ભાડાના ઘરની લાગણીઓ – જીજ્ઞેશ અધ્યારૂ 11


[ આ કવિતા છે, અછાંદસ છે કે ગીત છે એની પળોજણમાં પડ્યા વગર એટલું સ્પષ્ટ કરી દેવું ઉચિત સમજું છું કે પીપાવાવથી મહુવા આવતા બસમાં તા. ૮ જુલાઈ ૨૦૧૦ના રોજ અચાનક જ કોઈ પૂર્વસંદર્ભ વગર, આ ‘ગીત’ (મેં એને ગાતાં ગાતાં ઉતાર્યું છે એટલે) અવતર્યું. તેના ભાવ સ્પષ્ટ છે. દરિયો જીવનને કહ્યો છે અને એમાં સ્વ-સાક્ષાત્કારના ઝાંઝવા આવતા નથી, જો આવે તો મુક્તિની ધરતી જ આવે. મુક્તિ મારા મતે કોઈ દાદરો નથી જેને પગલે પગલે ચઢી શકાય, એ તો એક છલાંગે નાનું બાળક જેમ ઊંચાઈએથી ગમતી વસ્તુ મેળવી લે એમ મેળવવી પડતી હશે. અને સ્વભાવિક છે કે મુક્તિનો ઉલ્લેખ હોય તો મૃત્યુ વિશે પણ કાંઈક કહેવાઈ જ જાય. “હું” નામનું ઝબલું જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી મુક્તિનો ભેખ ક્યાં ચઢાવવો? ]

ભાડાના ઘરની જે લાગણીઓ હોય, એને તોડતાં રહેવું એકધારું
દરિયે કાં રેતીના ઝાંઝવા ન હોય, એમ મનડાને વગડે વિચારું.

ટેવો ભરમની ને વાતો મરમની, મનડું આ પળપળ વિચારે
એક પાર ઉભીને ઝંખ્યા કરે એ પહોંચવાને સામે કિનારે
ઝંખના કિનારાની છૂટતી નથી તોયે મધદરિયે હોડી હંકારું
દરિયે કાં રેતીના ઝાંઝવા ન હોય, એમ મનડાને વગડે વિચારું.

એક પછી એક ગઈ જીવનસંધ્યાઓ, આવી રાત કાજળ અંધારી
ખૂલ્યો છે ચોપડો દિવસના હિસાબોનો, આવી અનંતની સવારી
મુક્તિના ભેખ ધરી, શ્વાસોના ઝબલાંને, હળવે હાથે ‘હું’ ઉતારું
દરિયે કાં રેતીના ઝાંઝવા ન હોય, એમ મનડાને વગડે વિચારું.

આવે અંતે એક એવો પ્રસંગ, જેને માણવાને કોઈ નથી રાજી,
આ તો છે માવડીનો ખોળો ને એમાં, બેસવામાં શેની નારાજી
ભોગીને મુક્તિ જાણે તરસ્યાને પાણી, એ છોડીને ક્યાં જવાનું,
દરિયે કદી રેતીના ઝાંઝવા ન હોય, એમ મનડાને વગડે વિચારું.

– જીજ્ઞેશ અધ્યારૂ

પ્રતિભાવોનું સ્વાગત છે.

બિલિપત્ર

કોઈએ પણ ગાવાં પોતાના હ્રદયનાં ગીત
બીજાઓ માટે પણ – પરંતુ પોતાના જ લયમાં, પોતાના જ તાલમાં,
વાદોના તત્વજ્ઞાનમાં ભેરવાવો ન જોઈએ શબ્દ
આ નિર્વિવાદ સત્ય નિશ્ચિત જાણ્યું હતું.
– મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ
(૧૦-૦૬-૬૭, મુંબઈ)


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ભાડાના ઘરની લાગણીઓ – જીજ્ઞેશ અધ્યારૂ

  • pankaj soni

    નથિ કોઇ આવવાનુ,
    કેમ હુ વાટ જોઇ રહ્યો છુ….
    નથિઆખ મો અશ્રુ,
    ને હુ ડુસકા ભરુ છુ…..

  • Jayanti

    ઝાઝ્વાના જળ છે જહી,
    હતો ક્યારે’ક દરિયો તહી,
    પોતાના હોવાનો અહેસાષ કરાવેછે નીર,
    ગરમ ને સુકી રેત મહી….

  • Hiral Vyas "Vasantiful"

    ખુબ સુંદર..

    “આવે અંતે એક એવો પ્રસંગ, જેને માણવાને કોઈ નથી રાજી,
    આ તો છે માવડીનો ખોળો ને એમાં, બેસવામાં શેની નારાજી”

    દરેકે એક દિવસ અનંતની યાત્રાએ જવાનું છે….અને યાત્રાનો તો ઉત્સાહ હોવો જોઇએ નારાજગી નહિ.

  • chetu

    ઝંખના કિનારાની છૂટતી નથી તોયે મધદરિયે હોડી હંકારું…. વાહ ..!! ખુબ જ સરસ રચના ..!!

    આવા અધ્યાત્મિક મનોભાવો એક દિવસ તો મુકિતનેી રાહ પર લઇ જ જાય ..!!

  • Jaykant Jani

    જીગ્નેશ અતિ સુદ્ંર આ ગીત ને પિક્ચરાઇઝ કરી
    મુકો તો તમારા મનોભાવ વઘારે સ્પસ્ટ થાય
    જયકાંત જાની

  • MARKAND DAVE

    આદરણીય પ્રિયશ્રીજીજ્ઞેશભાઇ,
    મુક્તિના ભેખ ધરી, શ્વાસોના ઝબલાંને, હળવે હાથે ‘હું’ ઉતારું

    ઈશ ની અનહદ કૃપા વરસે, તેને જ માનવ દેહનાં, દિવ્ય ઝભલાં પ્રાપ્ત થાય.

    આપના અલૌકિક, તાત્વિક, મનોભાવને મારા શતશત સલામ.
    ખૂબ સુંદર.

    ધન્યવાદ અને આભાર.

    માર્કંડ દવે,