યો. થોડો સમય વીત્યો. મજુરો થોડો આરામ કરવા ગયા. પણ દેવેન ત્યાં જ રહ્યો. તેને એ જગ્યાએ કશું હોય તેવું લાગ્યું. તે પાવડો લઈ મંડી પડ્યો. બપોર આખી તે ખોદતો રહ્યો. મજૂરો આવીને તેને આરામ કરવા, ઉપર આવી જવા કહેવા લાગ્યા. પણ દેવેન કોઈનું સાંભળતો ન હતો. પ્રખર તાપમાં દેવેનનું આખું શરીર લાલ થઈ ગયું હતું. કોઈ અધિકારી પણ હતા નહીં. મજૂરો પણ મુંઝાયા હતા. બે કલાક વીત્યા ને મજૂરોને દૂરથી મિ. અર્નેસ્ટ અને અન્ય અધિકારીઓ આવતા દેખાયા. મજૂરો તેમની પાસે દોડ્યા અને મિ. અર્નેસ્ટને વાત કહી.
મિ. અર્નેસ્ટ દોડતાં દોડતાં આવ્યા. દૂરથી તેઓ જુએ છે કે દેવેનના હાથમાંથી પાવડો છૂટી ગયો અને તેના હાથમાં એક હાડકાની હથેળી છે. એ હાડકાની હથેળીમાં કશું છે જેને દેવેન જોઈ રહ્યો છે. મિ. અર્નેસ્ટ હજુ તેનાથી ત્રણસો-ચારસો મીટર દૂર હશે. તેઓ દેવેનને બૂમ પાડી રહ્યાં છે પણ..
દેવેનની આંખો ફાટી ગઈ. ગળે ડુમો બાઝી ગયો. અચાનક તેના ગળામાંથી એક ચીસ નીકળી.. “પા..ર્વ…તી.” બધાં હેબતાઈ ગયા. દેવેન ત્યાં જ ઢળી પડ્યો. મેડીકલ સારવાર તો શક્ય હતી નહીં. દેવેન ત્યાં જ મૃત્યુ પામ્યો. જે જગ્યાએ એ ઢળ્યો હતો એ જગ્યાએ મિ. અર્નેસ્ટ મેક્કેય જુએ છે કે એક ચાર ઈંચની ધાતુની મૂર્તિ!
મુંબઈ પરત ફરી મિ. અર્નેસ્ટ મેક્કેય દુનિયાભરના પત્રકારોની સામે સાક્ષાત્કાર આપે છે. મોહેંજો-દરોની રોચક માહિતી જગત સમક્ષ ખુલ્લી મૂકે છે. અને છેલ્લે એક ચાર ઈંચની ધાતુની મૂર્તિ પત્રકારો સમક્ષ રજુ કરે છે. મૂર્તિ વિશે સવાલ પૂછાતા તેઓ તેને નામ આપે છે ‘ડાન્સિંગ ગર્લ’ ઓફ મોહેંજો-દરો! પણ હોલના એક ખૂણે નામ ગુંજી રહ્યુ છે.. “પાર્વતી”!
– ગોપાલ ખેતાણી
(કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૧૬માં ૧૫મો ક્રમાંક, નેક્ષસ આયોજીત પ્રથમ વાર્તા સ્પર્ધામાં બીજો ક્રમાંક, તથા અન્ય વાર્તા સ્પર્ધાઓમાં જેમને પુરસ્કાર પ્રાપ્ત થયા છે એવા ગોપાલભાઈ ખેતાણી વ્યવસાયે મિકેનિકલ સોફ્ટવેર એડમિન છે, અક્ષરનાદ, રીડગુજરાતી અને ‘સર્જન’ (ગુજરાતી માઈક્રોફિક્શનનું પ્રથમ અને એકમાત્ર સામયિક)ની પ્રેરણાથી માઈક્રોફિક્શન વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ, હાસ્યલેખ અને પ્રવાસ વર્ણન લખવામાં રસ ધરાવે છે. કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૧૭માં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરનારી આ વાર્તા ‘લોથલનો શિલ્પી’ અક્ષરનાદને પાઠવવા બદલ ગોપાલભાઈ ખેતાણીનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.)
Gopal Khetani, Ketan Munshi Varta Spardha, Lothal no shilpi
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ખૂબ સરસ વાર્તા.
અદ્ભુત વાર્તા. રોચક કલ્પના, રસપ્રદ વિષય, મનોહર ગૂંથણી, પ્રવાહી આલેખન. મજા આવી.
EXCELLENT. GOOD LUCK FOR FUTURE ARTICLES LIKE THIS.
ગોપાલભાઈ,
જયા ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ તેઉકતિને સાચીઠેરવી.
ગોપાલભાઈ,
સિંધુ સંસ્કૃતિ નો વિષય રુચિકર છે . કથાની ગૂંથણી પણ સુંદર રીતે
કરી છે. તેમાં તમારું શબ્દો નું કલેવર અદ્ભૂત રહ્યું.
બીજા જન્મ નો કૂદકો પણ સુંદર રીતે રજૂ કર્યો. પરંતુ સિંધુ
સંસ્કૃતિ ને એટલી સચોટ રીતે રજૂ કરી કે એમ થાય કે આ જ
સમયની વાતો હજુ ચાલ્યા કરે.
તમારી અંદર રહેલા નવલકથાકારનો પ્રસવ જલદી થાય અને
વાચકોને તમારું ઉત્કૃષ્ટ લખાણ વાંચવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત
થાય એવી જ શુભકામના
સ્નેહ પૂવઁક
કેતા જોષી
The best article read… keep up the spirit
Pingback: કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦ની વિજેતા વાર્તા: ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદર
Very nice and creative story. Would like to read such more stories. Keep it up…
વાહ જાણે કોઇ પૌરાણિક કથાનુ નાટ્યાત્મક રુપન્તરણ થઇ નજર સમક્ષ આવી ગયુ હોય તેવી અનુભુતિ થઇ.
4200 વર્ષ જેટલા સમયનું અનુસંધાન, વર્ણન, લેખન શૈલીથી વાર્તા રોચક, રસપ્રદ અને રસાળ બને છે, વાસ્તવમાં એવું જ બન્યું હશે તેમ લાગે. પાત્રો-સંવાદો સ્થળ-સમયને અનુરૂપ છે. તમારી અંદર રહેલા નવલકથાકારને જગાડો અને અમને કોઈ દળદાર ઐતિહાસિક રસિક નવલ આપો. શુભેચ્છા અને અભિનંદન.
આપનો પ્રતિભાવ પ્રોત્સાહન પુરું પાડે છે હર્ષદભાઈ. મા સરસ્વતીના આશીષ રહેશે તો જરુરથી એક નવલકથાનું સર્જન કરીશ. ખૂબ ખૂબ આભાર.
Till time I don’t know about this story … the way Mr.Gopal Khetani project hear for friction of second I feel I saw Drama through my open face and character are playing front of me…
All the best for future endeavours…
આટલા સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મયુર
અદ્ભૂત………………………………………..
આભાર રવીજી
ખુબ સરસ આલેખન અને વિષય..
અભિનંદન ગોપાલભાઈ.
આભાર મીરાજી અમૂલ્ય પ્રતિભાવ બદલ
વાહ ગોપાલભાઈ!
સુંદર ને મનોહર રચના!
આભાર અનુજ ભાઈ પ્રતિભાવ બદલ.
ગજ બ ક્લ્પના . અદભૂ ત .
ખૂબ ખૂબ આભાર સુરેશજી