ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા. ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે પણ એજ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ..
ગ્લોબલાઇઝેશન, મોર્ડનાઇઝેશન, કોમ્પુટરાઇઝેશન – આ બધું જ હવે ભારત દેશના ખૂણે ખૂણે ધુમાડાની જેમ પ્રસરી ગયુ છે અને એનાથી ગામડાઓ પણ બાકાત નથી રહ્યા. આ વાત છે ગુજરાતના મહેસાણા પાસેના ગામડાની, કહેવાતું ગામડુ જ્યાં હવે ગામડાની સંસ્કૃતિએ આધુનિકતાનો આંચળો ઓઢી લીધો છે. ગામમાં તળપદા ગુજરાતીનું સ્થાન ગુજલીશ ભાષાએ લીધું છે અને બીજા પણ ઘણા બધા ફેરફારો… આવા જ એક ગામના ટપાલી.. મનસુખ ભાઈ, એક આદર્શ ટપાલી, પણ પચાસ વરસે તેમની ત્રણ પાંદડાની ડાળીનું એક પાંદડું વિખુટું પડી ગયું અને મનસુખભાઇ તથા તેમનો દીકરો લખમણ એકલા પડી ગયા.
“હવે તો સાઈકલ ઢસડી ઢસડીને આ ખોળીયું અને ઘૂંટણીયા ઝરી ગીયા સે.. હવે તો લખમણના જનમ ટાણે સીંચેલો આંબો પણ ઋણ ચૂક્તો થઇ ગિયો સે પણ લખમણ કિ દીસે ઘર નું ગાડું ગડબાવશે..” મનસુખભાઈએ લખમણમાં પોતાની એક આદર્શ પોસ્ટમાસ્તરની છબી નિહાળવાની આશા સાથે કહ્યું.
“અરે મનસુખભઈ, ઇમ મનમાં ઓછું ન લાવો, આપણા પોસ્ટખાતામાં તમે રાજીનામું આપી દીઓ અને તમારી જગાએ લખમણને ગોઠવી દઇએ..” હરીભાઈની વાત સાંભળતા જ મનસુખભાઈની હતાશાથી ઢાળી દીધેલુ ડોક આંખમાં એક આશાની પરિકલ્પના સાથે ટટ્ટાર થઈ.
લખમણ પચીસ વર્ષનો તરવરીયો યુવાન, હાથમાં મોબાઇલ, માથાના વાળ તેલને બદલે જેલમાં તરબોળાઈને નીત નવી સ્ટાઇલ કરેલા, કાળા ગોગલ્સ, માથે ટોપી, શર્ટના ઉપરના સદાય ખુલ્લા રહેતા બટન અને અધૂરામાં પૂરૂ સલમાનખાનની ભક્તિમાં રંગાયેલો પરમ ભક્ત… ગામની નજીકના શહેરમાંથી બી.એ સુધીનો અભ્યાસ કરેલો અને એને મન યુવાની એટલે મોજમસ્તી અને કોઈના પ્રેમમાં રાસ-લીલા કરવાની તક, બાકી નોકરી અને કમાવાનો ભાર તો આખી જિંદગી અજગરની જેમ ભીંસ્યા જ કરવાનો છે.
“ના ના બાપુ, હું તો કૉલેજ ભણી આયેલો સું. આપણા ગામમાં જોયું સે કૂઇ મારા જેવું? મારો વટ, કપડાં ને ઈસ્ટાઇલ – મારા જેવા તો સેરમાં મોટી ઓફિસમાં હોય, કાં તો આપણે તો ફિલમ માં જ હોઈએ સલમાનભાઇની માફક… આ માસ્તર બાસ્તર આપણ ને નો ફાવે”
“પણ બેટા, હવે પચીસ વરસની ઉંમર કાંઈ નાની નો કેવાય. તારે બે છેડા ભેળા કરવા મારી હાથલાકડી તો બનવું પડસે ને? હવે આ ખોળિયું કે દી હુધી સાથ દીસે…. ઇ તો આ હજાર હાથવાળોજ જાણે.”
બાપુની વાત સાંભળી ન સાંભળી કરી ને લખમણનો ઑર્ડર છૂટ્યો, “બાપુ, એ બધુ પસે વિચારીશ, જરા એક પચાસ રૂપિયા દઈ દીઓ ફટફટિયામાં પેટ્રોલ પુરાવવુંસે અને સલમાનભાઇ ની ફિલમ જોવા જાવું સે..” ધ્રુજાતા હાથે રૂપિયા આપતા મનસુખભાઈ મનોમન બબડી ઉઠ્યા, “હવે તો ભગવાન જ લખમણમાં ઊતરે અને એની અકલ ફેરવે…”
અને એક દિવસ ખરેખર હજાર હાથવાળાએ લખમણની અક્કલ ફેરવી અને એ પિતાના આર્થિક ગાડાનું પૈડું બનવા તૈયાર થઈ ગયો પણ આ તૈયારી પાછળનો આશય આર્થિક ભાર ઉલેચવાનો નહીં, પણ પોતા માટે પાણીની જેમ પૈસા ઉડાડવાનો હતો. અને તૈયાર થઈ ગયો એકવીસમી સદીનો ટપાલી – સાઈકલની જગ્યાએ મોટરસાઇકલ, હાથ ઝોળાની જગ્યાએ હેન્ડબેગ અને કાનમાં બે વાયર વાળા ભૂંગળા બોલીવુડિયા ગીતો સાંભળવા. લખમણને મન સમય એ તો ઝાંઝવાનું પાણી, એને જેટલો પકડવા મથીએ એટલો આપણાથી આગળ ભાગે એટલે પોતે નક્કી કરીએ એજ નોકરીનો સમય, બારથી બે વાગ્યાનો સમય પત્રો વહેંચવાનો, બાકી ચાર વાગ્યાનો સમય ઘરમાં વામકુક્ષીનો.
“જુઓ કાકા, તમારો મનિઓર્ડર તમને મળશે, પણ તમે કો છો ઇ ટેમે નો મળે, મું બીજી પોસ્ટ આપવા નીકળું ઇ ટેમે, ઇમ કાગળ આવેને હાલી ન નીકળાય. આમાં પેટ્રોલ બળે સે અને ઇના ભાવ તો વધતાજ જાય સે અને જો બવ અધીરા હો તો વીસ રૂપિયા આપી દીજો. એમ પણ મનીઑર્ડરના રૂપિયા મળવાના જ સેને તો દર મહિને ટેમ પર મળી જાસે. અને હા જમના કાકી કાગળ વાંચવાના એક પાનાનાં પાંચ રૂપિયા, આ તો તમે પાડોશીસો ઇટલે નિકર દશ રૂપિયા લઉસું અને જો ટેમ પર કાગળ જોતા હોય તો દિવાળીની બોણી પચાસ રૂપિયા, કાગળ લખવાના પાના મુજબ દસ રૂપિયા. મારા બાપાનેતો કમાતા જ ન આવડ્યું.” અને લખમણે પોતાનું પત્રો માટેનું રેટકાર્ડ જાહેર કરી દીધું. પૂરા ગામમાં લોકોના મોં પર એક જ વાત રમતી – “મનસુખભાઈનો રોયો ઇમનું નામ બોળે સે.”
ગામમાં લોકોને ન સમયસર ખબર મળે, ન કોઇને મનીઑર્ડરના પૈસા – અને અધૂરામાં પૂરૂ દર શુક્રવારે લખમણની રજા – શહેર જઈને ફિલમ જોવા માટે પણ લોકો મનસુખભાઈના માન ખાતર સાંખી લેતા. અને જો મનસુખભાઈ લખમણને ટોકવા જાય તો કામ છોડીને શહેર જતા રહેવાની ધમકી.. પણ મનસુખભાઈને હૈયા ધારણ હતી કે એક દિ’ લખમણ સુધરશે અને અને એમનું નામ ઉજાળશે.
અને એક દિવસ ખરેખર એમનું નામ ઉજ્ળ્યું, ગામમાં લખમણના નામની બૂમ પડી, દસ માણસો લાકડી લઈને મનસુખભાઈના ઘર આગળ ભેગા થઈ ગયા.
“કાઢો હાળાને, મારો રોયો ક્યાં ખૂંપાઇ ગીયો સે, ઇ ને તો જમીન ચીરીને કે પાતાળ ખૂંદીનેય હાડકા પાંહળા ઇક કરીને જ ઝંપીશું, ક્યાં મરી પૂગ્યો સે માળો હારો કાગળ આપવા લેવાના બહાને ગામના સરપંચની મંજુ હાથે ચક્કર ચલાવી ને ઘરમાંથી ત્રીસ હજાર રૂપિયા લઈ ભાગી ગીયો સે.”
એટલામાં કરસનકાકાએ સાક્ષી પૂરી, “હા હા, હાચી વાત છે. ઘણીવાર અમે પણ ઇ બન્ને ને ગામની પાદર જોયા સે, ઇ તો હતો જ નઘરોળ, ક્યાં મનસખભાઈ અને ક્યાં ઇમનો સોરો. ઇ ને લીધે મને સમયસર મનીઑર્ડર ન મલ્યો અને મારે ધિરાણ સમયસર ન ભરવાથી વ્યાજ ચઢ્યું.”
“અરે કરસનભાઈ, મુંને તો મારી નણંદની કાણનો તાર બે દી’ મોડો દીધો.” ગંગા બેને લખમણના નામની પોથી ખોલતા કહ્યું, આમ લખમણના પીડિતોએએ મનસુખભાઈના ઘર આગળ લખમણના નામના ચીઠ્ઠા ફાડ્યા.
અને મનસુખભાઈ દરેક પીડિતની વાત આંખમાં ઝળઝળીયા સાથે સાંભળતા પોતાની જાત ને દોષ દેવા લાગ્યા કે ન મેં એનામાં મારી પોસ્ટમાસ્તરની છબી જોવાની આશા રાખી હોત ને ન આટલા લોકો દુઃખી થયા હોત. એણે ન માત્ર મારૂ નામ, પણ પોસ્ટમાસ્તરના કામને પણ લજવ્યું છે.
– ઋત્વિ વ્યાસ મહેતા
Really heart touching article..
બહુ સુંદર અને ભાવવાહી વાર્ત છે.
Superb Story.Indicates New generations thinking.
thank you very much for such response
મજાની ટૂકી વાતાઁ. મનસુખભઇની મનોવ્યથા વધુ અસરકારક બનાવી શકાત
બહેન રુત્વિ વ્યાસ મહેતાનિ આ વાર્તા કેત્લિક ખાસ ખુબિ
ધરાવે ચ્હે .(૧) બે લાઈન નિ વચ્ચે લેખિકાએ ખુબ જ
કુશલતાપુર્વક ભાવક માતે ઘનુ બધુ વિચાર્વા માતે અધ્યાહાર
રાખ્યુ ચ્હે , તે વાર્તાને એક કલાક્રુતિ બનાવે ચ્હે .
રુત્વિનિ શૈલિ સરલ , ધાર્દાર , વેધક અને સોસ્રરવિ ચ્હે તેથિ
બધાને અસર કરિ શકે એવિ ચ્હે , તેથિ એમનિ નવિ
વાર્તાઓનિ રાહ જોવાનુ મન થાય . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા ashvin.desai47@gmajl.com
Really.. It’s an heart touching story….
સઁસ્કૃતિ ની ભેળસેળ કહિ શકાય.
આજના યુવાનોની માનસિકતા અને વાસ્તવિકતા પ્રગટ કરતી વાર્તા.
પણ એના જવાબદાર કોણ ? મા-બાપ કે સંસ્કૃતિની ભૅળસેળ ?
I felt that end of the story was somewhat abrupt..could have been little more dramatic.Although,over all it is good attampt.
વાર્તા તો સરસ છે પણ આપડા લોકો નિ માનસિકતા જુનિ જ છે નવિ પેઢિ ના દરેક વયક્તિ ઉપર મુજબ વર્તા ના પાત્ર જેવો જ હોય
કેમકે અત્યાર ના જમાના ના લોકો શોર્ટકટ માં જ માને છે હા ઘણા એમાં પણ અપવાદ હોય છે.
ખુબ સરસ વાર્તા
સરસ વાર્તા.
very nice story, its reality nowadays common in society .