ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14


“રૂપલ, નિહાર ક્યાં છે?” ઘરમાં પ્રવેશતા જ દેવાંગે પૂછ્યું.

“સૂઈ ગયો રડતો રડતો. આજે તમે એને ફટાકડા લેવા લઈ જવાના હતા. તમારી ખૂબ રાહ જોઈને પછી સૂઈ ગયો. એ તો ખાવાનો પણ નહોતો પણ પપ્પાજીએ સમજાવીને એમની સાથે જમાડી લીધો.”

“અરે હા! આજે સાંજે નીકળતો હતો ને અચાનક એક મીટીંગ આવી ગઈ એટલે જવું પડ્યું. અને આમ પણ હું એને ફટાકડા ન લેવા માટે કેવી રીતે સમજાવતે ? તને તો ખબર જ છે હું કેમ ફટાકડા નથી અપાવતો ?”

“હા પણ એ તો બાળક છે. ને બીજા બાળકોને જુએ એટલે એને મન તો થાય જ ને ? હશે ! ચાલો તમે ફ્રેશ થઈ જાઓ. હું જમવાનું પીરસું છું. સવારે એ વહેલો સ્કૂલે જતો રહેશે પછી વિચારીશું.”

જમ્યા પછી રોજની ટેવ પ્રમાણે દેવાંગ પોતાના સ્ટડીરૂમમાં ગયો. પણ આજે ચોપડી વાંચવામાં એનું મન લાગવાનું નહોતું. સ્ટડીરૂમને અડીને આવેલી એ બાલ્કનીનાં ઝુલા પર એ આંખ બંધ કરીને બેઠો. એની નજર સામે લોહીથી લથબથ બાળકો આવી ગયા.

એ ભૂતકાળમાં પહોંચી ગયો જ્યારે એ પોતે એક બાળક હતો અને આમજ એના પિતા રવિન્દ્રભાઈ પાસે ફટાકડાની જીદ કરતો. ત્યારે એમની આર્થીક સ્થિતિ કંઈ ખાસ નહોતી. બસ બે સમયનું ખાવાનું મળી રહેતું હતું. દર દીવાળી પર એ ફટાકડાની જીદ કરતો અને એના પિતા રૂપિયા ના હોવાને કારણે એને ટાળી દેતા. આ વરસે તો રવિન્દ્રભાઈએ દેવાંગને ફટાકડા અપાવવાનું નક્કી જ કર્યું હતું. એ માટેના થોડા રુપિયા પણ એમણે બચાવ્યા હતાં. એક દિવસ નોકરીએથી પાછા આવતાં એમના એક જુના મિત્ર રામજીભાઈ મળ્યા. એ ફટાકડાનાં કારખાનામાં સ્ટોરકીપર હતા. રવિન્દ્રભાઈએ વિચાર્યું કે કારખાનામાંથી એમને સસ્તાં ભાવે ફટાકડા મળી જશે અને પોતાનો દીકરો ખુશ થઈ જશે. દેવાંગનો પ્રસન્ન ચહેરો એમને દેખાઈ રહ્યો.

રામજીભાઈ સાથે મળીને રજાના દિવસે કારખાનાએ જવાનું નક્કી કરી રાત્રે દેવાંગને કહ્યું, “દેવાંગ બેટા, આવતી કાલે આપણે ફટાકડાનાં કારખાનામાં જઈશું. જ્યાં ફટાકડા બને છે. તને ગમે એવા થોડા ફટાકડા ત્યાંથી લઈ લેજે.” ફટાકડાનું નામ સાંભળી પોતે કેટલો ખુશ થઈ ગયેલો. બીજે દિવસે જલ્દી ઉઠીને પોતાના પિતા કરતાં પણ વહેલો તૈયાર થઈ ગયેલો. દીકરાનાં ચહેરા પરની ખુશી જોઈ એની માતા વાસંતીબેનને પણ એટલીજ ખુશી થઈ હતી. ભગવાને એમને દેવ જેવો દીકરો આપ્યો હતો. રૂપિયાની તંગીને કારણે એને નાની નાની ખુશી પણ આપી શકતાં નહોતાં એનો હંમેશા એમને અફસોસ રહેતો. આજે પોતાના પતિ એના દીકરાને ખુશી અપાવવા જઈ રહ્યા હતા. એ પણ દેવાંગ જેટલાજ ખુશ હતા. બાપ દીકરો બંને કારખાને પહોંચ્યા. રામજીભાઈએ પહેલાં એમને કારખાનાની મુલાકાત કરાવી. ખુલ્લી જમીનનાં થોડા વિસ્તારમાં થોડાં થોડાં અંતરે પતરાનાં શેડ હતાં. કારખાનામાં ન તો પીવાનાં પાણીની વ્યવસ્થા હતી ન તો કુદરતી હાજતની. ગંધક અને પોટેશીયમની માથું ભમી જાય એવી વાસ હતી. કારખાનાનાં શેડમાં વેંટીલેશનની પણ સગવડ નહોતી. આ બાળકો એમાં કેવી રીતે કામ કરતાં હશે ? રવિન્દ્રભાઈ વિચારતા હતા. પણ દેવાંગના મનમાં આવા વિચારો ક્યાંથી આવે ? એ તો ફટાકડા જોવામાં જ મગ્ન હતો. ત્યાં એણે બધા બાળકોને જ કામ કરતા જોયા.

એણે રામજીકાકાને પૂછ્યું પણ હતું, “કાકા, અહીં બધા બાળકોજ કેમ કામ કરે છે. એ લોકોને સ્કૂલે જવાનું નથી હોતું?”

ત્યારે રામજીકાકાએ કહ્યું હતું , “બેટા આ લોકો બહુ ગરીબ છે અને જો ઘરના બધાજ કામ ના કરે તો એમને બે ટાઈમનું ખાવાનું પણ નહીં મળે. એમના માતાપિતા બીજે મજુરીએ જાય અને આ બાળકો અહીં કામ કરવા આવે. એમનાથી ભારે વજનનું કામ તો ન થઈ શકેને દીકરા ? સ્કૂલે જવાનું તો એક સપનું જ હોય એમને માટે. આમાનાં ઘણાંને તો સ્કૂલ કોને કહેવાય એ પણ ખબર નહીં હોય.”

આ સાંભળી એને પોતે બહુજ માલદાર હોવાનો અહેસાસ થયેલો. પોતે તો સ્કૂલે પણ જઈ શકે છે અને એણે કામ પર પણ જવું નથી પડતું. પછી રામજીકાકા એને સ્ટોરમાં લઈ ગયા. કેટલા બ….ધા ફટાકડા ? એક સાથે એટલા બધા ફટાકડા જોઈને એ ગાંડો ગાંડો થઈ ગયેલો. જાણે ફટાકડાનાં શહેરમાં ખોવાઈ ગયેલો. દેવાંગ જ્યારે સ્ટોરના ફટાકડા જોવામાં મગ્ન હતો ત્યારે રવિન્દ્રભાઈ રામજીભાઈને પૂછતાં હતાં “રામજી, આ શેડમાંથી દારૂખાનાંની એવી તીવ્ર વાસ આવતી હતી કે મને જરી વારમાં ગૂંગળામણ થઈ ગઈ તો આ બાળકો કેવી રીતે કામ કરે છે ?”

“જવા દે ને રવિન્દ્ર, તને સાંભળીને દુ:ખ થશે. આ કારખાનાનાં માલિકો પોતાનાં નફા વિશે જ વિચારે. એમનાં પતરાનાં શેડનો, એમનાં માલનો વિમો ઉતારે પણ આ બાળકોની જીંદગીનું કંઈ નહીં. આવા કારખાનામાં કામ કરતા ઘણાં બાળકો તો શ્વાસની બિમારીનો ભોગ પણ બને છે. અને તને ખબર છે આટલું કામ કર્યા પછી પણ એમને મજૂરીમાં રોકડા ૨૦ થી ૩૦ રૂપિયાજ મળે. આ તો હું ભણેલો નથી. મને પગાર સારો આપે છે એટલે કામ કરું છું અને હવે હું આ બધાથી ટેવાઈ પણ ગયો છું.” ઉદાસ અવાજે રામજીભાઈ એ જવાબ આપ્યો.

દેવાંગે થોડા ફટાકડા પસંદ કર્યા હતાં અને અચાનક એક પ્રચંડ અવાજે બધાને ચમકાવ્યા હતાં. બધા સ્ટોરની બહાર દોડી આવ્યા. બહાર આવી તરતજ રામજીભાઈ પાછા સ્ટોરમાં આવી ગયા અને પોતાનું કામ કરવા લાગ્યા. આ જોઈને રવિન્દ્રભાઈ અંદર આવ્યા અને રામજીભાઈને પૂછતાં એમણે કહ્યું કે દારૂખાનાનાં કારખાનામાં તો આવા વિસ્ફોટ થયાજ કરે. રવિન્દ્રભાઈ માટે આ નવું હતું. દેવાંગના મન પર આની શું અસર થશે ? એ ગભરાઈને બહાર દેવાંગ પાસે આવ્યા. દેવાંગતો જાણે બાઘો બનીને આ જોઈ રહ્યો હતો. એક શેડમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કેટલાયે બાળકોનાં ફુરચા ઉડી ગયા હતાં. ઘણા ઘાયલ તો કેટલાક મ્રુત્યુ પણ પામ્યા હતાં. વિખરાયેલા માંસનાં લોચા જોઈને દેવાંગ તો ડરીજ ગયો હતો અને રવિન્દ્રભાઈ પાસે આવતાંજ એમને વળગી પડ્યો.

રવિન્દ્રભાઈ એને પાછા સ્ટોરમાં લઈ આવ્યા. રામજીભાઈ એ ફટાકડા પેક કરી દીધા હતાં. રૂપિયા આપી ફટાકડા લઈ રવિન્દ્રભાઈ ત્યાંથી નીકળી ગયા. આટલું બધું લોહી અને કણસતાં બાળકો એમણે પણ પહેલી વારજ જોયા હતાં. એમનાં મોંમાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો તો દેવાંગની હાલત તો શું પૂછવી. એ બંનેની હાલત જોઈને રામજીભાઈ પણ કંઈ ના બોલ્યાં. એ જાણતા હતા કે પોતાના માટે આ રોજનું હતું પણ એ પિતા-પુત્રએ તો પહેલીવારજ આ જ જોયું હતું. એ બંનેની હાલત રામજીભાઈ સમજતા હતા એટલે એ બંને ને એમણે વિદાય કર્યા. બાપ-દીકરો ઘરે આવી ગયા. ખુશી ખુશી ઘરેથી ગયેલા બાપ-દીકરાને ઉતરેલે મોંએ ઘરે આવેલા જોઈને વાસંતીબેને કારણ પૂછ્યું જવાબમાં રવિન્દ્રભાઈએ ત્યાં બનેલી ઘટના કહી. વાત સાંભળી એમણે તરતજ દેવાંગને છાતીસરસો ચાંપી દીધો. એમને એ ખુશી હતી કે પોતાનો દીકરો એ અકસ્માતનો ભોગ બન્યો નહોતો. ત્રણ-ચાર દિવસ ઘરમાં ઉદાસી ફરી વળી હતી.

દીવાળીના દિવસે રવિન્દ્રભાઈએ દેવાંગને ફટાકડા ફોડવાનું કહેતા એ રડી પડ્યો. જ્યારે જ્યારે એ ફટાકડાને જોતો ને એને લોહીથી લથબથ બાળકો દેખાતાં. એણે એ ફટાકડા કોઈ પોતાનાથી પણ ગરીબને આપી દેવા કહ્યું. રવિન્દ્રભાઈએ ભીખ માંગવા આવેલા એક નાના છોકરાને એ ફટાકડા આપી દીધા હતાં. ત્યારથી આજ સુધી આ ઘરમાં કદી ફટાકડા આવ્યાં નથી. પછી તો રવિન્દ્રભાઈએ નોકરી છોડી નાનો ધંધો શરુ કર્યો અને સફળ રહ્યા. ઘણા રૂપિયા આવ્યા તો પણ દેવાંગે પોતે લીધેલો નિયમ આજ સુધી પાળ્યો હતો. હવે જ્યારે પોતાનો દીકરો નિહાર ફટાકડા માટે જીદ કરે છે ત્યારે એને કેવી રીતે સમજાવવો ? દેવાંગની વેદના આંસુરૂપે અત્યારે પણ એની આંખમાંથી વહી રહી હતી. એના માથા પર વહાલ ભર્યો હાથ ફર્યો. એણે આંખ ખોલી જોયું તો સામે રવિન્દ્રભાઈ ઉભા હતા. એ એમને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. વાસંતીબેનના ગુજરી ગયા પછી બંને બાપ-દીકરા એકબીજાની વેદના બોલ્યા વિનાજ સમજી જતા હતા. રવિન્દ્રભાઈને ખબર હતી કે કેમ આટલો મોટો દેવાંગ આંસુ વહાવી રહ્યો છે. થોડી વાર માટે એમણે દેવાંગને રડવા દીધો. પછી પાણી પાઈ સ્વસ્થ કરીને આશ્વાસન આપ્યું કે પોતે આનો ઉકેલ લાવશે. તું શાંતીથી સૂઈ જા. બધી ચિંતા મારા પર છોડી દે.

રવિન્દ્રભાઈએ દેવાંગને કહી તો દીધું કે પોતે ઉકેલ લાવશે પણ શી રીતે એ વિચારવા લાગ્યા કારણકે જ્યારે દેવાંગે ફટાકડા નહીં ફોડવાનો નિયમ લીધો હતો ત્યારે એ અત્યારે નિહાર છે એના કરતાં મોટો હતો અને ગરીબી હતી એટલે એ થોડો સમજણો પણ હતો. હવે નિહાર તો નાનો પણ છે ને ગરીબી કોને કહેવાય એ તો એ જાણતો પણ નથી. એની તો બધીજ ઈચ્છાઓ એના જન્મથી જ પુરી થતી આવી છે. બહુ વિચાર્યા પછી મનમાં કંઈક નક્કી કરી એ પણ સૂઈ ગયા.

આજે નિહારનો શાળામાં જવાનો છેલ્લો દિવસ હતો. આવતીકાલથી શાળામાં દીવાળીનું વેકેશન હતું. નિહારને સ્કૂલબસમાં બેસાડી રવિન્દ્રભાઈ એમના મિત્ર રામજીભાઈને મળવા ગયા. એતો હવે કારખાને નહોતાં જતાં પણ હજુ એમની ઓળખાણ ત્યાં હતી. રવિન્દ્રભાઈએ પોતાની સમસ્યા રામજીભાઈને કહી અને પોતાને મદદ કરવા કહ્યું. રામજીભાઈ એમને મદદ કરવા તૈયાર થઈ ગયા. રામજીભાઈ સાથે કારખાને જવાનું નક્કી કરી રવિન્દ્રભાઈ ઘરે આવ્યા. બપોરે નિહાર શાળાએથી ઘરે આવ્યો અને જમીને રોજની જેમ દાદા સાથે સૂવા ગયો.

રવિન્દ્રભાઈએ નિહારને વહાલથી પૂછ્યું, “નિહારબેટા, તને ખબર છે ફટાકડા ક્યાં અને કેવી રીતે બને છે?” નિહારે નકારમાં ડોકું હલાવ્યું.

“તારે જોવા જવું છે ?”

નિહાર ખુશ થઈ ગયો અને બોલ્યો, “એ હા.. દાદાજી અને હું ત્યાંથી ફટાકડા લઈ પણ લઈશ.” અને પછી મોઢું ચડાવી બોલ્યો, “આ પપ્પા તો રોજ રોજ કહે છે કે અપાવીશ અપાવીશ અને અપાવતા જ નથી.”

“સારુ, આપણે જ્યાં ફટાકડા બને છે એ કારખાનું જોવા જઈશું. તું ત્યાંથી ફટાકડા લઈ લેજે.” અને રામજીભાઈ સાથે નક્કી કર્યા પ્રમાણે બધા કારમાં કારખાનું જોવા ગયા. રવિન્દ્રભાઈ એ જોયું કે આટલાં વર્ષોમાં કંઈજ બદલાયું નહોતું. પણ નિહાર માટે આ નવું હતું. એણે તો વિચાર્યું હતું કે કોઇ મો…ટા બીલ્ડીંગમાં ફટાકડા બનતા હશે પણ અહીં તો નાનાં નાનાં પતરાનાં શેડ હતાં. જેમાં પોતાના જેવા અનેક બાળકો કામ કરતા હતા. કોઇના શરીર પર ઢંગના કપડાં પણ નહોતાં અને ઘણાનાં શરીર પરતો દાઝ્યાનાં ડામ જેવા ડાઘા પણ હતાં.

એણે રામજીભાઈને પુછ્યું, “દાદા, આ લોકો પાસે કપડાં નથી ? અને એમનાં શરીર પર આ ડાઘા શેના છે ?”

રામજીભાઈએ જવાબ આપ્યો, “બેટા, અહીં કામ કરતાં કરતાં કોઇવાર અકસ્માતે આગ લાગે ત્યારે આ બાળકો દાઝી જાય છે એનાં આ ડાઘા છે અને આ બાળકો એટલાં બધાં ગરીબ છે કે રોજ તો શું પણ તહેવારમાં પહેરવા માટે પણ એમની પાસે કપડાં નથી હોતા.”

“તે એ લોકો કપડાં વગર સ્કૂલે કેવી રીતે જતા હશે?”

“બેટા એ લોકોએ તો સ્કૂલનું નામ પણ સાંભળ્યું નહીં હોય તો સ્કૂલે જવાની તો વાત જ ક્યાં ?”

નિહારને ખુબ ખરાબ લાગ્યું આ બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતાં અને એમને પહેરવા માટે કપડાં પણ નહીં ? મને તો દીવાળીમાં પપ્પા કેટલા બધા કપડાં અપાવે છે અને આ બાળકો પાસે એક જોડી કપડાં નથી. એ દુ:ખી થઈ ગયો. દાદા એને સ્ટોરમાં લઈ આવ્યા. એ એક પાકું મકાન હતું. એના મનમાં પાછો સવાલ ઉભો થયો કે કામ કરતા બાળકો પતરાના શેડમાં અને અહી તૈયાર ફટાકડા માટે પાકું મકાન ? રામજીભાઈ એને જ્યાં ફટાકડા રાખતા એ ઓરડામાં લઈ ગયા. પણ એનું ધ્યાન ફટાકડામાં નહોતું. એ પાછો રવિન્દ્રભાઈ પાસે આવ્યો.

“દાદા, આપણે પપ્પાએ આપેલા આ ફટાકડાનાં રૂપિયામાંથી આ બાળકો માટે કપડાં લઈએ તો પપ્પા ખીજાશે નહી ને ?” આટલા વખતમાં પોતાને નહીં આવેલો આવો સારો વિચાર નાનકડા નિહારના મનમાં આવ્યો. એમને ખુબ ખુશી થઈ. “ના..રે દીકરા! એમાં પપ્પા શું કામ ખીજાય ? પપ્પા તો ખુશ થશે કે મારો દીકરો આવું સારું કામ કરવાનો છે અને જો રુપિયા ખુટશેને ? તો વધારે રુપિયા પણ આપશે.”

“સાચે દાદાજી ? પપ્પા વધારે રુપિયા પણ આપશે ? તો તો આપણે એમને એક જોડી કપડાં અને એક જોડી ચંપલ પણ આપીશું. પછી તો પગમાં પણ એ લોકોને દાઝશે નહીં.”

રવિન્દ્રભાઈ ખુશ થયા. પૌત્રના વિચારો પર એમને ગર્વ થયો. પછી રામજીભાઈ સાથે મળીને ત્યાંના બાળકોની માહિતિ લઈ લીધી. બધા ઘરે આવ્યા. રાત્રે દેવાંગે પિતાને કારખાનામાં ગયા હતાં ત્યાં શું થયું એ પુછતાં રવિન્દ્રભાઈએ બધી વાત કરી. દેવાંગને પણ પોતાના પુત્ર પર ગર્વ થયો. સૂતેલા નિહારના કપાળ પર વહાલથી ચુંબન કર્યું અને સંતોષથી સુઈ ગયો. બીજે દિવસે રવિન્દ્રભાઈને રુપિયા આપી ખરીદી કરી આવવા કહ્યું. રામજીભાઈ અને રવિન્દ્રભાઈ મળીને ખરીદી કરી આવ્યાં. પછી બધાજ નિહાર સાથે જઈને કારખાનામાં મિઠાઈનાં બોક્ષ, કપડાં અને ચંપલ વહેંચી આવ્યાં. આજે નવું વર્ષ હતું. રવિન્દ્રભાઈ અને દેવાંગ તથા રૂપલનાં મનમાં નિહાર માટે ગર્વ હતો.

નિહારના ચહેરા પર ખુશી હતી. આજે પેલાં ગરીબ બાળકો પણ પોતાની જેમ નવાં કપડાં પહેરશે. નિહારને ખુશ જોઈને ઘરનાં બીજા બધાં પણ ખુશ હતાં અને સૌથી વધારે ખુશી થઈ હતી કારખાનાનાં બાળકોને. આજે એવું નવું વર્ષ હતું જ્યારે એ બાળકો નવાં વસ્ત્રો અને નવાં પગરખાં પહેરી રહ્યા હતાં.

– નિમિષા દલાલ

અક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ મજૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ