બે ગઝલ… – ભાવિન ગોપાણી 11


લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

૧. આપો….

બુજાવે આ અગન તેવી અસરકારક દવા આપો,
નહીતર રાખ કરવામાં મદદકારક હવા આપો.

પડે લેવી સમાનપણે બંનેની કાળજી કાયમ,
નવા આપો હરીફો કે પછી મિત્રો નવા આપો.

કહે છે કોણ? ઘડપણ સમય ની સાથે જ આવે છે,
શરીરો ઘડપણ નહી પામે જો વિચારો જવાં આપો.

ખુદા તારી મહેફીલે ઉઠાવી હાથ શું માંગું ?
કહેવાનો સદા એમ જ ખુદા આપો ખુદા આપો .

જે ઉલફતમાં કફન બાંધી ફના જ થવા પ્રવેશે છે,
દવા તેની નથી કોઈ ખરા દિલથી દુઆ આપો .

તરસથી સળગતી આખી સફર પાર કરનારા ને,
ન આપો જો તળાવ – નદી ફક્ત થોડા કુવા આપો.

નહી ચાલે હવે આપ નું ફક્ત એક જ નજર જોવું,
નજર આપો અહી જયારે સતત આપો સદા આપો..

“ભાવ” – ૧૦/૦૭/૨૦૧૨

ગાલગાગા લગાલગા ગાલગાગા લગાલગા.

૨.

છાંવમાં બેસવાની જો ગલત આદત પડે નહી,
તો કદી તાપમાંય ખુદને મુસીબત પડે નહી.

છાંટ કાદવની સતત દેખાય મોહક કમળ ઉપર,
કોણ આથી કહે કે? મિત્રોની સોબત પડે નહી.

ઉઘડતા જ્યાં નથી સદા દ્વાર મતલબ ગરજ વગર ,
તે નગરમાં કદી અમારેય નિસ્બત પડે નહી.

શોધ કરું છુ નજૂમી ની ધારણા જે કરે નહી,
સાંભળવુ છે વિધાન મારે બસ ગલત પડે નહી.

તેટલા હેતુ થી અમે શોખ કોઈ નથી કર્યા,
ક્યાંક આગળ વધી અને તેની આદત પડે નહી.

હું તમારો ચહેરો જોયા કરું કદર છે મને,
આ કદર નું ય નામ જો જો મહોબત પડે નહીં.

“ભાવ” – ૨/૫/૨૦૦૨

– ભાવિનભાઈ ગોપાણી

અમદાવાદના શ્રી ભાવિનભાઈ ગોપાણીની અક્ષરનાદ પર આ પ્રથમ બે રચનાઓ છે. તેમની ગઝલો આજે આપના પ્રતિભાવો માટે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ શ્રી ભાવિનભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બે ગઝલ… – ભાવિન ગોપાણી