Daily Archives: July 27, 2012


ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


વાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

વિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી? તેનાથી આપણને શું ફાયદો? આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે? આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે.