હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9
ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.