સાચી મૂડી – ગિરીશ શર્મા 1


[ ૧૯૭૩થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કર્મઠ, સંનિષ્ઠ કાર્યકર, દેશભક્તિના રંગે રંગાયેલા શ્રી ગિરીશ શર્માના કેટલાક સંસ્મરણો ધરાવતું પુસ્તક પારિજાતના પુષ્પો તેમના બાળપણના કેટલાક સંસ્મરણો, સ્વાનુભાવે સંસ્કારાયેલા કેટલાક ચરિત્રો અને તેમની મૌલિક સર્ગશક્તિના પરિપાક રૂપ કેટલાક પાત્રો સાથેના તેમના ઘટનાચિત્રોનો સુંદર સંચય છે. એક નિષ્ઠાવાન, કલાકારના ચિત્રને સહજ એવી સ્ફુરણા એમણે સાદી સીધી ભાષામાં અહીં વહેતી કરી છે. આ પ્રસંગ કે સ્મરણચિત્ર સંગ્રહના ફૂલોને કોઈ વાર્તા કહે કે ન કહે તેની ઝાઝી તમા તેમને નથી, છતાં અહીં પાતળું તો પાતળું વાર્તાતત્વ નથી એમ કોણ કહેશે? નસીબજોગે ૨૦૦૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલ આ પુસ્તક વિમોચનમાં હાજર રહેવાનો અવસર મને મળેલો. ત્યારથી આ પુસ્તકના સહજ પ્રસંગો અને સરળ દર્શન વાંચવા, મમળાવવા ગમતાં રહ્યાં છે. આજે પ્રસ્તુત છે એ પુસ્તકમાંથી એક પ્રસંગચિત્ર. આ રચના અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગિરીશભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર. ]

ગીતાદીદી આવ્યા, ગીતાદીદી આવ્યા !

શ્રી સરસ્વતિ શિશુમંદિરના પ્રાંગણમાં રમતાં બાળકોએ આનંદની કિલકારીઓથી આકાશ ભરી દીધું ! જાણે સૂરજ ઉગતાં જ પક્ષીઓએ કલશોરથી ગગન ભરી દીધું ન હોય !

ગીતાદીદી હસતાં હસતાં વિદ્યાર્થીઓના સ્નેહનો પ્રત્યુત્તર આપતા રહ્યાં, કોઈ વિદ્યાર્થીને પ્રેમથી વાંસામાં ધબ્બો માર્યો, કોઈના ગાલ પર ચૂંટી ખણી, કોઈના માથા પર હાથ ફેરવ્યો, કોઈકનો કાન ખેંચ્યો પણ આકાશને તો તેડી જ લીધો. આકાશને પગમાં થોડી ખોડ હતી, એને ચાલતાં તકલીફ પડતી પરંતુ તે તેના ગીતાદીદીને જુએ એટલે તેની બધી શક્તિ કામે લગાડી દોડવાનો પ્રયત્ન કરતો. ગીતાદીદી પોતાની આજુબાજુ વીંટળાયેલા ટાબરીયાઓને મારો ભેરુ, મારો ભોટુ, મારો ગોટુ, મારો મોટુ, વ્હાલું ભજીયું વગેરે વિશેષણોથી સંબોધીને બાળકો પર સ્નેહવર્ષા કરતાં.

શિશુવાટિકા – ૧ થી ધોરણ -૫ સુધીના બાળકોને ગીતાદીદી ભણાવતા હતા. ધોરણ ૫ નાં તો ગીતાદીદી વર્ગશિક્ષક હતાં. લીમડાની છાયામાં બધા સાથે ટોળેમોળે ધૂળમાંજ તે બેસી ગયા. ગીતાદીદી સૌનું નિરીક્ષણ કરતા બોલવા માંડ્યા, “ભાવના બહેન, ઢીંગલી જેવા લાગો છો ને કાંઈ… ! પણ બે ચોટલા વાળ્યા હોત તો હજુ પણ સરસ લાગત…!”

ભાવનાબહેન શરમાઈને કહે, “કાલથી ચોક્કસ વાળીને આવીશ”, દીદી કહે, “પાક્કું ને તો બીચ્ચા”

“અરે, આકાશ બેટા તારો રૂમાલ ક્યાં?”

આકાશ કહે, “દીદી, લાવ્યો હતો ક્યાંક પડી ગયો…” કહેતા આકાશ આસપાસ નજર દોડાવી તો પોતાનો પડી ગયેલો રૂમાલ જોઈ દોડતો લઈ આવ્યો અને કહે, “દીદી આ રહ્યો.” ત્યાં તો મીરા દોડતી આવીને દીદીને વળગી જ પડી અને હસતી હસતી કહે, “દીદી ચાલ્લી, લાવો મારી ચાલ્લી !” દીદી અને મીરાનો કાયમી કરાર હતો કે મીરાએ ચાલ્લી તો દીદી પાસે જ કરાવવાની ! દીદીએ સ્નેહપૂર્વક પોતાની એક ચાંલ્લીથી કરાર પૂરો કર્યો. ત્યાં તો ઘંટ વાગ્યો અને બધાં વંદના માટે પ્રાર્થનાકક્ષ તરફ દોડ્યાં.

ગીતાદીદી શિશુમંદિરના કાર્યોને ભગવદકાર્ય – સદકાર્ય માનતા, તેમના પિતા સ્વ હસમુખભાઈને પણ આ કાર્ય પ્રિય હતું, તેઓ કહેતા, “બે પાંચ, પચ્ચીસ બાળકોને સારા સંસ્કાર આપીએ, સ્નેહ આપીએ અને સારા નાગરિક બનાવીએ એટલે બસ, આપણું જીવનકાર્ય સફળ.”

ગીતાદીદી પણ બાળકો સાથે બાળક જ થઈ ગયાં હતાં. વિદ્યાલયના કોઈ પણ વિદ્યાર્થી માટે તેમના ઘરના દ્વાર સદાય ખુલ્લા રહેતાં. ટ્યુશન ન થઈ શકે એ શિશુમંદિરના નિયમ માટે એમને ઘણું માન હતું, ને ટ્યુશન શાનું વળી? વિદ્યાર્થીને જરૂર લાગે ત્યારે સહજતાથી વિદ્યાલયમાં અથવા ઘરે આવીને પૂછી શકે ! આમાં વળી ટ્યુશન શા માટે?

દીદીના વર્ગમાં ૩૧ વિદ્યાર્થીઓ હતાં, આમ પણ શિશુમંદિરોમાં ૩૫થી વધારે વિદ્યાર્થીઓ એક વર્ગમાં રાખતા નથી. દીદીનો બધાજ વિદ્યાર્થીઓ સાથે પારિવારિક સંબંધ હતો. છેલ્લા સાત વર્ષથી આ બાળકો સાથે એમનો મમતામયી નાતો હતો. શિશુમંદિરના નિયમ મુજબ વર્ષમાં બે વખત દરેક વિદ્યાર્થીને ઘરે જઈને તેના માતાપિતા સાથે વિદ્યાર્થીના વિકાસ માટે મુક્ત મને લાગણીપૂર્વક ચર્ચા વિચારણા તો થતી જ પરંતુ એ સિવાય અનૌપચારીક રીતે પણ તેઓ બીજી બે વખત વિદ્યાર્થીના ઘરે જઈ જ આવતા. આ જીવંત સંપર્કના આધારે જ તેમના વર્ગના બધાં જ વિદ્યાર્થીઓ ઉત્તમ શ્રેણીમાં જ ઉત્તીર્ણ થતાં. રવિવારે દીદી નબળાં લાગતા વિદ્યાર્થીઓને પોતાના ઘરે બોલાવતા, પોતે જાત્તે રસોઈ કરતા જાય અને સૌને ભણાવતા જાય. પોતે જાતે થાળી બનાવતા અને એ વિદ્યાર્થીઓને જમાડે, કોઈ કોઈને તો દીદી મોઢામાં કોળિયા આપીને પણ જમાડે !

દીદી પોતાના પથદર્શક અને પ્રેરણામૂર્તિ સમાન પિતાના અવસાન વખતે પણ સંયમ પૂર્વક અને અત્યંત ધીરજથી, પરિવારના અન્ય સભ્યોને સંભાળવામાં વ્યસ્ત રહેતા. એ જોઈને, અનેકને એમની આંતરિક શક્તિ માટે માન થયું હતું. પિતાજીના અવસાનના સાત દિવસોમાં તેમણે પૂર્વવત્ત શિશુમંદિર આવવાનું શરૂ કર્યું. બધા એ આગ્રહ કર્યો તો કહે, “બાળકોને અન્યાય કરું તો મેં પિતાજીને અન્યાય કર્યો ગણાશે. વળી, હવે તો વાર્ષિક પરીક્ષા આવે છે તેથી વધારે ધ્યાન આપવાની જરૂર છે.

દીદી પોતાના વર્ગમાં અભ્યાસ પુનરાવર્તન કરાવવામાં, મ અન લગાવી કાર્યરત થયાં, પરંતુ એક ઘટનાએ સમગ્ર વિદ્યાલયને હચમચાવી નાખ્યું.

ગુરુવારના રોજ, પ્રથમ તાસમાં, દીદી ગણિતનું પુનરાવર્તન કરાવતા હતાં. દીદી પહેલા કોઈ દાખલો ગણે, સમજાવે અને પછી સાવ નબળા વિદ્યાર્થીને એ દાખલો ગણવા ઉભો કરે. એ વિદ્યાર્થી તે દાખલો ફરી કરી આપે એટલે બધાને દાખલો આવડી જ ગયો હોય.

પણ આજે એક અગત્યનો દાખલો સમજાવ્યો છતાં, નબળાને નહીં પણ સૌથી તેજસ્વી એવા વિવેકને પણ ન આવડ્યો ત્યારે દીદી પોતાની જાતમાં ખોવાઈ ગયાં ! તેમણે ફરી થોડી આડીઅવળી વાતો કરી બધાને હળવા કર્યા અને ફરી દાખલો સમજાવ્યો છતાં કોઈને પણ દાખલો મગજમાં ન બેઠો તે ન જ બેઠો.

દીદી આખરે થાકીને ખુરશી પર બેસી ગયા. પોતે અપરાધભાવનો અનુભવ કર્યો, પોતે પૂરતી તૈયારી કરી નથી તેથી બાળકો તેજસ્વી છે છતાં દાખલો સમજાવી શક્યા નથી આવો વિચાર પ્રબળ થતો ગયો.

અચાનક એમણે કહ્યું, “સાંભળો, કોઈ એકવાર ભૂલ કરે, બીજીવાર પણ ભૂલ કરે અને ત્રીજીવાર ભૂલ ન કરે, માટે શું કરવું જોઈએ?”

વિદ્યાર્થીઓ તેમનું મનોમંથન સમજી શક્યા નહીં, અને આથી જવાબ ન મળ્યો, દીદી આથી વધુ અપરાધભાવ અનુભવવા લાગ્યા. તેમને થયું મેં બધા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા સમયે કેટલો કીમતી સમય બગાડ્યો. વિદ્યાર્થીઓને સજા કરવાની શિશુમંદિરની પદ્ધતિ નથી પણ આચાર્ત્ય તરીકે મને તો સજા મળવી જ જોઈએ !

દીદીએ તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, “મેં આજે પૂરી પૂર્વ તૈયારી કરી નથી, તમે બધાંતો તેજસ્વી છો જ પરંતુ મારી ભૂલને કારણે તમારો કીમતી સમય બગડ્યો છે, હવે મારી એક વાત તમારે બધાંએ માનવાની છે, બોલો માનશો ને?”

દીદીને આદર્શ માનતા બધાંએ માથું હલાવી હા પાડી.

દીદીએ કહ્યું, “બધાએ એક પછી એક મારી પાસે આવવાનું એ અને મેં ભૂલ કરી તે બદલ સજા આપવાની છે. આ ફુટપટ્ટી અહીંયા પડી છે તે મારા હાથ પર તમારે ફટકારવાની છે!”

દીદીની આવી અચરજભરી વાત સાંભળી વિદ્યાર્થીઓ શૂન્યમનસ્ક થઈ ગયાં.

દીદીએ કહ્યું, “ચાલો દિનેશભાઈ, ઉભા થઈ અહીં આવો.”

દિનેશ ઉભો થઈ દીદી પાસે આવ્યો અને અચકાતા હાથે ફુટપટ્ટી લઈ, દીદીએ ધરેલા ડાબા હાથમાં ફુટપટ્ટી અડાડીને પુનઃ પોતાને સ્થાને ગયો. એક પછી એક વિદ્યાર્થીનો વારો આવતો રહ્યો અને બધાંય એમ કરતાં રહ્યાં. છેલ્લે બારણા પાસે બેઠેલા વિવેકનો વારો આવ્યો.

વિવેકની ચાલમાં અને મુખ પર દ્રઢતા હતી, દીદીની સામે આવી, અદબ વાળી શાંત અને સ્વસ્થ તે ઉભો રહ્યો. દીદીએ તેની સામે જોયું, એનો પ્રિય અને તેજસ્વી વિદ્યાર્થી, મેં આવા વિદ્યાર્થીઓનો સમય બગાડ્યો?

તેમણે વિવેકને કહ્યું, “વિવેક, ઉપાડ ફુટપ્ટ્ટી !”

વિવેકે હાથની અદબ ખોલી નહીં, સ્વસ્થ ભાવે, સ્થિરપણે એ શાંત ઉભો રહ્યો!

દીદીએ થોડા ઉંચા અવાજે ફરી કહ્યું, “વિવેકભાઈ, જલ્દી કરો, હમણાં તાસ પૂરો થઈ જશે.” પણ વિવેકના હાવભાવમાં કોઈ ફેરફાર ન થયો.

દીદી હવે અકળાયા, “વિવેક, ફુટપટ્ટી ઉપાડ નહીંતર હું તને સજા કરીશ ! ભૂલ કરનારને સજા ન કરે એ પણ સજાને પાત્ર ઠરે.”

વિવેક તો પણ શાંત અને સ્વસ્થ

દીદી કહે, “વિવેક છેલ્લી વખત કહું છું, ફુટપટ્ટી ઉપાડ !”

તો પણ વિવેક શાંત

દીદીએ બૂમ પાડી, “વિવેક, કહ્યું નહીં માને તો લાફો પડશે.”

વર્ગમાં સમય જાણે થંભી ગયો.

નિરવ શાંતિમા લાફાના જોરદાર અવાજે બધાને જાગૃત કર્યા. વિવેક લાફાના મારથી પડતાં પડતાં પોતાને માંડ માંડ બચાવી શક્યો અને ધીમેથી બોલ્યો, “મારો હજી મારો, પણ હું તમને નહીં જ મારું, નહીં જ મારું.”

દીદી ક્રોધથી લાલચોળ થતાં બોલ્યા, “કેમ નહીં મારે?”

વિવેકની આંખમાંથી આંસુની ધાર વહેતી ચાલી, એ બોલ્યો, “દીદી, મારી માં એ મને કહ્યું છે કે મોટાને કદી ન મરાય, અને તમે તો મારા ગુરૂ , મારા દીદી, તમને કેમ મારું?”

દીદી વિવેકને ભેટી પડ્યાં. ગુરુ શિષ્ય આંસુ સારતા રહ્યાં.

કેસરવર્ણી સમી સાંજે દીદી, મહાદેવના મંદિરના પૂજારીની નાનકડી ઓરડીમાં રહેતા વિવેકના પરિવારને મળવા ગયાં. વિવેકની માતાને મળી, ચરણસ્પર્શ કરી માથે ચડાવતાં બોલ્યા કે “માસી, મહાદેવની ફડફડ ફરકતી ધજાની સાક્ષીએ કહું છું કે મારા વર્ગના બધાં જ વિદ્યાર્થીઓને હું ચાહું છું, બધાને ભણાવ્યા, રમાડ્યા, જમાડ્યા પરંતુ તમારા વિવેકે મને માંના સંસ્કાર શું તેનો આજે પરિચય કરાવ્યો ! બધા એક પછી એક ફુટપટ્ટી અડાડતા હતા ત્યારે મારા કાળજે લોહીના ટશીયા ફૂટતા હતા ! પણ વિવેકના વર્તનથી બધી પીડા શમી ગઈ છે. તમે વિવેકના મનમાં, સારા સંસ્કારો અને અડગ શ્રધ્ધા નિર્માણ કરી છે, એ માટે તમને વંદન કરવા આવી છું.”

વિવેકની માતા માત્ર એટલું જ બોલ્યા, “બહેન, આ જ તો અમારી સાચી મૂડી છે.”

ચાર આંખોમાંથી આત્મ સંતોષની સુગંધ ચારે બાજુ પ્રસરતી રહી અને એ જ વખતે મંદિરમાં આરતીનો ઘંટારવ સાથે પ્રારંભ થયો.

– ગિરીશભાઈ શર્મા

બિલિપત્ર

જતનપૂર્વક ઉછરેલા
આપણા સંબંધના વૃક્ષને
મેં મૂળસોતું ઉખેડી નાખ્યું
કાંઈ નહીં તો
ગુમાવવાની કળામાં તો હું પારંગત છું.
– સુરેશ દલાલ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સાચી મૂડી – ગિરીશ શર્મા

  • dinesh dataniya

    મ.ગિરિશ્જિ એક ઉત્ક્રુસ્ત સ્વયમ્સેવક ચ્હે..મને તેમ્નુ સનિધ્ય પ્રાપ્ત્થયેલુ જે હજિ પન મને યાદ ચ્હે.હુ ગમે તેલો મોતો મનસ થૈસ્,,કેત્લક સમ્બ્ન્ધો ચિર સ્મર્નિય હોય ચ્હે,,સત નમન યોગિ ગિરિસ્જિ…..કેતલાક લોકો હોય તેનથિ વિપ્રિત નવૈ પમાદે તેવુ દોહરુ વ્યક્તિત્વ ધરવ્ત હોય ચ્હે..જે હ્રદય ને દન્ખેી જાય ને કેત્લક વેરાન રન મા મિથિ વિરદિ જેવા કોઇ આદમ્બર વગર સૌકોઇ નિ તરસ બુઝવે,,,