કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1


હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…

એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી

એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી

રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.

– મીરાબાઇ

આપણા ભક્તિમાર્ગની પરંપરામાં કેટલાક ભક્તો એવા પણ થયા છે જેમણે પ્રભુભક્તિને એક રસ્તો નહીં પણ એક મુકામ તરીકે સ્વીકારી છે. ભક્તિમાં ક્યાંય કોઇ શરત ન હોવી જોઇએ. આપણી ભક્તિ વિષય આધારીત છે. જો પ્રભુ મને આ આપે તો હું આમ કરૂં કે પછી હે પ્રભુ! મારૂ આટલું કામ કરજો જેવી ભક્તિ એ સ્વાર્થયુક્ત ભક્તિ છે. પણ કેટલાક સંત ભક્તોએ કોઇ પણ મતલબ વગર, કોઇ સ્વાર્થ વગર, ફક્ત પ્રભુ તરફની તેમની પ્રીતીને લીધે ભક્તિમાર્ગ લીધો છે અને એવા પ્રભુ ભક્તોમા મીરાબાઇનું નામ ખૂબ જાણીતુ છે. કૃષ્ણભક્તિમાં રસલીન અને તેમના પ્રેમમાં પ્રેમદિવાની એવા મીરાબાઇના લગ્ન ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે થયેલા. મીરાબાઇ કૃષ્ણને પોતાના સર્વસ્વ, શ્રેષ્ઠ મિત્ર અને સ્વામી ગણીને પ્રેમ કરે છે જે તેમના ભક્તિપદોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. રાણા મીરાબાઇની કૃષ્ણભક્તિનું મૂલ્ય સમજતા નથી. તેથી મીરાબાઇ આ ભજનમા તેમને ઉદ્દેશીને કર્મના વિવિધ પરિમાણ સમજાવે છે. રોજીંદા જીવનના વિવિધ દ્રષ્ટાંતો આપી મીરાબાઇ તેમને કર્મની ગહન ગતિ ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે. તેઓ કહે છે કે જેવું કર્મ કરો તેનું ફળ ભોગવવુ રહ્યું.

”કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી” એ ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ અને છતાં મર્મવેધક ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે. કર્મના ફળ ભોગવવામાં કોઇ સંગાથી નથી, એ તો બધાંએ પોતાના કર્મો અનુસાર ભોગવવાજ પડે છે અને એમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, એ છે સારા કર્મ કરવા, એમ રાણાને સમજાવવા મીરાબાઇ ખૂબ સરળ પરંતુ સચોટ ઉદાહરણો આપે છે. એક પથ્થરના બે ટુકડામાંથી જેમ એક પ્રભુની મૂર્તી બની લોકો વડે પૂજાય છે તો બીજો ધોબીઘાટ પર વસ્ત્રોની ગંદકી સાફ કરવાના ઉપયોગમાં આવે છે. એક જ માટીમાંથી બનેલા બે મોરિયા (વાંસની બનાવેલી ચિંચોડાની શાખા કે ડાળી) પણ આમ જ કર્મની ગતિને આધીન થઇને જ્યાં શિવજીની ગળતી બને છે તો બીજો સ્મશાને ગોઠવાય છે. એક વેલાના ઉગતા બે તુંબડામાંય કેટલો ફરક છે, એક સાધુના હાથે જાય છે તો એક ગામના રાવળીયાને ઘેર જાય છે. એક વાંસની બે વાંસળી પણ સમાન ઉપયોગ નથી પામતી, એક કાનકુંવરના હાથમાં જાય છે તો એવી અનેક વાદીડાના ઘરે વાગે છે. એક માતાના બે દીકરા પણ ક્યાં સમાન જીવન જીવી શકે છે, એમ માનવસહજ ઉદાહરણ આપતા તેઓ રાણાને કહે છે કે બનવાજોગ છે કે એક દીકરો મોટો ચક્રવર્તી સમ્રાટ થાય અને બીજો દીકરો કઠીયારો બની જંગલમાં ભારા વેંઢારતો ફરે. એક દીકરો જીવતરના, કર્મની ગતિને આધીન થઇને જન્મ મરણના ફેરા ફરે અને બીજો કર્મે મોક્ષને પામે. આમ મીરાબાઇ લોકસહજ વાણીમાં અને સામાન્ય ઉદાહરણો દ્વારા રાણાને કર્મની ગતિના વિવિધ પાઠ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ભજનના ઘણા અલગ અલગ રૂપો ઉપલબ્ધ છે, ક્યાંક લોકબોલીમાં થતા ફરકને લીધે તેનું બંધારણ સહજ બદલાયું છે પણ અંતે તેનો ભાવ તો એ જ રહે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો