જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની 10


દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે. અક્ષરનાદના વાચક મિત્ર ડો. પ્રવીણ સેદાની કન્યાવિદાયની કપરી ક્ષણોને શબ્દોમાં, ભાવમાં કાંઈક આમ વર્ણવે છે. તેમનો ભાવ અને સુર શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમથી છલોછલ છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે. પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી પ્રસ્તુત રચના આપને પણ અવશ્ય સ્પર્શી જશે જ એવી ખાતરી સહ આ કૃતિ અક્ષરનાદને મોકલવા બદલ ડો. પ્રવીણ સેદાનીનો ખૂબ આભાર. આશા છે તેમની કલમથી આવી સુંદર રચનાઓ મળતી રહેશે.

જાળવી જતન કરેલું આંખ નું રતન મારું, પળમાં છીનવાઈ ગયું,
લાગણી સીંચેલ મારા હૈયા ના ડંખતા આ કાળજાના ઘાવ કોઈ રોકો.

પાપણમાં પૂરેલા આંખના આ મોતી, જાણે ફાટેલી પોટલી માં બાંધ્યા,
છેડા છેડી એ મારા ધબકારા બાંધ્યા, આ જાન લેતી જાન કોઈ રોકો.

નોંધારો પાલક ને પાંગળી જનેતા, જાણે ગાડા ના ડગમગતા પૈડાં,
શ્રીફળ ને બદલે ક્યાંક કાળજું કપાશે મારું આ પૈડાસિંચન ને કોઈ રોકો.

હીરે જડેલ તારા હીચકા ની દોરી મેં હાથે થી હેઠી ના ઉતારી,
હેત નું હાલરડું હજુ ભીનું છે કંઠ માં આ વિસરાતા ટહુકા ને રોકો.

ઝળઝળીયા આંખે બધું ધૂંધળું કળાય, મને મણ મણ નો ભાર લાગે હાથે,
આશિષ શું આપું મારો આશરો લઈ જાય, અરે એકાદ તો પળ એને રોકો.

રૂકસદ માંગે મારો લાડ નો ખજાનો, પેલા સુરજ ને ડૂબવા ના દેજો
આંગણ નું અજવાળું આંસુ એ તણાયું ,એના વહેતા ઝરણા ને કોઈ રોકો.

– ડો. પ્રવીણ સેદાની

બિલિપત્ર

પૈંડું સીંચતા રસ્તો આખો, કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી, સૂનકારમાં ડૂબે,

જાન વળાવી, પાછો વળતો, દીવડો થરથર કંપે
ખડકી પાસે ઉભો રહીને, અજવાળને ઝંખે.

– અનિલ જોશી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની