મહામૃત્યુની સંજીવની વિદ્યા – મીરાબેન ભટ્ટ 5
૧૯૮૨માં પ્રકાશિત શ્રીમતી મીરાબેન ભટ્ટનું અદભુત પુસ્તક એટલે “જીવન સંધ્યાનું સ્વાગત.” આ પુસ્તિકામાં તેમણે વૃધ્ધત્વને સાચા અર્થમાં જાજરમાન બનાવી શકાય તે માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. સામે આવેલી ક્ષણોને પૂરેપૂરી, સમગ્રતાપૂર્વક જીવવી, તેમાં યથાશક્ય પાવિત્ર્ય તથા સૌંદર્ય ભરવું એ છે જીવનસાધના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૮૪નું ભગિનિ નિવેદિતા પારિતોષિક આ પુસ્તકને પ્રાપ્ત થયું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે, “જીવનસંધ્યા એટલે ઈન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું. ઈન્દ્રિયોનો ભોગવટો નહીં, તેના પર વિજય. સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે, તેની દિશા નિશ્ચિત હોય, પ્રભુ ! જો કે પ્રીત પરાણે ન થાય. આપણી તેને પામવાની ઝંખનાનો સૂરજ દિવસભર પ્રજ્વળ્યો હશે તો જ તે એક સરસ જીવન સંધ્યા આપણને આપશે તે વાત મનમાં રાખીએ. મૃત્યુને પણ સંજીવની વિદ્યા કહેવાની હિંમત દાખવનાર મીરાબેન જેવા માર્ગદર્શકોજ આવો એક ઉત્તમ વિચાર વિકસાવી શકે.