કુંઠા (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 10


લીલાબાએ પોતાના હાથમાં રહેલું પોસ્ટકાર્ડ રેખાના હાથમાં મૂકતા કહ્યું : ‘રેખા, જો આ પોસ્ટકાર્ડ વાંચ, મુંબઇથી મધુ આવે છે.’

‘મધુ આવે છે’… એ શબ્દો જાણે કે રેખાના કાનને સ્પર્શ કર્યા વગર જ પસાર થઇ ગયા. દર વખતે મધુના આગમનનાં સમાચાર સાંભળીને પોતાની અડતાલીસ વર્ષની વયને ભૂલી જઇ ઊછળી પડતી રેખા આ વખતે કશો જ પ્રતિભાવ આપ્યા વગર ચૂપચાપ બારીની બહાર તાકતી બેઠી રહી.

હે ભગવાન, શું થઇ ગયું છે મારી આ રેખાને? છેલ્લા પંદર દિવસથી સાવ ગૂમસૂમ બની બેઠી છે. નથી તો કોઇ સાથે સરખી વાત કરતી, કે નથી તો પેટ ભરીને જમતી…! દરેક પ્રશ્નનાં જવાબમાં ફ્ક્ત હવામાં તાકી રહી છે — લીલાબા વિચારી રહ્યા હતા – એ વાત સાચી કે એ દિવસે રેખા સાથે જે કંઇ બન્યું, તે નહોતું બનવું જોઇતું. ગમે તેવા મજબુત કાળજાની સ્ત્રી સાથે પણ જો એ ઘટના બને તો તે ચોક્કસ ક્ષણ બે-ક્ષણ માટે હેબતાઇ જાય.. અરે, કદાચ એ વખતે રડી પડે, બહુ બહુ તો એ વાતનો ઓથાર તેના મન પર એકાદ દિવસ રહે ખરો…! પરંતુ, પરંતુ આ તો…!!! એ ઘટના બન્યાને આજકાલ કરતાં પંદર દિવસ થવા આવ્યા. હવે તો એ ઘટનાને વિસારે પાડવી જ પડે ને ? વળી, રેખા સાથે જે કાંઇ બન્યું, તેના કરતા પણ વધુ ખરાબ બાબતો રોજ કેટકેટલી સ્ત્રીઓ સાથે બનતી હશે…! રેખા આટલી બધી સંવેદનશીલ હશે તેવી કલ્પના નહોતી. આ જમાનામાં આટલી નાનકડી વાતમાં આટલી બધી ઉદાસી…? આટલો બધો ફફડાટ…? ક્યાં આ મોટી રેખા અને ક્યાં પેલી નાની મધુ…! જે ઘટના રેખા સાથે બની તે જો કદાચ મધુ સાથે બની હોત, તો એ બીજી જ મિનિટે સ્વસ્થ થઇ ગઇ હોત…! જો કે રેખા તો બચપણથી જ થોડી શરમાળ હતી ને ?… લીલાબાનું મન ભૂતકાળની ગોખમાં જઇ ભરાયું.

લીલાબા એ વખતે યુવાન લીલાવતી હતા. જગજીવન માસ્તરને પરણીને જ્યારે તેઓ આ ઘરમાં આવ્યા, ત્યારે એ ઘરમાં રહેલા તેના એક માત્ર વિધવા સાસુએ તેને લાલ કંકુથી ગૃહપગલાં કરાવ્યા હતા. પહેલા ખોળે રેખા જન્મી ત્યારે મોટા ભાગનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકો હોય તેવા સીધા અને સરળ જગજીવન તો રાજીનાં રેડ થઇ ગયા હતા, પરંતુ લીલાવતીનનાં સાસુ ને ઘરમાં લક્ષ્મીજી, દીકરી સ્વરૂપે પધાર્યા, એ બહુ નહોતું ગમ્યું. ભગવાનને ગમ્યું તે ખરૂં, એમ મન મનાવી બીજી વખત તો ચોક્કસ ભગવાન લીલાવતીની સામું જોશે અને દીકરો દેશે, એવી આશામાં એમણે તે સુવાવડ પાર પાડી. પરંતુ એ પછી બરાબર ત્રણ વર્ષ બાદ લીલાવતીનાં પેટમાં મધુ પ્રવેશી, એ પહેલા તો તેઓ મોટું ગામતરૂં કરી ગયા. મધુનો જન્મ થયો ત્યારે દીકરીનું મોઢું જોઇ લીલાવતીનું મન થોડું ખાટું થઇ ગયું પણ એ વખતે જગજીવન તેના સુવાવડની ખાટલીની બાજુમાં રાખેલી નેતરની ખુરશી પર બેઠા બેઠા કહ્યું હતું…’સાંભળ લીલા, દીકરો હોય કે દીકરી, એ હંમેશા ઇશ્વર તરફથી મળેલી ભેટ હોય છે. એ ભેટનો અનાદર કરવો એ ખુદ ઇશ્વરનો અનાદર કર્યા બરાબર ગણાય. માટે તું તારૂં મન જરાયે નાનું ન કરીશ. આપણે આ બન્ને દીકરીઓને દીકરાની જેમ ઉછેરીશું. સમજી?’

કેટલો સમજદાર હતો એ પુરુષ…! નાનકડા ગામમાં પ્રાથમિક શાળામાં બાળકને ભણાવતા એ શિક્ષકની સમજદારી કોઇ મોટા શહેરનાં ડૉક્ટર કરતાં જરા પણ ઓછી હતી? લીલાવતીની આંખમાં લટકતા આંસુઓના તોરણને જગજીવને ખૂબ હળવેકથી ઉતારી લીધા. રેતઘડીમાં સરકતી રેતીની માફક સમય સરતો રહ્યો. મોટી રેખાએ ગ્રેજ્યુએશન પૂરું કરી નજીકનાં શહેરની બી. એડ કૉલેજમાં પ્રવેશ મેળવી લીધો અને નાનકડી મધુએ હોમિયોપેથીના ડૉક્ટર બનવાનો રસ્તો પકડ્યો. રેખાએ બી.એડ પૂરૂં કર્યું, બરાબર એ જ ગાળામાં જગજીવન માસ્તરને સીવિયર હાર્ટ ઍટેક આવ્યો અને….

‘મા, તું ચિંતા ન કરીશ. બાપુ ગયા તો શું થયું? હું છું ને? બાપુએ મને આટલું ભણાવી છે તો હવે આ ઘરની જવાબદારી હું જ ઉપાડી લઇશ… હું નોકરી કરીશ. વિશ્વાસ રાખજે મા, કે નહીં તો હું આપણો રોટલો રખડવા દઉં કે નહીં તો મધુનો અભ્યાસ અટકવા દઉં…’ જગજીવન માસ્તરની ઓચિંતી વિદાયના ચૌદમા દિવસે ઘરમાં એકલી પડી ગયેલી ત્રણ સ્ત્રીઓમાંની રેખા, પોતાની હમણાં જ વિધવા થયેલી માતાનાં સફેદ સાડલાની કરચલીને સરખી કરતા બોલી, ત્યારે નાની મધુ ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

‘રડ નહીં મધુ…’ પોતાનો અવાજ સહેજ કઠોર કરતા રેખા બોલી; ‘હવે આપણે એટલા તો મોટા થઇ જવું પડશે કે રડતાં રડતાં આપણે જાતે જ છાનાં રહી જઇએ…સમજી?’

લીલાવતી એકીટશે આ છોકરીની સમજદારી જોઇ રહ્યા. ભગવાને રેખાને રૂપ તો નહોતું આપ્યું, પરંતુ ઘાટીલો દેહ પણ નહોતો આપ્યો. કાંઇક અંશે જાડી, થોડીક શ્યામ, બેઠી દડીની અને ચશ્માધારી રેખાની આ આંતરિક ઊંચાઇ અને તેનાં માંહ્યલાનું સૌંદર્ય જોઇ શકે તેવો મૂરતિયો મળી જાય એટલે તેના હાથ પીળા કરી દેવા, તેવું વિચારતી લીલવતીએ પછી લગલગાટ પચ્ચીસ વર્ષ સુધી એવું વિચારતી જ રહી પરંતુ તેનો એ વિચાર ક્યારેય વાસ્તવમાં ન પરિણમ્યો. (વિચાર જ રહ્યો. )

એ પચ્ચીસ વર્ષના સમયમાં ઘણું બધું બન્યું. રેખાને તેના બાપુની જગ્યાએ એ જ શાળામાં શિક્ષિકાની નોકરી મળી ગઇ. મધુ ડૉક્ટર બની ગઇ. કાંઇક તો ઘરની પરિસ્થિતિને કારણે લગ્ન ન કરવાની ઇચ્છા અને ખાસ તો પોતાના થોડા બેડોળ દેખાવને કારણે યોગ્ય પાત્ર ન મળવાથી, અંતે રેખાએ નાની મધુને યોગ્ય કુટુંબ જોઇ અને મુંબઇ પરણાવી દીધી. એ પછી વીતતું દરેક વર્ષ રેખાના ચહેરા પર તેની વધતી જતી વયની મહોર લગાવતું રહ્યું.

પંદર દિવસ પહેલા એક એવી ઘટના બની ગઇ કે શાંત પાણી જેવી રેખાના જીવનમાં જાણે કાંકરીચાળો થઇ ગયો. એ દિવસે રેખા સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહી હતી. સાંજનાં સાડા પાંચ વાગ્યા હતા. એ બરાબર ટાવરચોક પાસેથી પસાર થઇ રહી હતી, ત્યાં સામે રહેલી પાનની દુકાનની ભીંતને અઢેલીને ઊભેલો એક પાગલ એકાએક તેની પાછળ દોડ્યો. તેના હાથમાં એક મોટો પથ્થર હતો. રેખાનું ધ્યાન તેના પર પડ્યું ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. તે પાગલ હાથમાં પથ્થર સમેત રેખાની સામે આવી ગયો…. ક્ષણ – બે ક્ષણ – અચાનક તેને શું સૂઝ્યું કે તેણે પોતાના હાથમાં પકડેલો પથ્થર જમીન પર ફેંકી દીધો અને પૂતળાની માફક સડક થઇ ગયેલી રેખાનો હાથ પકડીને બોલ્યો : ’તું મારી સાથે લગ્ન કરીશ…? તું મારી વહુ બનીશ…?’ અને પછી હા…હા… કરીને જોરથી હસવા લાગ્યો. રેખા ડરની મારી આંખો મીંચી ગઇ.

એટલામાં તો આજુબાજુ રહેલા લોકો આ તરફ દોડ્યા અને એ પોતાના હાથમાં એકદમ ભીંસી રાખેલો રેખાનો હાથ છોડાવી તેને રેખાથી દૂર ઢસડી ગયા. રેખા રડી પડી. અને… ઠેઠ પોતાને ઘરે પહોંચી ત્યાં સુધી રડતી જ રહી.

બસ, એ દિવસથી રેખા સાવ સૂનમૂન બની ગઇ. સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું. લીલાબા તેને દરરોજ સમજાવતાં કે આવું તો ચાલ્યા કરે… ગાંડા માણસનો શો ભરોસો? એ તો વળી સારૂં થયું કે તેના હાથમાં રહેલા પથ્થર વડે તેણે તને ઇજા ન પહોંચાડી… નહીંતર તો કોણ જાણે શું યે થાત ? પ્રભુનો પાડ માન અને ભૂલી જા એ ઘટનાને…

પરંતુ કોણ જાણે કેમ, એ પછી રેખા નોર્મલ થઇ જ શકતી નહોતી. આખરે લીલાબાએ મધુને ફોન કરી મુંબઇથી બોલાવી લીધી.

એ દિવસે મધુ આવી. તેને જોઇ અને લીલાબાએ એક હળવાશ અનુભવી. અથથી ઇતિ સુધી વાત સાંભળ્યા બાદ મધુએ કહ્યું : ‘મા, હવે તું ચિંતા છોડી દે. હવે હું જ દીદીને સંભાળી લઇશ. બે જ દિવસમાં તેના મનમાંથી બધો જ ડર કાઢી ફરીથી તેને સ્કૂલે જતી ન કરી દઉં તો મારૂં નામ મધુ નહીં ઓ.કે.?’

એ રાત્રે લીલાબાને ઓશરીમાં સૂઇ ગયેલાં જોઇ મધુએ વાત શરૂ કરી : ‘શું છે દીદી? તમે આટલા બધા ગૂમસૂમ કેમ બની ગયા છો? મારી વાત સાંભળો દીદી, એ એક પાગલ હતો…. સાવ પાગલ… એ શું કરી રહ્યો હતો તેનું તેને ભાન પણ નહોતું. સમજ્યા? હવે એ વાત પૂરી થઇ ગઇ. તે વાતને મનમાંથી ખંખેરી નાખો. મારૂં માનો તો તમે કાલથી જ સ્કૂલ જોઇન કરી દો. વળી જો તમને એકલા આવવા જવાનો ડર હજુયે સતાવતો હોય તો આપણે એક રિક્ષા બંધાવી લઇએ. અને હા, જો કદાચ તમે એવું ધારતા હોવ કે આ ઘટનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં કાંઇ ઘટાડો થયો છે, તો એ પણ તમારી ભૂલ છે. એક પાગલ માણસે એક એકલી સ્ત્રી પર કરેલા હુમલાથી એ સ્ત્રીની ઇજ્જત જરાયે ઘટતી નથી. મને… મને લાગે છે કે તમે એ વાતને વધારે પડતું મહત્ત્વ આપી રહ્યા છો.’ મધુ એક સિદ્ધહસ્ત મનસવિદની છટાથી બોલી રહી હતી.

‘મધુ, મને નથી તો એ પાગલનો કોઇ ડર કે નથી તો મને પ્રતિષ્ઠા ગુમાવ્યાની ભીતિ…’ રેખાના મોઢામાંથી ખૂબ ધીમેથી શબ્દો નીકળ્યા.

‘તો…? તો તમને થયું છે શું? પ્લીઝ દીદી, કાંઇક તો બોલો…! જો તમે મને નહીં કહો તો કોને કહેશો?’

મધુના એ પ્રશ્નના જવાબમાં પહેલાં તો રેખા છુટ્ટા મોંએ રડી પડી અને પછી ઓસરતા ડૂસકાં વચ્ચે ધ્રુજતા અવાજે બોલી : ‘મારી જિંદગીના અડતાલીસમા વર્ષે એક પુરુષે ભરબજારે મારો હાથ ઝાલી અને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને…. એ માણસ, એ પુરુષ પાગલ હતો મધુ…! એ પાગલ હતો ! એનાથી આઘાતજનક બાબત મારા માટે બીજી કઇ હોઇ શકે મધુ? કઇ? બોલ જવાબ દે…!’

દરવાજાની પાછળ ઊભા રહી બન્ને બહેનોની વાતો છુપાઇને સાંભળી રહેલા લીલાબાએ પોતાના સફેદ સાડલાનો છેડો હથેળીમાં વીંટાળી જોરથી પોતાના મ્હોંમાં ખોસી દીધો, જેથી ઠેઠ ગળા સુધી આવી ગયેલું ધ્રૂસકું બહાર ન આવી જાય.

– હરીશ થાનકી,

(સંપર્ક વિગતો – નિવાસ : ‘અનુરાધા’, 186-નવયુગ સોસાયટી, બિરલા રોડ, પોરબંદર-360575
મોબાઇલ: 09879931212 ઇ-મેઇલ:hlthanki63 at yahoo.in)

અક્ષરનાદ પર હરીશભાઈ થાનકીની આ પ્રથમ કૃતિ છે. પોરબંદરના શ્રી હરીશભાઈ જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. લાગણીઓને વાચા આપવાનું કામ એક લેખકનું છે, સમાજમાં ઘટતી ઘટનાઓ, પ્રસંગવિશેષ અથવા સંવેદનાને શબ્દોથી મઢવી અને વાચકના મનમાં તેની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરવી એ કામ શ્રી હરીશભાઈની કલમે આબાદ કરી બતાવ્યું છે. સંવેદનાનો પડઘો, રેખાનો એ હૈયા બળાપો કે પછી એ પ્રસંગને લીધે થતી અસરનો આટલો સજ્જડ સ્પર્શ એક વાર્તા કરાવી શકે એ તો હરીશભાઈની પ્રસ્તુત રચના વાંચીએ ત્યારે જ અનુભવાય.

અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “કુંઠા (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી

 • harish thanki

  આપ સહુના પ્રતિભાવો બદલ ખુબ ખુબ આભાર..આ વખતના ચિત્રલેખા, અભિષેક, ઉત્સવ, મુંબઈ સમાચાર, સાધના અને માર્ગી સામયિકના દીવાળી અંકોમાં મારી અન્ય વાર્તાઓ વાંચજો..

 • viranchibhai

  ઍક્દમ સરસ વાર્તા, રેખા નુ પાત્ર સરસ રજુ કરેલ છે.
  નવા વરસ ની શુભકામના.
  જગજીવન માસ્તર નુ પાત્ર અને તેના વિચાર પણ સારા અને રેખા ના નશીબ ……………………..દયાજનક

 • harshadjoshi

  ખૂબ સરસ વારતા હજુ પણ અંત બીજો લાવ્યા હોતતો વધુ સંવેદનશીલ બનાવી શકાત લીલાબામારફત કઈક જુદુજ પરિણામ લવાત

  • Pushpakant Talati

   હર્ષદભાઈ; આપનું સુચન કે – અંત બીજો લાવવો જોઈતો હતો — ખરેખર સરસ છે. પણ તે સુચન ની સાથે કોઈ બીજો અંત સુચવ્યો હોત તો તે સોનામાં સુગંધ જેવું કામ આપત. – તો કોશિષ કરો ને !!

   પુષપકાન્ત તલાટી તરફથી આપનાં સુચન બદલ આપનો આભાર.

 • Rajesh Vyas

  રેખા નિ લાગનિ અને વેદના ને વાચા આપેી ને હરિશ ભાઈ એ હ્રદય ના તાર ઝન્ઝનાવિ નાખ્યા.

 • Harshad Dave

  અભિનંદન! ‘કુંઠા’ એટલે ‘નીરાશાજ્ન્ય અતૃપ્ત ભાવના’. સાદ્યંત સહજ અને સરળ ભાષામાં વહેતી ભાવપ્રવાહિતા આકર્ષે છે તેથી યે વધારે એક અનુભૂતિનો સ્પર્શ કરાવે છે. અંતે આપણને પણ રેખાની જેમ તેની મનોવેદના સામે પ્રશ્ન થાય કે …’એ પાગલ ન હોત અને સ્વસ્થ યુવક હોત તો સારું થાત…!’ -હદ.

 • durgesh oza

  કુંઠા વાર્તા ખુબ જ સરસ. આંતરિક સુંદરતાને તેમ જ રેખાની વેદનાને વાચા આપતી હ્ર્દયસ્પર્શી ચોટદાર અંતસભર વાર્તા. ચોટદાર અંતના ઉત્તમ સર્જક એવા શ્રી હરીશભાઈને અભિનંદન.પોરબંદરનું પાણી વાહ… શ્રી જીજ્ઞેશભાઈને પણ ધન્યવાદ સાથે દિવાળી નવા વર્ષ ૨૦૧૩ની શુભકામના.