દીકરીની મહેંદી – દિવ્યા રાવલ 4


[ મહેંદી દરેક કુમારીકાના મનોદ્રશ્યમાં એક આગવી ભાત ધરાવે છે. બાળકીઓ જ્યારે ગોરમાને પૂજતા તેમના હાથની મહેંદીને નિરખે છે ત્યારે તેના ભાવિ જીવનસાથીના સ્વપ્નો તેના મનમાં કેવા આકારો જન્માવે છે, કલ્પનાની પાંખે સવાર થઈને મનના એ વિચારોમાં અવનવા રંગો પૂરાય છે. પરંતુ કવયિત્રી આ વાતથી વિશેષ કાંઈક કહેવા માંગે છે, રચનાને અંતે મહેંદીને એક સ્ત્રીના જીવન સાથે સરખાવીને આખીય રચનાને એક અલગ પરિમાણ આપી જાય છે, તો લગ્ન પછી વિદાય થતી દીકરીને મહેંદીની જેમ જીવનને, કુટુંબને રંગ આપવાની વાત સમજાવતા એક માં નો ધ્વનિ અંતે કેવો સમજણનો રાગ છેડે છે? ખૂબ સુંદર અને લાઘવસભર આ અછાંદસ ખરેખર માણવાલાયક રચના છે. ]

નીરખું છું દીકરી વ્યથિત હદયે –
તારા કર દ્રયે શોભતી આ મહેંદીને…
ચૂંટાઈને, પીસાઈને, ખરલમાં લસોટાઈને
કેવી સુંદર લીંપાઈ ગઈ છે તારી ભાગ્યરેખાઓ વચ્ચે !

સાંભરે છે ? તું બાળકી હતી ત્યારે
ઝટ ભૂંસી નાખતી વહેલો રંગ જોવાને !
સખીઓ સાથ ગોરમાને વિનવતી
શરમાતી – તું મનગમતા વરની છબી ચીતરતી !

પણ હવે તું આ સાચવી રાખજે –
એનો રંગ વધુ વધુ ઘેરો થવા દેજે –
પિતૃગૃહેથી ખોબે ભરેલી મહેંકથી
શ્વશુરગૃહની હરદિશા મહેંકાવજે ! !

આપણે તો જન્મથી જ મહેંદી દીકરી,
પીસાવા – ઘૂંટાવા કાજ જન્મ્યાં….
આપણા વિના કોણ દેશે આ ઘરને
ઉજાસ મહેંદીના કેસરી રંગનો ?

– દિવ્યા રાવલ

બિલિપત્ર –

એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થયું પણ સૌનિકો લડ્યા નહીં….. કેમ?
કારણ ઢિશુમ ઢિશુમ તો પેપ્સોડેન્ટનું કામ છે….


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દીકરીની મહેંદી – દિવ્યા રાવલ