દસમાં ધોરણમાં ભણતી મીના ઘરે આવતાંવેંત હાથમાં રહેલ ટ્રોફી તથા પ્રમાણપત્ર હરખભેર ઊંચા કરી બોલી ઊઠી, ‘પપ્પા, મમ્મી, જુઓ તો ખરાં, હું “બેટી બચાવો” વાર્તાસ્પર્ધામાં પ્રથમ આવી ! બાપ-દીકરી ભેટી પડે છે. ઊંચાઇ બાપની લગોલગ, મમ્મી કહે, ‘દીકરી મીના, તું તો ખાસ્સી મોટી થઇ ગઇ. થોડીવારમાં એવડી મોટી થઇ જઇશ કે લગ્નની શરણાઇ….’
‘અરે, હજી તો ઘણી વાર છે એને, વિદાયની ઘડી અત્યારમાં યાદ કરાવીને શું કામ….?’ પત્નીની ભીની આંખ જોઇ પતિએ પણ આર્દ્ર સ્વરે આમ કહ્યું. મીનાએ હોંશભેર વાત આગળ ચલાવી. ‘અરે, તમે સાંભળો તો ખરાં ! મારી વાર્તા કંઇક એવી હતી કે… માબાપને એક દીકરી. તેઓ, ખાસ કરીને મા એમ નથી ઇચ્છતી કે બીજીયે દીકરી જ જન્મે, એટલે આ વખતે તે ગર્ભપરીક્ષણ કરાવે છે.’
મીના ત્યાં થોડીવાર વાર્તાને વિરામ આપતી બળાપો ઠાલવી રહી, ‘પપ્પા, ખરેખર તો જે ગર્ભપરીક્ષણ કરાવે તેના મગજનું જ પરીક્ષણ ન કરાવવું જોઇએ ? નિદાનમાં આવા માણસો સો ટકા પાગલ જ નીકળે. હા, તો હવે આગળ… પેલા મા-બાપ દુનિયામાં આવવા થનગનતા આવા જીવને આવવા જ નથી દેતાં. ક્રૂર બની નવા જન્મી રહેલા જીવને ! દુનિયાને એમ ઠસાવવાનું નાટક કરે છે કે આ બધું તો કુદરતી જ થયું ને બે વરસ પછી એક રોગમાં એની હયાત દીકરી પણ મરણ પામે છે. માની કુખ હવે સાવ સૂની, એકનું મોત કુદરતી ને બીજાનું માનવસર્જિત. બંનેને પછી ખોટું કર્યાનું ભાન અને પસ્તાવો થાય છે. બેય દૂર દૂર બહારગામ ચાલ્યા જાય છે, ને ત્યાં અનાથાશ્રમમાંથી એક બાળકીને દત્તક લઇ તેને જીવની જેમ ઉછેરે છે. તે દીકરી પપ્પાની પડતી વખતે મદદરૂપ થાય છે, હિંમત રાખવાનું પ્રોત્સાહન પૂરું પાડી નવજીવન બક્ષે છે. ઘરના બધા કામ કુશળતાપૂર્વક તેમજ પ્રેમથી કરે છે.
આ બધું જોઇને મા-બાપને પોતાની બંને દીકરી યાદ આવે છે. આ દીકરીને તેઓ ફૂલની જેમ રાખે છે, દિલ ફાડીને પ્યાર કરે છે, વહાલ વરસાવે છે. દત્તક પુત્રીને ખબર પણ નથી પડવા દેતા કે પોતે એના સગા માબાપ નથી. બધાના જીવનમાં આનંદ આનંદ પ્રસરી જાય છે….’
મીનાની વાર્તા સાંભળી મા-બાપની આંખ ભીની થઇ ગઇ. આ જોઇ મીના બોલી, ‘કેમ બાકી ? મારી વાર્તા રચનાત્મક સંદેશવાળી ને હ્રદયસ્પર્શી છે ને? મારે આ વાર્તા પર નાટક લખી તેને ભજવવું છે. તમે બેય એમાં મા-બાપની ભૂમિકા ભજવશો?’
ને બેય મૂંગામંતર ! ‘ના’ ‘ના’ એમ હાથેથી ઇશારો કહી રહ્યાં કે “હવે બીજીવાર અભિનય નથી કરવો.” ને પછી માબાપે પ્રેમવશ દીકરી મીનાને ચૂમીઓથી નવડાવી દીધી.
……મીનાએ અજાણતા જ બેયની વાસ્તવિકતા ખુલ્લી કરી દીધી હતી !
– દુર્ગેશ ઓઝા
ભૃણ પરીક્ષણ, કન્યા ભૃણ હત્યા જેવી ભયાનક ભૂલો અને દીકરીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખીને તેમના મનને દુભવતા અનેકો લોકોને ખોટું કર્યાનો અહેસાસ થાય, એ ભૂલના પસ્તાવા રૂપે તેમની આંખ ભીની થાય એવી એક સાવ સહજ અને સરળતાથી ગળે ઉતરી જાય એવી હ્રદયસ્પર્શી વાત દુર્ગેશભાઈ પ્રસ્તુત લઘુકથામાં લઈને આવ્યા છે. અખંડ આનંદમાં પ્રસ્તુત થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દુર્ગેશભાઈનો ખૂબ આભાર.
Excellent
વાંચકો,લેખકોનો પ્રતિભાવ બદલ આભાર. કેટલીક ચોટદાર લઘુકથાઓ લખી શક્યાનો આનંદ છે. હજી વધુ બળૂકી કૃતિ લખવાની ચાનક પણ છે.શ્રી જીજ્ઞેશભાઈ પણ ધન્યવાદને પાત્ર છે,જે સારી કૃતિઓને અક્ષરનાદ પર મૂકી એકબીજાને જોડે છે,સુંદર સાહિત્યપ્રસાર જેમાં મોટો છે સાર એટલે આભાર- દુર્ગેશઓઝા
લઘુકથાના અમિતાભ બચ્ચન ગણાતા ભાઈ દુર્ગેશ ઓઝા ફરી એક વખત વાંચકોને સુંદર અને ચોટદાર વાર્તા આપવામાં સફળ થયાં છે. ખુબ જ અભિનંદન એમને અને અક્ષરનાદ બંનેને…
એક ખુબસુરત અને હ્રદયસ્પર્ષેી વાર્તા.દુર્ગેશભાઇ ઓઝાને અભિનઁદન.
ભાઈ દુર્ગેશ ઓઝા હેતુપ્રધાન સાહિત્ય્ના બહુ જ સારા સર્જક .
લઘુ – કથાના તો ચેમ્પિઅન જ ગનાય. ફુલચ્હાબમા એમનિ
લઘુકથાનિ કોલમ ખાસ્સિ પોપયુલર થૈ ચ્હે
ભુમિકા મા એમને તાજો – સમ્વેદન્શિલ વિશય લઐને નાજુક
-કોમલ નકશિ કામ કર્યુ – તેને ભઐ જિગ્નેશ્નિ પારખુ નજરે
યોગ્ય જ મન્ચ પુરો પાદ્યો ચ્હે
ashvin.desai 47 @gmail .com
આ લાઘુકથામાંથી સમાજ ધડો લઇ શકે, ખાસ કરીને જેમનું મા-બાપ બનવાનું ભવિષ્યમાં લગભગ પાકું થઇ ગયું હોય! પેરન્ટિંગ વિષય દરેક લગ્નોત્સુક અને સંતાનવાંછું યુવક/યુવતી સમજે એ જરૂરી છે. એ માટે કોઈ શાળા નથી કે સંસ્થા નથી, હોય તો તેમાં કોણ જાય એ પણ વિચારવા જેવી વાત ગણાય. … હદ
ઉત્તમ સંદેશો આપતી બહુ સુંદર વાર્તા અને ધન્ય છે એ માબાપને જેમની આંખ બંધ હતી તે ઉઘડી ગઈ અને એક નન્હી કળીને પોતાની ગણીને ઉછેરી.
ખુબ સરસ રજુઆત ખાસ તો “બીજી વાર અભિનય ” વાક્ય
નો યથાથ’ બહુ જ સરસ
અભિનન્દન્…………………………………..