ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક 3


ધીરે ધીરે પધારો, નાથ!
મારા લોહના સળિયા સોંસરા ધીરે ધીરે પધારો નાથ !

વાટ નિહાળીને નેણ ઝંખાયા, હૈયું અધીરું થાય,
ઝૂકી ઝૂકી મારી ડોક દુખે દેવા, જીવ મારો ઘોળાય !
ધીરે ધીરે પધારો, નાથ !

પાંપણ પાથરી સેજ બિછાવું, હું પ્રાણપંખે ઢોળું વાય,
નયન જલાવીને આરતી અરપું, આંસુધારે ઢોળું પાય !
ધીરે ધીરે પધારો, નાથ !

દેહપિંજરમાં ખાતો લથડિયાં કેદી આતમ કીર :
યુગયુગના પ્યાસીની પ્યાસ બુઝાવો પાઈ પ્રીતિનાં નીર !
ધીરે ધીરે પધારો, નાથ !

ભોગ ન માગું, હું યોગ ન માગું, મુક્તિનું મારે શું કામ;
આપ પધાર્યે લોહપિંજર, મારું થાશે મુક્તિનું ધામ !
ધીરે ધીરે પધારો, નાથ !
મારા દેહના સળિયા સોંસરા,
ધીરે ધીરે પધારો, નાથ !

– કરસનદાસ માણેક (૧૯૦૧ – ૧૯૭૮)

અંગ્રેજી શબ્દકોષ મુજબ પ્રાર્થનાના મુખ્યત્વે બે અર્થ જોવા મળે છે, પહેલી તે ઈશ્વર પાસેથી ઐચ્છિક વસ્તુની, વાતની નમ્ર માંગણી અને બીજી તે વિનંતિ કે માંગણી સ્વીકારાઈ જાય તે પછી ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના. પણ અમુક પ્રાર્થનાઓ આવા આલંબનોથી પાર હોય છે. ક્યારેક જવલ્લે જ આપણી પ્રાર્થનાઓ દ્વારા અંતરના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશને પામવાની, મુક્તિની, પ્રભુનો સાક્ષાત્કાર પામવાની ઈચ્છા વ્યક્ત થાય છે. શ્રી કરસનદાસ માણેકની પ્રસ્તુત ભાવકવિતા આવી જ અનુભૂતિ કરાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક

 • atul vithalani

  ભોગ ન માગું, હું યોગ ન માગું, મુક્તિનું મારે શું કામ;
  આપ પધાર્યે લોહપિંજર, મારું થાશે મુક્તિનું ધામ
  સરસ

 • pragnaju

  મધુર ભાવનું ભાવભર્યું ભજન
  યાદ આવે
  મને આપો એક સાંજ, મને આપો એક રાત
  મને આપો એક એવો આશ્લેષ –
  ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
  તાણીને બાંધેલા કેશ !
  મારાથી સાવ મને અળગી કરીને નાથ,
  કાયમની કેદ મને આપો !