પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7


હવે શું માંગું આપની પાસ,
વિના ફેલાવે હાથ,
બધુંય આપ્યું સર્જનહાર,
હે દિનાનાથ, હવે શું માંગું આપની પાસ…

આપે માનવ દેહ ધર્યો,
છતાં મારી સાથે આપે કર્યો ન્યાય,
હે કરુણાસિંધુ, હવે શું માંગું આપની પાસ…

જન્મ ધર્યો આપે મથુરાની જેલમાં,
મારૂ તો અવતરણ થયું,
સર્વ સગવડોના સહવાસમાં.
હે દયાનિધિ, હવે શું માંગું આપની પાસ….

પ્રાગટ્યની સાથે રહ્યા માત વિયોગમાં,
મને તો નિત્યે રાખ્યો,
માં ના વાત્સલ્ય, સ્નેહમાં,
હે ભક્તવત્સલ, હવે શું માંગું આપની પાસ…

સમજતાની સાથે કર્યો મામા – માસીનો સંહાર,
આ સંબંધોએ મને મળ્યા,
જીવન જીવવાના નવા માર્ગ
હે નોંધારા ના આધાર, હવે શું માંગું આપની પાસ…

સુદામાના દુઃખ જોઈ, ભર્યા તેના ભંડાર,
મને તો મિત્રો આપ્યા એવા,
જે સદા કરતા રહે સહાય,
હે ક્ષમાનિધિ, હવે શું માંગું આપની પાસ…

આપને કરવું પડ્યું રૂક્ષ્મણીજીનું હરણ
અને મારા લગ્નમાં તો ઉમટ્યા,
સગા વહાલાં અપાર…
હે કૃપાલુ, હવે શું માંગું આપની પાસ…

આપના પુત્ર સાબે કર્યો કુળનો વિનાશ,
આશા છે આપ કૃપાથી હશે,
અમ સંતાન ચારિત્ર્યવાન
હે દેનારા દાતાર, હવે શું માંગું આપની પાસ…

આપનું ભ્રામક મૃત્યુ બાણથી પારધીના,
અમ અંતિમ શ્વાસ છૂટે,
માત્ર આપના ચરણકમળમાં
હે ભક્ત પ્રતિપાલક, હવે શું માંગું આપની પાસ….

શ્રી જીગ્નેશ ચાવડાની રચનાઓ નિયમિતપણે અમને મળતી રહે છે અને અક્ષરનાદ પર સમયાંતરે પ્રસિધ્ધ થતી રહે છે એ ખૂબ આનંદની વાત છે. પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા

 • kedarsinhji m jadeja

  આવુંજ એક ભજન ઇશ્વર ઇચ્છાથી મારા થકી પણ રચાઇ ગઇ છે, જે આપનું આ ભજન વાંચી ને અહિં મુકવા પ્રેરાયોછું
  યોગ્ય પ્રતીભાવ આપવા મહેર.

  શું માંગુ ?

  હવે પ્રભુ શું માંગુ કિરતાર જી
  હરિ તેંતો આપ્યું અપરમપાર…

  મ્હેર કરીને માનવ કૂળ્માં આપ્યો તેં અવતારજી
  પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

  જલતેં આપ્યું સ્થલ તેં આપ્યું વસુનોકેવો વેપારજી
  મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર…

  મુખ દીધું તેં માનવી ને પણ એમાંએ ઉપકારજી
  વાણી આપી વનમાળી તેં, રીઝ્વવા કિરતાર…

  કીડી નો કરતા હાથી નો ભર્તા વિશ્વેશ્વર તું વિરાટ જી
  મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

  એક અરજી સાંભળ હરજી આ દીન ની દીન”કેદાર”જી
  હરપલ હર ક્ષ્ણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર…

  કેદારસિંહ્જી મે.જાડેજા
  ગાંધીધામ-ક્ચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૦
  kedarsinhjim@gmail.com