જૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…


મિત્રો,

આજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ (Jean-Baptiste Talleu) ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા.

વ્યવસાયે એક ગ્રાફિક ડીઝાઈનર એવા જૅન જુલાઈ ૨૦૦૭માં વિશ્વભરના સાયકલ પ્રવાસે નીકળ્યા. ફ્રાન્સમાં પ્રવાસ પૂરો કરી ભારતમાં તે આવ્યા, અહીંથી તે ચીન જવાના હતા પરંતુ તે દરમ્યાન ડિસેમ્બર ૨૦૦૭ માં જ તે ભારતમાં ગુમ થઈ ગયા. તેમના કોઈ સમાચાર ત્યારથી મળી શક્યા નથી. ફ્રેન્ચ અને ભારતીય પોલીસ તપાસ કરી રહી હોવાનું કહે છે, પરંતુ આજ સુધી કોઈ ભરોસાપાત્ર જાણકારી કે કડી મળી શકી નથી. તેના માતાપિતા વર્ષમાં બે વખત પુત્રને શોધવા ભારત આવે છે અને નિરાશ થઈને પાછા જાય છે.

જે પત્રવ્યવહાર મને પ્રાપ્ત થયો તે શ્રી ધ્રુવભાઈ ભટ્ટને પત્રકાર અને લેખક ડોમિનિક હોલ્ટન તરફથી પ્રાપ્ત થયેલ ઈ-મેલ હતો જેમાં તેમણે જૅનના માતાપિતા તરફથી તેમને શોધવામાં મદદ કરવાની વિનંતિ કરે છે. તેઓ કહે છે, ‘ગત માર્ચમાં જ્યારે હું જૅનની માતા સાથે ભારત આવ્યો તે સમયે પાછા વળવાના જ દિવસે અમને એક નવા સાક્ષીનો સંપર્ક થયો, મુંબઈના એક જૈન ડોક્ટર જેમણે જૅન બાપ્ટિસ્ટ વિશે વર્તમાનપત્રોમાં વાંચેલુ, તેમણે મને કહ્યું કે એક મહીના પહેલા તેઓ ગિરનારની પરિક્રમાએ ગયા હતા, ગિરનારમાં, જૈન મંદિરમાં તેમણે એક યુવાનને, લાંબા વાળ – ભૂરા શર્ટમાં જોયેલો. તેમણે તે યુવાન સાથે વાત પણ કરી હતી અને તેમની બોલવાની ઢબ પણ ફ્રેન્ચ હતી. તેણે ડોક્ટરને કહેલું કે હું વિશ્વના સાયકલ પ્રવાસે હતો અને મેં બધું જ ગુમાવ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે એ યુવાનનો ચહેરો જૅનના ચહેરાને મળતો આવતો હતો અને એ ખોવાયેલો છે એવી ખબર મને વર્તમાનપત્રોમાં તેના ફોટા જોયા પછી થઈ.

વર્તમાનપત્રો દ્વારા આ સાક્ષીએ જૅન વિશે માહિતિ મેળવી, તેણે જૅનની ખોવાયા અંગેની જાહેરાત પરથી તેની માતાપિતાનો ઈ-મેલ સંપર્ક સાધ્યો અને તેમને ઈ-મેલમાં પોતાનો ફોન નંબર આપીને સંપર્ક કરવા કહ્યું.

આ ગુજરાતની ક્ડીને અનુસરવા માટે જ જૅનની શોધ હવે આ વિસ્તારમાં કરવી પડે તેમ છે. શક્ય છે કે તેનો મતિભ્રમ થયો હોય, તે ગાંડો થઈ ગયો હોય અથવા સાધુ સંતોની સાથે ગિરનાર વિસ્તારમાં ભળી ગયો હોય. ભારતીય પોલીસ અને ફ્રેન્ચ એમ્બસીને પણ જૅનના માતાપિતાએ સંપર્ક સાધ્યો છે, પણ તેમનું માનવું છે કે પ્રગતિ ખૂબ ધીમે થઈ રહી છે.

ગિરનાર – જૂનાગઢ વિસ્તારમાં વસતા મિત્રોને વિનંતિ કરવાની કે આ કાર્યમાં શક્ય હોય તેવી રીતે પ્રતિભાવ આપે, શક્ય છે કે કોઈ ફ્રેન્ચ નાગરીક આ વિસ્તારમાં ખોવાઈ ગયો કે ભૂલો પડી ગયો હોય – તેની સાથે કોઈ દુર્ઘટના થઈ હોય અથવા તે ગાંડો થઈ ગયો હોય – સાધુઓ સાથે ભળી ગયો હોય વગેરે…

આ સાથે જૅનના બે ચિત્રો મૂક્યા છે.

આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે અને તેમની સંપર્ક વિગતો નીચે મુજબ છે.

Dominique Hoeltgen
journalist – writer
Paris – Mumbai
mob : 00 33 6 14 56 83 12
dominique.hoeltgen@gmail.com

આભાર.

આપનો પ્રતિભાવ આપો....