તને એકલતા ના નડી – રામભાઈ રામ 4


અમારા સહકર્મચારી અને ભેરાઈના રહેવાસી (તા. રાજુલા, જી. અમરેલી) મિત્ર શ્રી રામ રામભાઈ આ પહેલા ઘણાં વખત ઉપર અક્ષરનાદ માટે એક રચના આપી રહ્યાં છે. રાત્રે ઘરની આગળની વિશાળ ઓશરીમાં સૂતા સૂતાં, તેમને આ રચના સ્ફૂરી છે, અને કાંઈ લખવાનું માધ્યમ ન મળ્યું તો એસ એમ એસ સ્વરૂપે તેને સંગ્રહી બીજા દિવસે તેમણે મને પહોંચાડેલી. આ સુંદર રચના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આવી રચનાઓ પણ અક્ષરનાદની આગવી મૂડી જ છે ને! મને લાગે છે ત્યાં સુધી ભજનની શ્રેણીમાં તેને મૂકવી જોઈએ.

* * * * *

ઓ માનવ જગત આખું ફર્યો,
તોય તને એકલતા ના નડી.

જ્યારે હતું બધું હાથમાં,
ને કેટલાંય કોઈ સાથમાં
હવે મળે નહીં તે ફરી…તોય તને એકલતા ના નડી.

જ્યારે ખાવા મળતું ત્યારે
ભૂખ્યાનું દુઃખ ના જાણતો તું
માવા મીઠાઈઓ આરોગી… તોય તને એકલતા ના નડી.

જ્યારે પૈસો ખૂબ હતો
ગરીબીનું નામ ન જાણતો તું
એરોપ્લેનોમાં ખૂબ ફરી…તોય તને એકલતા ના નડી.

જ્યારે વૈભવભર્યા મહેલો હતાં
ઝૂંપડી શું ન જાણતો તું
જોયું સઘળું ઝરૂખે ચઢી…તોય તને એકલતા ના નડી.

જ્યારે વિધિના લેખની થપાટે
ચઢી તેની ખબર તને ના પડી
બધું હાથમાંથી ગયું સરી…તોય તને એકલતા ના નડી.

જ્યારે પાછું ફરીને જોયું તે,
હાથમાં નથી કાંઈ ત્યારે,
માનવતા તને પણ ના મળી…તો તને હવે એકલતા નડી.

જ્યારે રામ આહિર કહે,
કળયુગે આવું બનતું જાય,
પ્રભુ શરણે પડી…તો તને હવે એકલતા નડી.

ઓ માનવ, એકલતા નડી ત્યારે
તને માનવતા મળી, માનવતા મળી.

– રામભાઈ રામ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “તને એકલતા ના નડી – રામભાઈ રામ