પ્રથમ મિત્ર પોતે… – આનંદ રાજ્યગુરૂ 8


“મને કોઇ સમજતું નથી”, “મને કોઇ સમજવા પ્રયત્ન કરતું નથી.” આવા વાક્યો સાથે પોતાની હતાશા ને વ્યક્ત કરનારા લોકો સમાજમાં ઠેરઠેર જોવા મળે છે. અને આપણે ખુદ પણ એમાંના એક જ હોઇએ છીએ. હંમેશા સામેની વ્યક્તિ જ મને સમજવાનો પ્રયત્ન કરે એવી અપેક્ષા હર કોઇની હોય છે. કારણકે પોતે તો સર્વગુણ સંપન્ન હોય છે ને! સામેની વ્યક્તિ મને સમજતી નથી એ કેવી રીતે ખબર પડી? કેમકે એના મનમાં તો આપણે ઘૂસ્યા જ નથી. અને વળી કદાચ એમના દૃષ્ટિકોણથી જોઇએ તો એ પણ આપણા જેવું જ વિચારતા હશે. તો વાંક કોનો? હર કોઇ પોતાની છબીને આદર્શ ગણીને સમાજમાં મૂકવા ઇચ્છશે તો આવી જ બન્યું ! એ તો એવું બનશે કે શ્રોતા વગરના વક્તા. કેમકે જે વ્યક્તિ પોતે જ પોતાને ઉત્તમ માને છે તેને સામેવાળાને મહત્ત્વ આપવું શું કામ ગમે? અને આ પ્રશ્ન જીવન પર્યંત વારંવાર ઉપસ્થિત થયા કરે કે મને કોણ સમજશે?

સૌ પ્રથમ તો આ જ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો પ્રયત્ન કર્યો? એટલે કે હું શું છું અને કોણ છું એ બીજા કોઇ સમજે એ પહેલા પોતે સમજવાનો પ્રયત્ન કર્યો? પોતાની જાતને પોતાની જ અપેક્ષાઓની એરણ પર ચડાવી કસોટી કરવાનો પ્રયત્ન કર્યો? કહેવાય છે કે પ્રથમ ઓળખ પોતાનાથી જ શરૂ થાય છે. અને જો વ્યક્તિ પોતે જ પોતાને સમજી શકે તો જ બીજા પાસે પોતાને સમજવાની અપેક્ષા રાખી શકે. તો પોતાને સમજવાની શરૂઆત કેવી રીતે કરીશું? કારણકે પોતાને તો સૌ કોઇ ઓળખે જ છે. રોજ સવારે અરીસા સામે ઊભા રહી સૌ પોતાની છબીનું નિરૂપણ પોતાના મગજમાં કરી જ લે છે. અને રહી વિચારોની વાત તો દૃષ્ટિકોણ તો કેવી રીતે બદલે?

પોતાને સમજવાનો પ્રયત્ન કંઇક અલગ રીતે પણ કરી શકાય. જેમ કે પોતાની જાતને પોતાનાથી અલગ વ્યક્તિત્વ ગણી અને સમજવાનો પ્રયત્ન થાય તો જ આ દિશામાં આગળ વધી શકાય. બાળપણથી ઘણા એવા નજીકના મિત્રો જીવનપર્યંત આપણી સાથે જોડાયેલા રહે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે, એ આપણને બીજાથી વિશેષ સમજી શકે છે. અને કદાચ એ મિત્ર પણ એવું જ માનીને આપણી સાથે સારી મૈત્રીથી જોડાયેલા રહે છે. જીવનમાં દુ:ખ આવ્યે આ જ મિત્રો સહકાર આપે છે, અને એમની સલાહ હંમેશા અનુસરવાનું મન થાય છે. આવું બનવાનું કારણ મૈત્રીજ હોઇ શકે , તો એનો અર્થ એવો થયો કે મૈત્રીથી આપણા પ્રશ્નોનો જવાબ સરળતાથી મળી રહે. એટલે કે જ્યારે-જ્યારે મનમાં એવો સવાલ આવે કે”મને કોઇ સમજતું નથી.” ત્યારે ત્યારે જીવનમાં જે-જે લોકો મને સમજી શક્યા છે એમના દૃષ્ટિકોણથી પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાનામાંથી જ એ સવાલનો જવાબ મળી શકે. આ વાતનો નિષ્કર્ષ એવો નીકળે કે પોતાને જ પોતાનો મિત્ર ગણી અને સમજવામાં આવે તો હરકોઇ પોતાને સમજી શકે , એવો આનંદ દૂર નથી.

વધુ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યારે જીવનમાં એવી ક્ષણો આવે કે પોતાની જાતને સમાજમાં એકલી-અટૂલી મહેસૂસ થાય અને “કોઇ મને સમજતું નથી”, એવો સવાલ મનમાં આવે ત્યારે તુરંત જ એવું વિચારવું કે મારો સાચો મિત્ર આ ક્ષણમાં મને શું સલાહ આપશે? બસ, અહીંથી જ એ સવાલનો જવાબ મળવાની શરૂઆત થઇ જશે.કેમકે ફક્ત દૃષ્ટિકોણ બદલવાથી અપેક્ષા ફરી જશે. અને અપેક્ષાઓ ફરવાની સાથે પીડા ઘટી જશે. અપેક્ષાઓ એક નજરનું જ સ્વરૂપ છે. તો હું જ મારો પ્રથમ મિત્ર હોઉં તો મારે બીજાના અભિપ્રાયની શી જરૂર? સ્વમૂલ્યાંકન જ સ્વભાવનું નિરૂપણ કરી શકે અને સ્વભાવ એ જ સ્વની ઓળખ બની શકે. તો જ્યારે હું જ મારી જાતને બીજાથી વિશેષ સમજી શકું તો બીજા મને સમજી શકે છે કે નહીં તેની મને કોઇ પરવાહ નહીં રહે. બીજાના સ્વભાવ કે વર્તનને તો આપણે બદલવાથી જ રહ્યા. પીડા ત્યારે જ ઉદભવે જ્યારે અપેક્ષાઓ હણાય. અને અપેક્ષાઓ તો જ હણાય, જ્યારે સ્વમૂલ્યાંકનની કમી હોય. આથી પ્રથમ પોતાને સમજવાનો પ્રયત્ન, ત્યારબાદ બીજાની પોતાના પર અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન અને તે પછી બીજા પોતાને સમજે છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન થઇ શકે.

તો આજથી જ પોતાને પોતાના મિત્ર બનાવવાનો પ્રયત્ન શરૂ કરીએ અને એ મિત્ર તમને કઇ દૃષ્ટિથી જોવાનું પસંદ કરશે એવા બનવાની શરૂઆત કરીએ.

– આનંદ રાજ્યગુરૂ,
401, ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ, રાજ ટેનામેન્ટવાળી ગલી, એકતા પાનવાળી શેરી, યમુનાવાડી પાછળ, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઇલ: 08347557039


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પ્રથમ મિત્ર પોતે… – આનંદ રાજ્યગુરૂ