અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ – કાકા કાલેલકર 2


[ લાગણી અને પ્રેમસૂત્રમાં પરોવાયેલા ગુરૂ શિષ્યના સંબંધો વિશેનો એક લેખ શ્રી ક્ષિતિમોહન સેનની કલમે હમણાં જ માણ્યો. ગુરૂ શિષ્ય પરંપરા અને એ આખીય શિક્ષણ પધ્ધતિ વિશે ઘણુંય લખાયું છે. એક શિષ્ય માટે ગુરૂ તેની ઉપાસનામૂર્તી હોઈ શકે, પરંતુ એક અધ્યાપક માટે તેની ઉપાસના મૂર્તી કોણ હોવું જોઈએ એ વિષય પર કાકા કાલેલકરના વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે શિષ્યના ધર્મને એક ગુરૂની નજરોથી નિહાળવાની અને સન્માન આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત વાતમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે. ]

અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એ જ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે, એમનો વિકાસ એ તેનો પ્રસાદ છે. એમનું અધઃપતન એ તેનું નરક છે, અને ચારિત્ર્યની દ્રઢતા એ જ તેનું સ્વર્ગ છે. દુર્બળ લોકોને મોળા પડતા રોકે ને શૂર ચડાવે, તે અધ્યાપક. ઢોર જેવા પ્રાણીને શિક્ષક દેવ જેવા માણસ બનાવી શકે છે. ગુરુએ શિષ્યમાં જ્ઞાન રેડવાનું નથી. શિષ્યની બુદ્ધિ એ કંઈ વાસણ નથી, તે એક કમળ છે; સૂર્યની પેઠે દૂરથી જ પોતાના પ્રખર-સોમ્ય કિરણોથી તેનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિદ્યાનંદ ને સેવાનંદનો સ્વાદ ચખાડવો, અને આદર્શ પાછળ ગાંડા થવામાં જ જીવનની સફળતા છે તે સમજાવી દેવું, એ શિક્ષકનો આનંદ છે.

અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે, ધીમું પ્રખર યુદ્ધ ચાલાવવું, એ કેળવણીકારનો સ્વધર્મ છે. સાચો કેળવણીકાર સમાજનો આશ્રિત નથી હોતો, પણ સમાજનો અગ્રેસર વિચારક હોય છે, આચાર-વીર હોય છે. હદયપલટો કરાવવો અને તેને માટે અખૂટ ધીરજ રાખવી, એ એક જ શસ્ત્ર કેળવણીકારો પાસે છે. જેની પાસે ધીરજ નથી તે કેળવણીકાર નથી.

જેમ ન્યાયખાતા પર રાજ્યકર્તાઓને અંકુશ ઓછામાં ઓછો હોવો જોઈએ, તેમ જ કેળવણીના તંત્ર પર કોઈ સરકારનો ઓછામાં ઓછો અંકુશ હોવો જોઈએ. સાચા કેળવણીકારો રાજકીય અને સામાજિક નિયંત્રણથી પર હોવા જોઈએ. પણ આટલી યોગ્યતા અને અધિકાર પચાવવા માટે કેળવણીકારો જ્ઞાન અને ચારિત્ર્યમાં આદર્શ હોવા જોઈએ. એમનો પોતાના ઉપરનો અંકુશ જોઈને સમાજનું માથું એમની આગળ નમે, એવું હોવું જોઈએ.

અધ્યાપકનો ધંધો સ્વીકાર્યા પછી મને એક લાભ એ મને થયો કે હું નિર્દોષ વિદ્યાર્થીઓના સમાગમમાં આવ્યો. વિદ્યાર્થીઓ માને કે, કાકાને મળવાથી એમનાં જ્ઞાન અને અનુભવનો લાભ આપણને મળે. પણ મને પોતાને વિદ્યાર્થીઓના સહવાસથી ખૂબ મળ્યું છે. કદાચ ગાંધીજીના સહવાસથી પણ એટલું બધું નહીં મળ્યું હોય. વિદ્યાર્થીઓના સહવાસમાં હું સદાય જુવાન રહેવાનો, પણ સૌથી મોટો લાભ તો મને એ થયો કે તેમના સહવાસને લીધે હું પવિત્રતા જાળવતાં શીખ્યો. મારું નામ ધણી વાર પાડવા ઈચ્છે તો પણ, વિદ્યાર્થીઓને લાયક બનવાના વિચારોથી પડતો બચી જાઉં.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ – કાકા કાલેલકર