પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી) 4


પંડ્ય ને વરમંડમાં જ્યારે વાણી નો’તી ત્યારે
નભમેં બુંદ નવ ઝરતા રે જી
બ્રહ્મા ને વિશ્ણુ મહેશ્વર નો’તા રે
ત્યારે આપોઆપ અકરતાજી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં
બા’ર ને ભીતર એક બ્રહ્મ છે જી.

મનમથી માયા રે મે’લ રચાયો,
ત્યારે નાદ ને બુંદ પરકાશ્યા રે જી
પાંચ રે તતવ લઇને પરગટ કીઘાં રે જી
ત્યારે ચૌદ લોક રચાવ્યા જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

મૂળ મહામંત્ર લૈને પંથ પરકાશ્યો,
ત્યારે ઘાટે ને પાટે પૂજા કીઘી રે જી
પાંચે ય મળીને મહાવ્રત સાઘ્યાં રે
ત્યારે નામ તો ઘરાવ્યાં નીમઘારી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

મેરુ શિખરથી ગંગાજી મંગાવ્યાં જી
વાચે ને કાછે તરવેણી જી
ભગત જગતને લૈને એંઘાણી રે
શબદુંમાં રે’ણી ને કે’ણી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

ઘ્યાન ને ઘરમ લૈ પરમારથ પેખો રે
આપો પણ નવ લેખો રે જી,
ગુરુને વચને તમે હુઇ કરી હાલો રે,
સરવામાં નિરંજન દેખો રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

ગુરુજી ભેદે ને ચાર વેદે જી,
ત્યારે ભગતી લૈ શિવજીને દીઘી રે,
શિવ ને શક્તિ મળી ઘરમ ચલાવ્યો રે જી
ત્યારે ઉમિયાજી પાટ પઘાર્યા રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

શબદ નિત હોઇ અને ઉનમૂન રેનાં જી,
ત્યારે જાત વરણ નવ ભાસો રે જી.
મૂલદાસ કે’ જે નર ભીતર જાગ્યા રે જી,
તમે મહા રે ઘરમને પાળો રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

અર્થ

પિંડને ને બ્રહ્માંડમાં જ્યારે વાણી નહોતી,
નભમાંથી બિંદુ નહોતું ઝરતું,
બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ નહોતા,
ત્યારે ધણી કર્તા વગર સ્વયંભૂ પ્રગટ થયા.

સાચો મહાઘર્મ છે.
બહાર ને ભીતર એક જ બ્રહ્મ છે.

મન્મથ (કામદેવ)થી પ્રેરિત માયાએ આ સર્જન-મહેલ રચાવ્યો, ત્યારે નાદને બિન્દુ પ્રગટ થયાં.
ચૌદ લોક રચ્યા.
મૂળ મહામંત્ર વડે પંથ પ્રકાશમાન કીઘો.

ઘાટે ને પાટે પૂજા કરી.
પાંચેય મહાવ્રત સાઘ્યાં.
નામ ઘરાવ્યાં નીમાઘારી.
મેરુશિખરથી ગંગાજીને તેડાવ્યાં.
વાચ ને કાછ વડે (વાણી ને બ્રહ્મચર્ય વડે) ત્રિકોણી રચી.

સર્વેમાં તમે નિરંજનનું દર્શન કરો.
ગુરુના વચન મુજબ ચાલો.
આ ઘર્મ તો શિવે ને શક્તિએ મળીને ચલાવ્યો છે.
શબ્દ પર સ્થિર બનીને ઉન્મના (સંસારથી પર ચિત્ત રાખીને) રહેશો ત્યાર પછી જાતિ કે વર્ણનું જુદાપણું નહિ ભાસે. મૂળદાસ કહે છે કે જે નર ભીતરથી જાગી ગયા હોય તેઓ આ મહાઘર્મને પાળે છે.

– “સોરઠી સંતવાણી” માંથી સાભાર. સંપાદક: ઝવેરચંદ મેઘાણી.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી)

  • Sharad

    ગજબ ગજબના સન્તો થૈ ગયા તેઓ ગમેતે સમય મા થયા હોય પન તેમનુ દર્શન અને સ્વાદ એક જ હોય. અદ ભુત રચના. મુલદાસ ને ચરન સ્પર્શ.