કવિતાનો શબ્દ – સોનલ પરીખ 7


[ કવિતાનો શબ્દ શોધવાથી જડે એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી, એ આવતો નથી, ગોઠવી કે બનાવી શકાતો નથી, એ તો કોઈક ધન્ય ક્ષણે અવતરે છે. મનમાં થતી પ્રાર્થનાની જેમ કવિતાનો શબ્દ પણ તેનો એક અનોખો નાદ ગૂંજાવે છે. આ સાક્ષાત્કાર એક ગૃહિણીના મનની દ્રષ્ટિએ, એક કવયિત્રીના મનોદ્રશ્યમાં કઈ રીતે સ્થાન પામે છે તેની વાત કહેવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ શબ્દ ક્યારેક સાવ અચાનક રોજીંદી પ્રક્રિયાઓ વચ્ચેથી મળી આવે છે, સાવ અચાનક ઉગી જાય છે અને ક્યારેક મનોમંથનોના અનેકો તબક્કાઓ પછી પણ આવતો નથી એ અર્થની વાત અહીં ખૂબ કાવ્યાત્મક અને અર્થપૂર્ણ દ્રષ્ટિએ કહેવામાં આવી છે. ]

કવિતાનો શબ્દ

ક્યારેક કૂકરની બે વ્હીસલની વચ્ચે પણ
મળી જાય છે;
ક્યારેક અડધી રાતે
આકાશના તારા જોતાં જોતાં
જાગ્રત થતી જતી ચિંતનની પળોમાં
પણ નથી મળતો
ઉજાગરો કેમે કર્યો નથી ફળતો
ને પછી
અર્ધનિદ્રિત શેષરાત્રિની જાગતીસૂતી અવસ્થામાં
ગર્ભમાંનું બાળક
હળવેથી કૂણા હાથપગ હલાવે
તેમ ધીરેથી મારી અંદર ફરકી
જગાડે છે મને….

કપડાંની ઘડી કરતાં અને ઉકેલતા
કોણ જાણે કયા સળમાંથી નીકળી
તોફાની આંખો મીંચકાવી
છુપાઈ જાય છે ક્યાંક કોઈ બીજા સળમાં
ને ક્યારેક
પાણીની જેમ મગજને ફોડી નાખતા
વિચારોની ઘડપીટ વચ્ચે તે ઊભો હોય છે
શાંત, વિસ્મયપૂર્ણ, નિષ્પાપ.

કવિતાનો શબ્દ
કંઈ ન કહીને
મને કહી જાય છે એ બધું જ
જે મારે મને કહેવું હોય છે.
જેને મારે સહેવું હોય છે.
જેમાં મારે વહેવુ હોય છે.
અને એ પણ
જેને મારે ખંખેરવું હોય છે.

– સોનલ પરીખ
(નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૦૩, પૃ. ૨૧)

બિલિપત્ર

એક શરીર, એક મશીન, એક ઢીંગલી, એક જ નાત, એની શું આગવી પીછાણ
શાને ચહેરો જોઈએ તારે ? તારે શાં નામ ને ઠામ ? શાને આપવી ઓળખાણ
– ગીતા ભટ્ટ (કલમ, અંક – ૨, ૨૦૦૨, પૃ. ૧૪)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કવિતાનો શબ્દ – સોનલ પરીખ

  • Kalidas V. Patel { Vagosana}

    સોનલબેન,
    સર્જકને અને એમાંય કેટકેટલા મોરચા સંભાળતી ગૃહિણી-સર્જકને ” કવિતાનો શબ્દ ” એકદમ હાથવગો તો ન જ હોય … પરંતુ, સાચું તો એ છે કે ઘણી વાર એ જ અઘરો ગણાતો કવિતાનો શબ્દ … એટલો સહેલાઈથી આવી ચડે છે કે … જાણે વર્ષાની હેલી !
    બહુ જ સુંદર કવિતા આપી. આભાર.
    એક અપેક્ષાઃ આપ જેવા કવયિત્રી છંદોબધ્ધ,રાગ-ઢાળ,લય-તાલ વાળી ” ગેય ” કવિતાઓ ન આપો ? જેનો આજે દુકાળ પડ્યો છે !
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા}

  • Jaykant Jani

    કવિતાનો શબ્દ

    ક્યારેક નવજાત શિશુ ના હાસ્ય અને રૂદન ની વચ્ચે પણ મળી જાય છે;
    ક્યારેક અડધી રાતે
    સપ્નમા ઝબકી જતા બાળક ને સ્તન પાન કરાવતા કરાવતા
    જાગ્રત થતી દુધધારાની પળોમાં
    પણ મળતો હોય છે.
    ઉજાગરો કેમે કર્યો નથી ફળતો
    ને પછી
    અર્ધનિદ્રિત શેષરાત્રિની જાગતીસૂતી અવસ્થામાં
    ગર્ભમાંનું બાળક
    હળવેથી કૂણા હાથપગ હલાવે
    તેમ ધીરેથી મારી અંદર ફરકી
    જગાડે છે મને….

    કપડાંની ઘડી કરતાં અને ઉકેલતા
    કોણ જાણે કયા સળમાંથી નીકળી
    તોફાની આંખો મીંચકાવી
    છુપાઈ જાય છે ક્યાંક કોઈ બીજા સળમાં
    ને ક્યારેક
    પાણીની જેમ મગજને ફોડી નાખતા
    વિચારોની ઘડપીટ વચ્ચે તે ઊભો હોય છે
    શાંત, વિસ્મયપૂર્ણ, નિષ્પાપ.

    કવિતાનો શબ્દ
    કંઈ ન કહીને
    મને કહી જાય છે એ બધું જ
    જે મારે મને કહેવું હોય છે.
    જેને મારે સહેવું હોય છે.
    જેમાં મારે વહેવુ હોય છે.
    અને એ પણ
    જેને મારે ખંખેરવું હોય છે.