એકલવ્યની ગુરુદક્ષિણા – ગણપત ભાવસાર ‘શ્રવણ’ 7


[ જેમના માત્ર બે જ કાવ્યો સાહિત્યમાં આજ સુધી પ્રગટ થયાં છે અને જે બેમાંનું એક શ્રી બળવંતરાય ઠાકોરે પોતે સંપાદિત કરેલી ‘આપણી કાવ્યસમૃદ્ધિ’ માં ઉતાર્યું છે તે શ્રી ગણપત ભાવસારે ‘શ્રવણ’ ની સહીથી લખેલું કાવ્ય ‘એકલવ્યની ગુરુદક્ષિણા’ જૂન ૧૯૮૩ના કુમાર સામયિકમાં પ્રસિધ્ધ થયેલું. કવિએ એ પછી કોઈ અન્ય રચનાઓ કરી નથી પરંતુ તેમની કાવ્યરચનાની શક્તિ આ કાવ્યો સુપેરે વ્યક્ત કરી જાય છે. મહાભારતના એક નાનકડા પ્રસંગ એવા એકલવ્યની ગુરુદક્ષિણા રૂપે અંગૂઠો આપવાની વાત અને એ છતાંય શ્રેષ્ઠ ધનુર્ધર થવાની તેની તમન્ના, ગુરુદક્ષિણા આપી શકાઈ તેનો હાશકારો અને અર્જુન સાથેની સરખામણી વગેરે એકલવ્યના મનનાં ભાવો સુપેરે અને ખૂબ પ્રભાવશાળી રીતે વ્યક્ત થયાં છે. ]

[૧]

કાંઈ નહીં, ગુરૂ કાંઈ નહીં; તમે લીધો છે અંગૂઠો આમ !
જોજોને લૈશ ચલાવી હું અંગૂઠાં વિના યે માહરું કામ.

જોર છો ને મને આવતું, આવતું’તું એનાથી બમણું સહેજ,
મુક્ત થયો તમ ઋણથી, ન્હેતર દેવું એ શિર પે વાળવું રે’ત.

આજ પ્રભાતે તમે લઈ દક્ષિણા, પળીઆ હસ્તિનાપુરની વાટ,
પાછળ પાછળ બકરા ઘેટાંશી કૌરવ પાંડવ કેરી જમાત.

કુદતી નાચતી દોડતી દેખીને આંખડીઓ મારી નીરે ભરાય,
રાજના બાળ આ ભીલકુમારનો હાથ કપાવીને કાં ખુશી થાય?

જાણું તમારી તો ઈચ્છા ન’તી જરી આશાઓમાં મમ અગ્નિ દેવાની
જ્યારે મેં તમને વૃક્ષને છાંયડે માટીની મૂર્તિ તમારી દેખાડી,

ત્યારે કેવી તમ મુખપે ગર્વની લાલપ આવી હતી સરી સહેજ !
શિર પે માહરા દ્રષ્ટિ પડી તમ, કોમળ આશિરવાદની પેઠ.

અર્જુને આવીને કાનમહીં તમ કીધું, ગુરુદેવ, શું તે ન જાણું !
મુખના ભાવ તમારા ધીરેધીરે બદલાયા, જેમ વાતા રે વા’ણું.

આભ ધીરે ધીરે આખડીઓ બીડે, સૂર્યના તેજથી યે જાય અંધ,
તેમ તમારી મૃદુ મધુ લાગણી આદેશ આગળ થૈ ગઈ બંધ .

[૨]

એમાં ન’તો જરી દોષ તમારો ગુરુદેવ, સઘળું હું પરમાણું,
દેવ સમી તમ વિદ્યા, પરંતુ જે માનવી નિર્બળ પેટ તમારું.

ધીરે ધીરે મમ પાસ આવી તમે ફેરવીને મમ શિર પે હાથ,
સજળ નયને ધીમે રહી કહી દક્ષિણા દેવાની વાત,

સમજ્યો’તો ગુરુ દ્વન્દ્વ તમારા હ્રદયમાં ચાલતું તે સમે ભારી !
દેખી ન’તી શું મે મુખે તમારા એ રાજવી શિષ્યોની ક્રૂર ખુમારી ?

કેડમાંથી મમ કાઢ્યું કૃપાણ, ને મૂકી તમારાં બે ચરણે માથું,
આંખ મીંચી પળ ધન્ય ઘડી કેરું, દ્રોણ ગુરૂજી મેં અમૃત ચાખ્યું.

એકી ઝટાકે મેં અંગૂઠાને કર્યો હાથ થકી મમ ક્ષણમાં જુદો,
લોહીની ધારે તમારાં ચરણનો વાટની ધૂળ ને કાદવ લૂછ્યો.

‘દીર્ઘજીવી રહો, વત્સ’ કહી તમે ચાલ્યા ગયા જોયા વિના જ પાછું,
આંખડીમાં તમ પોતાની દીનતા ઉપર ખેદનું નીર રે નાચ્યું.

ઓ રે ગુરુદેવ મારે એ અંગૂઠાનું નવ કંઈયે કામ
આંખડીનું તમ નીર મળ્યું મને સાધનાનું મમ શ્રેષ્ઠ એ દામ !

અર્જુન છો પટ્ટશિષ્ય થતો રે’તો છોને હું ભીલકુમાર રે’ આવો,
એને ન કોઈ દિ’ મળશે ગુરુ માટે નિજ અંગૂઠો દેવાનો લ્હાવો !

– શ્રવણ

બિલિપત્ર –

રંગ આપને અતિઘણો, રંગરેજ મતિધામ !
કોણ રંગ દે હ્રદયને, તુમ બિન સુંદર શ્યામ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “એકલવ્યની ગુરુદક્ષિણા – ગણપત ભાવસાર ‘શ્રવણ’

  • અશોકકુમાર દેશાઈ

    હંમેશ તમારી પોસ્ટ વાંચી અને એક વાત નો આનંદ થાઈ છેકે તમે ખુબજ સારી રચના તમારા બ્લોગ પર મુકો છો.,
    એકલવ્ય ની વ્યથા અને તેથી વધુ ગુરુ પ્રત્યેનો જે ભાવ બતાવેલ છે ત્ સમજવો સામાન્ય જન માટે કઠિન છે તેવું લાગે છે…
    ખુબજ સુંદર રચના ….

  • AksharNaad.com Post author

    પ્રિય કલ્પેશભાઈ,

    સર્વપ્રથમ તો મને કહેવા દો કે આ મારી રચના નથી, માટે ઈતિહાસના અભ્યાસ વિશે મને કહેવું અસ્થાને છે.

    બીજું, ઈતિહાસ અને મહાકાવ્યોના પાત્રો વિશે કોઈ છાતી ઠોકીને કોઈ કહી શકે, પ્રસંગોની યોગ્યતા ઠેરવી શકે તે શક્ય નથી. કોઈ પ્રસંગ આમ જ હતો એવો ગાંભીર્યયોગ અસ્થાને છે અને એક સર્જક્ને એટલી તો સ્વતંત્રતા હોય જ છે કે તે પ્રસંગોમાંથી અનુરૂપ નવનીત તારવી શકે. એટલે આ એક રચનાકારનો પોતાનો દ્રષ્ટિકોણ છે અને ખૂબ સુંદર છે.

    આપ જે લખશો તે આપનો દ્રષ્ટિકોણ હશે અને જરૂરી નથી કે તે સર્વસ્વીકાર્ય હોય અને તે જ સત્ય હોય.

    આપે વધુ સ્પષ્ટતા કરી હોત તો યોગ્ય પ્રત્યુત્તર આપી શકાયો હોત.

    સંપાદક

  • કલ્પેશ ડી. સોની

    ઈતિહાસના અભ્યાસ વિના લખવાથી કોઈને અન્યાય થઈ શકે છે. ગુરુદ્રોણ વિશે એક લેખ ‘એકલવ્યનો અંગુઠો’ મારી સાઈટ પર ટુંક સમયમાં પ્રકાશીત કરી રહ્યો છું. જે વાંચીને આપ પુન: વિચાર કરશો.