હરિ તણું હેત – નરસિંહ મહેતા 3


અખિલાઈનો આજીવન અહર્નિશ આરાધક ભક્તકવિ નરસૈંયો કેવળ મધ્યકાલીન ગુર્જર પ્રદેશનો એક આદિકવિ જ નહીં, પરંતુ ગુજરાતી અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે. ભક્તરાજે અખિલ બ્રહ્માંડમાં શ્રીહરીને જોયા, ગગને ઘૂમતાં પરમતત્વનો ‘તે જ .હું’ શબ્દ સાંભળ્યો, ભોળી ભરવાડણની મટુકીમાં શ્રીહરીને બેઠેલા જોયા ને નાનકડું ગોકુળીયું દીઠું ને તેના ભક્તિરંગે ગુજરાત વૈકુંઠ બની રહ્યું. તેણે સદાય પ્રેમરસની યાચના કરી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલીને જે ભક્તિરચનાઓ કરી તે યુગો પર્યંત જીવતી રહી છે – રહેશે. સૌરાષ્ટ્રના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાની જન્મભૂમી જુનાગઢ રહી. તેમના પ્રભાતિયાં અને પદ્યમાં જ્ઞાન, ભક્તિ અને ઉર્મિલતાનો ત્રિવેણી સંગમ થયો છે.

પ્રસ્તુત રચનામાં નરસિંહ માનવને ઈશ્વરપ્રાપ્તિ અને સત્કાર્યો પ્રત્યે સજાગ રહેવાનું સૂચવે છે. ચોટદાર ઉદાહરણો દ્વારા ઈશ્વરના વૈશ્વિક સ્વીકાર, પરબ્રહ્મનું પરીરૂપ જોવાની નવી દ્રષ્ટિ અર્પવાનો એક પ્રયત્ન નરસૈયાએ અહીં કર્યો છે.

હરિ તણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ કીધું,
હડ ને છડ કરી સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું.

ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડ્યા,
તે તણાં ચરણને નવ ભજ્યો કૃતઘ્નિ, તેં ન ગુણ પાડના હાથ જોયા.

પગ ઠોકી કરી માગતો મૂઢ મતિ, ઘાસ પાણી કરી શબ્દ ઝીણા,
આજ ગોવિંદ ગુણ ગાઈને નાચતાં, લાજ આવે તને કર્મહીણા.

લાંબી શી ડોક ને કાંકોલ ચાવતો, ઊંટ જાણી ઘણો ભાર લાદે,
આજ અમૃત જમે હરખે હળવો ભમે, વૈકુંઠનાથને નવ આરાધે.

પીઠ અંબાડી ને અંકુશ માર સહી, રેણું ઉડાડતો ધરણી હેઠો,
આજ યુવા ચંદન અંગ આભ્રણ ધરી, વેગે જાય છે તું વે’લ બેઠો.

અન્ન ને વસ્ત્ર ને ભૂષણ સર્વ જે તેહનો તુજને હતો ઉધારો,
નરસૈયાંના સ્વામીએ સર્વ સારું કર્યું, તે પ્રભુને તમે કાં વીસારો.

– નરસિંહ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “હરિ તણું હેત – નરસિંહ મહેતા

 • Kedarsinhji M.Jadeja

  રામ ભજ

  રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
  મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ…

  લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિં વિશ્રામ
  આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ…

  માત પિતા સુત નારી વ્હાલી, ધન દોલત ની માયા નિરાલી
  શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ…

  રામ ભજન માં લીન બનીજા, સકળ જગત ની માયા ભૂલી જા
  હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ…

  અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
  ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ…

  દીન “કેદાર” પર દયા દરશાવો, રઘૂવિર મારે હ્રિદયે આવો
  હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 • ravindrakumar sadhu

  સન્ત શીરોમણી પ્રભુના પ્યારા નરશી મહેતા ધર્મ ની દિવાદાંડી સાચા સમાજસુધારક હતા.

 • Pushpakant Talati

  વાહ ! શું વાત છે ! ! ઘણી જ ચોટદાર રીતે નરસિંહ મહેતા એ તો વર્ષો પહેલા આ રજુઆત કરી જ દીધી હતી પણ આ દુનિયાના “બળદીયા” જેવા માનવીઓ ની સમજમાં આવે તો ને ? ! !!
  આ દુનિયા તો UNGREATFULL માણસોથી જ ભરેલી છે – હા કોઈ વિરલા પણ નીકળી શકે છે – પણ – તે તો લાખો માં એક જેવી વાત છે.

  આજે તો માણસની ફીતરત જ છે કે ;- હરિ નું હેત ભુલી જાવું – નગુણા થાવું – વીસરી જવું – કામ પત્યું એટલે વૈદ વેરી બની જાય છે. – આજના માનવીને યોગ્ય મર્ગ દર્શન આપતી દીવાદાંડી સમી આ ક્રુતિ ખરેખર મનનિય છે.