વાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


શ્રાવણસુધા

મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત
સ્તવ બ્રહ્મન કિં વાગપિ સુરગુરોર્વિસ્મયપદમ્
મમત્વેતાં વાણી ગુણ કથન પુણ્યેન ભવત:
પુનામીત્યર્થેડસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યોચસિતા: ૩.

વિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.

અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી? તેનાથી આપણને શું ફાયદો? આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે? આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે. સરકારી ઓફિસોમાં આવું જ કંઈક જોવા મળે છે. જેમ કે ઘણા લાંબા સમયથી તમારી ફાઈલ કોઈ એક સરકારી ઓફિસમાં કર્મચારીના ટેબલ પર રોકાઈ ગઈ હોય અને નમ્ર ભાવે તમે તે કર્મચારીને વિનંતિ કરો. ભાઈ મારી આ અગત્યની ફાઈલ આગળ ધપાવો ને કર્મચારી સરસ મજાનો સાંકેતિક જવાબ આપશે. સરકારી ઓફિસમાં દરેક ટેબલ ઉપર તે કર્મચારીના નામની લાકડાની પ્લેટ રાખવામાં આવી હોય છે. હવે આ સરકારી બાબુ નેઈમ પ્લેટને માત્ર ઉલટાવીને તમારી સામે રાખશે જેમાં (બ્રહ્મવાક્ય) લખ્યું હોય છે કે ‘આમાં મારું શું?’ એટલે કે આ ફાઈલને આગળ ધપાવવામાં મને કેટલા પર્રસન્ટેજ મળશે? આ તો માનવસહજ સ્વભાવની વાત થઈ.

અહીં ગંધર્વરાજ પુષ્પદંત ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે. ભગવાન પ્રસન્ન કઈ રીતે થશે? ઈશ્વર પ્રસન્ન ન થાય તો ઈશ્વરનો અનુગ્રહ ન મળે. અને ઈશ્વરના અનુગ્રહ વગર તેની સાથે ભક્ત પ્રેમસંબંધ કેવી રીતે બાંધી શકે? અને પ્રેમ સંબંધ વગર પરમ પુરુષાર્થ, મોક્ષ, જીવ-બ્રહ્મ ઐક્ય શી રીતે સિદ્ધ થાય?

અહીં ઈશ્વર સ્તુતિના મુખ્ય કારણની ચર્ચા ત્રીજા શ્લોકમાં કરતાં કવિરાજ કહે છે કે મધઝરતી પરમ અમૃતમય વાણીનું નિર્માણ કરવાવાળા આપને દેવતાના ગુરુ બ્રૃહસ્પતિની વાણી પણ શું વિસ્મિત, પ્રભાવિત કરી શકે? ના જ કરી શકે. તો પછી મારી આ વાણીથી આપ પ્રભાવિત થાઓ એવી આશા ક્યાંથી રાખી શકાય?

સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને બ્રહ્માજીનું હિરણ્યગર્ભનું સર્જન કર્યું અને વળી બ્રહ્માજીને વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું જેથી તે જગતનું સર્જન કરી શકે. આ વેદો ભગવાનના નિઃશ્વાસ રૂપે બ્રહ્માજી પાસે પ્રગટ થયા છે. તેથી આ વેદોનું પ્રાગટ્ય ઈશ્વર દ્વારા અનાયાસે સહજતાથી થયું છે. આ વેદોની વાણી મધઝરતી વાણી છે. વેદના મંત્રોનો અર્થ ખબર ન હોય તો પણ તેનું ઉચ્ચારણ કે શ્રવણ આપણા મનને પવિત્રતાના ભાવોનો અનુભવ કરાવે છે.

દેવોના ગુરુ બૃહસ્પતિ વાણીના અને બુદ્ધિના દેવતા છે. પરંતુ તેમનું સર્જન પણ ઈશ્વરે જ કર્યું છે અને તેમને વાણી પ્રદાન કરનાર પણ તેઓ જ છે. તેમના વાણી રૂપી ઉદ્યાનમાંથી ચૂંટેલા થોડા શબ્દ પુષ્પથી તેમની સાચી સ્તુતિ કેવી રીતે થઈ શકે? મારો જ મોબાઈલ કોઈ મારી પાસેથી લઈ જો મને જ ફરી ધરે તો હું શું પ્રભાવિત થવાનો છું/ હે ભગવાન, તમારી જ પાસેથી ઉછીની લીધેલી વાણીથી બૃહસ્પતિ પણ તમારી સ્તુતિ કરે તો તેમાં આપને અચરજ પમાડે એવું શું હોય?

ત્રીજી પંક્તિમાં કવિરાજ કહે છે કે આ સ્તુતિ તમારા મહિમા કે મહાનતામાં વધારો કરવા માટે નથી. અશક્ય કાર્ય કરવાની ધૃષ્ટતા કઈ રીતે કોઈ ભક્ત કરી શકે? પરંતુ તમારી સ્તુતિ કરવા પાછળનો મારો મુખ્ય હેતુ આ પવિત્ર કર્મ દ્વારા મારી વાણીની, મારા હ્રદયની, મારા મનની શુદ્ધિ જ છે. કહેવાય છે કે વાણીની શુદ્ધિ હરિનામ સંકીર્તન કે હરિકથાથી જ થાય છે. ઈશ્વરના સ્વરૂપ ચિંતનથી મન, બુદ્ધિ પવિત્ર થઈને પરિશુદ્ધ થાય છે. તેથી જ તો શાસ્ત્રોમાં ભારપૂર્વક કહેવાયું છે કે દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં નિયમિત રીતે પ્રભુ પ્રાર્થના કે સ્તુતિ કરવી જોઈએ. સત્સંગ કે હરિકથા કરાવનારા વક્તાઓ માટે પણ આજ સિદ્ધાંત હોવો જોઈએ કે જ્ઞાન આપવાનું પવિત્ર કર્મ પણ આત્મશુદ્ધાર્થે અથવા આત્મતૃપ્તાય ઈદં કથા અહં કૃઇષ્યે એટલે કે મારા અંતઃકરણની શુદ્ધિ માટે જ કે આત્મ પ્રસન્નતા, નિજાનંદ માટે જ હરિકથા કરી રહ્યો છું. આધુનિક સમયમાં શુકદેવમુનિનું બિરુદ પામનાર ડૉંગરેજી મહારાજ જ્યારે ભાગવદકથા કરતા ત્યારે તે શ્રોતાઓની તરફ જોતા પણ નહીં, તેમની વ્યાસપીઠ પર ભગવાન શ્રી કૃષ્નચંદ્રનો ફોટો રાખી તેની સામે જોઈને જ કથા કરતા. તે જ રીતે પુષ્પદંત મહારાજ અહીં જણાવે છે કે, હે ભગવાન ! માત્ર અને માત્ર મારી વાણીની શુદ્ધિ થાય અને તે દ્વારા મન પવિત્રતાને પ્રાપ્ત કરે તે હેતુથી જ આપની સ્તુતિ કરવા હું જઈ રહ્યો છું. ખરેખર તો આ કાર્ય સૂર્ય સામે દીવો ધરવા જેવું છે. સૂર્ય સામે દીવો ધરીએ ત્યારે તેમાં સૂર્યને પ્રકાશિત કરવાની ધૃષ્ટતા નથી હોતી, પરંતુ દીપારાધન દ્વારા તેની પૂજા કરવાનો હેતુ જ હોય છે.

અહીંયા પુષ્પદંતજી ભગવાનને હે પુરમથન એ રીતે સંબોધે છે. ભગવાન શિવજીના આ નામ પાછળ દેવોના દેવ મહાદેવે અસુરોના ત્રણ નગરોને એક જ બાણથી ભસ્મ કરી નાખ્યા હતા એ કથા છે, જે આ મુજબ છે,

મહાદેવના મોટા પુત્ર કાર્તિકેયે રાક્ષસ તારકાસુરનો નાશ કર્યો તેથી તેમના ત્રણ પુત્રો તારકાક્ષ, વિધુન્માલી અને કમલાક્ષ દેવોના વેરી બન્યા. આ ત્રણે અસુર પુત્રોએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા ઘોર તપ આદર્યું. તેઓની ઉગ્ર તપશ્ચર્યાના ફળસ્વરૂપે બ્રહ્માજી તેમના પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે અસુર પુત્રોએ માંગ્યુ કે અમને એવા ત્રણ નગરો બનાવી આપો કે જે બધા જ પ્રકારની સમૃદ્ધિથી ભરેલા હોય અને સલામતીની દ્રષ્ટિએ દેવોથી જીતાય નહીં એવા અભેદ્ય હોય. જેમાં તારકાક્ષે સોનાનું, કમલાક્ષે રૂપાનું અને વિધન્માલીએ વજ્રનું મોટું લોખંડી નગર માંગ્યું. વળી આ ત્રણે નગરો કોઈ એક જગ્યાએ સ્થિર ન રહેતાં આકાશમાં, પૃથ્વીમાં અને સ્વર્ગમાં ફરનારા હતા. ત્યારબાદ તારકપુત્રોએ સર્વ પ્રકારની સમૃદ્ધિથી સભર એ નગરોમાં રહી ભોગો ભોગવવા લાગ્યા.
આ રીતે અસુરોને સમૃદ્ધ અને બળવાન થતા જોઈને ઈન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા અને સર્વ દેવો સાથે મળીને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને સમજાવીને મહાદેવનું શરણ લેવાની સલાહ આપી. ત્યારબાદ બધા દેવતાઓ ભગવાન શંકર પાસે જઈને અનેક રીતે અવનવી પ્રાર્થના કરતાં ભોળાશંકર પ્રસન્ન થઈ ગયા અને દેવતાઓની પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે શિવજીએ રૂદ્રરૂપ ધારણ કરી વીરાસન વાળ્યું. દ્રષ્ટિ સંધાન કરી ધનુષ્ય ધારણ કરી અભિજિત મુહૂર્ત અને પુષ્ય નક્ષત્રમાં અમોઘ બાણ છોડ્યું, અગ્નિની ફણાવાળું તે વિષ્ણુરૂપ બાણ છૂટ્યું અને અસુરોના ત્રણે નગરોમાં પ્રવેશી નગરોને ભસ્મીભૂત કર્યા અને સર્વ અસુરો આ અગ્નિમાં બળી મર્યા.
આમ શ્રી પુષ્પદંત મહાદેવની આ કથાને યાદ કરતાં કહે છે કે હે પુરમથન ! દેવતાઓની સ્તુતિથી આપે ત્રિપુરાસુરોનો વધ કરી પૃથ્વીને પવિત્ર કરી હતી તેવી રીતે મારી વાણીને પણ પવિત્ર કરો. હે ઈશ્વર, આપને પ્રસન્ન કરવાનું મારું ગજું નથી. મારી વાણીથી હું સ્તોત્રગાન કરીને સત્સંગનો પ્રારંભ કરું છું, માતાએ પોતે શીખવેલા શબ્દો બાળક જ્યારે કાલીઘેલી ભાષામાં બોલી જાય છે ત્યારે માતા કેવી પ્રસન્નતા અનુભવે છે. આપ પણ હે પ્રભુ, વાત્સલ્યમૂર્તિ છો તેથી આપના બાળકની કાલીઘેલી સ્તુતિથી આપ પણ પ્રસન્ન થશો.

આપનો પ્રતિભાવ આપો....