ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી 6


{ શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.

પ્રસ્તુત કૃતિ તેમની ગઝલરચનાની હથોટીનો ખ્યાલ સુપેરે આપી જાય છે. અક્ષરનાદને આ રચના પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.}

ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે
ભીંતને પણ કો’ક દી’ વાચા મળે

એટલે આ વિશ્વ પણ ત્રાસી ગયું
શ્વાસને ઉચ્છવાસના જાસા મળે

લાગણીના વાંઝિયા વિસ્તારમાં
ટેરવાને સ્પર્શની ભાષા મળે

સૂર્યતા વરસી પડી પ્રસ્વેદમાં
દ્ર્શ્ય ક્યાંથી આંખને સાચાં મળે

આ હથેળી પ્રાન્તના અવકાશમાં
યાતનાનું રણ અને આશા મળે

અર્થના પોલાણ ભીતર ‘અલ્પ’ને
શબ્દની શતરંજના પાસા મળે

– અલ્પ ત્રિવેદી

બિલિપત્ર

Bliss was it in that dawn to be alive,
But to be young was very heaven !

– તે પરોઢે જીવતા હોવું પરમ આનંદ એ;
હોવું પરંતુ જુવાન, તે તો સ્વર્ગસમ.

– વર્ડઝવર્થ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી