નવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012) 18
અમારા સહ-પ્રવાસીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.