[ શ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. ]
અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકર શ્રી જયંતભાઈ આચાર્યને
આજના જમાનામાં જયારે શિક્ષણનું વ્યાપારીકરણ થઇ ગયું છે, ત્યારે દરેક ક્ષેત્રની જેમ શિક્ષણક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં પ્રસરી ગયો છે. ગુરુ-શિષ્ય પરંપરા ભૂતકાળની ઘટના બની રહી છે. મોટાભાગના શિક્ષકો વિદ્યાદાન કરવાને બદલે અર્થોપર્જનાને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે પરમ વંદનીય શ્રી જયંતભાઈ આચાર્ય સાહેબ સતત યાદ આવે છે.
આ આચાર્ય સાહેબ એટલે રાજકોટની વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના મુખ્ય શિક્ષક. અમે તેમની પાસે જ ભણ્યા છીએ. ગુરુપૂર્ણિમા પર તેમની વિડીયો કેસેટ અમારા સ્મરણપટ પર રીપ્લે થઇ રહી છે. વિરાણી હાઈસ્કૂમાં આચાર્ય સાહેબના સાન્નિધ્યમાં વિતાવેલા વિદ્યાકાળના દિવસો તાજાં થાય છે.
તેમનાં જન્મને ૧૦૮ વર્ષ પૂરા થયા છે. શ્રી જયંતભાઈ છગનભાઈ આચાર્યનો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાના (ઝાલાવાડ) હળવદ ગમે તારીખ ૧૩ માર્ચ ૧૯૦૪ ના રોજ થયો હતો. બી.એ., એસ.ટી.સી. સુધીનો તેમનો અભ્યાસ. જયારે ભારત આઝાદ થવા થનગનતું હતું તે સમયના ભારતના કરાચીમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા. તેમની પડછંદ કાયા, તેમનો બુલંદ આવાજ ઝવેરચંદ મેઘાણીની યાદ અપાવી દે. મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થઈને તેઓ ૧૯૨૧થી રાષ્ટ્રીય રંગે રંગાયા.
સત્યાગ્રહ લડતના લડવૈયાઓ માટે તેઓ યુદ્ધગીતો રચતાં. શાળામાં તેમને આ ગીતો લલકારતા અનેકવાર સાંભળેલા,
‘મેરા સર જાવે તો જાવે, પર આઝાદી ઘર આવે.’
પાકિસ્તાનની ખટપટ સમયે તેમને લલકારેલું… ‘એ અયૂબ’ને એ ભુટ્ટો…’ તેમને સર્વધર્મ સમાનતા પણ એટલી જ સ્પર્શતી હતી. તેઓ ઉત્સાહપૂર્વક વિરાણી હાઈસ્કૂલના એ વિશાલ ખંડમાં સહુ વિદ્યાર્થીઓની વચ્ચે આ સિંધી ગીત ગાતા અને ગવડાવતા,
‘આગા હલી પસૂં હલો તો આસમાન વેખૂ,
આસમાનમેં મિડીયો હીં તારન, તારન જો ચંદ ભી તૂં.’
તેમણે આઝાદીની વિવિધ લડતોમાં પણ ભાગ લીધો હતો. તેઓ અનેકવાર જેલની સજા પણ ભોગવી ચૂક્યા હતા. આઝાદી પછી દેશના વિભાજન બાદ તેઓ રાજકોટ આવ્યા અને વિરાણી હાઈસ્કૂલમાં જોડાયા. તેમની સાથે શ્રી વારિયાસાહેબ પણ જોડાયા. આચાર્ય અને વારિયાની જોડી ગુજરાતભરના શિક્ષણશાસ્ત્રીઓમાં જાણીતી બની ગઈ. આ બંને શિક્ષણવિદ્દોએ, વિરાણી હાઈસ્કૂલનું નામ રાજ્યભરમાં ગુંજતું અને ગાજતું કર્યું. રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ગુજરાતના શાંતિનિકેતન સમી બની રહી.
આચાર્ય સાહેબની શિક્ષણની પદ્ધતિ અભૂતપૂર્વ હતી. તેઓ ૬૫ વર્ષની ઉમરે દિવસમાં બબ્બેવાર સાઈકલ ઉપર ઘરેથી આવતા. તેઓ સવાર અને બપોરની શિફ્ટમાં વિનામૂલ્ય એક્સ્ટ્રા વર્ગ શરૂ કરતા. તે પહેલાં અચૂક પ્રાર્થના કરાવતા. એ પ્રાર્થનાના શબ્દો આજે પણ અમારા કાનમાં એવાને એવાજ સંભળાય છે:
‘યા કુન્દેંદુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાંવૃત્તાં.
યા વીણા વર દંડમંડિતકરાં, યા શ્વેત પદ્માસના…’
ગણિત અને અંગ્રેજી તેમનાં પ્રિય વિષયો. વધારાના સમયમાં પણ તેમના એક્સ્ટ્રા વર્ગોમાં પણ એટલી જ કાળજીથી તેઓ અમને ભણાવતા. એ ઉમરે પણ થાકવાનું નામ નહીં. તેમને હરતા ફરતા શબ્દકોશ કહી શકાય. તેઓ બે બ્લેકબોર્ડ જોડીને બનાવેલા મોટા બ્લેકબોર્ડને એક જ શબ્દના વિવિધ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો સાથે વિવિધ શબ્દપ્રયોગો આપીને આખેઆખું ભરી દેતા! દરેક શબ્દની ખૂબી, ઉપયોગ અને અર્થભેદ એકદમ યાદ રહી જાય તેવી રીતે સમજાવતા. એ શબ્દો થકી જ અમારી શબ્દયાત્રા આજે પણ ચાલે છે! (આજે ગુજરાતમાં ગુજરાતીઓ – વિદ્યાર્થીઓ અને શિક્ષકોગુજરાતી ભાષાની જે ઉપેક્ષા કરે છે તે જોઈ, સાંભળી મન આળું થઇ જાય છે). ભાષા પ્રેમ શું છે એ ભાષાપ્રેમી જ સમજી શકે.
અર્વાચીને યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર આચાર્ય સાહેબ શિસ્તના ભારે આગ્રહી હતા. તે જમાનામાં પણ વીરની હાઈસ્કૂમાં આઠમાં ધોરણથી જ વિવિધ કોર્સનું શિક્ષણ આપાતું. શાળાના તમામ શિક્ષકો વિદ્વાન હતા અને વિદ્યાર્થીઓની પૂરી કાળજી લેતા હતા. સંગીત, કવિતા, સાહિત્ય વગેરે વિવિધક્ષેત્રે આચાર્ય સાહેબ જ્ઞાન અને રશ ધરાવતા હતા. તેઓ શબ્દશઃ શિક્ષણપ્રેમી, વિદ્વાન, ભાષાપ્રેમી હતા એટલે જ તેઓ સાચી જોડણી અને ઉચ્ચારોના બહુ આગ્રહી હતા અને દર બબ્બે મહીને પરીક્ષાઓ લેતા. વિરાણી સ્કૂલમાં ત્યારે ત્રિમાસિક, છમાસિક, નવમાસિક, બારમાસિક અને તેરમાસિક પરીક્ષાઓ બાકાયદા લેવાતી હતી! અને આજે ભાષા બચાવવા માટે અને તેનો ઉપયોગ વધારવા માટે જોડણીદોષને દોષ ન ગણવાની હિમાયત કરવામાં આવે છે! અત્યારે તો ગુજરાતી બચાવો ઝુમ્બેશે ગાંધીજીના શબ્દોને (જુઓ: સાર્થ જોડણીકોશ પ્રથમ પૃષ્ઠ) જાણે ઉલટાવી નાખ્યા છે…’હવે પછી સહુકોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર છે!’
તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, સિંધી, અરબી જેવી ભાષાઓના જ્ઞાની હતા એટલું જ નહીં પણ આ તમામ ભાષાઓની ડીક્ષનરીનો તેઓ સતત અભ્યાસ કરતા. તેઓ શાસ્ત્રીય સંગીતની પણ સમજ ધરાવતા હતા. તેમનો કંઠ બુલંદ હતો. ભારત-ચીનની લડાઈ વખતે તેઓ નીચે મુજબનું સ્વરચિત ગીત લલકારતા:
‘બુંગીયો વાગે, બુંગીયો વાગે
આજ હિમાલય પહાડને પાદર બુંગીયો વાગે…’
રમત ગમતના પણ તેઓ એટલા જ શોખીન હતા. તેમણે ક્રિકેટનો શોખ હતો અને તેઓ વિદ્યાર્થીઓ પણ રમતગમતમાં રસ લેતા થાય તે માટે નિશાળના દરેક વર્ગમાં દિવાલના ખૂણે જે સ્પીકર ફીટ કરાવેલા હતા તેમાં ક્યારેક રેડિયો ઉપરથી પ્રસારિત થતી ક્રિકેટની રનીંગ કોમેન્ટ્રી પણ સંભળાવતા!
તેમણે તેમનાં હજારો વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સદવિચારોનું સિંચન કર્યું, તેમણે સાચા અર્થમાં સંસ્કૃત કર્યા. તેઓ ગુરુ પરંપરાના સાચા અર્થમાં પુરસ્કર્તા હતા. આવા બહુમુખી પ્રતિભા સંપન્ન આચાર્ય સાહેબના શિક્ષણક્ષેત્ર સહીત અનેકવિધ ક્ષેત્રે આપેલા પ્રદાનને તેમનાં અસંખ્ય વિદ્યાર્થીઓ ક્યારેય વિસરી નહીં શકે. તેમની જન્મ શતાબ્દી પ્રસંગે તેમણે આ લેખ દ્વારા ભાવાંજલિ આપી ગુરુતાર્પણ કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. ભાવિ પેઢીના વિદ્યાર્થીઓ માટે તેમનાં કાર્યો અને તેમની સ્મૃતિ જાળવવા નક્કર પ્રયાસો થાય તો તે ભાવિ વિદ્યાર્થીઓ માટે પથદર્શક અને પ્રેરક બની રહેશે.
‘ગુરુબ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ
ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ’
– હર્ષદ અને હરેશ દવે
ghano j saaro prayas
તે હિ નો દિવસાઃ ગતાઃ
કહાં ગયે વો લોગ?
આ લાગણી આજના જીવનમાં ડગલે નેપગલેઅનુભવાયછે.
પણ આવા આચાર્યો અને શિક્ષકોના સ્મર્ણો થકી મન શાતા અનુભવે છે.
અમારી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયઆમાં જયંત ભાઈ આવેલ ત્યારે એમણે ગાયેલ”મેરા સર જાવે તો જાવે
પર આઝાદી ઘર આવે” નો એમનો પહાડી સ્વર સાંભળેલ તે આજે ૬૫ નીઉમરે પણ કાનમાં ગુંજારવ કર્યા કરે છે.
સર્વ ગુરુદેવો ને શત્-શત પ્રણામ…..
I am also a student of Virani Vividh Laxi Vidhyalay, studied there up to 1958, I do remember Shree Aacharya Saheb & Varia Saheb and my class teachers Shree P J Badheka, Shree V L Antani Saheb and Shree Antani saheb, I am Doctor today because of these gurus who tought me how to live life.
My PRANAMS and VANDAN TO all of them.
Dr J M KOTAK
Thank you very much, Hareshbhai and Harshadbhai for taking me to those days of Jayantbhai Acharya Saheb. I, too, have been one of his fortunate students and do agree to each single word of your article. Thanks once again.
તે હિ નો દિવસા: ગતા:
કહાં ગયે વો લોગ ?
દવે બંધુને અભિનંદન.
‘વિરાણી’ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ લેખ દ્વારા હું પણ મારાં એ સુવર્ણ વર્ષો- ૧૯૫૮/૧૯૬૧- માં ડુબકી મારીને આચાર્ય સાહેબની શાળાનાં કે પ્રાર્થનાગૃહનાં પ્રવેશદ્વાર પાસે મોડા પડેલ વિદ્યાર્થીઓ્ને ‘રૅડ-હૅન્ડેડ’ પકડવા હંમેશ હાજર મૂર્ત સ્વરૂપની યાદ કરી આવ્યો. જો કે તેઓને કોઇ વિદ્યાર્થીને શિક્ષા કરવામાં જરા પણ આનંદ ન થતો, તે અમે તે નાની ઉમરે પણ તેમની આંખોમાં વાંચી શકતા.
તેમના વિદ્યાર્થીઓ કેટલા ભાગ્યશાળી હતા કે તેમને આચાર્ય સાહેબ પાસે ‘ભણવા’નો મોકો મળ્યો.
…..principal without principle.
આચાર્ય ગયા અને principal આવી ગયા