પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ 2


પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર
દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.

નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર
રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો…

સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર
ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ હીણાથી રિયા દૂર. પ્યાલો….

ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા રે વરસત નિર્મળ નૂર
જે સમજ્યા સતગુરુની સાનમાં, ભર્યા રિયા ભરપૂર. પ્યાલો…..

ભીમ ભેટ્યા ને મારી ભે સરવે ભાંગી રે, હરદમ હાલ હજૂર
દાસી જીવણ સત ભીમના ચરણાં, પાયો તેને ચકનાચૂર. પ્યાલો…..

********

{ કારતક વદ બીજ, તા. ૪થી નવેમ્બર ૨૦૦૯ ના રોજ તલગાજરડા ખાતે યોજાયેલા “સંતવાણી એવોર્ડ” ના સમારંભમાં ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય-સંતવાણીના ગાયકો-વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર લોક હ્રદયમાં વહેતા રાખવા આજીવન ગાન-વાધ દ્વારા સેવા આપી છે તેવા ભજનીકો અને સંગીતકારોને પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે સન્માનિત કરાયા હતાં. તે રાત્રે આયોજીત ભજનસંધ્યામાં ગુજરાતી ભજનિકોનો લગભગ એક આખોય સમુદાય ઉમટ્યો હતો. નિરંજન રાજ્યગુરૂ, લલિતાબેન ઘોડાદ્રા, ઓસ્માન મીર, ભારતીબેન વ્યાસ, જગમલ બારોટ, માધવભાઈ લચ્છીવાળા, હેમંત ચૌહાણ વગેરે અગ્રગણ્ય ભજનિકો ઉપસ્થિત હતા અને એ બધાંએ એક પછી એક આહલાદક રચનાઓ રજૂ કરેલી તે દિવસે શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું. એ રાતની સંતવાણીના આખાય કાર્યક્રમમાં બે ભજનો ખૂબ સ્પર્શી ગયેલા, એક તો સાંઈ વલીનું “કોઈ આ મૌજને જાણે, કોઈ અપને ગુરૂ કો પીછાણે” અને બીજું દાસી જીવણનું ઉપરોક્ત ભજન. શ્રી હેમંતભાઈ ચૌહાણની આગવી અને ભાવનાસભર રજુઆત તો ખૂબ સુંદર હતી, સાથે તેમણે પસંદ કરેલ ભજનોનો એકે એક શબ્દ હૈયાસુધી સ્પર્શી ગયો. અને આ ભજન દાસી જીવણની રચના છે એ જાણ્યા પછી શ્રી નિરંજન રાજ્યગુરૂ પાસે એ રચનાની લગભગ ઉઘરાણી જ કરેલી, જે તેમના પુસ્તક સતની સરવાણી માંથી મળી આવ્યું. આજે આપ સૌની સાથે વહેંચતા ખૂબ આનંદ થાય છે.

જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. }


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ