અસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ 7


‘દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ બસ એક બાર મેરા કહા માન લીજીએ.’

હવેલીમાં સુરીલો સ્વર ગુંજી રહ્યો હતો. ને એ સુરીલો સ્વર હતો રૂપાનો. રૂપા ગાઈ રહી હતી, સામે બેઠેલા લોકો વાહવાહી કરી રહ્યા હતાં. મહેફીલનું આ છેલ્લું ગીત હતું. ગીત પુરું થતાંજ મહેફીલ વિખરાઈ ને પરદા પાછળથી એક આગંતુક અંદર આવ્યો. એને જોઇને રૂપાની આંખોમાં દર્દ અને ગુસ્સો આવ્યો પણ એ તરત જ અંદરનાં ઓરડામાં જતી રહી..

“ભાઈ, મહેફીલ પુરી થઈ ગઈ છે. કાલે આવજો.” માઈએ એની સામે જોયા વિનાજ રૂપિયા ગણતાં કહ્યું. પણ આગંતુકની નજર એ ઓરડા પર હતી જ્યાંથી રૂપા અંદર ગઈ હતી. એ ખસ્યો નહી એટલે માઈએ એની સામે જોયું,

“ઓ ભાઈ, કાલે આવજો કહ્યું ને. સંભળાતું નથી ?” માઈએ થોડા ગુસ્સામાં કહ્યું.

“મારે સીમાને મળવું છે.” એ બોલ્યો.

“સીમા ? એ કોણ ? અહી કોઇ સીમા નથી.” માઈએ નફીકરા અંદાઝમાં કહ્યું. “એ… જે હમણાં ગાઈ રહ્યાં હતાં.” આગંતુકે કહ્યું.

“એનું નામ સીમા નથી પણ રૂપા છે.” હવે આગંતુકે બારણા તરફથી નજર હટાવી માઈ સામે જોયું.

“ના એ સીમા જ છે..મારું દિલ કહે છે એ સીમા જ છે. તમે એને બોલાવોને !” આગંતુકે આજીજી ભર્યા સ્વરે કહ્યું.

“જુઓ ભાઈ, મેં આપસે તમીઝસે બાત કર રહી હું. તમે જતા રહો નહીં તો મારા માણસોને બોલાવી મારે ધક્કા મારી તમને બહાર કાઢવા પડશે.” ફરી એક નજર પેલા ઓરડા તરફ નાખી આગંતુકે વિદાય લીધી. રૂપા પરદા પાછળથી એ બધું સાંભળી રહી હતી. આગંતુકના જતાં જ એ દોડીને પોતાના ઓરડામાં જતી રહી અને પલંગ પર ઉંધી પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રૂપા એને માઈએ આપેલું નામ હતું. એનું સાચું નામ તો સીમા જ હતું. ભુતકાળની તમામ યાદો સાથે એ સીમા નામને પણ ભુલવા લાગી હતી.

“બેટા આ અમર જ હતો ને ? ” માઈનો મમતા ભર્યો સ્વર અને સ્પર્શ પામીને રૂપાએ માઈનાં ખોળામાં માથું નાખી દીધું ને એમને વળગીને રડી રહી.

“હા માઈ, આ એજ હતો.” માઈએ રૂપાને રડવા દીધી. રડતાં રડતાં ક્યારે રૂપાની આંખ લાગી ગઈ એ ખબર ના પડી. માઈએ ધીમેથી એનું માથું ઓશિકા પર મુક્યું અને રૂમમાંથી બહાર નીકળી ગયાં. બીજે દિવસે સવારે રૂપા મોડી ઉઠી. રડી રડીને એની આંખો સુજી ગઈ હતી. આજે રોજિંદા રીયાઝ માટે પણ એ નહી ઉઠી શકી અને માઈએ પણ એને ઉઠાડી પણ નહીં.

ગલીનાં છેવાડે આવેલી હવેલીમાં રૂપાનાં ઓરડાની બહાર એક વરંડો હતો જેમાંથી સામે સમુદ્ર દેખાતો હતો. હવેલીની દિવાલ પાછળ રસ્તો જતો હતો ને એ રસ્તાનાં સામી તરફના ફુટપાથની કિનારે દરિયા તરફ એક લાંબી પાળી હતી જ્યાં સાંજનાં સમયે સહેલાણીઓ આવીને બેસતા. વરંડામાં આવતાં જ ઠંડી હવાની લહેરખી રૂપાનાં ચહેરાને સહેલાવી ગઈ. રૂપાને ખુબ ગમતો નેતરનો ઝુલો માઈએ એને વરંડામાં લટકાવી આપ્યો હતો. માઈને ત્યાં રહેતી બીજી છોકરીઓ કરતાં રૂપા દેખાવડી પણ વધુ અને એનો અવાજ પણ વધુ સુરીલો એટલે એ માઈની સ્પેશીયલ ટ્રીટમેંટ પામતી. કોફી નું કપ લઈ રૂપા ઝુલા પર બેઠી. એની નજર સામે નાની સીમા દોડી રહી.

“સીમા.. સીમા .. ઉભી રહે…” એનાં પિતા બૂમ મારતાં મારતાં એની પાછળ દોડી રહ્યા હતાં.

“આજે તો હું જ પહેલો પહોંચીશ ઉભી રહે તો…” સીમાનાં પિતા એને પકડવાની નકલી કોશીશ કરી રહ્યાં હતાં અને સીમા એમના કરતાં પહેલાં ઘરે પહોંચી ગઈ ને મમ્મીને વળગી પડી.

“મમ્મી… આજે પણ મેં પપ્પાને હરાવી દીધા.” એના મોં પર જીતની ખુશી હતી. એની મમ્મી એનાં માથા પર સ્નેહભર્યો હાથ ફેરવી રહી હતી.

“આજે જીતી ગઈ ને ? કંઈ નહીં કાલે તો હું જ જીતીશ જોજે.” પિતાએ નકલી નારાજ થતાં કહ્યું હતું.

“બાપુ તમને ખબર છે શહેરમાં આ…..ટલા મોટા મોટા મકાનો હોય.” બંને હાથ પહોળા કરીની સીમા બોલતી હતી. ને “આ……ટલી મોટી બસો હોય. ને બાપુ બસમાં પણ બે માળ હોય…ને બાપુ ત્યાંતો મોટી મોટી છોકરીઓ પણ આટલા આટલા કપડાં પહેરે.” ઘુંટણ થી ઉપર હાથ રાખીને સીમા એ કહ્યું. બાપુ એની એકધારી વાણી સાંભળી રહ્યાં હતાં ને સીમા અમરે વર્ણન કર્યા મુજબ શહેરની વાતો એના બાપુને કરી રહી હતી..

“એ બાપુ મારે પણ શહેર જવું છે.” ને સીમાની વાત અટકી.

“તને ખબર છે ને બેટા! તે દિવસે આપણા ગામનાં મેળામાં બહુ બધા લોકોને જોઇ તું ગભરાઈ ગયેલી. અને પેલા રમકડાંની દુકાન પરથી તું ખોવાઈ ગયેલી. તે રામજીકાકાએ તને રડતા જોઇ ને ઘરે મુકી ગયા હતાં. બેટા , શહેરમાં તો રોજ મેળા જેવું જ હોય. ત્યાં બહુ બધા લોકો હોય અને દોડતાં હોય. આપણે તો ત્યાં ખોવાઈ જ જઈએ.” બાપુએ વહાલથી એની વાત નકારી. સીમા ઉદાસ થઈને રમવા જતી રહી.

સીમા એનાં માતા પિતાની એકની એક દિકરી હતી અને બંનેને ખુબ વહાલી હતી. સીમાની એક દિવસની દુરી એમનાથી સહન નહી થતી. લગ્નનાં ઘણા વર્ષો પછી કેટલાય દોરા ધાગા ને અંતે ભગવાને એમને સીમા આપી હતી. સીમાએ જ્યારે બાળપણ છોડીને તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે એનાં જીવનમાં પ્રવેશ થયો હતો અમરનો. અમર એનાં કોઈ દૂરનાં સગા સાથે ત્યાં વેકેશન ગાળવા ગામ આવ્યો હતો. બધાં બાળકો જ્યારે રમવા એકઠા થતાં ત્યારે અમર શહેરની મોટી મોટી વાતો કરતો અને બધા નવાઈ થી સાંભળી રહેતા એમાંની એક સીમા પણ હતી. અમરની વાતો સાંભળીને એને શહેર જોવાની ઈચ્છા થતી. ઘરે આવી એ એના પિતાને શહેર લઈ જવા કહેતી અને પિતા વહાલથી એની એ વાત ટાળી દેતાં. એથી તો સીમાનું શહેર પ્રત્યેનું કુતુહલ વધતું જતું. અમર વાત કરતો એમ એને શહેરમાં છોકરીઓ પહેરતી એવા કપડાં પહેરવાનું મન થતું… બે માળની બસ જોવાનું મન થતું…. અહી તો ખાલી તળાવનો કિનારો જોયો હતો..પણ અમરે દરિયાનાં લાં……બા કિનારાનું જે વર્ણન કરું હતું ત્યાં જવાનું મન થતું.

રોજ રાત્રે બધાં બાળકો ચોતરા પર અમરને સાંભળવા જતાં જાણે એ કોઇ નેતા ના હોય ! એ ચોતરા પર બેસતો અને બધા બાળકો નીચે ધુળમાં. વેકેશન પુરુ થતાં અમર તો પાછો શહેર જતો રહ્યો. પણ સીમાની આંખમાં કેટલાક સપનાં મુકતો ગયો. બીજે વર્ષે ફરી વેકેશન પડતાં અમર આવ્યો. આ વખતે બધાં બાળકો માટે કંઈ ને કંઈ વસ્તુ લાવ્યો હતો. અમરે આપેલી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો એ અમર શિખવાડતો. સીમા અને એની ઉમરનાં બીજા બાળકો અમરને અહોભાવ થી જોતાં અને સાંભળતાં. હવે વર્ષ દરમિયાન સીમા વેકેશન પડવાની રાહ જોતી રહેતી. શહેર વિશે જાણવાનું એને મન થતું. એ પછીનાં બે-ત્રણ વેકેશન અમર નહી આવ્યો. એક વેકેશનમાં જ્યારે આવ્યો ત્યારે અમરને જોઇ સીમા કારણ વગર શરમાઈ ગઈ. આ વખતે અમરે એને વાત કરવા એકાંતમાં બોલાવી ત્યારે એ ખુબ ખુશ થઈ હતી કારણ કે બીજી છોકરીઓ થી વધારે અમરે પોતાને મહત્વ આપ્યું. અમર એને પોતાની નોકરી વિષે.. શહેરની સગવડો વિષે.. શહેરની રહેણી કરણી વિષેની વાતો એટલા વિસ્તારથી અને એવી ઢબે કહેતો કે સીમા શહેર જવા લલચાતી. એ જેટલા દિવસ ગામમાં રહ્યો એટલા દિવસ બંને એકાંતમાં મળતા રહ્યાં.

“ના ..ના…. હું એકલી શહેર નહી જાઉ.” સીમા જીદે ચડી હતી. અમર એને સમજાવી રહ્યો હતો.

“જો સીમા , તું આમ જીદ ના કર.”

“અરે ! મેં ત્યાં કંઈ જોયું નથી. એટલા બધા લોકોની વચ્ચે હું તો ખોવાઈ જાઉં. ના અને ના તું સાથે આવશે તો જ હું શહેર આવીશ.” “અરે મારા મિત્રો સ્ટેશન પર તને લેવા આવશે ને ? બે જ દિવસનો સવાલ છે ને ?”

સીમા નકાર માં ડોકું ધુણાવતી રહી ને અમર સમજાવતો રહ્યો. અંતે અમરે સીમાને એકલી શહેર જવા મનાવી લીધી. પણ સીમા સમજી નહોતી શકતી કે અમર એની સાથે આવવાની ના કેમ કહે છે ? પોતાને એકલી કેમ મોકલે છે ?

ટ્રેનમાં બેસતાં બેસતાં પણ સીમા એ અમરને પુછ્યું, “એના મિત્રો ચોક્કસ સીમાને લેવા આવશે ને ?”
અમરે કહ્યું. “હા સીમા, મારી વાત થઈ ગઈ છે એ લોકો સાથે. તું ચિંતા ના કર. અને મેં ગઈકાલે તારો જે ફોટો પાડેલો એ પણ મોકલી દીધો છે એટલે એ લોકો તને તરત ઓળખી જશે.” નવી ટેક્નોલોજી થી અંજાઈ ગયેલી સીમાએ આંખમાં આંસુ સાથે અમરની વિદાય લીધી હતી.

અમરનાં કહ્યા મુજબ એના મિત્રો સ્ટેશન પર સીમાને લેવા આવ્યા હતાં. સીમાને લઈ મિત્રો રૂમ પર આવ્યાં.

“સીમાજી, તમે અહી અંદર કડી લગાવીને સુઈ જજો અમે બહારજ સુતા છીએ કામ હોય તો બોલાવજો.” દિપકે કહ્યું.

સીમા કડી લગાવી સુઈ ગઈ ને અમર સાથેના સહજીવનના સપનાં જોવા લાગી. મોડીરાત્રે અચાનક બારીમાંથી કોઇના આવવાનાં સંચારે સીમા જાગી ગઈ. અંધારામાં એણે એક માનવ આકાર જોયો. હજુ એ કંઈ સમજે એ પહેલાં તો એ આકારે કડી ખોલી નાખી અને એક બીજો માનવ આકાર અંદર આવ્યો. બંને માંથી એક આકારે એનું મોં દબાવ્યું અને બીજા આકારે એને હતી ન હતી કરી નાખી. એ બૂમો મારવા માગતી હતી પણ મજબુત હાથની પકડમાંથી એ છુટી ના શકી. અને પોતાનું બધું જ લુટાવી બેઠી.

અંધારાનાં ઓછાયામાં એ જાણી પણ નહી શકી કે એ લોકો કોણ હતા ? બીજે દિવસે એણે અમરનાં મિત્રોને વાત કરતાં એને ખબર પડી કે અમરે તો આ લોકોને પોતાને વેચી દીધી છે અને એ રુપિયામાંથી એ ગામની બીજી છોકરીને ફસાવીને અહી લાવવાનો છે. સીમાને ખુબ દુ:ખ થયુ એને પોતાના માતા-પિતા યાદ આવ્યા. એણે અમરના મિત્રોને પોતાને ગામ મુકી આવવા વિનંતિ કરી પણ એના મિત્રો સહમત નહી થયા.

“હવે તો સીમાને ખબર પડીજ ગઈ છે તો દિવસે પણ મજા લઈએ અને બીજાને બોલાવી આપણા રુપિયા વસુલ કરી લઈએ.” સીમાએ અમરનાં મિત્રોને આમ વાત કરતાં સાંભળ્યા ત્યારે એને રડવું આવી ગયું. દિવસ દરમિયાન એક મિત્ર સીમાની ચોકી કરતો ને બીજો મિત્ર ઘરાક શોધી લાવતો. આમ દિવસો પસાર થયા ને એક દિવસ સીમાને ભાગી છુટવાનો મોકો મળી ગયો. એ ભાગી તો ખરી પણ લોકોનાં ટોળાઓ ની વચ્ચે ગભરાઈ ગઈ ને એક ખુણામાં સંતાઈને અવર જવર જોતી હતી ત્યાં માઈએ એને જોઈ અને પોતાની સાથે હવેલી પર લઈ આવ્યા. સીમા પાસેથી માઈએ એની બધી આપવીતી જાણી. માઈ એ એનું નામ બદલીને સીમા માંથી રૂપા કરી દીધું. ત્યારથી સીમા અહી રૂપા બનીને જીવી રહી છે. આજે અમરે સીમાને પાછી જીવતી કરી.

રોજ અમર એક વાર સીમાને મળવા આવતો અને માઈ એને કાઢી મુકતાં પણ બીજે દિવસે પાછો અમર હાજર..

રૂપાનું મન હમણાં ગાવામાં નહોતું લાગતું.. એનું જ ગાયન સાંભળવા આવતાં બધાંને કોઇક ને કોઇક બહાનાથી માઈ વિદાય કરતાં.

“રૂપા , દિકરા , કેટલા દિવસ તું આમ જ વિતાવીશ ? રોજ બધા તારો જ અવાજ સાંભળવા માગે છે ને હું બહાના કાઢીને કંટાળી ગઈ છું.”
એ રાતે ફરી હવામાં સુરીલો અવાજ ગુંજી રહ્યો.

‘જુસ્તજુ જીસકી કી ઉસકો તો ના પાયા હમનેં , ઈસ બહાને સે મગર દેખલી દુનિયા હમને’…

મહેફિલ વીખેરાતાં જ રોજની જેમ અમર આવ્યો. આટલા વર્ષોનો ગુસ્સો સીમાએ એકસાથે અમર પર કાઢ્યો. અમરને બોલવાની તક આપ્યા વિના પોતાને જે બોલવું હતું એ બોલીને પાછી અંદરનાં ઓરડામાં જતી રહી. અમર આંખમાં આંસુ સાથે બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયો. બીજે દિવસે સવારમાં માઈએ હવેલી નો દરવાજો ખોલતાં એક લાલ કપડું બાંધેલ બે કળશ અને એક પત્ર જોયો. એમણે આમતેમ જોયું કોણે મુક્યો હશે ? અંદર આવી એમણે પત્ર ખોલ્યો એ સીમાને સંબોધીને લખેલો અમર નો પત્ર હતો. માઈએ રૂપાનાં હાથમાં અમરનો કાગળ મુક્યો. રૂપાએ પત્ર વાંચવો શરુ કર્યો.

સીમા

મારા પર ગુસ્સો ઠાલવીને તેં સાબિત કરી દીધું કે તું રૂપા નથી સીમા છે. તો હું તને તારા ગયા પછી ગામમાં શું થયું એ કહેવા માગું છું. તને શહેરમાં મોકલી હું ઘરે આવ્યો. બીજે દિવસે ચંદુ દોડતો દોડતો ઘરે આવ્યો ને કાકાને કહેવા લાગ્યો કે તારા પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો છે અને આપણા ગામનાં ડૉક્ટરે એમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા પડશે એમ કહ્યું છે. તું તો જાણે છે કે આખા ગામમાં ખાલી મારા કાકા પાસે જ ગાડી હતી. એટલે અમે તારા પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા. તારા જવાનો એમને આઘાત લાગ્યો હતો. મારા કાકાએ શહેરનાં ડૉ. સાથે એમને વાત કરતા નહી ફાવે કહી મને ત્યાં તારા માતા-પિતા સાથે રોકાવાનું કહ્યું. એ વખતે તો મનમાં ખુબ ગુસ્સો આવ્યો હતો. પણ ધીરે ધીરે એ લોકોની સાથે રહેતાં વાત કરતા મને મારી જાત પર તિરસ્કાર આવ્યો. મને ખૂબ પસ્તાવો થયો. મેં મારા મિત્રોને ફોન કર્યો પણ એ લોકોએ મારો ફોન ના ઉચક્યો. મેં તારા માતાપિતા ની સેવા કરવા નો નિર્ણય લીધો.

તારા પિતાને લકવો થઈ ગયો હતો. એક દિવસ હોસ્પિટલ વાળાએ એમની હાલતમાં કોઇ સુધારો નહી થશે કહ્યું ને અમે ગામમાં પાછા આવી ગયાં. એ પછી બે વર્ષ જીવ્યા તારા પિતા. એ ઘણી વાર થોથવાતી જીભે કહેતા કે જો સીમા કોઇ નાલાયક સાથે ભાગી ના ગઈ હોત તો એ મને એમનો જમાઈ બનાવી લેતે. એ રાતે હું ખુબ રડ્યો હતો. તારા પિતા એમ પણ કહેતા કે જો મારું મૃત્યુ થઈ જાય તો અગ્નિદાહ તું આપજે અને મારી દીકરીને શોધીને એની પાસે ત્રિવેણી સંગમ પર મારા અસ્થિઓનું વિસર્જન કરાવજે. મેં એમને વચન આપ્યું એ જ રાતે એમનું નિધન થયું અને એ પછી થોડાંજ દિવસોમાં તારી માતા પણ પરલોકવાસી થઈ ગઈ. બંનેની અસ્થિઓ લઈ શહેર આવ્યો. પહેલું કામ મેં મારા મિત્રોને તારા વિષે પૂછવાનું કર્યું. એ લોકો પાસે તારા કોઈ સમાચાર નહોતા. ખોટા કામ તો મે ક્યારનાં છોડી જ દીધાં હતાં એટલે મેં એક રીપોર્ટરની નોકરી લીધી જેથી બધે ફરતાં હું તને શોધી શકું. બે વર્ષથી હું તને શોધતો હતો. એક દિવસ આ શહેરમાં હું પબ્લિકમાં ઈન્ટર્વ્યુ લેતો હતો ત્યાં મારી નજર તારી પર પડી તું કોઇ જાજરમાન લેડી સાથે જતી હતી. હજુ હું તને બોલાવું એ પહેલાં તો તું ટોળામાં ખોવાઈ ગઈ. પણ તું આ શહેરમાં જ છે એ મને ખબર પડી ગઈ. હું તને શોધી કાઢીશ એ મને વિશ્વાસ હતો. એ રાતે મેં એક જાણીતો સુરીલો અવાજ સાંભળ્યો. એ તારો હતો. મેં ગામમાં ક્યારેક પાણી ભરતાં કૂવા પર તો કોઇ વાર નદી પર કપડાં ધોતી વખતે તું ગાતી એ અવાજ સાંભળ્યો હતો. હું હવેલીમાં દાખલ થયો ને પડદા પાછળથી તને જોઇ. મારી ખુશીનો પાર નહોતો. જોગાનુજોગજ હું જે હોટલમાં ઉતર્યો હતો એની સામેના જ મકાનમાં તું રહેતી હતી. મહેફીલ પૂરી થતાં મેં તને મળવાની કોશીશ કરી પણ…

મેં ધીરજ રાખી ને અંતે આજે તેં સ્વીકાર્યું કે તું જ સીમા છે. તારી જે અમાનત હું વર્ષોથી સાથે લઈને ફરુ છું એ આજે તને સોંપુ છું. આ બેઉ કળશમાં તારા માતા-પિતાનાં અસ્થિઓ છે. એમની મરજી પ્રમાણે ત્રિવેણી સંગમ પર જઈ એ અસ્થિઓનું વિસર્જન કરી એમનાં આત્માને શાંતિ અપાવજે. અમર.

– નિમિષા દલાલ

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા આજના સમાજની વરવી બાજુ દર્શાવે છે. આવી ઘટનાઓ તો આપણા સમાજની નબળી અને ગુનાહિત માનસીકતા રજૂ કરે છે. નિમિષાબેનની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે. તેમની વાર્તાઓની આગવી માવજતને લીધે વાંચવી ગમે તેવી હોય છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અસ્થિ વિસર્જન (ટૂંકી વાર્તા) .. – નિમિષા દલાલ