આપણામાંથી કોક તો જાગે… – વેણીભાઈ પુરોહિત 2


આપણામાંથી કોક તો જાગે –
કોક તો જાગે !

કોક તો જાગે આપણામાંથી
હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતા ઢીંચી
ઘેનસમંદર ઘૂઘવે
એના ઘોર ઊંડાણો
કોક તો તાગે –
આપણામાંથી કોક તો જાગે !

હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં,
કેક કડાયાં કેરને પીધાં,
આજ જમાનો અંતરાશે,
એક ઘૂંટડો માંગે –
સાચ ખમીરનો ઘૂંટડો માંગે,
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી
એની ફળીબંધ હોય હવેલી
ગામનીચંત્યા ગોંદરે મેલી –
એ…ય નિરાંતે લીમડા હેઠે,
ઢોલિયા ઢાળી –
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતા
આપ ઓશીકે સપણાં જૂતાં,
ઘોર અંધારાં આભથી સૂતાં –
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે,
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
તોય ઊભાં જે માનવી મોસલ –
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબહેરાનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

એક દી એવી સાંજ પડી’તી
લોક કલેજે ઝાંઝ ચડી’તી
શબ જેવી વચમાં જ પડી’તી
એ જ ગુલામી
એ જ ગોઝારી
મૂરછા છાંડી મહોરવા માગે !
આપણામાંથી કોક તો જાગે !

કોઈ જાગે કે કોઈ ના જાગે;
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે…
આપણામાંથી તું જ જા આગે… !

– વેણીભાઈ પુરોહિત

(‘કાવ્યકોડીયાં’ માંથી સાભાર)

આજનો સમય અનેક વિટંબણાઓ અને તકલીફો વચ્ચે જીવનને એક માર્ગ કરી આપવાની સતત ચાલતી મહેનતનો છે. ભ્રષ્ટાચાર એ સૌથી મોટો રાક્ષસ છે જે અનેકોના મુખમાંથી અન્ન લઈને કોઈ એકને મોતીઓ ભરી આપે છે, સર્વત્ર વ્યાપક ભ્રષ્ટાચાર આપણી પદ્ધતિ થઈ ગઈ છે અને એ જ મુદ્દાને લઈને લડત લડી રહેલા અન્ના હજારેના આંદોલનને આપણૉ ટેકો એ હેતુસર પણ હોવો ઘટે.આપણામાંથી કોઈક તો જાગે એવા વિધાન સાથે શરૂ થઈ રહેલ શ્રી વેણીભાઈ પુરોહિતનું આ સુંદર અને ગર્ભશ્રીમંત કાવ્ય અંતે તો આપણામાંથી તું જ જા આગે… જેવી સ્વ-ઓળખની વાતને જ સૂચવે છે. આજે પ્રસ્તુત છે આ સુંદર અને અર્થસભર કાવ્ય.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આપણામાંથી કોક તો જાગે… – વેણીભાઈ પુરોહિત