પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે 4
આકાશમાં ઉડવાનું કોને ન ગમે? પણ ઉડવું શી રીતે? હનુમાન અને સુપરમેન ઉડી શકે પણ આપણે કેવી રીતે ઉડવું? ભલે આપણે ન ઉડી શકીએ પણ ઉડવામાં જેને ગોલ્ડ મેડલ મળી શકે તેવાં ગોલ્ડન ગરુડના વિશ્વમાં તો આપણે વિહરી શકીએ ને ! જેને પાંખ હોય તેને પંખી કહેવાય. પંખીઓમાં જેને રાજા ગણવામાં આવે છે તેને પંખીરાજ કહે છે. પંખીરાજ એટલે ગરુડ! એટલે જ તો તે ગરુડગામીનું એટલે કે વિષ્ણુનું વાહન છે. ધજા પર ગરુડના ચિન્હવાળા વિષ્ણુને ગરુડધ્વજ કહ્યા છે.