ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી 7


પ્રવીણકાન્ત શાસ્ત્રીની પ્રસ્તુત વાર્તામાં ટૂંકીવાર્તાના લગભગ બધા તત્વો મોજુદ છે. વિષય, સ્થળ, પાત્રો અને સંવાદ એમ બધી રીતે આ વાર્તા અનોખી બની છે. આજની વાર્તા ‘એસ્કોર્ટ’ શૃંગાર રસથી ભરેલી છે, પણ એમાંની હકીકતો સમાજમાં અસ્તિત્વમાં છે. જુવાનીની નાદાની, ઓછી મહેનતે બધું જ મેળવી લેવાની તમન્ના અને સામાજીક વાતાવરણ એક વ્યક્તિને કેટલી હદે માર્ગમાંથી ભટકાવી દે છે, એનું આ વાર્તામાં નિરૂપણ છે. “મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે.” આવું લખીને પ્રવીણભાઈએ માત્ર હકીકતોનું બયાન આપ્યું છે. જે પરિપેક્ષમાં આ વાર્તા લખાઈ છે, એ પરિપેક્ષમાં મુલવશો તો તમને આમાંનું વાર્તા તત્વ ગમશે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.

* * * * *

મિથુન સાત નંબરના ટેબલ પાછળ અદબ વાળીને ઊભો હતો; પણ એની નજરતો ખૂણા પરના બાર નંબરના ટેબલ પર હતી. મિથુનની આ નવી નવી નોકરી હતી.

H1 વિઝા પર આવેલા મિથુનને સ્પોન્સર કરનાર કંપની બંધ થઈ ગઈ. મિથુન કમ્પ્યુટર એન્જિનીયર હતો. બે વર્ષની બેકારી પછી શિકાગોથી ન્યૂ યોર્ક આવ્યો હતો. માંડમાંડ મેનહટનની એક મોટી હોટેલમાં બુસ્સરની જોબ મળી હતી. એનું કામ ટેબલ સેટ કરવાનું, ગ્રાહકો માટે ખુરસી ખસેડી બેસાડવાનું, પાણી બ્રેડ જેવી પ્રારંભિક વાનગી પીરસવાનું તેમજ ખાલી થયેલી ડિશો સાફ કરવા લઈ જવાનું હતું. કોઈવાર તે હોટેલના દરવાજા બહાર ઊભો રહેતો. કાર, ટેક્ષી કે લિમોઝિનના ડોર ખોલી ગ્રાહકોનું સ્વાગત કરતો.

આજે ખરેખરતો અગીયારથી વીસ નંબરના ટેબલ્સ મિથુને જ સંભાળવાના હતા પણ તેણે રતિને કોઈ વૃદ્ધ અમેરિકન સાથે આવીને બાર નંબરના ટેબલ પર બેસતા જોઈ એટલે એણે ટોનીને કહ્યું “પ્લીઝ, આજે હું તારા ટેબલ સંભાળીશ, તું મારા સંભાળ.” પહેલાતો એના માનવામાં ન આવ્યું પણ કાન નીચે બોચી પરના મોટા લાલ તલે ખાત્રી કરાવી દીધી કે તે રતિ જ છે. કેટલા લાંબા સમયે તેને જોઈ હતી!

એ ઈચ્છતો ન હતો કે રતિ એને આવી હલકી નોકરી કરતો જુએ. એક સમયે રતિ એની કોલેજકાળની ખાસ મિત્ર હતી.. મિથુન મધ્યમ વર્ગનો પણ તેજસ્વી વિદ્યાર્થી હતો. સ્કોલરશીપ મેળવીને ભણતો હતો. ઉપરાંત એ સારો ગાયક પણ હતો. મ્યુઝિકલ ગ્રુપ ઝંકાર ચલાવતો હતો. નાની મોટી પાર્ટીઓમાં ફિલ્મી સંગીતની ધૂમ મચાવતો. આ કમાણી તેને તેના અભ્યાસમાં ખૂબ મદદરૂપ થઈ રહેતી.

કોલેજમાં તે ‘મુમકિમ’ કહેવાતો. ‘મુમકિમ’ નામ પણ રતિ એજ આપ્યું હતું. એ જ્યારે ગાતો ત્યારે મુકેશ, મહમદ રફી, કિશોરકુમાર અને મન્નાડે મિથુનના ગળામાં આવીને બેસી જતા. એટલે જ એ ચારે ગાયકોના નામના પ્રથમ અક્ષરના સંયોજન સ્વરૂપે ‘મુમકિમ’ તરીકે ઓળખાતો હતો.

રતિને ડાન્સનો પણ શોખ હતો. કોલેજમાં જ્યારે મિથુન ગાતો ત્યારે એ સ્ટેજ પર ચઢી જતી અને ગીતને અનુરૂપ ડાન્સ કરવા લાગી જતી. છોકરાઓ સીટી અને છોકરીઓ તાળીઓથી તેને વધાવી લેતી. ધીમે ધીમે રતિ, મિથુનના પ્રોગ્રામોનું અવિભાજ્ય અંગ બની ગઈ. રતિ ઝંકાર ગ્રુપમાં જોડાઈ ગઈ.

મૈત્રી અને સાહચર્ય વધતું ગયું..

એક અજવાળી રાતે રતિના ફ્લેટના ધાબા પર બન્ને ચોરી ચોરી ના ગીત ‘યે રાત ભીગી ભીગી યે મસ્ત ફિઝાયે, યે ચાંદ પ્યારા પ્યારા…’ અને ‘આજા સનમ્ મઘુર ચાંદનીમેં હમ તુમ મીલે તો વિરાનેમેં ભી આ જાએગી બહાર..’ ની પ્રેક્ટિસ કરતા હતા.

પ્રકૃતિ, શરદ રૂતુની માદક હવા અને ફ્લેટમાં રતિના વડીલોની ગેરહાજરીમાં સંગીતની સાથે સાથે રતિના શરીર પરના વસ્ત્રોના આવરણ ઉતરતા ગયા. એ મુક્ત મને નાચતી રહી. મદહોશ હતી. ક્યારે કંઠગાન બંધ થયું. ક્યારે દેહગાન શરૂ થયું. તન તરંગો વહેતા થયા. ક્યારે બે દેહ એક થઈ ગયા મિથુનને ખબર ન રહી. મિથુન સમજે વિચારે તે પહેલા તે પકૃત્તિના પ્રવાહમાં ફંગોળાયો હતો, નિરંકુશ વહેવા માંડ્યો હતો.

બીજે દિવસે કોલેજ કાફેટેરિયામાં મિથુન અને રતિ બેઠાં હતાં.

“રતિ, આઈ એમ સોરી! જે થયું તે ન થવું જોઈતું હતું. આવતે વર્ષે કોલેજ પતે એટલે આપણે લગ્ન કરી લઈશું. આઈ લવ યુ.”

“વ્હોટ? મેરેજ? ઓહ નો! ડોન્ટ બી સીલી! લવ? વ્હોટ લવ? વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. આઈ એન્જોઈડ ધ ટાઈમ વીથ યુ. યુ વેર ધ બેસ્ટ વન. થેન્ક્સ મુમકિમ. ઈટ મે બી ધ ફર્સ્ટ ટાઈમ ફોર યુ, બટ નોટ ફોર મી. ઈટ વોન્ટ બી ધ લાસ્ટ ટાઈમ ઈધર.”

રતિના ન કલ્પેલા સ્વરૂપથી મિથુન ડઘાઈ ગયો. છેલ્લા ગાયેલા ચોરી ચોરીના ગીત પછી બન્ને રાજ નરગીસની જેમ જુદા પડ્યા. અલ્બત્ત મિથુન રાજ ન હતો. રતિ નરગીસ ન હતી. રાજ નરગીસના પાશ્ચાત્ય જીવન સાથે મિથુન રવીના જીવનનું કોઈ સામ્ય ન હતું. મિથુનનું સંગીત વિલાઈ ગયું. તેના જીવનમાંથી રતિ અને સંગીતે વિદાય લીધી. રતિ મિથુનનો ભુલાયલો ભૂતકાળ બની ગઈ હતી. એ પ્રોગ્રામો કેન્સલ કરી છેલ્લા વર્ષના અભ્યાસની તૈયારીમાં લાગી ગયો.

એક દિવસ એને ખબર મળ્યા કે રતિ પંજાબી મ્યુઝિકલ ગ્રુપ સાથે કેનેડા ગઈ પણ ત્યાંથી ગ્રુપ સાથે પાછી ફરી નથી. બટ હુ કેર્સ?

આજે તે જ રતિ અહીં હોટેલ રેસ્ટોરાન્ટમાં કોઈ અમેરિકન સાથે બેઠી હતી. મિથુનને મનમાં તો થયું કે ગઈ ગુજરી ભૂલીને એની પાસે દોડી જાઉં. પણ ના! ના, મને ન ઓળખે તે જ સારું છે. બન્નેનો જીવન પ્રવાહ તદ્દન જુદી દિશામાં જ વહેતો હતો. ઓળખાણ તાજી કરવાનો હવે કંઈ અર્થ નથી.

પણ એવું ન બન્યું.

રતિએ મિથુનને એકજ નજરમાં ઓળખી કાઢ્યો હતો. એક વાર જોયા પછી મિથુન સામે બીજીવાર જોયું પણ ન હતું. ડિનર પછી એ ઘરડા અમેરિકન સાથે પાંચમા માળે આવેલા ૫૨૫ નંબરના રૂમ પર પહોંચી ગઈ હતી. એ ક્યારે બહાર ગઈ તે મિથુનને ખબર ન હતી.

શિફ્ટ પુરી થતાં ટોનીએ તેને એક ચીઠ્ઠી આપી. જતાં જતાં મિથુન માટે રતિ ગુજરાતીમાં લખેલી એક નાની નોટ્સ ટોનીને આપી ગઈ હતી.

“મુમકિમ, હું કાલે સવારે દસ વાગ્યે તને લેવા આવીશ. તૈયાર રહેજે.” – રતિ.

ટોનીએ મિથુનને પુછ્યું પણ ખરું. “તું મેડમ ‘આર’ ને ઓળખે છે? જાણે છે કે મેડમ ‘આર’ એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે. તને ખબર છે એ હાઈપ્રાઈસ, હાઈપ્રોફાઈલ હુકર છે? હાવ ડુ યુ નૉ હર?”

મિથુન પ્રશ્નનો ઉત્તર વાળ્યા વગર એક લાઈનની ચિઠ્ઠી સામે તાકી રહ્યો.

રતિ, એક સમયની મિત્ર! જેની સાથે એક રાત્રીનો સંગ માણ્યો હતો અને લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો તે રતિ! જેણે લગ્નનો પ્રસ્તાવ હસી કાઢ્યો હતો એ રતિ આજે એસ્કોર્ટ? હાઈપ્રોફાઈલ હુકર? કોલ ગર્લ? એક્સપેન્સિવ પ્રોસ્ટિટ્યુટ? મિથુન વિચારતો હતો, રતિ એને એકજ નજરમાં ઓળખી ગઈ હતી. આવતી કાલે લેવા, મળવા આવવાની હતી. ઓળખાણ તાજી કરવી કે ન કરવી? એને મળવું કે ન મળવું?

કોલેજ સમયથીજ એના પ્રત્યે આકર્ષાયો હતો. એ સુંદર હતી. એની રેશમી કાયામાં અને માદક આંખોમા તેણે હંમેશા કંઈક અનોખું આમંત્રણ જોયું હતું. તે મનોમન પ્રેમ કરતો હતો. વ્યક્ત કરી શક્યો ન હતો. જ્યારે દૈહિક સંબંધ પછી પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રતિએ તેને હસી કાઢ્યો હતો. વાસ્તવિકતા સમજી ગયો હતો. રતિ ઇઝ નોટ મેરેજ મટિરીયલ. છતાંએ હૃદયના કોઈક ખૂણાંમાંથી એને ઝંખતો હતો.

પણ કેમ? એની પ્રેમિકા તો હતી જ નહીં. એક સમયે મિત્ર હતી. હવે તે કોલ ગર્લ હતી. પરિચયના ઓઠા હેઠળ એની સાથે ફરીવાર દેહભોગની તો ઝંખના ન્હોતીને? હવે તે કૉલેજમાં સ્ટુડન ન હતો. તે અમેરિકામાં હતો. ના.. ના. ના.. ના.

કદાચ એ એના જૂના આદર્શોને છોડવા તૈયાર થાય તો પણ દેશી આદર્શો એને છોડવા તૈયાર ન હતા. જળોની જેમ વળગ્યા હતા. તે આખી રાત પડખાં ફેરવતો રહ્યો.

સવારે ટાઈ સૂટ પહેરીને હોટેલ પર પહોંચી ગયો. નોકરી છૂટ્યા પછી પહેલી વાર સૂટ પહેર્યો હતો. એની ડ્યુટી સાંજે ચાર વાગ્યે શરુ થતી હતી. તે નવ વાગે હોટેલમાં આવી રતિની રાહ જોતો હતો. રતિએ એને મિથુનમાંથી ફરી મુમકિમ બનાવ્યો હતો. રતિએ એના સુસુપ્ત સંગીતને જાગૃત કર્યું હતું.

મિથુન વિચારતો હતો કે જો રતિ હાલના માર્ગેથી પાછી ફરે તો ફરીથી ‘ઝંકાર’ને અમેરિકામાં જીવિત કરી શકાય. આજના પોપ કલ્ચરના નગારા, ઘોંઘાટિયા અને અર્થ હિન બરાડાઓને બદલે સુજ્ઞ શ્રોતાઓને પચાસ અને સાંઠના દાયકાનું મધુર સુરીલું સંગીત આપી શકાય. હૉટેલની જોબ સાથે બીજી આવક ઉભી કરી શકાય. જો રતિ સાથ આપે તો!

….અને રતિ આવી. બ્લેક ડિઝાઈનર પેન્ટ અને ટાઈટ ટી-શર્ટ. આંખો ડાર્ક ગોગલ્સથી ઢ્ંકાયલી હતી. એ રતિ જ હતી. બોમ્બેની કોલેજની નહીં પણ ન્યૂ યોર્કની રતિ હતી. આવતા જ તે મિથુનને વળગી પડી. ગઈ કાલે મિથુન અદબ વાળીને ખૂણામાંથી રતિને જોતો હતો. આજે ટોની અદબ વાળીને તે જ ખૂણા પરથી મિથુન અને મેડમ ‘આર’ ના આલિંગનને જોતો હતો.

“લેટ્સ ગો મુમકિમ. બહાર ટેક્ષી વેઈટ થાય છે.”

….અને ત્રીસ મિનીટમાં મિથુન અને રતિ ટેક્ષીમાંથી અપર ઈસ્ટ સાઈડના લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પાસે ઉતર્યા. રતિ મિથુનને લઈને એના વૈભવી એપાર્ટમેન્ટમાં દાખલ થઈ.

“મુમકિમ તું અમેરિકા ક્યારે આવ્યો?”

“મને આવ્યાને અઢી વર્ષ થઈ ગયા. છ મહિના શિકાગોમાં નોકરી કરી. કંપની બંધ થઈ ગઈ. બે વર્ષથી બેકાર છું. શિકાગોથી બે વિક પહેલા જ ન્યુયોર્ક આવ્યો. હોટેલમાં બસબોયની નોકરી મળી. થોડા પૈસા ભેગા થાય એટલે ઈન્ડિયા ચાલ્યા જવું છે. પણ તું મને તારી વાત કર. સાંભળ્યું હતું કે તું તો કોઈ મ્યુઝિકલ ગ્રુપ સાથે કેનેડા ગઈ હતીને! અહીં અમેરિકામાં ક્યાંથી?”

મિથુને ટોની પાસે સાંભળેલી વાતનો ઉલ્લેખ ટાળ્યો પણ પૂછ્યું, “તેં લગ્ન કરી લીધા? ગઈ કાલે તારી સાથે જે અમેરિકન હતા તે તારા હસબન્ડ છે?”

રતિ કોઈ નાદાન છોકરાની ગાંડીઘેલી વાત સાંભળતી હોય તેમ હસતી રહી. ડોકું ધુણાવ્યું

“મુમકિમ, તું હજુ પણ એવો ને એવો જ રહ્યો. યુ સિલી દેશી બોય!”

“ના, એ ડોસો મારો હસબંડ ન હતો. મારો ક્લાયંટ હતો. કસ્ટમર હતો. તું સમજી શકે તે ભાષામાં કહું તો તે મારો ઘરાક હતો. સમજાયું?”

“હસબંડ? મી એન્ડ મેરેજ? નો, આઈ એમ નોટ મેરિડ. જો મેરેજની જરૂર હોત તો તું ક્યાં ન્હોતો. મને ખબર હતી કે તું મને પ્રેમ કરતો હતો. પણ હું જાણતી હતી કે હું તારે લાયક ન હતી. આજેયે નથી. તારા જુનવાણી આદર્શો અને મારા કાલ્પનિક જગત વચ્ચે આભ જમીનનું અંતર હતું. હું બિન્દાસ્ત હતી અને અત્યાર સૂધી બિન્દાસ્ત રહી છું. હું વૈભવ ઈચ્છતી હતી અને મેં મારી રીતે વૈભવ મેળવ્યો છે અને માણ્યો પણ છે. કેનેડા આવવા માટે મેં એક પંજાબી મ્યુઝિકલ ગ્રુપને સાડા પાંચ લાખ આપ્યા હતા. કેનેડાથી અમેરિકા ઘૂસી આવવાનો રસ્તો મળ્યો. થોડો સમય એક ક્લબમાં વસ્ત્રો વગર ડાન્સ કર્યો. પછી એક એસ્કોર્ટ એજન્સીમાં કામ કર્યું. હવે એજન્સીમાં મારી પાર્ટનરશીપ છે. મુમકિમ તને મારા પ્રોફેશનની વાતો ન સમજાય.”

“ખરેખર મને કશુંજ સમજાતું નથી. અને જે મને થોડું થોડું સમજાય છે, તે રૂચતું નથી. માનું છું કે તું સુખી છે.”

“સુખી?”

“આ એપાર્ટમેન્ટમા નજર નાંખ ચારે બાજુ સુખ છલકાય છે ને? હું કોલેજમાં હતી ત્યારે જે જે વૈભવ વિલાસની કલ્પના કરી હતી તે બધું જ મેળવી લીધું છે. એને માટેની જરૂરી કિંમત મેં કોઈપણ જાતના અફસોસ વગર સ્વેચ્છાએ ચુકવી છે. મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે. મેં જે માર્ગ અપનાવ્યો તે કોઈ લાચારીથી કે કોઈની બળ જબરીથી નથી અપનાવ્યો. ભલે એ ખોટો હોય. આજે પણ એનો પસ્તાવો નથી. ઘણું ગુમાવ્યું છે, ધણું મેળવ્યું છે. હવે હું ધરાઈ ગઈ છું. સંતૃપ્ત છું. હવે સંતોષ છે.. છેલ્લા છ માસથી સુખને બીજી દિશામાં વાળવાની મનોવાંછના ઊઠતી અને પાછી ધરબાઈ જતી. તને જોયા પછી એ ફરી જાગૃત થઈ છે. આમાં વિતાવેલા જીવનનો પ્રશ્ચાતાપ નથી; માત્ર ફેન્ટસી ઓફ ડિફરન્ટ્ ડિરેક્શન, ડિફરન્ટ લાઈફ. જો તારો સાથ મળે તો જીવનને બીજો વળાંક આપવો છે. રખે માનતો કે એમાં કોઈ પસ્તાવો છે.”

“એક સીધો સવાલ. શું મારી સાથે લગ્નની ઈચ્છા જાગૃત થઈ છે?”

“લગ્ન? પાછો ગાંડો થયો? હું મનોવાંછિત સુખ ભોગવવામાં માનું છું. હું મારા સુખની વ્યાખ્યા બદલતી રહી છું, લગ્ન એ પરસ્પરનું બંધન છે. મારે તને બાંધવો નથી. તને બાંધવા માટેની તમામ લાયકાત મેં ગુમાવી દીધી છે. મારે બંધાવું પણ નથી. હું ઈચ્છું છું તારી સાથે ની સમજપૂર્વકની નિખાલસ મૈત્રી. મારે એક ખભો જોઈએ છે…. કોઈક વાર રડવું પડે તો રડવા માટે. અને પસ્તાવો? પહેલા ન હતો.. હવે થોડી અનુભૂતિનો સંકેત મળે છે…. તને મળ્યા પછી.”

“એક વાત કહું?” રતિએ સ્કોચનો એક પેગ લીધો. કપાળ પરનો આછો પરસેવો લૂંછાઈ ગયો.

“તારે માટે એ કદાચ દુઃખદ્ પણ હોય. માનું છું કે સત્ય સહન કરવાની પરિપક્વતા તારામાં આવી ગઈ હોય. સાંભળ..”

મેં એક બાળક ગુમાવ્યું હતું… બાળક… માત્ર મારું જ નહીં… તારું પણ… આપણું બાળક… એબોર્શન કરાવ્યું હતું… તે સમયે સ્વચ્છંદી કે સ્વતંત્ર જીવન માટે બાળકનો નિકાલ કર્યો હતો. તે સમયે કોઈ પણ અફસોસ વગર, આજે થાય છે…. થોડો થોડો.. મારે માટે નહીં… તને જોયા પછી તારે માટે.. હું તારી ગુનેગાર છું. હવે તારી સાથે લગ્ન કરી તને અભડાવવા નથી માંગતી. આપણે મિત્ર બની રહીશું. પાડોશી બની રહીશું. બાજુનો ઍપાર્ટમૅન્ટ ખાલી જ છે. મારો જ છે. હું તને આર્થિક મદદ કરતી રહીશ. તને જે યોગ્ય લાગે તે નોકરી કે ધંધો કરજે. મન ગમતી છોકરી સાથે લગ્ન કરી લેજે. તારા લગ્નમાં હું નાચીશ. મન મૂકીને નાચીશ. ઑફ કૉર્સ વીથ ફુલ્લી ડ્રેસ. તું તારી રીતનું સુખી જીવન માંણજે. તું ગાતો રહેજે. પાડોશમાંથી દિવાલે કાન માંડી ને હું સાંભળતી રહીશ. મેં તો ઇન્ડિયાથી નીકળતા પહેલાજ હિસ્ટરોક્ટમી કરાવી લીધી હતી. હું તારા બાળકોને રમાડીશ અને ઉછેરીશ. આપણે માત્ર મિત્ર બની રહીશું. બસ એક ઈચ્છા છે. એક રવીવારે તું મારી સાથે મંદિરે આવશે? પાંચ મિનીટ માટે તારો ખભો રડવા માટે મળશે? ભૌતિક સુખ મન મુકીને માણ્યું છે. હવે નવી દિશાનું સુખ માણવું છે.”

મિથુન પોતાના બાળકના ઍબોર્શનની વાતથી હચમચી ગયો. મિથુનને રતિ સમજાતી ન હતી. એ કન્ફ્યુઝ હતો. શું રતિનો માનસિક અહમથી નકારાતો પશ્ચાતાપ બહાર નીકળવા છીંડા શોધતો હતો? હવે સ્વસ્થ રહેવાની નિષ્ફળ કોશીશ કરતી રતિની આંખોમાં સમુદ્ર છલકાતો હતો.

“પ્લીઝ ફરગીવ મી. આઈ નીડ યુ ફોર માય ન્યુ લાઈફ. વીલ યુ બી માઈ એસ્કોર્ટ?”

આજે રવિવાર જ હતો. મિથુને જોબ પરથી ડે ઓફ લઈ લીધો. તે સાંજે મિથુન રતિનો ઍસ્કૉર્ટ હતો.

તે સાંજે સરદારજીની ટેક્ષી મિથુન અને રતિને લઈને મંદિર તરફ સરકતી હતી. રતિએ લાલ સાડી પહેરી હતી. કપાળ પર કુમકુમનો ચાંદલો હસતો હતો. રતિનું માથું મિથુનના ખભા પર ઢળેલું હતું. સરદારજીની ટેક્ષીના સીડી પ્લેયરમાંથી ગીત વહેતું હતું…..

કુછ પાકર ખોના હૈ, કુછ ખોકર પાના હૈ
જીવનકા મતલબ તો, આના ઔર જાના હૈ
દો પલકે જીવન મેં, એક ઉમ્ર બિતાની હૈ…
જિંદગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ..
એક પ્યારકા નગ્મા હૈ, મૌજોકી રવાની હૈ..

– પ્રવીણકાન્ત શાસ્ત્રી

રજૂઆત – પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી

 • Patel Tausifahemed

  સરસ….the way story goes it’s very beautiful…ઝિન્દગિ મ ક્યરેક તો સાચા સબમ્બધો મરિ જ આવે ચે પચિ ભલે એ વર્સો થય જાય્….

 • Subodhbhai

  Nicely narrated. May be not fit for Our Socialization, but by placing the examples by the leading character viz. Rati had tried to convince the ‘path’ adopted.

 • Manoj Shah

  અભિનંદન પ્રવિણભાઈ. ખુબ સરસ રીતે વિચારની રજૂઆત કરી છે. ઉત્તમ શબ્દ રચના વાર્તા મા રચી છે.

 • કિશોર પંચમતિયા

  એક સરસ વિચારની અદ્ભૂત વાર્તા પ્રવિણભાઇને ખુબ ખુબ અભિનંદન આવી સરસ મઝાની વાર્તા આપવા બદલ

 • La Kant Thakkar " કંઈક '

  માણસની મહાનબળાઈ .લોભામણા શબ્દ-સંપૂટો મનમગજમાં સળવળાટ પેદા કરે તેવી વાતો ,ઘટના-પ્રસંગોનું નીરુપણ લોકભોગ્ચ સામગ્રીથી સભર વાર્તા….. મજો જ મજો રંગીલા રસિકજનો માટે….માણી શકે તે સજ્જનો માટે….એન્જોય…..