ચાલો ગઝલ શીખીએ (ભાગ ૧) – તરૂણ મહેતા (ગઝલની પૃષ્ઠભૂમી) 14


ચાલો ગઝલ શીખીએ ….

અક્ષરનાદ પર ગઝલ કેમ રચાય, તેની વિગતવાર સમજ આપતા લેખો મૂકવાની ઈચ્છા લાંબા સમયથી હતી. દરેકે દરેક વિગતનો ઝીણવટથી અભ્યાસ કરવા મળે, લઘુ ગુરૂ અક્ષરોની સમજ અને વિવિધ નિયમો તથા અપવાદોથી શરૂ કરીને ગઝલના વિવિધ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વિવિધ છંદો અને તેમનું ગણવિભાજન, છંદોના નિરૂપણની વિગતવાર સમજ, ગઝલમાં આવતા દોષો વગેરે વિશે વિગતવાર લખી શકાય અને તેની સાથે સાથે સર્જનના વિવિધ તબક્કાઓનું ઉદાહરણો દ્વારા નિદર્શન કરી સમજ મેળવી શકાય તેવો હેતુ ધ્યાનમાં રાખીને આ લેખમાળા શરૂ કરી રહ્યાં છીએ. ગઝલરચનાનાં વિવિધ વિષયો પરત્વે જાણકાર અને અધિકારી વ્યક્તિઓ દ્વારા માર્ગદર્શન મળે તો સોનામાં સુગંધ ભળે. આ વિષય પરત્વે પ્રાથમિક ચર્ચા કરતા ઘણાં આદરણીય પ્રસ્થાપિત ગઝલકારોએ પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન આપવાની સંમતિ આપી તેના લીધે જ આ લેખમાળા શરૂ કરી શકાઈ છે.

અક્ષરનાદ પર ખૂબ લાંબા સમય પહેલા ગઝલ વિશેની અતિપ્રાથમિક સમજ આપતો એક લેખ મૂકેલો. ( લિન્ક ) પરંતુ આ વિષયને લઈને એક આખીય શૃંખલા કરી શકવા જેટલી સગવડ ત્યારે થઈ શકેલી નહીં. વિવિધ પ્રચલિત અને દિશા ચીંધનારા ગઝલરચના તથા બંધારણને લગતાં પુસ્તકોનો આધાર લઈને આ શરૂઆત થઈ રહી છે. આ લેખમાળા ફક્ત એક નિબંધમાળા ન બની રહે તે માટે ગઝલરચનામાં પારંગત અને શીખવા માંગતા સર્વે તરફથી પ્રતિભાવો – સૂચનો અતિ આવશ્યક છે. તો આજે શરૂ કરીએ ગઝલની પૃષ્ઠભૂમી વિશે જાણવાથી.

ગઝલની પૃષ્ઠભૂમી

સૂષ્ટિના ઉદ્દ્ભવની સાથોસાથ વ્યક્તિત્વનો વિકાસ થતો ગયો. જેમ જેમ વ્યક્તિ પોતાનો વિકાસ કરતી ગઈ અને સમાજના વિવિધ સ્ત્રોતોની સાથે સંપર્કમાં આવતી ગઈ તેમ તેમ તેનામાં આનંદપ્રાપ્તિની જરૂરીયાત વધતી ગઈ. સૂષ્ટિના ઉદ્દ્ભવની સાથોસાથ વ્યક્તિત્વનો વિકાસ થતો ગયો. જેમ જેમ વ્યક્તિ પોતાનો વિકાસ કરતી ગઈ અને સમાજના વિવિધ સ્ત્રોતોની સાથે સંપર્કમાં આવતી ગઈ તેમ તેમ તેનામાં આનંદપ્રાપ્તિની જરૂરીયાત વધતી ગઈ. જેનાથી વ્યવહારિકતાનો અને સભ્ય સમાજનો સાંસ્કૃતિક પાયો નંખાયો પરંતુ વ્યક્તિને પેટ ભરવા માટે વ્યવસાય અર્થે બહાર જંગલોમાં જવું પડતું. ત્યારે તેની લાગણીને વ્યક્ત કરવા માટે નદીના સંગીતનો લય, વૃક્ષોની લીલાશ વગેરે આવ્યું. આમ જીવનમાંથી અનુક્રમે સાહિત્યિક વાતાવરણ સર્જાયુ છે.આ સંસ્કારોની છાપ માટે સાહિત્યએ સુંદર વાતાવરણ કરી આપ્યું. જીવનના સંકળાયા પરિણામે સાહિત્ય જીવનની અનુપૂર્તિ છે તેવું કહેવાયું.

સાંપ્રત સમયમાં ગીત અને ગઝલએ સાંપ્રત કવિઓના મુખ્ય આકર્ષણ છે. ગુજરાતી ગીતની પરંપરા તો વૈદિક સમયથી ચાલી આવેલી છે. પરંતુ ગુજરાતી ગઝલોનો ઇતિહાસ જોઈએ તો આપણે માંડ સૈકો પાછળ જવું પડે છે તેમ છતાં ગુર્જરી ગઝલનો ફાગ સોળ કળાએ છે. ગુજરાતી ગઝલનો આવિષ્કાર પહેલાં ઉર્દુ છાટથી આવ્યો પરંતુ આપણા ગઝલકારો એ ગઝલને પૂર્ણ ગુજરાતી બનાવી દીધી અને ગઝલનું અને ગુજરાતીનું અસ્તિત્વ એકાકાર બની ગયું. ગઝલની અભિવ્યક્તિની છટા મૂળ સૂફીવાદની અમૂલ્ય ભેટ છે.

અરબી ભાષામાં શેરના આરંભ વિશે ઈતિહાસકારોમાં અને વિવેચકોમાં સામાન્ય રીતે મતભેદ પ્રવર્તે છે. કેટલાક માને છે કે સૌપ્રથમ આરબોએ ગદ્યનો પ્રારંભ કર્યો અને એ દ્વારા સંયોગવશ શેર સુધી પહોંચી ગયાં. ઘણાનો મત છે કે સજઅ – પ્રાસયુક્ત ગદ્યથી (સજઅ અર્થાત બુલબુલ, ચકોર જેવા પક્ષીનો મધુર અવાજ) સૌપ્રથમ શેર સાથે સામ્ય ધરાવતી ચીજ – પ્રાસયુક્ત વાક્યો હતાં, જે સામાન્યતઃ સાધુસંતો કે વિદ્વાનો દ્વારા ઉપયોગમાં લેવાતાં. વળી મંત્રોની જેમ તે ધાર્મિક સ્થળોમાં દુવા કે પ્રાર્થનારૂપે વપરાતાં કાં તો તે વડે આરબો ઉપચાર, દર્શનશાસ્ત્ર કે સ્મરણયોગ્ય જ્ઞાનને મોઢે રાખતાં. આપણે ત્યાં પણ વેદકાળમાં વેદવિધિ કંઠસ્થ થાય અને તેનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે એ હેતુથી કલ્પસૂત્રોનો વિકાસ થયો. આ સજઅ માં ધીરેધીરે કાફિયાનો ઉમેરો થતાં એ કર્ણપ્રિય લાગવા લાગ્યા. જ્યારે એમાં વજનની સાથે સાથે એક સ્વર પર અંતિમ શબ્દ તૂટવાથી લય ઉદભવ્યો ત્યારે શેરનું અસલી વજન ઉદભવ્યું જેને રજઝ કહે છે. તેના ઉદભવ વિશે પણ કિસ્સાઓ પ્રચલિત છે. રજઝની શોધ પછી તેમાં ઉત્તરોતર વિકાસ થતો ગયો. આરબોમાં શેરને ગાઈને રજૂ કરવાની પ્રણાલિકા પૂર્વે ઈસ્લામકાળથી ચાલી આવે છે.

૧) સૂફીવાદઃ

સૂફીવાદનો ઉદ્દ્ભવ ઈસ્લામના આરંભ પૂર્વનો હોવાનું મનાય છે. ઈ.સ. ની ત્રીજી સદીમાં સૂફીવાદનો આરંભ અરબસ્તાનમાં થયો. સૂફી પ્રેમ અને સત્યનો માર્ગ છે. મહમ્મદ પયગંબરના સમયમાં પણ રહસ્યવાદી સૂફીઓનું અસ્તિત્વ હતું. સૂફી સમાનતામાં માનનારો સંપ્રદાય છે. ગઝલના અંતઃત્તત્વમાં સૂફી વિચારધારાનો ખૂબ ઊંડો પ્રભાવ જોવામળે છે. ડૉ. રશીદ મીર ‘ગઝલનું પરિપ્રેક્ષ્ય’ માં નોંધે છે, “સૂફીવાદે ગઝલને તેના ગજાની અનુભૂતિ કરાવી એટલું જ નહીં પરંતુ એના કલાગત સૌંદર્યનું દર્શન કરાવ્યું. આત્મનિર્ભર થવાની સમજ અને પ્રતીતિ કરાવી.” ગુજરાતમાં સૂફી પરંપરાનું અનુસંધાન રચાયું તેના માટે પ્રાચીન વ્યવસાય વહાણવટાને યશ જાય છે. દરિયાઈ માર્ગેથી સૂફીમતનું આગમન ગુજરાતમાં પ્રાચીન છે. ઉત્તર ગુજરાતના પરાણાની પરંપરા પણ આવી રીતે ઉતરી આવી હશે.

સૂફીવાદમાં ઈશ્વરમાં જેટલી શ્રદ્ધા છે તેટલી જ શ્રદ્ધા જીવંત જડ ચેતનમાં તત્વમાં છે. તેથી આ પરંપરા અભિવ્યક્તિની અદભૂત ક્ષમતાના દર્શન થાય છે. આજે ગુજરાતી ગઝલોમાં વિષયોનો વ્યાપ અને ઉદાત્ત તત્વ દેખાય છે તે સૂફીવાદની સીધી અસરના રૂપે જ આવેલ છે.

૨) અરબી કાવ્ય પરંપરા અને પ્રવાસઃ

ગઝલના પીંડ બંધારણમાં અરબી કાવ્ય પરંપરાની મોટી ભૂમિકા છે. કવિ રૂડકી (ઈ.સ. ૮૮૦ થી ૯૪૯) દ્રારા ઈરાનની સૌદર્યભૂમિ પર ગઝલનું અવતરણ થાય છે. આ કવિ પાસે સૂફીવાદની વિશાળ દ્રષ્ટિની માવજત થતી જોવા મળે છે.

અરબી કવિતામાં છંદશાસ્ત્ર વારસાગત છે. જુની પરંપરા સાધુ – સંતો – વિદ્ધાનો પણ બે વાક્યના અંતે પ્રાસ જળવાય તેવું સાહિત્ય લખતા હતાં. આ પ્રાસ યોજનાના ફલ સ્વરૂપે અરબમાં ‘સજઅ’ ઉદ્દ્ભાયું તેની ગાયકીના પરીવર્તનથી ‘રજઝ’ થયું. જેનો અર્થ પ્રવાસ સાહિત્ય સાથે સંકળાયેલ છે. અરબોમાં ગઝલ શુદ્ધ સ્વરૂપના સંદર્ભે આવી પણ કસીદાના સ્વરૂપે ગવાતી. ડૉ. રશીદ મીરના મતે, “અરબી ભાષાના ઓજ, લાવણ્ય, શૈલી માધુર્ય, પ્રવાહિતા, પ્રૌઢી, લય, ગાંભીર્ય, અલંકાર વૈભવ, અને વિશાળ શબ્દભંડોળે ઈરાની સાહિત્યકારોને પ્રભાવિત કર્યા. સાંપ્રાત ફારસી ભાષા આ બધા ગુણોથી વંચિત હતી. વળી તેનું અનિશ્વિત વ્યાકરણ અને ભારેખમ શૈલી સાહિત્ય સર્જકને ઉપકારક ન હતા. ઈરાની સાહિત્યકારો આગળ કોઈ પારિભાષીક નમૂનો ન હતો. અરબી ભાષાના પરિચયથી તેમની સમસ્યાનો સ્વત્ઃ ઉકેલ મળી ગયો. આમ પરાજય સાહિત્યિક દ્રષ્ટિએ ઈરાનીઓને આર્શીવાદ સમો નિવડ્યો.”

આરંભે ધર્મપ્રસારના હેતુથી ઈરાનમાં ઈસ્લામના આગમન પહેલાં ઈશ્વર તરીકે અગ્નિનું આહવાન થતું. ઈરાનમાં આ અગ્નિમંદીરના પૂજારી મૂગ કહેવાય. પુજારીના વડાને પીરેમુગા કહેવાય. પુજા માટે આવતાં ભાવિકોને શરાબ પ્રસાદીરૂપે પીરસવામાં આવતો. શરાબ બનાવવાની કલા ફક્ત પીરેમુગા પાસેથી જ હતી. પછી શરાબખાના ખુલ્યા. નવયુવકોને શરાબ પીરસવામાં કામે લગાડ્યાં. શરાબના પાત્રને ખુમ કહેવાતો. ખુમમાંથી સુરાહી અને સુરાહીમાંથી જામમાં શરાબ આપવામાં આવતો.

૩) ગઝલનું ભારતમાં આગમન

ભારતમાં ગઝલનું આગમન થયું ત્યારથી શરૂ કરીને અમીર -ખુશરો (૧૨૫૩ – ૧૩૨૫) ના સમયગાળાને ગઝલના પ્રથમ તબક્કા તરીક્વે ઓળખવામાં આવે છે. આ તબક્કામાં ગઝલો પર્શિવન – ફારસીમાં લખવામાં આવતી હતી. આ તબક્કે ભારતમાં મુસ્લીમોનું શાસન હતું. ત્યારબાદ ઊર્દુ ફારસીમાં ગઝલો લખાતી. પછીથી ગુજરાતી ગઝલકારોએ ઊર્દુ ગઝલો લખવાનું સ્વીકાર્યુ. પછીના તબક્કામાં મશહૂર શાયરો મીર તકી મીર, સૌદાના નામે થયો. ઊર્દુ અદબમાં ચતુર્થ તબક્કો શાયરીના સૂવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ રીતે સાત તબક્કામાં ગુજરાતી ગઝલોનો વિકાસક્રમ ઓળખાવ્યો છે. આ રીતે ગઝલોની ગુજરાતમાં આગમન માટે તેના મૂળ અને કૂળ વિશે વિગતે અભ્યાસ થઈ શકે જે ગઝલની પૃષ્ઠભૂમિ સમજવા માટે ઉપયોગી બની રહે છે.

– તરૂણ મહેતા

આ લેખના અમુક ભાગ માટે ઉપયોગમાં લીધેલ સંદર્ભ – ગઝલનું પરિપ્રેક્ષ્ય, ડૉ. રશીદ મીરનું ગુજરાતી ગઝલ વિવેચન અંગેનું પુસ્તક.

બિલિપત્ર

હું એની પ્રત્યેક જરૂરિયાત સંતોષું છું
પણ આ નાલાયક શ્વાસ
મારી એકેય જરૂરીયાત સંતોષતાં નથી.
– હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’

આ શ્રેણીના બધાં લેખોનો અનુક્રમ અહીં ક્લિક કરીને મેળવી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ચાલો ગઝલ શીખીએ (ભાગ ૧) – તરૂણ મહેતા (ગઝલની પૃષ્ઠભૂમી)