ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ 1


કાચી રામ કોણે ઘડી તારી કાયા,
ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ, ઘટડામાં નવલખ તારા.

ઘટડામાં એરણ ઘટડામાં ધમણ ઘટડામાં ઘાટ ઘડાયો,
ઘટડામાં આંબોને ઘટડામાં કેરી ઘટડામાં વેદ ન વારો. … કાચી.

ઘટડામાં વાડી ને ઘટડામાં ક્યારો, ઘટડામાં પવન ને પાણી,
ઘટડામાં તાળુ ને ઘટડામાં કુંચી, ઘટડામાં ખોલવાવાળો … કાચી.

ઘટડામાં ગંગા ને ઘટડામાં જમુના, ઘટડામાં તીરથ નાયા,
ગુરૂને વચને બોલ્યા લીલમબાઈ, સાચા શબ્દ લાગ્યા પ્યારા… કાચી.

– લીરલબાઈ / લીલણબાઈ / લીલણદેબાઈ
(‘સંતસમાજ ભજનાવળી, ૧૯૨૫, પૃ. ૧૪૪-૧૪૫’ માંથી સાભાર.)

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા‚ એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. એ સમયમાં મારવાડના ભજનિક સંત ભાટી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને ગામડે ગામડે નિજારધર્મનો પ્રચાર કરતા અનેક શિષ્યો બનાવેલા. દેવતણખી અને તેની દીકરી લીરલબાઈએ પણ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ.

લીરલબાઈ પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘણી વખત સંભળાતા પ્રસ્તુત સુંદર ભજનની શૈલી પુનરાવર્તનની છે. “ઘટડામાં” એ શબ્દના વારંવારના પુનરાવર્તનથી અહીં અનોખું સારતત્વ નીકળે છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ