માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 10


[ માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. અંગ્રેજીમાં આ ક્ષેત્રનું ખેડાણ ખૂબ થયું છે અને અનેક બ્લોગ ફક્ત માઈક્રો ફિક્શન પ્રકાર પર પણ ચાલે છે. આપને આ પ્રયાસ કેવો લાગ્યો એ વિશેના તથા આ પ્રકાર વિશેના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. ]

(૧) વિષકન્યા – કલ્પના જિતેન્દ્ર

દાદાજી, કહોને ! અગાઊના જમાનામાં વિષકન્યા હતી એ સાચી વાત?

વૃદ્ધાશ્રમમાં દાદા દાદીને મળવા આવેલા ટીનુએ પૂછ્યું.

પપ્પા દાદા દાદી સાથે વાતોએ વળગ્યા કે એ ફરતો ફરતો ગ્રંથાલયમાં પહોંચી ગયો. વાંચવાનો ખૂબ શોખ. વાંચતા વાંચતા મનમાં પ્રશ્ન થયો ને સીધો જ આવ્યો દાદાજી પાસે.

“હા બેટા ! સાચી વાત છે. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ દુશ્મનનું કાસળ કાઢવા વિષકન્યા તૈયાર કરતાં. નાની બાળકીને ઘોડિયામાંથી જ ટીપું ટીપું ઝેર પાવા માંડે ! ધીરે ધીરે ડોઝ વધારતાં જાય. એટલી હદે કે એની રગેરગમાં ઝેર પ્રસરી જાય ! એ પછી એને દુશ્મનના રાજ્યમાં રાજાને કે અન્ય અધિકારી પાસે મોકલે ! જે કોઈ એની અત્યંત નજીક આવે કે એનું મૃત્યુ થયું સમજો !

– એ વિષકન્યા બીજી સ્ત્રીઓની જેવી જ દેખાતી હોય ?
– હા, સ્ત્રી જેવી જ સ્ત્રી ! ઉલટાની વિશેષ દેખાવડી અને અત્યંત સુંદર હોય જેથી કોઈ પણ તેના પ્રત્યે આકર્ષાય. કોઈને સ્વપ્ને પણ કલ્પના ન આવે કે આ સ્ત્રી – નજીક આવતાં બધું ખેદાન મેદાન કરી નાખશે !
– પણ હેં દાદાજી ! કોઈને ખબરેય ન પડે?
– ના, બેટા કોઈનેય ખબર ન પડે.

કહેતા જ દાદાજીએ મનમાં ઉંડો નિસાસો નાંખ્યો ! ‘અમનેય તારી મમ્મીની ક્યાં ખબર પડી’તી?’

(૨) એક પત્નીનો ત્યાગ (તમિલ વાર્તા) – અજ્ઞાત, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

મનોજ તેની પત્ની સુકન્યાને કહેવા માંગતો હતો કે તે હવે આ સંબંધથી મુક્તિ ઈચ્છે છે, અને તેના જીવનમાં હવે બીજુ કોઈક પ્રવેશી ચૂક્યું છે. પણ શું તે સમજશે? આટલા વર્ષોના સહજીવન પછી શું તે સુકન્યાને આ કહી શક્શે? આવા વિશ્વાસઘાત બદલ તે શું અનુભવશે? તેની પ્રતિક્રિયા કેવી હશે? આજે જ્યારે તેને મારી સૌથી વધુ જરૂરત એ ત્યારે હું તેને કઈ રીતે છોડી દઊં? પરંતુ હું સ્મિતાને પણ પ્રેમ કરું છું અને સ્મિતા પણ મને એટલો જ પ્રેમ કરે છે તેનું શું?

તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તે સ્મિતાને મળ્યો હતો, તે સુકન્યા માટે દવા લેવા દવાની દુકાને ગયો હતો અને દવા લઈને પાછી ફરતી સ્મિતા સાથે અથડાયો હતો, સ્મિતાના હાથમાંથી બધી દવાઓ વિખેરાઈ જમીન પર પડી ગઈ હતી, પોતે તેને એ બધી ભેગી કરી આપવામાં મદદ કરી હતી અને અચાનક પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાના સાધનનું ખોખું લેવામાં બંનેના હાથ ભેગા થઈ ગયેલાં, તેણે સ્મિતાની સામે જોયું અને તેની આંખોમાં ઝળકતા આંસુઓના દરીયાને પણ જોયો હતો, અને તેનું આશ્ચર્ય ત્યારે વધી ગયેલું જ્યારે એ આંસુઓ બધા બંધ તોડીને મુક્તપણે વહેવા લાગ્યાં હતાં. પોતે સ્મિતાને નજીકના એક રેસ્તોરામાં દોરી ગયેલો અને તેને જ્યૂસ પીવડાવેલું, એકલતામાં એક અજાણ્યા મિત્રને મેળવીને જેમ મન ખૂલી જાય તેમ આ ટૂંકા પરિચય પછી પોતાની સાથે થયેલા દગાની વાત તેણે મનોજને કહેલી અને સામે પક્ષે સુકન્યાની વાત રામે પણ તેને કહી હતી.

તે પછી તેમની મૈત્રી થઈ ગઈ, મૈત્રીના ફૂલો પ્રેમની વસંતમાં પલોટાયા અને બંને વચ્ચેનું અંતર ઘટતું રહ્યું, નિકટતાઓ વધતી રહી, એટલે સુધી કે એક આખી રાત મનોજ તેના ઘરે જ રોકાયો, એક બીજાના સાથમાં તેઓ બધું ભૂલી ગયાં. જો કે તેમણે સંબંધને કોઈ નામ નહોતું આપ્યું, પણ મનોજને હવે મનમાં ડંખ થવા લાગેલો, તેણે સુકન્યાને છોડી સ્મિતા સાથે લગ્ન કરવાનું નક્કી કરેલું, પણ સૌથી મોટો સવાલ હતો, સુકન્યાનું કોણ?

સુકન્યાની પથારી પાસે બેસી, માથુ હાથમાં રાખી તે સુકન્યાને પૂછી રહ્યો છે, “મને કહે, હું શું કરું? હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ હું સ્મિતાને પણ ચાહું છું…. આનો ઉપાય મને બતાવ.”

અને જાણે તરત જવાબ આપતું હોય તેમ સુકન્યાના હ્રદયના ધબકારા માપતું, બતાવતું મશીન એક સત્તત અવાજ શરૂ કરી દે છે, જીવનની બધી ઊંચી નીચી રેખાઓ સીધી થઈ જાય છે, ડોક્ટરો દોડી આવે છે, નર્સો પણ, પરંતુ સુકન્યા પોતાના શ્વાસોને મુક્ત કરી ચૂકી છે, તેનું ચાર વર્ષથી લકવાગ્રસ્ત શરીર હવે ક્યારેય નહીં હાલે, હવામાં જાણે તેનો સ્વર ગૂંજે છે, “જાઓ મનોજ, આજથી તમે મુક્ત છો.”

(૨) છોકરું – જીજ્ઞેશ અધ્યારૂ

ઘરની બહાર ટોળું જમા થઈ ગયેલું, જો કે આ તો સોસાયટીના લોકો માટે રોજનું હતું, પણ આવતા જતાં લોકો કુતુહલવશ ભેગા થઈ જતાં, અંદર મીરાં બરાડા પાડી રહી હતી અને ઘરના બીજા બધાં જાણે બહેરા હોય તેમ પોતપોતાનું કામ કર્યે જતાં હતાં,

“અરે તમે બધાંએ આ શું માંડ્યું છે? મારી છોકરીને તમે કેટલી હેરાન કરશો? હરા…. તમને કેટલી વખત કહ્યું કે છોકરો કે છોકરી એ મારા હાથની વાત નથી” પછી પોતાના પતિ તરફ ફરીને એ બરાડી, “નીંભરની જેમ મને જોઈ શું રહ્યા છો? આ બધું તમારા પ્રતાપે છે, પણ તમારાથી તમારી માંને, તમારી બે’નને ક્યાં કાંઈ કહેવાય છે? આખો દિવસ મારી છોકરીને હડધૂત કરે છે.”

ફરી એક શાંતિ ચોતરફ ફરી વળી, પણ મીરાં જેનું નામ, એને ચેન ક્યાં હતું, એનો ઉભરો તો હજીય બાકી હતો, “મારી છોકરીની શું હાલત કરી છે આ નાલાયકોએ ભેગા થઈને…” તેના અવાજમાં રૂદનનો રણકો ભળ્યો અને આંખમાં આંસુની ધાર ચાલી, “મારી બિચારી છોકરીને કેટલા વખતથી સારા કપડાંય નથી આપ્યાં ને એને બોલાવતાંય નથી, અરે એમાં મારી છોકરીનો શું વાંક? ભગવાન તમને આ ક્રૂરતાનો બદલો જરૂર આપશે …”

શેરીમાં બે પડોશણ બાઈઓ વાત કરી રહી હતી, “મનોજને કેટલી વખત કહ્યું, આ ગાંડીને પાગલખાને મૂકી આવ તો તનેય શાંતિ અને અમનેય… પણ પ્રેમલગ્ન તો જાણે આણે જ નવી નવાઈના કર્યા છે, એને આ કકળાટ ખબર નહીં કેમ ગમે છે? રોજ સવારમાં આ જ બૂમાબૂમ અને આ વાંઝણીનું મોં જોવાનું…”

જો કે આ વાતોથી કાયમ બેખબર મીરાંએ ઘરમાં પોતાની ઢીંગલીને ફરીથી વહાલ કરવા માંડ્યું હતું.

બિલિપત્ર

અર્નેસ્ટ હેમિંગ્વેની રચના એવી વિશ્વની સૌથી ટૂંકી વાર્તા –
For sale: baby shoes. Never worn.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત