( પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠ:સ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ સત્ત સાહિત્યની જાળવણી માટે છેલ્લા પંદરેક વર્ષોથી શ્રી ડો. નિરંજન રાજ્યગુરુ કામ કરી રહ્યા છે. ડો. નિરંજન રાજ્યગુરુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંતપરંપરાનું ખૂબ ચીવટ અને પરિશ્રમપૂર્વક અધ્યયન કરનાર સૂઝ સમજવાળા શંશોધક અને બીજી તરફ એકદમ અલગારી, સંત સાહિત્યના મરમી ભજનિક ગાયક. વચ્ચે કેટલોક સમય ગુજરાત સાહિત્ય અકાદમીની ને ભાભા રીસર્ચ ફેલોશીપ મળતા એમના કાર્યોને વિશેષ ગતિ મળેલી. વતન ઘોઘાવદરમાં સતનિર્વાણ ફાઉંડેશન નામની સંત સાહિત્ય પરંપરાનું સંવર્ધન સંશોધન કરતી સંસ્થા ઉભી કરીને એમણે હસ્તપ્રતો તથા કંઠ્યપરંપરામાં સચવાયેલા 3000 ભજનોને તથા વિવિધ ભજનિકોએ પરંપરાના રાગો – ઢાળોમાં ગાયેલાં એ સર્વ ભજનોની ધ્વનિમુદ્રિત કેસેટોનો ખંત પૂર્વક સંગ્રહ કરેલો જે અભ્યાસીઓ માટેની મૂલ્યવાન સામગ્રી છે તો આસ્વાદકો માટેનો લોભામણો ખજાનો છે.
આકાશવાણી રાજકોટ પરથી રામસાગરના રણકારે’ કાર્યક્રમનું નિર્માણ કરી ભજન પરંપરાના રસિકો માટે સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કરેલો. હાલ તેઓ સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
ગૂઠ રહસ્યાત્મક બ્રહ્મને અટપટી યૌગિક ભાષામાં કે સંકેતાત્મક રીતે વર્ણવતી આ ભજનવાણીમાં બ્રહ્મસાક્ષાત્કાર પામેલા સિધ્ધ સાધક યોગી અનુભવી સંતની જીવનસાધના શબ્દબધ્ધ થઇ હોય છે. એટલે એમાં પ્રયોજાયેલા કેટલાક પારિભાષિક શબ્દો આપણને આપણા શબ્દકોશમાં ન સાંપડે. એના અર્થો, પરંપરાથી ભજનિકો અને સંત સાધકોમાં જળવાયા હોય છે. ભજનવાણીમાં અનેક વિચારો સાથે સાધનધારાના આગવા સિધ્ધાંતો અને સાધનાપધ્ધતિઓ ભજનવાણી રૂપે ગૂંથાતી આવે છે.)
રાત્રે સાડાનવે ગણપતિનાં ભજનોથી સંતવાણીની શરૂઆત થાય, એ પહેલાં સંઘ્યાકાળે માળા, સંઘ્યા, આરતી અને થાળ જેવા પ્રકારો ગવાય. બીજ, પૂનમ, અમાસ, એકાદશી, કે શનિવારની રાત્રે ગામડાંની ભજનમંડળીના ભજનિકો ભજનગાન માટે એકઠાથાય. રામસાગર, મંજીરાં, દોક્કડ(તબલાં), ઢોલક, ઝાંઝ, કરતાલ, માણ, દેશીસિતાર જેવાં લોકવાઘોનો સાથ હોય ને સાખીથી ભજનગાનની શરૂઆત થાય.
ગણપતિ, શારદા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશને યાદ કરીને સદગુરુ તથા માત-પિતાના ચરણે વંદના કરતી સાખીઓ તથા વૈરાગ્યપ્રેરક-ઉપદેશાત્મક સાખીઓ ગાઇને ભજનિક ગણપતિનાં ભજનો શરૂ કરે. ગણપતિનાં ભજનો ત્રણ પ્રકારના હોય, ઉલટ, પાટ અને નિર્વાણ.
ઉલટના ગણપતિનાં ભજનોમાં ગણપતિને આ શુભ પ્રસંગે પઘારવાનું નિમંત્રણ હોય, એમાં ગણેશનાં સ્વરૂપનું વર્ણન, તેમના જન્મની કથા તથા કાર્યોનું વર્ણન કર્યું હોય. રિદ્ઘિ-સિદ્ઘિના દાતાર, ઋષિ મુનિના આગેવાન, તેત્રીસ કરોડ દેવતાના મુખી એવા ગણપતિનું આહવાન કરતાં ભજનો તે ઉલટના ગણેશ.
બીજમાર્ગી ગુપ્ત પાટ ઉપાસના સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તે પાટના ગણેશ. એમાં નિજારી-મહાપંથી ગુપ્ત તાંત્રિક પરંપરા મુજબની સાઘના, વિઘિવિઘાનો અને સંપ્રદાયના સિઘ્ઘાંતોનો સંકેત હોય. બીજમાર્ગી ભક્તોની નામાવલિ હોય, દેવી-દેવતાઓને પાટઉપાસનામાં પઘારવાનું નિમંત્રણ હોય.
નિર્વાણના ગણપતિ પ્રકારમાં ભજનો કોઇ સંત-સાઘુના અવસાન પછી સમાઘિ વખતે, ભૂમિદાહ આપતાં કે શંખાઢોળ વિઘિ દરમ્યાન ગાવામાં આવે. આવાં ભજનોમાં સૃષ્ટિની ઉત્પતિ, પાંચ તત્વ, પચીસપ્રકૃતિ, ત્રણ ગુણ વગેરે બાબતોની સમજણ આપવામાં આવી હોય. આમ આઘ્યાત્મિક ગૂઢ સંકેતો, સાંખ્યજ્ઞાન, પિંડ-બ્રહ્માંડનું સર્જન-વિસર્જન જેવી ગૂઢ વિઘાઓ મંત્રો રૂપે અને ભજનો રૂપે પરંપરાગત રીતે સચવાતી આવે.
ગણપતિનાં ભજનો ગવાયા પછી તુરત જ ગુરુમહિમાનું ગાન શરૂ થાય.સદગુરુમાહાત્મ્યની સાખીઓ સાથે ગુરુને સાક્ષાત પરિબ્રહ્મનું સાકારરૂપ કલ્પીને જેમાં અલખધણીનો મહિમા ગવાયો હોય એવાં ભજનોના સમૂહગાન પછી શરૂ થાય વૈરાગ્યપ્રબોઘક-ઉપદેશાત્મક ચેતવણી પ્રકારનાં ભજનો. ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ….’, ‘એવાં હેત રાખો તમે રામસે…’,’નર રે નુગરાની સાથે નેડલો ન કરી રે જી…’,’ભગતીનો મારગ કે ફૂલડાં કેરી પાંખડી રે જી.’ ‘એવા સતના જળ સીંચજો રે માનવી મૂળ વિનાનાં ઝાડ છે….’,’જાવું છે નિરવાણી, આતમાની કરી લે ઓળખાણી રામ ચેતનહારા…’ જેવાં ભજનોમાં ભક્તિ-વૈરાગ્ય-માનવજીવનની ક્ષણભંગુરતા વર્ણવવા જુદાં જુદાં દ્રષ્ટાંતોનો આશરો લેવાયો હોય. સાથોસાથ પૂર્વે થઇ ગયેલા સત્યવાદી ભક્તોનાં ચરિત્રો વર્ણવાયાં હોય.
વેરાગ્ય-ભક્તિનાં આવાં ભજનો ગવાયા પછી રાત્રીના અગિયાર જેવો સમય થાય અને જ્ઞાનમાર્ગી-વેદાંત-નિર્ગુણ નિરાકાર બ્રહ્મ વિશે ત્તત્વચિંતન રજૂ કરતાં રહસ્ય પરકભજનો દોર શરૂ થાય. પ્યાલો, બંસરી, ઝાલરી, ખંજરી, જંતરી, રેંટયો, મોરલો, હંસલો, મોતી, વિવાહ, બંગલો, ભમરો, ચરખો જેવાં રૂપકગર્ભ પદો અનેરી ખુમારીથી ગવાય ત્યાં રાત્રિના બારનો સમય થાય. અલખ ઘણીની જ્યોતસામે થાળઘરાય, આરતી-ઘૂપ થાય-ઠાકરથાળી-કોળી પાવળના મંત્રોની સાથે નિર્ગુણ-નિરકાર જ્યોત સ્વરૂપી અલખપુરુષની આરાઘના કરતાં આરાઘ પ્રકારનાં ભજનો શરૂ થાય.
આરાઘી ભજનોમાં વિવિઘ ઢંગ- ઢાળ- તાલ – રાગનું વૈવિઘ્ય મારકુંડ ઋષિ, સહદેવ જોશી, લાખા-લોયણ, ગંગાસતી, જેસલ-તોરલ, રૂપાંદે-માલદે, હરજી ભાટી, મૂળદાસજી જેવા સંતકવિઓની રચનામાંથી પ્રાપ્ત થાય. આરાઘી ભજનો પછી ગવાય સૃષ્ટીની ઉત્પતિનું, પિંડ-બ્રહ્માંડનાં સર્જન સમયનું વર્ણન કરતી રવેણી વાણી, અને રવેણી પછી ભવિષ્યકથન જણાવતાં આગમ પ્રકારનાં ભજનો ગવાય. વચ્ચે અવળવાણી, પ્રશ્નોત્તરી, સાવળ, હેલો, હેલી, સંવાદ, નરવેલ, રૂપાવેલ જેવાં ભજનપ્રકારો અને વેદાંતી તત્વચિંતન અને યોગસાઘના દ્રારા પ્રાપ્ત થયેલા અલૌકિક અનુભવો વર્ણતી અનુભવમસ્તીની વાણી ગણાય. ગળતી માજમરાતના ત્રણ-સાડાત્રણનો સમય આવેને પ્રેમલક્ષણા ભક્તિનાં, હરિમિલનની વ્યાકુળતા ને તડપ વર્ણવતાં સંદેશ, પત્ર, અરજ, કટારી, વિવાહ,પટોળી,ચૂંદડી,બંસરી,મોરલી,વાર, તિથિ, મહિના અને પરજનાં ભજનો શરૂ થાય. આ ભજનો વિલંબિત ઢંગમાં ગવાય અને કારુણ્ય દર્દ, વ્યાકુળતા અને ભક્તની મઘુર મનોવ્યથા રજૂ કરતાં હોય. સવારના સાડા ચાર જેવો સમય થાય અને હરિમિલનનો આનંદ વર્ણવતાં કે વોયોગની વેદના ગાતાં રામગરી પ્રકારનાં ભજનો ગવાય. જેમાં સાંસારિક જીવનની વ્યથાને પણ ભક્તોએ વાચા આપી હોય.
નરસિંહ મહેતાના ‘હે જી વ્હાલા હારને કાજે નવ મારીએ….,’ ’હે જી વ્હાલા અંખડ રોજી હરિના હાથમાં…….,’ ‘હે જી વ્હાલાપઢો રે પોપટ રાજા રામના….,’ જેવા ભજનો રામગરી પ્રકારના પદો છે. પાંચ વાગ્યાનો સુમાર થાય અને શરૂ થાય પ્રભાતી. ‘જા જા નિંદરા હું તને વારું છું નાર ઘુતારી રે……..’, ‘જાગોને જશોદાના જાયા વાણલાં રે વાયાં….’, ‘જાગીએ રઘુનાથ કુંવર પંછી બન બોલે….’, જેવા પ્રભાતના પહોરનું વર્ણન કરતાં પ્રભતી રાગનાં ભજનો પછી પ્રભાતિયાં ગવાય. ‘હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા….’, ઝૂલણા છંદમાં રચાયેલા પદો: ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે……’
( પ્રસ્તુત લેખ ડો. નિરંજન રાજ્યગુરુ દ્વારા ” સતની સરવાણી – કંઠસ્થ પરંપરાના ભજનો ” અંતર્ગત સંકલિત કરાયેલા 108 ભજનોના સંગ્રહની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો –
પૃષ્ઠ સંખ્યા 128, મૂલ્ય રૂ. 65/-, પ્રાપ્તિ સ્થાન -આર આર શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ )
એટલું માંગી લંવ
વ્હાલાજી હું એટ્લું માંગી લંવ
તારા ચરણ કમળ માં રઊ…
આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લંવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સામજી લંવ…
મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લંવ
પણ ભવે ભવે હું માનવ થૈ ને, ગોવિંદ ગાતો રંવ…
બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, ક્રિષ્ન લીલા રસ લંવ
દીન દુખી ને આપું દીલાસા, પીડા પર ની હરી લંવ…
દીન “કેદાર” ની એકજ અરજી, તારી નજરમાં રંવ
સ્વાસે સ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લંવ….
કેદારસિંહ્જી મે.જાડેજા
ગાંધીધામ-ક્ચ્છ.
૯૪૨૬૧૪૦૩૬૦
MANE TO A KHUB J GMYA CHE MANE PERSONAL AVA MANV BANDHU JODE VATO KARVI ATLE SATSANG KARVO KHUB J GAME CHE.
સરસ લેખ.
શ્રી નિરંજનભાઈ પાસે આ તમામ વાતો રૂબરુમાં સાંભળી હતી તેના સ્મરણો તાજા થયા.