ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2


ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. ગીતા અઢાર અધ્યાયમાં વિભાજિત છે અને એના 700 શ્લોક છે.

મહાભારતની કથાનાં મૂળભૂત સામૂહિક પાત્રો છે પાંડવો અને કૌરવો. પાંચ પાંડવો : યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ એ પાંડુપુત્રો છે. કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર સો સંતાનોનો પિતા છે. ધૃતરાષ્ટ્ર આંધળો છે, અને એનો સમર્થ પુત્ર છે દુર્યોધન. કર્ણ એ મૂળ તો પાંડવ છે, કુન્તા એની માતા છે. કૌમાર્યાવસ્થામાં કુન્તાને સૂર્યના મંત્ર દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો તે કર્ણ. સમાજને કારણે કુન્તાએ પુત્રને ત્યજી દીધો અને રાધા નામની શૂદ્ર સ્ત્રીએ એને ઉછેર્યો. તેથી એ સૂતપુત્ર તરીકે ઓળખાયો. કર્ણને જીવનભર એક રહસ્ય સતાવતું રહ્યું : મારો પિતા કોણ? શસ્ત્રસ્પર્ધામાં સૂતપુત્ર હોવાને કારણે કર્ણનો છેદ ઊડી ગયો. સ્વયંવરમાં દ્રૌપદીએ કર્ણને જોઈ કહ્યું : `હું સૂતપુત્રને નહીં વરું.’

મહાભારતના યુદ્ધના કેન્દ્રમાં જુગાર છે, અને દ્રૌપદી છે. ભરસભામાં પાંચ પ્રતાપી પતિની પત્ની દ્રૌપદીનું વસ્ત્રહરણ થાય છે અને હોડમાં દ્રૌપદીને પણ હારી ચૂકેલા પાંડવો કશું જ કરી શકતા નથી. દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચાય છે ત્યારે તેની નિ:સહાય ચીસ સાંભળીને કૃષ્ણ ચીર પૂરે છે. દુર્યોધન જ્યારે દ્રૌપદીને જાંઘ પર બેસાડવાની વાત કરે છે ત્યારે ભીમ પ્રતિગ્યા લે છે કે જ્યાં સુધી દુર્યોધનની જાંઘ ચીરીને એના લોહીથી દ્રૌપદીના કેશ નહીં સીંચું ત્યાં સુધી હું જંપીશ નહીં. દ્રૌપદીનો પણ સંકલ્પ છે કે જ્યાં સુધી વેર લેવાશે નહીં ત્યાં સુધી હું વાળ છૂટા રાખીશ. પાંડવો જુગારમાં હારી ગયા છે, વનવાસ વેઠે છે, અગ્યાતવાસ વેઠે છે, અને જ્યારે બધું પાર કરીને પોતાને વસવા માટેની, પોતાના હકની જમીન માગે છે ત્યારે દુર્યોધન કહે છે : `હું સોયની અણી જેટલી પણ જગા નહીં આપું.’ દ્રોણ જેવા ગુરુ અને ભીષ્મ જેવા આજીવન બ્રહ્મચારી કૌરવોને પક્શે છે, કર્ણ પણ કૌરવોને પક્શે છે, કારણ કે શસ્ત્રસ્પર્ધા વખતે જ્યારે કર્ણનું અપમાન થયું ત્યારે એને દુર્યોધને આશરો આપ્યો હતો. આ અન્યાય છે એ વાત આ મહારથીઓ ખુલ્લે દિલે જાહેરમાં કહેતા નથી. ભીતરમાં સદ્ભાવ છે, પણ વાણી અને આચાર વિનાનો સદ્ભાવ અંતે તો વાંઝિયો જ હોય છે. પાંડવોને પક્ષે કૃષ્ણ છે. કૃષ્ણને પાંડવોમાં સૌથી વધુ પ્રીતિ અર્જુન માટે છે. આ એ અર્જુન છે કે જે દ્રૌપદીને સ્વયંવરમાં પામ્યો અને `પાંચે જણા વહેંચીને ભોગવો’ એવી કુન્તામાતાની આગ્યાથી દ્રૌપદી પાંચે પાંડવોની પત્ની થઈ. દ્રૌપદીને સવિશેષ પક્શપાત અર્જુન માટે છે, કારણ કે દ્રૌપદી ભલે પાંચની હોય છતાં પણ એ અર્જુનના પુરુષાર્થનું પરિણામ છે.

કૃષ્ણને અર્જુનની જેમ દ્રૌપદી માટે વિશેષ પક્શપાત છે. કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ એ કોઈ પણ નામના પાટિયા વિનાનો સાચો સંબંધ છે. આમ અર્જુન અને દ્રૌપદીને કારણે કૃષ્ણ પાંચે પાંડવોની પડખે છે. બીજું કારણ એ પણ છે કે પાંડવોનો પક્શ એ ધર્મનો પક્શ છે; ન્યાયનો પક્શ છે. અને ભગવાન હંમેશાં ધર્મ અને ન્યાયની પડખે અને અન્યાયની સામે હોય છે.

જ્યારે પાંડવોનો હક આપવાની કૌરવો ઘસીને ના પાડે છે ત્યારે યુદ્ધ સિવાય કોઈ આરોઓવારો રહેતો નથી. માણસે પોતાના ધર્મ માટે, ન્યાય માટે, રક્શણ માટે લડવું અનિવાર્ય છે. આ યુદ્ધ એ બીજું કશું જ નહીં, દુર્યોધનની દુર્બુદ્ધિનું પરિણામ છે. પાંડવો યુદ્ધને ઝંખતા નથી. પણ યુદ્ધ વિના છૂટકો જ નથી. અને એટલે જ પાંડવોને પક્શે જે યુદ્ધ છે તે ધર્મયુદ્ધ છે. કૃષ્ણ અર્જુનના રથના સારથિ તરીકે કામ કરે છે. જેનો દોરનારો શ્યામ હોય એને ભય શું કામ? ગીતાની વાત કરતાં પહેલાં આટલી પશ્ચાદ્ભૂમિકા જરૂરી હોવાથી આપી.

ગીતાનું જન્મસ્થાન યુદ્ધભૂમિ છે. સામસામે બન્ને સેનાઓ છે. અર્જુન રથમાં છે. કૃષ્ણ એના સારથિ છે. અર્જુનનું બીજું નામ પાર્થ છે એટલે કૃષ્ણ પાર્થસારથિ તરીકે ઓળખાય છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં જઈને (અહીં ક્લિક કરીને) ડાઊનલોડ કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)