ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ 13


[ નવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા. ]

પુસ્તકને ભૌતિક રીતે અનુભવવાની અને વાંચવાની મજા કેટલીય સદીઓથી માનવજાત માણી રહી છે. પરંતુ હવે ચિત્ર બદલાવામાં છે. આજે સમય ઈ-પુસ્તકોના વપરાશમાં ધરખમ વધારાનો અને ઈ-વાંચનની વધતી પ્રસિદ્ધિનો છે. ઈ-પુસ્તકોની વિભાવના મૂલતઃ પશ્ચિમમાં જેટલી પ્રસિદ્ધ અને પ્રચલિત થઈ છે તેના પ્રમાણમાં આપણે એ ક્ષેત્રમાં ખૂબ પ્રાથમિક તબક્કામાં છીએ એમ કહી શકાય. નવા પ્રિન્ટ થયેલ પુસ્તકની સુવાસ, તેના વાંચનની અનોખી મજા અને વાંચનની સાથે નોંધ ટપકાવવાની કે લીટીઓ દોરવાની આદતોને છોડવી એક સમર્પિત વાંચક માટે મુશ્કેલ વાત છે.

પશ્ચિમનું ઈ-વાંચન બજાર

My article on E Reading and Gujarati Ebook publication in Navneet Samarpan Magazine.

૧૯૭૧માં પ્રકાશિત પ્રથમ ઈ-પુસ્તક તરીકે અમેરિકન બંધારણની ઈ-નકલ તૈયાર કરી પ્રોજેક્ટ ગુટનબર્ગ અંતર્ગત તેને પ્રકાશિત કરી માઈકલ હાર્ટ પ્રથમ ઈ પ્રકાશક બન્યો, એ વર્ષ હતું જ્યારે બે કોમ્પ્યુટર વચ્ચે પ્રથમ ઈ-મેલની આપ-લે થઈ. મતલબ ઈ-પુસ્તક પ્રકાશન ઈન્ટરનેટના વિકાસની સાથે વિકસી જ રહ્યું હતું, પરંતુ તે વિકાસ અતિશય ધીમો હતો જે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં અનેકગણી ઝડપે વધ્યો છે. ૧૯૭૧માં ૧, ૧૯૮૯ સુધીમાં ૧૦, ૧૯૯૪ સુધીમાં ૧૦૦, ૧૯૯૭માં ૧૦૦૦ અને ૨૦૦૩માં ૧૦૦૦૦ તથા ૨૦૧૧ સુધીમાં ૩૩૦૦૦ પુસ્તકોનું ડિઝિટાઈઝેશન પ્રોજેક્ટ ગુટનબર્ગ મારફત થઈ ચૂક્યું છે. અને પ્રોજેક્ટ ગુટનબર્ગ પર તે નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

૧૯૯૩માં ડીજીટલ બુક ઈન્ક. કંપનીએ ફ્લોપી ડિસ્કમાં ૫૦ ઈ-પુસ્તકો મૂકીને તેને ડીબીએફ (ડીજીટલ બુક ફોર્મેટ)માં વેચવાનું શરૂ કર્યું. રોકેટ ઈબુક અને સોફ્ટબુક નામના બે પ્રથમ ઈ-રીડર સાધનો ૧૯૯૧માં બજારમાં મૂકાયા, ઈ-પુસ્તકને અપાયેલ પ્રથમ આઈએસબીએન નંબર કિમ બ્લાગે મેળવ્યો અને સીડી પર તેણે પુસ્તકોનું વેચાણ શરૂ કર્યું. ૨૦૦૦માં સ્ટિફન કિંગ દ્વારા તેમના એક પુસ્તકનું ઈ-વેચાણ કરવામાં આવ્યું, જેની ચાર લાખ નકલ ૨૪ કલાકમાં ડાઊનલોડ થઈ, આ પુસ્તક ફક્ત કોમ્પ્યુટર પર જ વાંચી શકાતુ હતું. ૨૦૦૨માં અગ્ર અમેરિકન પ્રકાશકો રેન્ડમ હાઊસ અને હાર્પરકોલિન્સે ઈ-પુસ્તકોનું વેચાણ શરૂ કર્યું.

અમેરિકન બજારમાં નજર કરીએ તો ઈ-વાંચનના વિવિધ સાધનો જેવા કે કિન્ડલ, નૂક, આઈપેડ, ટેબલેટ્સ, સોનીના ઈ-રીડર અને એન્ડ્રોઈડ મોબાઈલ વગેરેની મદદથી પ્રિન્ટેડ

પુસ્તકના વાંચનની સામે ઈ-વાંચનનો વ્યાપ સતત વધી રહ્યો છે. ૨૦૦૭માં કિન્ડલ – ૧ની કિંમત $૩૯૯ હતી જે આજે ઘટીને $૧૩૯ (કિન્ડલ ૩) થઈ ગઈ છે, આજે ૧૬૯થી વધુ દેશોમાં તે વેચાણ માટે ઉપલબ્ધ છે. ઈ-પ્રકાશનના આ વિષયને વધુ વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ.

ઈ-વાંચનના સાધનો

એપલના આઈપેડ, ઍમેઝોનના કિન્ડલ, કિન્ડલ ટચ અને કિન્ડલ ટચ ૩જી તથા બાર્ન્સ અને નોબલના નૂક રીડરના આવવાથી, તેમની મસમોટી વેચાણસંખ્યાથી તથા ઈ-પુસ્તકોના વેચાણથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આજકાલ લોકોને ઈ-પુસ્તકોનું વાંચન વધુ માફક આવવા માંડ્યુ છે. મુખ્ય સ્પર્ધા છે આઈપેડ તથા કિન્ડલ વચ્ચે. આઈપેડની વેચાણ સંખ્યા ૨૦૧૦માં દોઢ કરોડથી વધુ હતી જે ૨૦૧૧માં ચાર કરોડના આંકને વટાવી ગઈ. એમેઝોન સામાન્યતઃ વેચાણના આંકડા પ્રસિદ્ધ કરતું નથી, છતાં તેમના જ એક રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2011માં તેમણે દર અઠવાડીયે દસ લાખ કિન્ડલ રીડર વેચ્યા છે. જો કે એપલના આઈપેડ હજુ પણ ઘણાં લોકો માટે એટલી આકર્ષક વસ્તુ છે કે તેમના માટે રાત જાગીને ખરીદવાવાળાઓની કતારો લાગે છે.

પ્રથમ કિન્ડલ ૧૯ નવેમ્બર ૨૦૦૭ના રોજ અને પ્રથમ નૂક ૩૦ નવેમ્બર ૨૦૦૯ના દિવસે ઉપલબ્ધ થયા. આજે એવા લેખકો છે જેમના પુસ્તકોની દસલાખથી વધુ ઈ-પુસ્તક આવૃત્તિઓ વેચાઈ ચૂકી છે.

ઈ-વાંચનનો વ્યાપ

આ તો થઈ સાધનોની વાત, આ આંકડાઓને જો સમગ્રપણે જોવામાં આવે તો ખ્યાલ આવશે કે ઈ-વાંચનનો વ્યાપ કેટલી ઝડપે વધી રહ્યો છે. સમગ્રપણે ૨૦૧૧માં કુલ છ કરોડ બાવન લાખ રીડર વેચાયા છે. (આઈ.એચ.એસ આઈસપ્લાય રિપોર્ટ – એપલ, અમેઝોન, સેમસન્ગ, બાર્ન્સ એન્ડ નોબલ, અસુઝ તથા અન્ય ઉત્પાદકોના આંકડાની મદદથી) ક્રેડિટડોન્કી.કોમ વેબસાઈટના એક ઈન્ફોગ્રાફિક મુજબ
• ૨૯ ટકા અમેરિકન (આશરે દર ચાર અમેરિકને એક) ઈ-રીડર ધરાવે છે.
• ૨૦૧૧માં આવા ઈ-રીડરના વેચાણમાં ૧૧૭%નો વધારો નોંધાયો છે.
• અમેરિકન પુસ્તક પ્રકાશકોનું પ્રકાશનના વ્યવસાય સાથેની રેવન્યુ ઘટી છે, પરંતુ તેમનો નફો વધ્યો છે કારણકે ઈ-પુસ્તકોના ઉત્પાદનનો ખર્ચ શૂન્યથી નહિવત છે.
• અમેરિકાના સાત કરોડ વાંચકો સાથે સીધી વેચાણ માટે ઉપલબ્ધ કરાવાઈ રહેલ પુસ્તકોમાં પ્રકાશકો ઉપરાંત સ્વતંત્ર પ્રકાશન કરતા લેખકોનો ફાળો પણ મોટો છે.
• એમેઝોનના પ્રમુખ ૧૦૦ પુસ્તકોમાં સ્વ પ્રકાશિત ઈ-પુસ્તકની કિંમત ૧.૭૮$ની સામે પ્રકાશકો દ્વારા પ્રકાશિત ઈ-પુસ્તકની કિંમત ૮.૭૫$ જોવા મળે છે. (જાન્યુઆરી ૨૦૧૨)
• અમેરિકામાં પેપરબેક પુસ્તકોના વેચાણમાં ૨૦૧૧માં ૩૫.૯ %નો ઘટાડો નોંધાયો છે.

૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષોમાં ક્રિસમસ વખતના વેચાણ આંકડાઓનો તફાવત દર્શાવતા અમેરિકાન મુખ્ય પ્રકાશકોના ઈ-પુસ્તક વેચાણના આંકડા ખૂબ રસપ્રદ છે, એ મુજબ સિમોન એન્ડ સ્ચસ્ટર – ૧૫૦% વધારા સાથે, રેન્ડમહાઊસ ૩૦૦% વધારા સાથે અને કેન્સિન્ગટન ૪૦૦% વધારા સાથે આગળ વધી રહ્યા છે.

પુસ્તક પ્રકાશકો અને ઈ-પ્રકાશન

આ ઉપરાંત પ્રકાશકો માટે આવા જ કેટલાક આંકડા ઉપલબ્ધ છે (કન્ટેન્ટરેંગ્લર.કોમ) એ મુજબ
• અમેરિકામાં કુલ પ્રકાશકોના ૬૨% અત્યારે ઈ-પુસ્તકો પ્રકાશિત કરે છે, ૨૨% અત્યારે ઈ-પ્રકાશન કરી રહ્યા નથી પરંતુ શરૂ કરવાના છે અને ૧૬% ઈ-પ્રકાશનમાં રસ ધરાવતા નથી.
• કુલ ઈ-પ્રકાશકોમાંના ૧૮% પ્રકાશકો ૧૦%થી વધુ કમાણી ઈ-પુસ્તકોમાંથી કરે છે, ૪૩% એકથી ત્રણ ટકા કમાણી ઈ-પુસ્તકોમાંથી કરે છે.
• ઈ-વાંચન માટે ૨૫% વાચકો એપલ આઈપેડ, ૧૮% કિન્ડલ અને ૧૮% પીસી અથવા મેક નો ઉપયોગ કરે છે.
• અમેરિકામાં કુલ ઈ-પ્રકાશકોના ૮૫% ઈ-પુસ્તક અને પ્રિન્ટેડ પુસ્તક એમ બેવડું પ્રકાશન કરે છે, ૧૦% ફક્ત ઈ-પુસ્તકો પ્રકાશિત કરે છે, ૫% અનિર્ણિત્ત પરિસ્થિતિમાં છે.

ઈ-પુસ્તક સામે પ્રિન્ટ પુસ્તકોના પ્રકાશન ખર્ચ અંગે સરખામણી

પ્રિન્ટિઁગચોઈસ.કોમ દ્વારા અમેરિકન બજારના કરાયેલ એક સર્વે મુજબ
એક પ્રિન્ટેડ પુસ્તક ખરીદવા વાચકે સરેરાશ $૨૬ ખર્ચવા પડતા હોય તો તેના વિવિધ વિભાગોમાં
$૩.૯ લેખકની રોયલ્ટી + $૪.૦૫ પ્રકાશકનો નફો + $૧.૦ માર્કેટીંગના + $૦.૮ ડિઝાઈન, એડીટીંગ અને ટાઈપસેટીંગના + $૧૩.૦ વિતરકના નફાના + $૩.૨૫ પ્રિન્ટીંગ, સંગ્રહ અને પરિવહનના એમ કુલ ખર્ચ $૨૬.૦ થાય છે.
તેની સામે એક ઈ-પુસ્તક ખરીદવા વાચકે સરેરાશ $૧૪ જ ખર્ચવા પડે છે, જેના વિવિધ વિભાગોમાં
$૨.૨૭ લેખકની રોયલ્ટી + $૬.૫૪ પ્રકાશકનો નફો + $૦.૭૮ માર્કેટીંગના + $૦.૫૦ ડિઝાઈન, એડીટીંગ અને ટાઈપસેટીંગના + $૩.૯૦ વિતરકના નફાના એમ કુલ ખર્ચ $૧૩.૯૯ થાય છે. ઈ-પુસ્તક એક કૉપી હોય કે અસંખ્ય, એક વખત તૈયાર થયા પછી તેનો નકલ ખર્ચ શૂન્યથી નહિવત હોય છે.
જો કે આ તો વેચાણકિંમતની વાત થઈ, પણ ઉત્પાદનની રીતે $૨૬ની કિંમતના પ્રિન્ટેડ પુસ્તકનો ઉત્પાદન ખર્ચ $૪.૦૫ અને $૯.૯૯ના ઈ-પુસ્તકનો પ્રકાશન ખર્ચ $૦.૫૦ આવે છે.

ઈ-પ્રકાશન અને આનુષંગિક સમસ્યાઓ

આવા જ એક સર્વે દ્વારા જે અનોખી વાત જાણવા મળે છે એ છે ઈ-પ્રકાશન સાથે સંકળાયેલી મુખ્ય સમસ્યાઓની જાણકારી.
૩૦% સમસ્યાઓ ફોર્મેટ અને વિવિધ સાધનોના કોમ્પિટીબિલિટીની સમસ્યાઓ સાથે સંકળાયેલ છે. ૨૧% સમસ્યાઓ પ્રચાર – વહેંચણીની છે, આ ઉપરાંત ડિજિટલ ફોર્મેટમાં એકથી બીજા સ્વરૂપમાં બદલાયેલ પુસ્તકની ગુણવત્તા, ડિજીટલ કોપીરાઈટ સમસ્યાઓ તથા ઈ-પુસ્તક પ્રકાશનને લગતી સમસ્યાઓ છે.
ઈ-પ્રકાશન અને તર્ક વિતર્કો

અમેઝોન દ્વારા જૂન ૨૦૧૦માં વેચવામાં આવેલ ૧૦૦ પ્રિન્ટેડ પુસ્તકોની સામે ૧૮૦ ઈ-પુસ્તકો વેચવામાં આવ્યા, પરંતુ આ ઈ-પુસ્તકોમાં એવા સ્વપ્રકાશિત પુસ્તકોનો ફાળો મોટો હતો જેની કિંમત $૦.૯૯ કે તેથી ઓછી હતી. ઈ-પુસ્તકોની કિંમત વિશે ચર્ચા કરતી વખતે અથવા સરખામણીઓ વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કિન્ડલ રીડર, નૂક, આઈપેડ અથવા એવા કોઈ પણ સાધનની મૂળ કિંમત પણ સમગ્રપણે ઈ-વાંચનની કિંમતમાં ગણાવી જોઈએ.

ઈ-પુસ્તકોનું વેચાણ ગત વર્ષે લગભગ ૨૦૦ % જેટલું વધ્યું છે તેની સામે પ્રિન્ટેડ પુસ્તકોનું વેચાણ ૪૦% વધ્યું છે જે અન્ય વર્ષો કરતા વધુ છે. આમ ઈ-પુસ્તકોના પ્રસારથી પ્રિન્ટેડ પુસ્તકોનું વેચાણ ઘટતું નથી.

ભારતીય પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશન

ભારત વિશ્વનો બીજો અંગ્રેજી ભાષાનો વપરાશ કરતો સહુથી મોટો દેશ છે. ભારતના મધ્યમ વર્ગનો આર્થિક વિકાસ છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર રહ્યો છે, સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે ભારતીય બજારોમાં પ્રવેશવા અને વેચાણ કરવા તરફ છે અને અહીંની ખરીદશક્તિ સતત વધી રહી છે. ઔદ્યોગિક વિકાસ સાથે શહેરો, ગામડાઓ અને સમગ્ર દેશ ઈન્ટરનેટનો વધુ ને વધુ વપરાશ કરી રહ્યા છે. વિદેશી મૂડી રોકાણ માટે આકર્ષક સ્થળ છે. મોબાઈલ સાધનોનો વપરાશ પણ અહીં અનેકગણો વધ્યો છે જેથી વિશ્વના પ્રમુખ મોબાઈલ

વપરાશકારોમાં ભારત અગ્ર સ્થાને છે. આવા સંજોગોમાં ૧૯૦૦૦થી વધુ પ્રકાશકો અને ૨૪થી વધુ ભાષાઓમાં પ્રકાશનની તકો સાથે ઈ-પુસ્તકનું વેચાણ અનેક ક્ષેત્રોમાં અને વિવિધતા સાથે થઈ શકે છે, ભારતીય ભાષાઓની વિવિધતાને જોતા એવી અનેક કૃતિઓ ઉપલબ્ધ છે જેને ડીજીટાઈઝ કરીને ઈન્ટરનેટ પર મૂકવામાં આવે તો વાચકોના અપાર પ્રેમને એ પામે તે ચોક્કસ છે. ઈ-કોમર્સ, અભ્યાસ, સાહિત્ય, ટેકનોલોજી, એન્જીનીયરીંગ જેવા અનેક ક્ષેત્રોમાં ઈ-પુસ્તકો એક હાથવગો વિકલ્પ બની શકે તેમ છે. કંપનીઓ, ઉદ્યોગો અને પ્રશિક્ષણ સંસ્થાઓની વધતી સંખ્યાને જોતા ઈ-પ્રકાશનનું ભવિષ્ય અહીં ઉજ્જવળ છે. અહીં ઘણાં ગામડાઓમાં પુસ્તકાલયો અથવા પુસ્તક વેચતી દુકાનો હજુ ઉપલબ્ધ નથી, તેની સામે અમુક નાના શહેરોમાં જૂન સંખ્યામાં આવી વ્યવસ્થા છે, એ સંજોગોમાં ઈ-પુસ્તકો સહેલાઈથી પોતાનું સ્થાન બનાવી શકે છે. ભારતમાં વિકસાવાયેલ અનેક ઈ-રીડર પણ બજારમાં ઉપલબ્ધ થયા છે જે ૮૦૦૦-૧૨૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, તેમાં વિન્કરીડર (ધવિન્કસ્ટોર.કોમ) અને ઈન્ફિબીમનું પાઈ મુખ્ય છે.

ભારતીય ઉપખંડમાં ઈ-પુસ્તકોનો પ્રચાર અને પ્રસાર ૨૦૦૮ના અંતભાગથી શરૂ થયો, સમયાંતરે અનેક પ્રકાશકોએ પોતાના પુસ્તકોન ઈ-સ્વરૂપે તથા ઑડીયો સ્વરૂપે મૂકવાનું શરૂ કર્યું. જો કે હજુ પણ ભારતીય ઈ-પુસ્તક પ્રકાશન ઉદ્યોગ પા પા પગલી જ કરી રહ્યો છે. ૩૫ કરોડથી વધુ વાંચકો હોવા છતા ઈ-પુસ્તકોનું વેચાણ ફક્ત ૦.૦૫% જેટલું જ છે.
ગુજરાતી પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પુસ્તકો

ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશનને વિશ્વના અથવા ભારતીય પ્રકાશન સાથે પણ સરખાવીએ તો સરખામણી કંઈક અંશે હાથી અને કીડીથી પણ નાનકડા પદાર્થ જેવી થઈ જાય. અગ્રગણ્ય ગુજરાતી પ્રકાશકો હોય કે નાના પ્રકાશકો, કોઈ પણ આજ સુધી ઈ-પ્રકાશન કરતા નથી. અમુક પ્રકાશકોએ હવે મૂળ ગુજરાતી પુસ્તકોને બદલે ફક્ત અનુવાદિત પુસ્તકોના બજાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેથી અંગ્રેજી વાંચતા લોકો મૂળ પુસ્તક જ વાંચવાની વૃત્તિ રાખે છે જેથી એવા અનુવાદિત ઈ-પુસ્તકોનું બજાર ખૂલતા પહેલા જ બંધ થઈ જાય છે. મૂળ ગુજરાતી પુસ્તકોની પ્રિન્ટ પ્રત સાથે ઈ-પ્રકાશન કરવાની કોઈ ગુજરાતી પ્રકાશકની ઈચ્છા હજુ સુધી જણાતી નથી. કોઈ પણ પુસ્તક માટે ડિજીટલ પ્રકાશન વિશે તેમની સાથે વાત કરતાં તેઓ હોંશે હોંશે એ માટે તૈયારી દેખાડે છે, અમે “ઈ-પુસ્તકના ક્ષેત્રમાં પ્રવેશવાનો વિચાર કરી રહ્યાં છીએ” જેવો જવાબ તેમના તરફથી મળે છે, પરંતુ એ વિશે કોઈ તૈયારી આજ સુધી દેખાઈ રહી નથી.

સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ શ્રી ચિરાગભાઈ ઝા દ્વારા 1998માં શરૂ કરાયેલી ઝાઝી.કોમ હતી. ગુજરાતી ઈ-પુસ્તકો માટે સૌપ્રથમ જે નામ મને યાદ આવે છે તે પુસ્તકાલય.કોમનું છે, મૂળ બાકરોલના જે ડી પટેલ ૨૦૦૨માં ગુજરાતી ઈ-પુસ્તકો મૂકવાની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર ૧૯૯૯માં અમેરીકાના કિશોર રાવળ દ્વારા કેસુડા.કોમ ઈ-માસિક શરૂ કરાયું જે ઈ-પુસ્તક સ્વરૂપની જ ઝાંખી હતી. આ ઉપરાંત 2007થી અક્ષરનાદ.કોમ દ્વારા ગુજરાતી પુસ્તકોને યુનિકોડમાં ટાઈપ કરી કોમ્પ્યુટર તેમજ આઈફોન, આઈપેડ તથા એન્ડ્રોઈડ સાધનો પર વાંચી શકાય તે રીતે વિશેષ લેઆઉટમાં મૂકીને ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે જેનો ડાઊનલોડ આંક એક લાખને પાર કરી ગયો છે. આવો જ એક અન્ય પ્રશંશનીય પ્રયાસ ડૉ. નિરંજન રાજ્યગુરુ દ્વારા તેમની વેબસાઈટ રામસાગર.ઓર્ગ દ્વારા કરાયો છે જ્યાં ગુજરાતી સંત સાહિત્ય અને પરંપરા વિશેના અનેક પુસ્તકો ડાઊનલોડ અને વાંચન માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જો કે આવા અસંગઠિત પ્રયાસો ઉપરાંત એકત્ર.કોમ દ્વારા ગુજરાતી ઈ-પુસ્તકોનું ઑનલાઈન વેચાણ શરૂ કરાયું છે તો અનેક ભારતીય ભાષાઓમાં ઇ-પુસ્તકોનું વેચાણ કરતી બુકગંગા.કોમનો ગુજરાતી પુસ્તકોના વેચાનના ક્ષેત્રમાં પ્રયાસ પણ સરાહનીય છે.

પરંતુ સૌથી વધુ નોંધનીય અને ગંજાવર કામ કર્યું છે ફાર્બસ ગુજરાતી સભાએ, જેમણે ૧૯૦૦ પહેલા પ્રસિદ્ધ થયેલ ૬૦થી વધુ પુસ્તકોને ડિજીટલ અવતાર આપ્યો છે અને એ હવે વેચાણ માટે ઉપલબ્ધ એ. જો કે અફસોસની વાત એ છે કે ડિજીટલ વેચાણ કરતી આ સભાની પોતાની કોઈ વેબસાઈટ નથી અને આવા અસંગઠિત પ્રયાસને લોકભોગ્ય કરવા અને પ્રસાર માટે કોઈ વેબસાઈટે ખાસ નોંધ લીધી નથી. સીડી પર આ પુસ્તકો ઉપલબ્ધ છે.

ગુજરાતી પ્રકાશકો અને ઈ-પુસ્તક વિરક્તિ

ગુજરાતી પ્રકાશકોની ઈ-પ્રકાશનની અનિચ્છાના અનેક કારણો હોઈ શકે, જેમાં મુખ્ય છે પ્રસ્થાપિત વેચાણ માધ્યમનો અભાવ, ટેકનોલોજી વિશેની જાણકારીનો અભાવ તથા ઓછી સંખ્યામાં ઓનલાઈન વાચકો. પરંતુ સૌથી મોટી રૂકાવટ છે તેમનો કોપીરાઈટ, અનિયંત્રિત પ્રસાર તથા તેથી પ્રિન્ટેડ પુસ્તકોના વેચાણમાં ઘટાડો, પ્રકાશન ખર્ચ, નફા અને રોયલ્ટીમાં ભંગાણનો ભય.

આ વાતને વધુ વિગતે સમજવા એક ઘટના વિચારીએ. ધારો કે ‘અ’ એક વેબસાઈટ પરથી પુસ્તક ખરીદે છે, વાંચે છે અને પોતાના ડિજીટલ સાધનમાંથી તે ‘બ’ તથા ‘ક’ ને આપે છે. ‘બ’ એ પુસ્તક વાંચીને ‘ચ’, ‘છ’ તથા ‘ઘ’ ને આપે, આમ એક વખત ખરીદાયેલા એ પુસ્તકની અનેક પ્રત ફરતી થઈ જાય, આ ઉપરાંત ફાઈલશેરીંગ વેબસાઈટ પર તેનું મૂકાઈ જવું અથવા ઈ-મેલમાં ફરતા થઈ જવું એ પ્રકાશકોના અન્ય ભયસ્થાનો છે. તકલીફ એ પણ છે કે ગુજરાતી વાચકવર્ગમાં ઓનલાઈન ખરીદીની ટેવ હજુ મોટા સ્તરે વિકસી નથી, એ ફક્ત અમુક વિસ્તારો – શહેરો પૂરતી મર્યાદિત છે.

આ ક્ષેત્રમાં જે ટેકનોલોજીની કદાચ ગુજરાતી પ્રકાશકો સુધી પહોંચી નથી તે છે ડીઆરએમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ). સામાન્ય વસ્તુઓના વેચાણ માટે ઉપલબ્ધ સુવિધાઓ કે ઈ-કોમર્સ ઑનલાઈન પોર્ટલ ઈ-પુસ્તકોના વેચાણ માટે વાપરી શકાય નહીં, એ માટે ડીઆરએમની મદદથી વાચકના મૂલ્ય ચૂકવણી મુજબ વિવિધ સ્તર તથા તેના હક્કો નક્કી કરવામાં આવે, જેની મદદથી તે એક કે તેથી વધુ લોકો સાથે પુસ્તક વહેંચી શકે એવી પરિસ્થિતિ કાબૂમાં રાખી શકાય છે. ઑનલાઈન ગ્રાહકને અમુક હક્ક મળે છે, અમુક બંધન હોય છે અને કેટલાક આડલાભ પણ મળી શકે છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ ફક્ત વેચાણ માટે છે, ત્યાં વેચાણ પછીના રાઈટ્સ મેનેજમેન્ટનો સવાલ આવતો નથી. પણ ડિજીટલ વસ્તુ એક વખત વપરાશકારના હાથમાં આવે પછી તેની સાથે એ શુ કરી શકે એ કાબૂ કરવાની રીતને ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ કહેવાય છે, અને તેના માટે અનેક ઑનલાઈન સુવિધાઓ જેવી કે કન્ટેન્ટગાર્ડ.કોમ તથા ડિજીમાર્ક.કોમ વગેરે ઉપલબ્ધ છે. જો કે બે વખત કોપી કરવાની પરવાનગી ખરીદી છે તેવા ‘અ’ને તેના ડેસ્કટોપ અને લેપટોપમાં કોપી કરેલ ઈ-પુસ્તક મોબાઈલમાં પણ કોપી કરવું હશે તો તે શક્ય બનશે નહીં. આ ટેકનોલોજીની મદદથી ઑનલાઈન વહેંચણી તથા મૂળ કૃતિ અને તેની નકલો કાબૂમાં રાખી શકે છે.

આમ અમેરીકન તથા યુરોપિયન બજારની જેમ ભારતીય અને વિશેષતઃ ગુજરાતી પ્રકાશકો પાસે એક વ્યવસ્થિત અને આયોજીત ડિજીટલ પ્રકાશન તથા વેચાણનું માળખું ઉપલબ્ધ નથી. ગુજરાતી પ્રકાશકો માટે વિકલ્પો એ છે કે તેમણે અમેઝોન જેવી કંપનીઓ અહીં આવી વેચાણ શરૂ કરે (જો કરે તો) ની રાહ જોવી, કોઈ એવી અહીં વિકસી રહેલી પ્રણાલીને સ્વીકારી તેના ભાગ બનવું અથવા સ્વતઃ એવી વ્યવસ્થા વિકસાવવી. જો કે આ ત્રણમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ ન કરીને ગુજરાતી પ્રકાશકો હજુ પણ ઈ-પ્રકાશનથી ઘણા દૂર અને લગભગ નકારાત્મક વલણવાળા છે. છતાં અનેક ઉત્સાહી વેબસાઈટ્સ – બ્લોગ્સની મદદથી વાંચકોની ઑનલાઈન ગુજરાતી વાંચનની ભૂખ અંશત: સંતોષાઈ રહી છે. આશા રાખીએ ટૂંક સમયમાં આ પરિસ્થિતિ બદલાય અને પ્રકાશકો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ દ્વારા આપણે આપણા હાથમાં રહેલ મોબાઈલ અથવા નાનકડા રીડરમાં અનેક પુસ્તકો ખરીદી, સંગ્રહી અને વાંચી શકીએ.

– જીજ્ઞેશ અધ્યારૂ (25 મે 2012)

(નવનીત સમર્પણ સામયિક – જુલાઈ ૨૦૧૨ ના અંકમાં પ્રકાશિત)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ

  • Ashok Vaishnav

    આપના આ લેખના સંદર્ભમાં How Paperbacks Transformed the Way Americans Read – http://www.mentalfloss.com/blogs/archives/137715 – એ લેખ રસપ્રદ માહિતિ પૂરી પાડે છે.મને યાદ છે ત્યાં સુધી ૭૦ના દાયકામાં ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે બહુ મર્યાદિત પણે પૅપરબૅક આવૃતિનો પ્રયોગ થયો હતો. તે સિવાય ગુઅજરાતી પ્રકાશન વ્યવસાયે કોઇ નવા પ્રયોગ કર્યા હોય કે આવકાર્યા હોય તેવું યાદ નથી આવતું.

  • Dinesh Pandya

    નવનીત સમર્પણ (જુલાઈ)માં તમારો આ લેખ વાંચ્યો.
    તમે વિસ્તારથી ઉપયોગી માહિતી આપી છે.
    હવે તો નવનીત હિન્દીની ઇ-એડિશન આવે છે.
    ભવિષ્ય આ જ છે. પર્યાવરણ માટે પણ આ જરૂરી છે.
    તમને અભિનંદાન!

  • Chirag Thakkar

    પ્રકાશકોને સારા-સારા પુસ્તકો છાપીને વેચવામાં જ એટલો પરસેવો પાડવો પડે છે કે આવી બાબતો વિશે વિચારવાનો સમય જ નથી મળતો. સરેરાશ ગુજરાતી પુસ્તક પાછળ પણ રૂપિયા ખર્ચતા નથી, તો તેને વાંચવા માટે અલગથી કોઈ ડિવાઈસ લેવા માટે રૂપિયા ખર્ચશે કે કેમ, એજ પ્રકાશકો માટે સૌથી મોટો સવાલ હોય છે. નવભારત સાહિત્ય મંદિર કે આર. આર. શેઠ જેવા મોટા ગજાના પ્રકાશકોની તો વેબસાઈટ પણ હજું તૈયાર નથી, ત્યાં ઇ-બુક્સ તો હજી ઘણી દૂરની વાત છે.

  • Prakash Khanchandani

    ફક્ત પુસ્તકો જ નહિ, હવે તો ન્યુઝપેપર્સ, મેગેઝીન્સ, અને કોમિક બૂક્સ પણ ડિજીટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. ટાઈમ અને ધી ઈકોનોમિસ્ટ જેવા સામયિકો કિન્ડલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. કોમિક્સ માટે Comixology નામની એપ એપલ અને એન્ડ્રોઇડ સ્ટોરમાં પોપ્યુલર છે.

  • વિવેક ટેલર

    નવનીતમાં જ આ લેખ વાંચ્યો. ખૂબ સરસ સંશોધન અને માહિતી….

    હાર્દિક અભિનંદન !

  • Harshad Dave

    અભિનંદન. ખૂબ મહેનત કરીને, વિચાર કરીને તથા સંસોધન કરીને લખેલા આ લેખને આજના પ્રકાશકોએ ખાસ વાંચવો જોઈએ. વાંચકો પણ આ લેખથી સારી એવી માહિતી મેળવી તેનો લાભ લઇ શકે. અહીં ગુજરાતી અને અંગ્રેજી વેબસાઈટ વિષે અને ઈ-બુક્સ વિષે જે માહિતી મળી તેવી હિન્દી માધ્યમની; અનુવાદની અને અન્ય એવા પ્રકારની વેબસાઈટ્સ વિષે પણ માહિતી મળી શકે તો અનુકૂળતાએ આપવા અનુરોધ. -હદ

  • Vijay Shah

    અદભુત અને માહીતિ સભર લેખ્
    મારી વેબ પેજ ઉપર મુકવા પરવાનગૉ આપવા વિનંતી

  • Vjoshi

    ખુબ સરસ મહિતિ છે. વિશ્વના બધા દેશોમા અન્ગ્રેજી નો
    પ્ર્ભાવ એટલો વધી રહ્યો છે કે શિક્ષણનુ માધ્યમ બની છે અને ભવિશ્યની પેઢી પોતાની માત્રુભાષા જાળવી શકષે કે નહિ એ જ મોટો સવાલ છે. ભારતના દરેક પ્રાન્તમા આ મોટી સમસ્યા છે.

  • La' Kant

    ઈચ્છુક સાહિત્ય લક્ષી ચાહકો -ભાવકોપ માટે માહિતીપૂર્ણ લેખ… પણ મુખ્ય મુદ્દો માત્ર અને માત્ર “પૈસા” સાથે સંકળાયેલા સ્વાર્થયુકત દૃષ્ટિકોણ નો નથી….?. કોમ્પ્યુટર…નેટ…અને અન્ય સંલગ્ન તાંત્રિક ક્ષેત્રે શિક્ષણ+જ્ઞાન ની કમી…અને એક સુસ્ત માનસિકતા પણ આવા નિરુત્સાહ વલણ-વર્તન માટે
    જવાબદાર નહિ?
    તમારો આ બાબતે ઉત્સાહ સાબાશી ને પાત્ર તો છેજ ભાઈ!
    -લા’કાન્ત / ૯-૭-૧૨

  • Mahendra Mehta

    હુ અને એક મિત્ર અપ્રાપ્યુ ચિ કોટિના ગુજરાતી પુસ્તકો ને Scan કરી archive કરવા નો Project વીચારી રહ્યા છીએ. સુચન?