સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત 6


[ આજે પ્રસ્તુત છે સંસ્કૃત ભાષામાંથી કેટલાક સુભાષિત અને તેની ગુજરાતી સમજણ. સુભાષિત એટલે સુષ્ઠ ભાષિતમ્ – સારી રીતે કહેવાયેલું એક એક ખંડને કવિતા નામથી પણ ઓળખી શકીએ. સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે. સંસ્કૃત સુભાષિતોની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ ભાષા છે પરંતુ તેનો વૈભવ વીસરાઈ રહ્યો છે. સુભાષિતો જીવનના સત્યોને બે કે ચાર પંક્તિઓમાં વણી લેતાં હોય છે. આ સત્યો જીવનનાં અર્ધસત્યો પણ હોઈ શકે, વ્યવહારૂ વાત કે સમજણ પણ હોઈ શકે, યશોગાન પણ હોઈ શકે અને વિચારનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોની વિનિયોગ્યતા સાર્વત્રિક હોય છે. ]

सुभषितमय द्रव्यसंग्रहं न करोति यः ।
सोपि प्रस्तावयज्ञेषु कां प्रदास्यति दक्षिणाम ।।

વાર્તાલાપને યજ્ઞ રૂપે કલ્પવામાં આવ્યો છે. અને આ યજ્ઞમાં જો સુભાષિતરૂપી દ્રવ્યસંગ્રહ ન કર્યો હોય તો તે વાર્તાલાપ કરનાર દક્ષિણારૂપે શું આપી શકે?

सुभाषितेन गानेन युवतीनां च लीलया ।
मनो न भिद्यते यस्य स योगी अथवा पशु: ।।

સુભાષિતના ગાનથી અને યુવતિની લીલાથી, પણ જેનું મન ચલિત થતું નથી તે કાં તો યોગી અથવા પશુ હોઈ શકે.

पृथिव्यां त्रिणी रत्नानि जलम् अन्नम् सुभाषितम ।
मूढै पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ।।

પૃથ્વી પર ત્રણ જ રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. મૂર્ખ લોક જ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે.

संसारकटुवृक्षस्य द्वै फलै हि अमृत उपमै ।
सुभषितरसास्वाद: संगति सुजने जने ।।

આ સંસાર તો આખું ઝેરી વૃક્ષ છે પણ તેના પર બે ફળ અમૃત જેવાં હોય છે. એક તો સુભાષિતનો રસાસ્વાદ અને બીજું સજ્જનોની સંગતિ.

भाषासु मुख्यामधुरा दिव्या गिर्वाणभारति ।
तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम् ।।

ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય વાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્ય મધુર છે. અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે.

द्राक्षा म्लानमुखी जाता, शर्करा च अश्मतां गता ।
सुभाषितरसस्य अग्रे सुधा भीता दिवं गता ।।

સુભાષિતરસની આગળ દ્રાક્ષ ઝાંખી પડી ગઈ, સાક્રર પથ્થરની બની ગઈ અને સુધાની તો વાત જ ન પૂછો, એ તો ડરીને સ્વર્ગમાં જ જતી રહી.

कान् पृच्छाम: सुधा स्वर्गे, वयं निवसामो भुवि ।
किं वा काव्यरस: स्वादु, किं वा स्वादियसि सुधा ।।

દેવો તો સ્વર્ગમાં રહે છે અને આપણે પૃથ્વી પર એટલે કોને પૂછીએ કે, કાવ્યરસ – સુભાષિત રસ મધુર છે કે તેનાથી પણ વધુ મધુર સુધા છે.

जयन्ति ते सुकृतिनो रससिद्धा कविश्वरा ।
नास्ति येषां यश:काये जरामरणजं भयम् ।।

રસસિધ્ધ કવિશ્વરો જ જય પામે છે, જેમની યશઃ કાયાને જરા અને મરણથી ઉત્પન્ન થતો ભય નથી.

कवि: करोति काव्यानि स्वादं बानन्ति पण्डिता: ।
सुन्दर्या अपि लावण्यं पतिर्जानाति नो पिता ।।

કવિ તો કાવ્યો કરે છે પરંતુ તેનો સ્વાદ તો પંડિતો જ જાણી શકે છે. સુંદરીના સૌંદર્યને પતિ જ જાણે છે, પિતા નહીં.

विद्या शस्त्रं च शास्त्रं च द्वै विद्ये प्रतिपत्तये ।
आद्या हास्याय वृद्धत्वे द्वितीया आद्रियते सदा ।।

શસ્ત્ર અને શાસ્ત્ર એ બેની વિદ્યા શીખવાની છે એમ એક સુભાષિત કહે છે. તેમાં શસ્ત્રથી વિદ્યા વૃદ્ધાવસ્થામાં હાસ્યાસ્પદ બને છે, જ્યારે શાસ્ત્રથી વિદ્યા કોઈ પણ અવસ્થામાં આદરણીય છે.

न चोर हार्यं न च राज हार्यं न भ्रातृभाज्यं न च भारकारी ।
व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वप्रधानम् ।।

જેને ચોર ચોરી કરી શક્તા નથી, રાજા લઈ જઈ શક્તો નથી, ભાઈઓ ભાગ પડાવી શક્તા નથી, જે નિત્ય ખર્ચવાથી વધે છે તેવી વિદ્યા બધાંજ પ્રસાધનોમાં સૌથી મહામૂલુ ધન છે.

બિલિપત્ર

काव्यं करोषि किमु ते सुहद्दो न सन्ति,
ये त्वाम् उद्दिर्णपवनम् निवारयन्ति ।
गव्यं धृतं पिब, निवातगृहं प्रविश्य,
वाताधिक हि पुरुषा: कवयो भवन्ति ।।

તું કાવ્યરચના કરે છે, પરંતુ શું તારા મિત્રો નથી કે જે તને આ વાયુપ્રકોપથી બચાવે? ગાયનું ઘી પી, પવન વગરની જગ્યાએ રહે, જો, વાયુપ્રકોપથી યુક્ત પુરૂષો જ કવિઓ હોય છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત