(રાગ કાફી)
હીરાની પરીક્ષા રે, ઝવેરી હોય તે જાણે.
મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતરાણ આણે. ટેક..
મગ મરી બરોબર મૂરખ જન જાણે, ગોળ ખાંડ એક ઘાટ;
પુષ્પની વાસના પત્ર ન જાણે, એવો જગતભગતનો ઠાઠ;
સો વાર સમજાવું રે, પતીજ તોય નવ આણે. હીરાની…
મૂરખહાથે હીરલો લાધ્યો, તે છાણ સાથે વેચાય.
કોઈક જાણ મળ્યો તેણે ઝડપીને લીધો, તો તેની કિઁમત થાય;
ગુણ ગાયે ઝવેરી રે, પૂરણ પરમાણે. હીરાની…
ભગત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય્,
તન જોગી મન કંચન કામની, એવે તરણે કેમ ઉતરાય ?
ઘર ધંધાની ધાણી રે, તેમાં તેલિયા તાણે. હીરાની…
જાગ જગન, જપ તપ ને તીરથ, તેમાં સહુથી મોટો સતસંગ.
ચંદનડાળે વેલ થઈ વીંટાણો, તોય વિષ ન તજે ભોરંગ;
ધીરા શોધી હીરો રે, રટ રાત દિવસ વહાણે. હીરાની…
– ધીરા પ્રતાપ બારોટ
વડોદરા જીલ્લાના ગોઠડા ગામે ૧૭૫૩માં જન્મેલા ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ ઢળેલું હતું, તેમના પદો ‘કાફી’ નામના રાગમાં ઢળેલા હોઈ તે કાફી તરીકે જ જાણીતા થયા છે. પ્રસ્તુત કાફીમાં ધીરા ભગતે પરમતત્વનું વર્ણન કર્યું છે. એ તત્વ હીરા સમાન છે જેની પરખ સાચા ભક્તને જ થાય છે. અજ્ઞાની અને મૂર્ખ માણસો તેને સમજી કે પામી શક્તા નથી. જાગ જગન જપ તપ અને તીરથ એ જ સૌથી મોટો સાચો સત્સંગ છે એ વાત અહીં ખૂબ સુંદર રીતે વર્ણવાઈ છે.
Pingback: ધીરો ભગત, Dhiro Bhagat « ગુજરાતી પ્રતિભા પરિચય