હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા 2


કૃષ્ણલીલાના પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો લખીને ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ કરનારા નરસિંહ મહેતાની ‘શામળશાનો વિવાહ’, ‘હાર’, ‘હુંડી’, ‘મામેરું’ અને ‘શ્રાદ્ધ’ જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ તેમને નામે મળે છે. ઝૂલણા છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયાં ખૂબ ભાવવિભોર કરતી રચનાઓ છે. પ્રેમલક્ષણા ભક્તિના આ પદમાં ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ મહિમા પ્રસન્નતાપૂર્વક ગાયો છે. ગોપીએ ભક્તિભાવથી અને હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે. પ્રત્યેક પંક્તિમાં પહેલા શબ્દનું ત્રણ વાર થતું આવર્તન સંગીત સાથે ભાવને પણ પોષે છે. ઈટીવી ગુજરાતી પર નરસિંહ મહેતા ધારાવાહિક જોતા આ રચના સાંભળેલી, તેની શોધ કરતાં અંતે ધોરણ ૧૦ ના પ્રથમ ભાષાના પુસ્તકમાંથી આ સરસ પદ મળી આવ્યું.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે.

ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાના સ્વામી રે.

– નરસિંહ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા

  • hardik

    હું ખરે તુ ખરૉ
    હું વિના તું નહિ
    હું વિના તુ ન્રે
    “તું” કોણ કહેશે…

    ઍક જબરજસ્ત કવિ અને ઍના કરતાય મોટા ઍ સદિ ના ફિલોસોફર અને
    કદાચ ઇશ્વરનેય તેનુ કામ કરવાની ચીતા રહેતી હોય તેટલી આસ્થા ના પ્રતીક
    નાગર શીરોમણિ ના ઍક નહિ દરેક પદમા તેમની વિદ્વતા અને તેજ પ્રસરાય છે
    આવા અમાપ કવિના ચરણોમાં વદંન્…

  • pragnaju

    ભક્તીભાવભર્યું અમર ભજન
    ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે;
    જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….ગાતા આંખ ભીની થાય