ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ 5


ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….

પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….

ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….

બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……

કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

–   કવિ દાદ

એક સાધારણ પથ્થરની શિલાનો ઉપયોગ કરીને, તેને ટાંકનારો કુશળ શિલ્પી ટાંકણા અને હથોડાથી પોતાની કારીગરી કરીને એને પ્રભુની મૂર્તીમાં ફેરવી દે છે. પથ્થર માટે એ એક આમૂલ પરીવર્તન છે. કારણકે પથ્થરના અનેક ઉપયોગ છે. તેની પ્રભુજીની મૂર્તી પણ બને, ક્યારેક એ ધોબીઘાટ પણ જાય, અને લોકોના વસ્ત્રોના મેલ ધોવાના કામમાં આવે, તો ક્યારેક કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાય. પણ આ બધા ઉપયોગોમાં તેનો પ્રભુની મૂર્તી બનવાનો ક્રમ સૌથી અલગ છે. એ બન્યા પછી પથ્થર બધા લોકો દ્વારા પૂજાવાનો છે. તેને વસ્ત્રો, ભોગ, અને ફૂલ ચડવાના છે. એક પથ્થર તેના સ્વરૂપને લીધે ભગવાનનું બિરૂદ પામવાનો છે. પણ જ્યારે શિલ્પી તેને પ્રભુની મૂર્તી બનાવવાના કામમાં ઉપયોગ કરવા ધારે છે ત્યારે ક્યારેક આવો જ એક પથ્થર તેના ઘડવૈયાને ઠાકોરજીની મૂર્તી બનવાનો ઇંન્કાર કરી દે છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની આ રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે.

પથ્થર વિચારે છે કે જે માણસ પોતાની માતૃભૂમી માટે લડે છે, લડતા લડતા જે વીરગતિને પ્રાપ્ત થાય છે અને માથું વઢાવા છતાં જેનું ધડ હજી માતૃભૂમીની રક્ષા કાજે યુધ્ધ લડ્યા કરે છે એવા મહાન વીરના સન્માન અને તેની યાદમાં પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પણ એક સાર્થકતા છે. ઠાકોરજીની મૂર્તી થઇને પથ્થરને પીળા પીતાંબર અને રેશમી વસ્ત્રો, જાતજાતના ભોગ, પૂજા અને માન મળવાના છે. હોમ હવન, જપ અને પૂજાથી તેને લોકોમાં શ્રધ્ધા અને આદરને પાત્ર બનવાનું છે. ગંગા અને યમુનામાંથી લાવેલા પાણી તેને સ્નાન કરાવવાના છે અને મંદીરના બંધ દરવાજામાં, એ ઓરડામાં તેણે લોકોની શ્રધ્ધા અને આસ્થાના પ્રતીક રૂપે રહેવાનું છે. પણ તેને આ બધુંય મંજૂર નથી. પથ્થરને કપટી જગતના કડાકૂડથી નથી ફુલાવુ કે તેને મોહ ઉપજાવે એવી મૂર્તીઓમાં પણ નથી ચીતરાવું. પણ બાળક હજી જન્મતુ હોય અને અને તેના પિતા યુધ્ધભૂમીમાં લડતા લડતા મૃત્યુને ભેટ્યા હોય તેવા કુમળા હાથે, એક પુત્રના હાથે તેના પિતાની વીરતાની યાદ તરીકે પાળીયો થઇ ગામને પાદર તેના શૌર્ય અને શહીદીને કાયમ યાદ કરાવે એમ તેને રોપાવુ છે.

આપણી પરંપરામાં એક પથ્થરની પ્રભુ તરીકે પૂજા, વીરતા, માતૃભૂમી પ્રત્યે સમર્પણ અને શ્રધ્ધાથી વધારે અગત્યની મનાય છે. માતૃભૂમી કાજે લડતા શૂરવીરો અને શહીદો પ્રત્યે આપણો ભાવ પ્રભુ જેટલો નથી. આપણે વાંઝણી પરંપરાઓ અને સમજણ વગર રીતરીવાજોનું કાયમ જતન કરવાની ખૂબ કાળજી રાખીએ છીએ પરંતુ કોઇક બહાદુરે માતૃભૂમીની રક્ષા માટે દાખવેલા શૌર્યને આપણે પૂજવા લાયક નથી માનતા. આ શું એ વીરતા અને બહાદુરીનું, એ અપ્રિતમ શૌર્ય અને સાહસનું અપમાન નથી?

આપણે શાતિપ્રિય લોકો છીએ. આપણને યુધ્ધ જોઇતું નથી, પરંતુ લાલચ કે દ્વેષ ખાતર આપણા પર કરાયેલા આક્રમણોનો ઉચિત પ્રત્યુત્તર વાળવાનું પણ એટલું જ જરૂરી છે. આપણી પરંપરામાં દ્વેષને નહીં પરંતુ પ્રેમને અને સ્નેહને સ્થાન છે, યુધ્ધને બદલે શાંતિને સ્થાન છે. ધૈર્ય અને સહનશીલતા આપણા ગુણો છે પણ તેને કોઇ આપણી નબળાઇ ગણે, જો અસદ બની આપણી પર ત્રાટકવાનો પ્રયત્ન કરે તો સ્વભૂમીની રક્ષા ખાતર માભોમના સિપાહીઓ પોતાની જાતને આ યજ્ઞમાં આહુતી બનાવતા અચકાતા નથી. પોતાની આહુતી આપીને પણ તેઓ સ્વભૂમીને બચાવે છે. અને તેમના શૌર્યના ગીતો ગાતા, તેમની વીરતાને યુગો સુધી વંશજો અને વારસોમાં જીવંત રાખતા તેમના પાળીયા ગામને પાદર ખોડાય છે. આ પાળીયા પ્રતીક છે કે હજી દેશદાઝ મરી પરવારી નથી કે પોતાની ભૂમી માટે મરી ફીટવાની ભાવના ઓછી થઇ નથી. કવિ દાદના આ ગીતમાં માતૃભૂમી પ્રત્યેનું આજ શૌર્ય એક પથ્થરના મુખેથી ગવાયું છે અને એટલેજ એક પથ્થરની પણ બધી લાલચો છોડી પાળીયો બનવાની ભાવના માતૃભૂમી માટેની ઉચ્ચતમ ભાવનાઓને જગાડવામાં ખૂબ સરસ રીતે સફળ થાય છે.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ

 • Pradip Parekh

  ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…કવિ દાદની આ રચના નો
  ખુબ ખુબ સુન્દેર અનુવાદ …ભજન ના ” પ્રાન્ ” નો વિલય્..તેમને યાદ …

 • Vinubhai Makwana

  કવિ દાદની આ રચના જે ગુજરાતી ફિલ્‍મમાં ગવાઇ છે તે ખરેખર ખૂબ જ કંઠપ્રિય અને કર્ણપ્રિય રચના છે. આ ગીત મને તેની ભાવુકતાની દ્રષ્‍ટિએ ખૂબ જ ગમે છે.
  – વિનુભાઇ મકવાણા,

 • Kedarsinhji M.Jadeja

  કવિ દાદ ની અનેક રચનાઓ માંહેની ફ્ક્ત બેજ રચના અહીં આપી છે, પણ મારા ગુરૂ સમાન આ મહા કવિ ની અસંખ્ય રચનાઓ માણવા જેવી છે, અલંકાર સભર શબ્દો થી શણગાર આપનાર આ કવિ સાદા સીધા શબ્દો નો પણ એવો ઉપયોગ કરી જાણે છે કે આપણે બસ વિચારતાજ રહીયેં કે આવા શબ્દો નો આવો શણગાર કરી શકાય? આશા રાખું કે “દાદ” ને ખુબ ખુબ દાદ મળતી રહે. ધન્યવાદ.