સદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2


તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુતનુષુ
અભવ્યાનામસ્મિન્વરદ રમણોયામરમણીમ્
વિરંતુ વ્યાક્રોશીં વિદધત ઈહૈકે જડધિયઃ I૪I

પુષ્પદંત મહારાજે સ્તુતિ કરવા માટે પોતાની યોગ્યતા પ્રાપ્ત કરી અને ઈશ્વરની સ્તુતિ પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે જ કરી રહ્યા છે તેવું સ્તુતિનું પ્રયોજન પણ બતાવ્યું.

હવે અહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ! તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય? આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી? ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો? અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ? ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી?

આવા ઈશ્વરના અસ્તિત્વને નકારતાં, પડકારતાં નાસ્તિક લોકોના પ્રશ્નનું નિરાકરણ અને તેના દ્વારા ઈશ્વરના ઐશ્વર્યની સ્તુતિ અહીં કરવામાં આવે છે.

પુષ્પદંત મહારાજ જણાવે છે કે આ સંસારમાં કેટલાક જડ બુદ્ધિવાળા લોકો છે જેમની બુદ્ધિ હંમેશા જડ, સ્થૂળ વસ્તુઓનું જ ચિંતન કરે છે. મનુષ્યને બીજા પ્રાણી સમુદાયથી શ્રેષ્ઠ હોવાનો અહેસાસ આ બુદ્ધિશક્તિને કારણે જ તો છે. પણ કહેવાય છે કે ઘણા લોકો જન્મથી જ અવળી રીતે ચાલવાના સ્વભાવવાળા હોય છે. બુદ્ધિ મળી જવા માત્રથી આપણે શ્રેષ્ઠ સિદ્ધ નથી થઈ જતાં. આ બુદ્ધિના અવળા કે ખોટા ઉપયોગને કારણે જ તો બિન લાદેન જેવા આતંકવાદીઓ સમગ્ર વિશ્વની શાંતિને અશાંતિ અને ભયમાં પરણીત કરતાં હોય છે. આવી કુબુદ્ધિ કરાવતા લોકો ઈશ્વરના અસ્તિત્વના સંદર્ભમાં શંકા ઉઠાવ્યા કરતા હોય છે. આવા બુદ્ધિ અને શરીરથી યાંત્રિકતાપૂર્વક કર્મ કરનારા લોકોને ચેતન તત્વનો કોઈ વિચાર આવતો જ નથી. તે લોકો માને છે કે કર્મ થયું અને ફળ મળ્યું તેમાં વળી ઈશ્વર વચ્ચે ક્યાંથી આવ્યો? આવા વિચાર કરનારાઓની કક્ષામાં આજના ભણેલા ગણેલા, એજ્યુકેટેડ લોકોનો પણ સમાવેશ થાય છે.

૧૧ વર્ષ મૌન ધારણ કરનાર ભગવાન રમણ મહર્ષિ આવા લોકોને ઉદ્દેશીને જ તેમના ઉપદેશસાર નામના ગ્રંથની શરૂઆતમાં જ કહે છે કે ભાઈ, કર્મ કદાપિ પર, ઉત્કૃષ્ટ કે અનંત હોઈ શકે? ક્યારેય નહીં કારણ કે તે તો જડ છે. કર્મનું ફળ તો ઈશ્વરના અનુગ્રહથી જ મળે છે પરંતુ કૂવામાંના દેડકાની જેમ સંકુચિત દ્રષ્ટિ ધરાવતાં તે લોકો ચેતન ઈશ્વરને સ્વીકારી શક્તા નથી.

વાસ્તવમાં તો જે બુદ્ધિનો ઉપયોગ કરી આપણે ઈશ્વર નથી તેવું સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ તે બુદ્ધિશક્તિ પણ ઈશ્વરે જ આપેલી છે કારણકે આ બુદ્ધિરૂપી શક્તિ કોઈ વ્યક્તિએ નથી બનાવેલી.. એ તો આપણને જ આપવામાં આવી છે. આ સંદર્ભે એક રમૂજ વાત આ મુજબની બની હતી.

એક વખત કોલેજમાં તત્વજ્ઞાન વિષય ભણાવતા પ્રોફેસરે નક્કી કર્યું કે આજે તો વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઈશ્વર નથી જ તે સાબિત કરી દેવું છે. ૪૫ મિનિટના પિરિયડ દરમ્યાન તે પ્રોફેસરે અનેક દલીલ, દ્રષ્ટાંતો દ્વારા ઈશ્વર હોઈ જ ન શકે તે વિષય પર બોલ્યા. અંતમાં એક આદર્શ પ્રાદ્યાપકની અદાથી વિશ્વાસપૂર્વક વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમે બધા સમજી ગયા ને કે ઈશ્વર નથી?’

આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ બધા વિદ્યાર્થીઓએ ડોકી ધુણાવી હા પાડી. ત્યારથી તે પ્રોફેસરથી બોલી જવાયું, ‘થેન્ક ગોડ.’ તેનો અર્થ એવો જ કે ઈશ્વરની કૃપા વગર તમે ઈશ્વર નથી તેવી દલીલ પણ ન કરી શકો.

આવા જડ બુદ્ધિવાળા કુતાર્કિક લોકો જે ભગવાન વિશે અનેક બાલિશતાભરી ફરિયાદો કર્યા કરે છે તેને પૂછીએ કે ભગવાન શું કોઈનો નોકર છે કે આપણે તેને જે કાંઈ કહીએ તે ચૂપચાપ કર્યે જાય? આપણે કહીએ કે પરીક્ષામાં મને પાસ કર એટલે પાસ કરે અને મારા દુશ્મનને નાપાસ કર્ર એમ કહીએ એટલે તેમને નાપાસ કરે. હું અને મારા પરિવારના લોકો માંદા ન પડીએ. ચીકનગુનિયા કે સ્વાઈન ફ્લુ મારા પાડોશીને થાઓ… આમ મારું ધારેલું હંમેશા મને ભગવાન આપ્યા કરે…. એટલે શું ભગવાન આપણા નોકર છે? અને મારી માગણી મુજબ ન મળતા આપણે ભગવાનની નિંદા કરીએ આમ પ્રત્યક્ષ દેખાતી વસ્તુને જ સત્ય માનનારા લોકોને પુષ્પદંત જડ બુદ્ધિવાળો કહે છે.

આવા પ્રતિપક્ષના મતનું ખંડન કરી અને ભગવાનની સ્તુતિ કરતાં ગંધર્વરાજ કછે છે કે હે વરદ, આપનું જે ઐશ્વર્ય છે એ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોથી ત્રણ સ્વરૂપમાં વહેંચાયેલું છે. જેમ કે રજોગુણનો આશ્રય લઈને સૃષ્ટિ સર્જન કરતું બ્રહ્માજીનું સ્વરૂપ, સત્વગુણનો આશ્રય લઈને સૃષ્ટિનું પાલન કરતું વિષ્ણુનું સ્વરૂપ અને તમોગુણનો આશ્રય લઈને સૃષ્ટિનો સંહાર કરતું રૂદ્રનું રૂપ… જગતમાં સર્જન, સ્થિતિ અને વિનાશ સતત ચાલ્યા જ કરે છે… જગતના ઉદય, રક્ષણ અને પ્રલયરૂપી ક્રિયાઓ દ્વારા ભગવાનનું ઐશ્વર્ય વ્યક્ત થઈ રહ્યું છે. વળી જગતમાં ચાલતી સર્વ ઘટનાઓ નિયમ મુજબ વ્યવસ્થિત રીતે બન્યા કરે છે. કુદરતના નિયમોનું ઉલ્લંઘન કોઈ કરી શક્તું નથી. ગંગાજી ચિરકાળથી હિમાલયમાંથી નીકળી સમુદ્ર તરફ વહી રહ્યા છે તેમને ક્યારેય પોતાનો પ્રવાહ પાછો વાળી હિમાલય તરફ જવાનું મન થતું નથી. ભગવાન સૂર્યનારાયણ દરરોજ સવારે ઉદય પામે છે અને દરરોજ સાંજે અસ્ત પામે છે, એ ક્યારેય કેઝ્યુઅલ લીવ – રજા પર જતા નથી. સૂર્ય અને ચંદ્રના ગોળાઓ સતત નિયત રીતે ભ્રમણ કર્યા કરે છે, તે પડી જતા નથી, પરસ્પર અથડાઈ જતા નથી. તેને કોઈ દિવસ થાક ખાવાનું મન થતું નથી આમ આ બધામાંથી કોઈ પણ નિયમનું અતિક્રમણ કે ઉલ્લંઘન ક્યારેય કરતા જણાતા નથી.

આ વ્યવસ્થા પરથી જ તેનો કોઈ વ્યવસ્થાપક હોવો જોઈએ, કોઈ નિયંતા હોવો જોઈએ એવું સહેજે માની શકાય તેવું છે અને આ નિયંતા કે વ્યવસ્થાપક એટલે જ ઈશ્વર. આ નિયતરૂપ નિયમો દ્વારા જ ઈશ્વર જગતને ચલાવી રહ્યા છે. આ સમજદારી સાથે પુષ્પદંત મહારાજ ત્રણ વેદો (ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ)નું પ્રમાણ પણ આપે છે. વેદોમાં વર્ણન આવે છે કે આત્મારૂપ ઈશ્વર જ આકાશરૂપે, વાયુરૂપે, અગ્નિ રૂપે, પાણી રૂપે અને પૃથ્વી રૂપે પ્રગટ થાય છે આ બધું ઈશ્વરનું જ ઐશ્વર્ય છે.

આ દીવા જેવા ચોખ્ખા સત્યને ન સમજી શકનારા લોકોને પુષ્પદંત અભવ્યાનામ એટલે કે અભાગીયા કહે છે.

અહીં પુષ્પદંત ભગવાન માટે એક શબ્દનો ઉપયોગ કરે છે, હે વરદ એટલે કે જે કંઈ પણ માંગો તે આપનાર છે. અત્યારના આધુનિક સમયમાં પાશ્ચાત્ય જગતમાંથી આવેલી એક નવી વિચારધારા પ્રખ્યાત થઈ રહી છે જેને પોઝીટીવ થિંકિંગ – હકારાત્મક વિચારધારા કહેવામાં આવે છે. તેનો કેન્દ્દ્રિય વિચાર આજ છે કે તમે જેવું વિચારશો તેવા તમે બની જશો. આ કુદરત કલ્પવૃક્ષ સમાન છે, તમે જે માંગશો તે તમને આપે છે. ત્યાં એક જાદુઈ ચિરાગના જીનની કલ્પના કરવામાં આવે છે.

આ જીન જ્યારે પણ પ્રગટ થાય એક જ વાત બોલે છે – તમારી ઈચ્છા એ જ મારો હુકમ, તમે જે વિચારોને વારંવાર વાગોળ્યા કરો છો એ જ તરંગો તમારી આસપાસ ઉત્પન્ન થઈને કુદરત પાસે પહોંચે છે અને કુદરત આ તરંગોને ભૌતિક રૂપ આપી તમારી સમક્ષ તમારો ઈચ્છનીય પદાર્થ રજૂ કરી દે છે. હવે આ વિચાર સાથે ભારતીય ઋષિઓના વિચારોને સરખાવીએ તો શાસ્ત્રમાં એમ જ કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે પણ પ્રસન્ન થાય ત્યારે ભક્તના વરદાનના પ્રત્યુત્તરમાં હંમેશા તથાસ્તુ જ બોલે છે. એટલે કે તારી ઈચ્છા મુજબનું જ થાઓ. તેથી પુષ્પદંત મહારાજ કહે છે કે હે ભગવાન તારી પાસે જે પણ કોઈ વ્યક્તિ કે કોઈ પણ ભાવથી આવે તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. ભગવાન તારો આ જ સ્વભાવ છે – તથાસ્તુ ! આવું હોવા છતાં સાચું કહીએ તો આપનને ભગવાન પાસેથી માંગતા પણ નથી આવડતું, આજે કંઈક માંગીએ અને કાલે તે વસ્તુ મેળવતા તેનાથી ત્રાસી જઈએ છીએ. વળી ભગવાન પાસે જઈને રડીએ છીએ કે હે ભગવાન, મને આ વસ્તુ માંગવા જેવી છે અને તે છે માત્ર ભગવાન. જગતનો નાથ આપણને મળી જાય તો પછી જીવનરૂપી યુદ્ધમાં આપણો જ વિજય નિશ્ચિત બને છે તેથી જ તો મહાભારતમાં જ્યારે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને માગ્યા ત્યાં જ તેનો યુદ્ધમાં વિજય નિશ્ચિત થઈ ચૂક્યો હતો તેથી જ તો ગીતાના અંતમાં કહેવામાં આવ્યું કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે ત્યાં જ વિજયરૂપી આનંદ છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

  • hardik yagnik

    પુ.ગુરુજીને વંદન્ લખાણ સરસ છે ગમ્યુ. છેલ્લો ફકરો કંયાક વાંચ્યો હોય તેમ લાગ્યુ. થોડૂ યાદ આવ્યુ કે વિશ્વવિખ્યાત “ધી સિક્રેટ પુસ્તકમાં સંપુર્ણ પણે આજ ઉદાહરણથી આ વાત સમજાવામાં આવી છે. આજ વસ્તુ દર્શાવે છે કે દુનીયાના કોઇપણ ખુણામાં જાવ ભાષાની ભીન્નતા હોઇ શકે છે સમજણ અને સત્યતો એકજ રહેલ હોય છે.