મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર:
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: ૧.
શ્લોક અર્થ – હે મહાદેવ! આપના મહિમાની ઉત્કૃષ્ટ અવધિને ન જાણનારની મારી આ સ્તુતિ જો અપર્યાપ્ત હોય તો બ્રહ્માજી વગેરે સર્વજ્ઞની વાણી પણ આપના વિષયમાં તો અપર્યાપ્ત જ છે. માટે પોતાની બુદ્ધિની મર્યાદાનુસાર ગુણગાન ગાનાર સર્વ ક્ષમાને પાત્ર છે. તો પછી મારો પણ આ સ્તોત્રમ વિષયમાં પ્રારંભ આ પ્રયત્ન અનિંદનીય ગણાવો જોઈએ.
શ્લોક ચિંતન – આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય ચે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી.
કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વરની મહિમાનું વર્ણન અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન જીવો કઈ રીતે કરી શકે? પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી ત્યાં સુધી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે વર્ષોથી નિયમિત ગરમી અને પ્રકાશ આપતો સૂર્ય અને શીતળતા આપતો ચંદ્ર બનાવ્યો, દેશ અને કાળની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં.
તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે? જે સર્વજ્ઞ હોય તે જ આ મહાન કાર્ય કરી શકે. એ દ્રષ્ટિએ કદાચ બ્રહ્માજી આમ કરવામાં સફળ થઈ શકે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બ્રહ્માજી પણ ઈશ્વરની શક્તિનો પાર પામી શક્યા નથી.
આ જ સત્યને ઉજાગર કરતી પુરાણોક્ત કથા એવી છે કે બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે ચર્ચા ચાલી કે આપણા બંનેમાંથી મોટું કોણ? બ્રહ્માજીએ અભિમાનપૂર્વક કહ્યું કે, હે વિષ્ણુ! હું જગતનો પિતામહ છું, તમારો રક્ષક પણ છું.. વિષ્ણુએ કહ્યું, આ સમગ્ર જગત મારામાં રહ્યું છે, વળી તમે મારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છો તેથી મારા પુત્ર કહેવાઓ છતાં અસત્ય શા માટે બોલો છો? આમ બન્ને વચ્ચે ‘કોણ સૌથી મહાન’ એ બાબતે યુદ્ધ શરૂ થયું તે સમયે ભગવાન શંકરે અગ્નિસ્તંભનો આકાર ધારણ કર્યો અને ઉભય પક્ષની વચ્ચે સ્થિર સ્વરૂપે ઉભા રહ્યા ત્યારે બ્રહ્માજી ઉપરની દિશા તરફ આકાશ માર્ગે તેનો તાગ મેળવવા ગયા પરંતુ ઈશ્વરના સ્વરૂપના મૂળ સુધી પહોંચી ન શક્યા. આ જ કથાને આપણે ૧૦મા શ્લોકમાં વિસ્તારથી સમજીશું. આમ બ્રહ્માજી વગેરે સર્વજ્ઞ પણ પ્રભુ આપના ગુનનું મથન કરે તો તેમની વાણી પણ અલ્પ જ સાબિત થાય છે. તેઓ પણ આપના આ મહિમાને સંપૂર્ણ રીતે વર્ણવી શક્તા નથી. તો પછી આપની સ્તુતિ કરવાનું મારું શું ગજું આપણી ગુજરાતી ભાષાની કહેવત મુજબ શું ગંગુતૈલી રાજા ભોજની યોગ્ય પ્રસંશા કરી શકે?
આમ, હે પ્રભુ! આપની સ્તુતિ કોઈનાથી પણ સંપૂર્ણ રીતે થઈ શકે તેમ નથી.
આવી સુંદર તર્કપૂર્ણ અને ભાવવાહી સ્તોત્રની શરૂઆત કર્યા બાદ કવિરાજ પુષ્પદંત મહારાજ કહે છે કે વ્યક્તિ પોતાની મતિ અનુસાર આપના ગુણગાન કરે તે ક્ષમ્ય એટલે કે ક્ષમા આપવાને યોગ્ય જ છે. તે સજા કે નિંદાને પાત્ર નથી. તેથી જ તો આ સ્તોત્ર દ્વારા આપની સ્તુતિ કરવાનો હું જે પ્રારંભ કરી રહ્યો છું તે પણ નિર્દોષ ગણાવો જોઈએ.
અહીં આપણે એક વાત પર ધ્યાન દેવાની જરૂર છે કે કવિએ પોતાની બુદ્ધિની મર્યાદા અને ઈશ્વરની મહાનતાનો આદરપૂર્વક સ્વીકાર કર્યો છે. ‘જ્યાં સુધી વ્યક્તિને પોતાની મર્યાદાનું ભાન થતું નથી ત્યાં સુધી ઈશ્વર શરણાગતિ અશક્ય બને છે.’ વ્યવહારમાં આપણે એમ માનતા હોઈએ છીએ કે મારા જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન કોઈની પણ મદદ લીધા વગર મારી મેળે જ મેળવી લઈશ. આવા પ્રકારની માન્યતા કે ભ્રમણામાંથી જ તો આપણી અંદર અહંકાર અને અભિમાનરૂપી રાક્ષસો જનમ્યા કરે છે. વિશ્વના સુપ્રસિદ્ધ ગ્રંથ ભગવદગીતામાં પણ બીજા અધ્યાયમાં જ્યારે અર્જુન પોતાની બુદ્ધિની મર્યાદા વિશે સભાન થયો ત્યારે જ તે કૃષ્ણ પરમાત્માને ચરણે શરણાગતિ સ્વીકારી. મિત્રમાંથી શિષ્ય બનવાની ઘોષણા કરે છે.
ઈશ્વર જ આપણા પિતા છે, ઈશ્વર જ આપણી માતા છે, આપણે તેના પ્યારા સંતાનો છીએ એવા બાળસહજ ભાવ સાથે પરમાત્માની સ્તુતિ કે પ્રાર્થના કરીએ તો ઈશ્વર જરૂરથી પ્રસન્ન થાય. બાળકની કાલીઘેલી વાણીથી પણ ગુરુ, પિતા અને માતા પ્રસન્ન થાય છે કારણ કે બાળકની મર્યાદાને તેઓ જાણે છે, પણ સાથે સાથે બાળકનો તેમના પ્રત્યેનો પ્રેમ પણ તેઓ જોઈ શકે છે.
પ્રથમ શ્લોકની અંતિમ પંક્તિમાં પુષ્પદંત મહારાજ પ્રભુ માટે હે હર…! એવો શબ્દપ્રયોગ કરે છે. હર શબ્દનો અર્થ થાય છે જે હરી લે છે તે, હરણ કરી લે છે તે. તો ઈશ્વર આપણું શું હરી લે છે? કહેવાય છે કે,
હરતિ પાપાની ઈતિ હરિઃ
ભગવાન આપણા દુષ્કર્મોમાંથી જન્મેલા પાપોને હરી લે છે. પોતાના ભક્તના પાપોનું હરણ કરવું તે જ ભગવાનનો સ્વભાવ છે. શ્રીમદ ભાગવતમાં પણ કૃષ્ણલીલામાં ભગવાન શ્રીકૃષ્ણ વ્રજ ગોપીઓના વસ્ત્રોનું હરણ કરે છે તે કોઈ વાસનાજન્ય કર્મ હોઈ જ ન શકે, પરંતુ તેનો અર્થ એવો છે કે પ્રભુ ગોપીઓના અહંકારરૂપી વસ્ત્રનું, દેહાત્મ બુદ્ધિનું, મમકાર અથવા મમતાનું હરણ કરે છે.
તેથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ! અજ્ઞાનમાંથી જન્મેલા મારા અહંકાર, મમકારને દૂર કરવા હું શક્તિમાન નથી તેથી આપ તેને જ્ઞાનનો પ્રકાશ પાથરી દૂર કરો. અનેક આપત્તિઓના વાદળથી હું એટલો ઘેરાયેલો છું કે આપના દર્શન તો ઠીક, આપનું સ્મરણ પણ હું સારી રીતે કરી શક્તો નથી. આથી આપ મારા માર્ગમાંથી વિપત્તિઓ, વિઘ્નો, અવરોધો, મારા રાગ દ્વેષ અને વિકારોને દૂર કરો.
આમ, પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજ પોતાનો અહંકાર ઈશ્વરના ચરણે સમર્પિત કરે છે. શ્લોકની શરૂઆતમાં ભગવાનની સ્તુતિ કોઈથી પણ થઈ શકે તેમ નથી એવું કહીને મહાન સ્તુતિ કરવામાં આવી અને ત્યારબાદ બધી જ સ્તુતિ ભગવાનને અનુરૂપ જ છે કારણ કે ઈશ્વર કરુણામયિ, દયાળુ છે એમ કહીને કવિ પોતાની સરળતા અભિવ્યક્ત કરે છે.
– સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી
શિવનું રટણ અને તેની લીલાઓનું મનન મનને શાંત પ્રદેશ માં લઈ જાય છે
ધન્યવાદ !!
જય શિવ શંકર!!!!
bhagvan shiv mahimano sundar lekh vanchine manne ghani shanti thai. thankes.